પસંદગી ભાગ – 1 હિમ્મત કેળવી અવિનાશે દીપ્તિની આંખોમાં આંખો પરોવી . પણ આજે ??

એક નવી સવાર અને એજ એક જૂનો જીવન ક્રમ .

અલાર્મ બંધ કરી દીપ્તિ એ પથારી છોડી. અવિનાશના શરીરમાં પણ આછી હલચલ થઇ. ૬ વાગી ગયા હતા . એકજ પથારીમાં રાત્રે સાથે ઊંઘતા બે શરીરો આજે ફરીથી દસ વર્ષોના નિયતક્રમ અનુસરતા બે ભિન્ન આત્માઓ સ્વરૂપે જાગ્યા .

ઐપચારિકતાની એજ જૂની પરેડની સાંકળ આરંભાઈ . દીપ્તિ બાથરૂમમાં ગઈ અને અવિનાશે આળસ મરોડી પથારી પરથીજ હાથ લંબાવી પડખેની ટ્રિપોય ઉપરથી પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. ઊંઘનું ઘેન હજી પીછો છોડવા તૈયાર ન હતું. તેથીજ કદાચ દિપ્તીનો મોબાઈલ હાથમાં આવી ગયો . અકળામણ અને ચીડ સાથે ફરીથી દિપ્તીનો મોબાઈલ એના સ્થળે ગોઠવી આંખો ચોળતા આખરે પોતાનો મોબાઈલ હાથમાં લીધો .

ઋષિમુનિઓ જે રીતે ઉઠતાની સાથેજ સુર્ય -દર્શનથી દિવસની શુભ શરૂઆત આરંભે એજ પ્રમાણે આજનો ‘આધુનિક’ તરીકે ઓળખાતો માનવી મોબાઈલ અને વ્હોટ્સ -એપ દર્શન દ્વારાજ દિવસની શુભ શરૂઆત આરંભે . અવિનાશ પણ પોતે આધુનિક હોવાનો પુરાવો આપતો આંખોના પાંપણોનો કચરો સાફ કરતા વ્હોટ્સ – એપના ચેટ બોક્સ દર્શનમાં સંપૂર્ણ હ્દયથી વ્યસ્ત થયો.

આંખો નીચેના કાળા કુંડાળા રાત જાગરણના પુરાવા બની ગાઢ ઉપસી આવ્યા હતા. પણ એ રાત જાગરણ ધર્મ -પત્ની જોડે પ્રેમપૂર્ણ વાર્તાલાપ કે પ્રેમપૂર્ણ સમય વ્યતીત કરવાનું પરિણામ તો નજ હતું. એ રાત જાગરણ તો વ્હોટ્સ -એપની સ્ક્રીન ઉપર આતુરતાથી રાહ જોવાઈ રહેલ સંદેશાની પ્રત્યક્ષ આડ અસર હતી . પણ એ સંદેશો હજી પણ મળ્યો ન હતો . મોબાઈલની સ્ક્રીન ઉપર પોતાનો નિસાસો ઠાલવી આખરે અવિનાશે પથારી છોડી.

પોતાની નિયમિત દિનચર્યા અનુસરતી દીપ્તિ ક્યારની રસોડામાં પહોંચી ચુકી હતી. ઓફિસે જવા પહેલાનું દરેક કાર્ય સમેટવાની એની કર્તવ્ય પરાયણતા એ દરરોજની જેમજ અત્યંત ચોકસાઈ અને સંપૂર્ણ હૃદયથી નિભાવી રહી હતી.

શ્યામવર્ણ ચમકતો ચ્હેરો . લાબું અણીદાર નાક . ચહેરાનો સામાન્ય નકશો. કાનને વીંટળાયેલી ચશ્માની પટ્ટીઓ . કમરની નીચે સુધી પહોંચી રહેતો લાંબો ચોટલો . મેદસ્વી નહીં છતાં હ્રુષ્ટ પૃષ્ટ શરીર . ૨૧મી સદીની સુંદરતા અંગેની ‘આધુનિક’ વ્યાખ્યામાંથી ઘણું પાછળ છૂટી ગયું હોય એવું સાદું સાધારણ વ્યક્તિત્વ .

