પસંદગી – ભાગ : ૨ , અવિનાશ શાલીનીથી આકર્ષાઈને શું દિપ્તી સાથે અન્યાય કરશે ?

ઓફિસની કેબિનમાંથી અવિનાશની આંખો શાલિનીને વારંવાર તાકી રહી હતી. પરંતુ દરરોજની માફક આજે એ નશીલી આંખો અવિનાશનો ચ્હેરો જોવા જરાયે તૈયાર ન હતી. રિસાયેલી પ્રેમિકા ખરેખર હોય એનાથીયે બમણી સુંદર દીપી ઉઠતી હોય છે . અવિનાશને આજે આ વાક્ય પાછળનું તર્ક શબ્દેશબ્દ સાચું લાગી રહ્યું હતું. આજે શાલિની કંઈક વધુ પડતીજ મોહક લાગી રહી હતી.

ફોર્મલ કાળી પેન્ટ , ચુસ્ત સફેદ ખમીસ અને એની ઉપર ચઢાવેલ માપસરનો બિઝનેસ કોર્ટ . તદ્દન નાના છતાં સંપૂર્ણ હેરજેલ દ્વારા સ્ટાઇલ કરેલ વાળ . એ મોર્ડન હેરસ્ટાઇલ ઉપર જાણે સ્ટેન્ડ ઉપર તદ્દન આત્મવિશ્વાસથી ગોઠવાયો હોય એવો ડિઝાઈનર કાળો સનગ્લાસ . ચુસ્ત પેન્ટને અત્યંત ફેશનેબલ રીતે આધાર આપી રહેલ ઊંચી હાઈ હિલની સિલ્વર મોજડી . મોડેલ જેવી ચાલ અને ૨૬ – ૩૪ – ૨૬ ની બાર્બીડોલ જેવી કાયા .

શાલિનીનો નશો તો કંઈક અલૌકિકજ હતો. એની ઉપરથી દ્રષ્ટિ જાણે ખસવા માટે તૈયારજ ન થાય . એના પરફ્યુમ ની મહેક , એની અંગ્રેજી અદાઓ , એની આધુનિક ટેવો અને પંપાળ વાળા નખરાઓ . શાલિની જોડે અવિનાશની આયુ જાણે ફ્લેશ બેકમાં જતી રહેતી. એ ફરીથી ૨૦ વર્ષનો નટખટ યુવાન બની જતો . ફક્ત શરીરથીજ નહીં મનથી પણ તાજી યુવાનીનો સ્પર્શ શાલિની એને આપી દેતી . શાલિનીનો સાથ એને એક નવાજ વિશ્વમાં લઇ જતો . પરંપરાગત જીવનની બેડીઓ અને નીરસતા જ્યાં દૂર દૂર સુધી અસ્તિત્વ ન ધરાવતા . ફરજ અને કર્તવ્યના ભારેખમ શબ્દોનો ભાર ત્યાં ઉઠાવવાનો ન હતો . શ્વાસો ગણી – ગણીને ભરવાની ન હતી . બધુજ મુક્ત હતું , સ્વતંત્ર હતું . કોઈ બંધન નહીં ફક્ત એક સંબંધ .

આખી રાત્રી શાલિનીએ એના એક પણ સંદેશાનો ઉત્તર આપ્યો ન હતો. આખો દિવસ ઓફિસના કાર્યોમાં વ્યસ્ત રહેવાનો ડોળ કરી એક ભાવાત્મક દૂરીથી પોતાની નારાઝગી વધુ ઘેરી કરી મૂકી હતી.

સવારે દીપ્તિની સામે શાલિનીનો કોલ ઉઠાવવાની હિમ્મત કેળવાઈ ક્યાં હતી ? દીપ્તિ આગળ એનું અંતર મન સાચા -ખોટાના આંતર્યુદ્ધમાં આશ્ચર્યજનક ફસાઈ જતું . દિપ્તીનો માસુમ ચ્હેરો સત્ય સ્વીકારવા અને અભિવ્યક્ત કરવાના આડે આવી જતો . આખરે શાલિની પ્રત્યેના પ્રેમમાં એને કોઈ ખોટો અન્યાય ન કરી બેસે !

પણ દીપ્તિ જોડે કમને લગ્ન જીવનનું ગાડું બળજબરીથી ખેંચતા રહેવું એ પોતાની આત્મા જોડે પણ અન્યાય નહીં ? અરેન્જ મેરેજથી બંધાયેલ એ બંધનને ક્યાં સુધી આખરે ખેંચી શકાય ? બે અજાણ્યાઓ જયારે લગ્નના બંધનમાં બંધાતા હોય છે ત્યારે એમના સફળ ભવિષ્યની કોઈ ખાતરી કે ગેરેન્ટી સાથે ક્યાં
આવે છે ? એક નિર્જીવ સાધન ખરીદતી વખતે પણ ગેરેન્ટી અને વોરેન્ટી વિના એને ઘર લાવવાનો ખતરો ન ઉઠાવતા માનવીઓ કઈ રીતે કોઈ પણ પ્રકારની ગેરેન્ટી કે વોરેન્ટી વિના કોઈ અજાણી વ્યક્તિના ઘરે પહોંચી જાય કે કોઈ અજાણી વ્યક્તિને પોતાના ઘરે લઇ આવે ? સામાજિક રિતીરિવાજોને નામે આખા જીવનનું બલિદાન આંખ મીંચીને કઈ રીતે આપી દેવાય ?