સ્નાન લઇ નાસ્તો કરવા રસોડામાં પહોંચેલો અવિનાશ એ વ્યક્તિત્વનો દરેક રીતે વિરોધાભાસ તરીકે દીપી રહ્યો હતો. ફોર્મલ ખાખી પેન્ટ જોડે ચમકતું સફેદ ડિઝાઈનર શર્ટ . નિયમિત જીમ કરી કસેલી સુડોળ સ્વસ્થ કાયા . હેરજેલ દ્વારા સેટ કરેલ નવીન આધુનિક હેરસ્ટાઇલ . કોણી સુધી વાળેલી શર્ટની બાય અને એમાંથી ડોકિયું કરતી લેધર સ્પોર્ટ્સ વોચ . કુરશીના હાથા ઉપર પોતાનું ડિઝાઈનર ઈસ્ત્રી વાળું સૂટ સાચવીને ગોઠવી આખરે એ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો . ફરીથી મોબાઈલ સ્ક્રીન ઉપર વ્હોટ્સ -એપ ખોલી એની ખુબજ આશાવાદી નજરો ઇનબોક્ષને ધ્યાનથી ચકાસી રહી . નહીં , હજી એક પણ સંદેશો મળ્યો ન હતો . મન વ્યાકુળ અને તદ્દન ઉચાટ થઇ રહ્યું . આખી રાત ફક્ત એક સંદેશાની રાહમાં જાગીને વિતાવી હતી . લાલ ચોળ આંખો સૂજેલી ,થાકેલી અને હારેલી બની હતી . ઉજાગરાથી મગજમાં તમ્મર ચઢી રહ્યા હતા . ઓફિસમાં અનેક કાર્યોથી અતિવ્યસ્ત દિવસ એની રાહ જોઈ રહ્યો હતો . પણ આજે કોઈ પણ કાર્યમાં જીવ લાગવાની કોઈ શક્યતાજ ન હતી . પણ ઓફિસતો જવુજ પડશે . ઓફિસ જઈનેજ તો…..

દીપ્તિના હાથો ડાઇનિંગ ટેબલ પર એની આંખો આગળ ફરી રહ્યા . કમને મોબાઈલ એક તરફ મૂકી એણે ચાનો કપ અને નાસ્તાની રકાબી પોતાની તરફ ખેંચી .

” આ શું છે ?”

નાસ્તાની રકાબી પર તકાયેલી એની આંખોમાં મૂંઝવણ અને અકળામણ એકીસાથે ઉપસી આવી .

” ઉત્તપમ ….એટલે ચોખાના …..”

દીપ્તિના નાસ્તામાં કે એની પાછળની રેસિપીમાં શૂન્ય રસ હોય એવા ભાવો જોડે એણે રકાબી ઉંચકી એના અંદર પરોસાયેલ પરંપરાગત નાસ્તાને પોતાનાથી દૂર હડસેલ્યો .

” વોટ એવર ….મને થોડું દૂધ અને કોન્ફ્લેક્સ આપી દે …”

અવિનાશ જોડે દલીલોમાં ન ઉતરવાની દીપ્તિની દેવ પુનરાવર્તિત થઇ અને અવિનાશની આગળ દૂધ અને કોન્ફ્લેક્સ પરોસાય ગયા . ચાની જોડે ઉત્તપમનો નાસ્તો કરી રહેલી દીપ્તિની નજર સમાચારપત્ર ઉપર ટેવ પ્રમાણે ઝડપ થી ફરી રહી હતી . નાસ્તો પૂરો થાય એ પહેલા બધીજ હેડલાઈન અને મહત્વના મથાળાઓ વંચાઈ રહેવા જોઈએ . મોબાઈલની એપ્પ કરતા સમાચાર પત્રના સવારના તાજા ઉફાળાં પાનાઓની સુગઁધ વચ્ચેજ દીપ્તિને સમાચાર વાંચવાનો સંતોષ મળતો .

કોન્ફ્લેક્સ ખાઈ રહેલ અવિનાશના હાથ અચાનક થંભી ગયા . મોબાઈલનું વાઈબ્રેશન હજી તીવ્ર થયું. વ્હોટ્સ -એપ આખરે જીવંત થયું પણ એકાંતમાં નહીં , બિલકુલ દીપ્તિની નજર સામે . અવિનાશના ચ્હેરા પરના બદલાયેલા હાવભાવો પારદર્શક થયા . દીપ્તિ સાથે નજર મળી અને એક જૂની મૌન સમજણ પુનઃ કાર્યરત થઇ. દીપતોનો નાસ્તો સમાપ્ત થઇ ચુક્યો હતો એટલે પર્સ અને સમાચારપત્ર ઉચકી એ ઘરના પાર્કિંગ વિસ્તાર તરફ ઉપડી . દિપ્તીનો પગ રસોડામાંથી બહાર નીકળ્યોજ કે અવિનાશે હાથની ઝડપ વધારી શીઘ્ર પોતાના વધેલા કોન્ફ્લેક્સ ગળા નીચે ઉતારી , કુરશીના હાથા ઉપર રાહ જોઈ રહેલ સૂટને શરીર ઉપર ઉતાવળે ચઢાવી પાર્કિંગ વિસ્તાર તરફ ડોટ મૂકી . મોબાઈલ હજી પણ તીવ્ર ધ્રુજી રહ્યો હતો. મોબાઈલની સ્ક્રીન ઉપરનો પરિચિત નંબર આખરે થાકીને ટાઢો પડ્યો અને અવિનાશે મોબાઈલને ઝડપથી પોતાના ડિઝાઈનર સૂટના અંધારિયા ખિસ્સામાં સરકાવી દીધો. ગાડીમાં ગોઠવાયેલી દીપ્તિ જાણે કશું નિહાળ્યુજ ન હોય કે પછી નિહાળવુ જ ન હોય એ રીતે અવિનાશના ચ્હેરા પરના હાવભાવો તરફ તદ્દન નીરસતા દાખવતી સમાચાર પત્રમાં ડૂબી ગાડીમાં ગોઠવાઈ ગઈ હતી.

વર્ષો જૂની મૌન સમજણ ગાડીના વાતાવરણને સહ્ય બનાવવા મદદરૂપ થઇ રહી . એ મૌન ગૂંગળામણથી દૂર ભાગવાના પ્રયાસ રૂપે અવિનાશે ગાડીનો એફ .એમ . ઓન કર્યો . બે હય્યાઓ ટેવ પ્રમાણે પોતપોતાના બે જુદા વિશ્વમાં પરોવાયા અને શારીરિક રીતે નજીક હોવા છતાં માઈલોની વર્ષો પુરાણી માનસિક ભાવાત્મક દુરીએ બે આત્માઓ વચ્ચેના અંતરને ગર્વ પૂર્વક જાળવી રાખ્યું .

દીપ્તિની ઓફિસની બહુમાળી ઇમારત નીચે અવિનાશની ગાડીને બ્રેક લાગી.

” સી યુ ઈન ઘી ઇવનિંગ ”

અવિનાશના ઔપચારિક શબ્દોનો ઉત્તર એવાજ ઔપચારિક શબ્દોથી પરત કરવાની ટેવ આજે ન અનુસરાય . અવિનાશ થોડો વિહ્વળ થયો. દીપ્તિની સામે ડાઇનિંગ ટેબલ ઉપર વાઈબ્રેટ થયેલો મોબાઈલ એની પાછળનું કારણ હતું એ અવિનાશ સારી પેઠે સમજી રહ્યો હતો. દીપ્તિની આંખોમાં આંખો પરોવાની હિમ્મત ન કેળવાતા એણે ગાડીને બેક ગિયરમાં નાખી . ગાડીમાં ફરીથી હલનચલન ઉત્પન્ન જ થઇ કે દિપ્તીનો હાથ એક અપેક્ષા વિહીન વ્યવહાર સમો ગાડીની બારીમાંથી અવિનાશના ચ્હેરા આગળ ડોકાયો . એ રીતસર ચોંકી ઉઠ્યો . શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ . દિપ્તીનો લંબાયેલો હાથ એક સાથે કેટલા બધા પ્રશ્નો ઉભા કરી રહ્યો !

હિમ્મત કેળવી અવિનાશે દીપ્તિની આંખોમાં આંખો પરોવી . પણ આજે એ આંખોમાં કોઈ રંજ , કોઈ ફરિયાદ કે કોઈ પ્રશ્નો ન હતા . એક અનેરી લાગણીમય શાંતિ અને સંતોષ એની નજરને તરબોળી રહી હતી. અવિનાશના હય્યામાં ફરીથી એજ અપરાધભાવ ખદબદી રહ્યો . પોતાની પત્નીનો હાથ એના હાથમાં હતો . આ સ્પર્શ વર્ષો પછી એના રોમેરોમને સંવેદનાઓથી ભીંજવી રહ્યો .

” બાય …..”

દીપ્તિના શબ્દોએ એને લાગણીવેડાના એ દલદલમાંથી ઉઘારી મુક્યો અને એકજ નામ એના તન-મનને અલાર્મની માફક સચેત કરી રહ્યું.

‘ શાલિની …..’

ગાડી બેકગીયરમાં નાખી જેટલી ઝડપે એ બહુમાળી ઈમારતના મેદાનમાંથી બહાર તરફ હાંકી શકાય એટલીજ ઝડપે ગાડીને એણે હંકારી મૂકી . આંખો આગળ રસ્તો તદ્દન સ્પષ્ટ હતો . ક્યાં જવાનું હતું , ક્યાં પહોંચવાનું હતું બધુજ પૂર્વ નિશ્ચિત્ત તો હતું !

ગાડી અને ભાવનાઓ બન્ને ફરીથી સીધે પાટે ચઢી ગઈ હોય એવું અવિનાશને લાગ્યું અને થોડાજ સમયમાં પોતાની ઓફિસના પાર્કિંગમાં ગાડી મૂકી , લિફ્ટ લઇ એ પોતાની કેબિનમાં પહોંચી ગયો .

ક્રમશ …….

લેખિકા : મરિયમ ધુપલી