પહેલા લગ્ન કરવા અને પછી એ વ્યક્તિને જાણવાનો પ્રયાસ આરંભવો ? અને પછી જો એ વ્યક્તિ આપણા જીવનસાથીની વ્યાખ્યામાં બંધબેસતી ન થાય તો શું ? તો પછી આંખ આડા કાનના દાખલાઓ માંડવા . સંપૂર્ણતાતો કશે અસ્તિત્વજ નથી ધરાવતી , એ વાત સાચી . સપનાના આબેહૂબ રાજકુમાર કે રાજકુમારીઓ વાસ્તવિકતાની સૃષ્ટિમાં ન જડે . પણ એને મેળ ખાતા વ્યક્તિત્વો નજરે ચઢી જાય તો અને એ પણ લગ્ન પછી ?

શાલિની પણ તો લગ્ન પછીજ અવિનાશની નજરે ચઢી હતી . દીપ્તિની સાદગી , એનો અંતર્મુખી સ્વભાવ , એનું મૌન વ્યક્તિત્વ , એની જૂની પરંપરાગત ટેવો , રીતિરીવાજો અને પ્રણાલિકાઓ , ૨૧ મી સદી પ્રમાણે પોતાની જાતને ન બદલવાની ઝિદ , સાદું જીવન અને ઊંચા ઊંચા વિચારો , મોડર્ન રહેણી કરણી પ્રત્યેનો એનો અણગમો , પાર્ટીઓ અને ડિસ્કોથેકથી એલર્જી …આ બધાજ પાસાઓ જોડે અવિનાશનું વિરોધાભાસી વ્યક્તિત્વ કદી સંતોલન સાધીજ ન શક્યું . સંતોલન સાધવું અશક્ય હતું અને એ ફરજીયાત પણ ક્યાં હતું ?

શાલિની જોડે જીવન કેટલું સહજતાથી સંતુલિત બની રહેતું . એકસમાન ટેવો , એકસમાન શોખ , એકસમાન મોડર્ન વિચારો અને એકસમાન ‘કલાસ ‘ લાઇફસ્ટાઇલ . આ બધું દીપ્તિ એ કદી સમજવા પ્રયાસજ ક્યાં કર્યો હતો અને એ પ્રયાસ એની ક્ષમતાશક્તિને અત્યંત પરે હતો . દીપ્તિ કદી શાલિની બની શકેજ નહીં !

ઓફિસના કાર્યકરોએ એક પછી એક ઓફિસ છોડવાની શરૂઆત કરી . ઘરે નીકળવાનો સમય થઇ ગયો હતો . આખા દીવસની દોડભાગ પછી પોતપોતાના ઘરે પરત થવાની રાહત દરેક ચ્હેરાઓ ઉપર ડોકાઈ રહી હતી . એકમાત્ર અવિનાશનો ચ્હેરો વ્યાકુળ અને નિસ્તેજ હતો . શાલિનીએ આખો દિવસ એક શબ્દની પણ અદલાબદલી કરી ન હતી . આંખોનો સંપર્ક પણ સધાયો ન હતો . આજની સાંજ કોઈ મોટા નિર્ણયનો પૂરાવો બની અવિનાશના હૃદયને હચમચાવી રહી હતી . વર્ષોથી રાહ જોઈ રહેલ એ ઘડી આજે અધીરાઈની પરાકાષ્ઠાએ પહોંચી હતી . શાલિનીની કડકાઈ અને મક્કમતા એની સંપૂર્ણ સાબિતી આપી રહી હતી .

પાર્કિંગ વિસ્તારમાં મૌન ,ક્રોધિત , મક્કમ આગળ વધી રહેલ શાલિનીની નજીક અવિનાશની ગાડી આવી થંભી . હોર્નના અવાજને અવગણતી શાલિનીના શરીરની ઝડપ બમણી થઈ . ગાડી ફરીથી આગળ વધી . જોરદાર બ્રેક જોડે શાલિની નજીક ગોઠવાયેલી અવિનાશની ગાડીનો હોર્ન ફરી એકવાર પાર્કિંગને ગુંજાવી રહ્યો . પસાર થઇ રહેલ નજરોના ધ્યાનનું કેન્દ્ર બની રહેલી શાલિનીએ ક્રોધાવેગમાં હાથમાંનો પર્સ અવિનાશની ગાડીમાં નાખ્યો અને બીજીજ ક્ષણે અવિનાશની પડખે આવી ગોઠવાયેલી શાલિનીને લઇ ગાડીએ પાર્કિંગ વિસ્તારમાંથી બહાર તરફ ડોટ મુકી .

ક્રમશ ….

લેખિકા : મરિયમ ધૂપલી