પસંદગી પાર્ટ -4 , શાલિની જોડે હું હર ઘડી યુવાનીનો અનુભવ કરું છું અને જીવનની દરેક ક્ષણ મુક્ત ” આવું અવિનાશ વિચારી રહ્યો છે…

પસંદગી – ભાગ : ૪

‘ દીપ્તિ ,

દસ વર્ષ પહેલા લગ્ન કરી મારા ઘરમાં અને જીવનમાં તને પ્રવેશ મળ્યો. ત્યારથી લઇ આજ સુધી તારા પ્રત્યેના માન સન્માનમાં કદી કોઈ ફેર પડ્યો નથી. મારા પ્રત્યે અને મારા ઘર પ્રત્યે પ્રમાણિકપણે નિભાવેલી તારી દરેક ફરજ અને તારા દરેક કર્તવ્ય માટે હું તારો હૃદયના ઉંડાણોથી ઋણી છું .

એક પત્ની તરીકે મારું અને મારા ઘરનું જતન બખુબીથી તું નિભાવતી ગઈ , એમાં બે મત નથીજ .

પરંતુ અફસોસ કે મારા હૃદયને સ્પર્શવામાં તું નિષ્ફ્ળ રહી. એક જીવનસાથી પ્રત્યેની મારી અપેક્ષાઓમાં તું કદી બંધબેસતી ન થઇ શકી અને ના કદી એ અંગે કોઈ પ્રયત્નો તારા તરફથી થયા.

શરૂઆતમાં થયુ કે સમયની જોડે તું ખુદને બદલવાનો પ્રયાસ કરશે . પણ સમય રેતી જેમ હાથમાંથી સરતો રહ્યો અને આજે દસ વર્ષો પછી પણ તું તેજ દીપ્તિ રહી જે આજથી દસ વર્ષ પહેલા હતી.

એજ રૂઢિચુસ્ત વિચારો , એજ ધાર્મિક , આધ્યાત્મિક વલણ , એજ સાદગી , એજ ચશ્મો , એજ લાંબા વાળ , એજ સાડી , એજ ૧૯મી સદીનો દેખાવ અને પરિવેશ .

ન આપણા વિચારો એક થઇ શક્યા , ન આપણા દ્રષ્ટિકોણ.

મારા પ્રેમને જીતવા મારા ઘરને તું શણગારતી રહી પણ ખુદને સમય અનુરૂપ શણગારી , સજાવી ન શકી . અને એ એટલું કપરું પણ ક્યાં હતું ? થોડા આધુનિક વસ્ત્રો , આધુનિક હેરસ્ટાઇલ , આધુનિક જીવનશૈલી અને રીતભાત . તારા જેવી શિક્ષિત સ્ત્રીને એ શીખતાં નહિવત સમય લાગે . પણ શીખવું હોય તો !

ડિસ્કોથેક અને લેટનાઇટ પાર્ટી મારા જીવનના અવિભાજ્ય અંગો છે . પરંતુ મારા રસરૂચિમાં તને ન કોઈ રસ રહ્યો હતો , ન હજી છે . જ્યાં હું તારો સાથ અને સાનિંધ્ય માણવા ઈચ્છતો હતો એ દરેક જગ્યાએ શાલિનીએ મને સાથ આપ્યો . અમારા રસ અને રુચિજ નહીં અમારા જીવનદ્રષ્ટિકોણ અને જીવનશૈલી પણ આબેહૂબ મળે છે .

‘ મેડ ફોર ઈચ અધર ‘યુ નો !

શાલિની જોડે હું હર ઘડી યુવાનીનો અનુભવ કરું છું અને જીવનની દરેક ક્ષણ મુક્ત , બેફિકર અને તાણ કે ચિંતા વિના વિતાવું છું .

શાલિની મને જીવનની રૂઢિઓ અને ફરજના જાળાઓથી પરે એક અન્યજ વિશ્વમાં લઇ જાય. છે . એજ વિશ્વ મારું છે . મારા અસ્તિત્વના મૂળ એજ વિશ્વમાં છે . હું ત્યાંનો જ છું અને ત્યાંજ રહેવા ઈચ્છું છું .

લગ્ન એક પવિત્ર સંબંધ છે પણ જયારે એ બંધન બની શ્વાસોને રૂંધવા લાગે ત્યારે એમાંથી મુક્ત થવું અને અન્યને મુક્ત થવા દેવું એજ એ સંબંધની અંતિમ પવિત્ર પરાકાષ્ઠા છે .

આજે એ પવિત્ર પરાકાષ્ઠાનું અંતિમ ચરણ હું સ્વીકારું છું અને તું પણ સ્વીકારશે એ જ અપેક્ષા સેવું છું . આજે દસ વર્ષથી બળજબરીથી આપણા ખભા ઉપર લદાયેલી આ જવાબદારીમાંથી હું ખુદને અને તને મુક્ત કરું છું .

સમાજ શું કહેશે એની મને કોઈ ચિંતા નથી . મારું જીવન મારી રીતે પસાર કરવા હું સ્વતંત્ર છું .કોઈના નીતિનિયમોને પાળવા હું બંધાયેલો નથી . લગ્ન રૂપી પાંજરામાં હું ક્ષણ ક્ષણ ઘૂંટાવા તૈયાર નથી.

મારે જીવન માણવું છે , જીવવું છે , ફક્ત પસાર કરવું નથી . તારી જોડે જીવેલા દસ વર્ષો પછી આખરે હું આ વાત સમજી શક્યો છું.

આ નિર્ણય થકી તને કોઈ અન્યાય ન થાય એ
માટે હું તારા રહેવાસના સ્થળની વ્યવસ્થા કરી
ચુક્યો છું . આ ઉપરાંત જો તારી કોઈ માંગણી હોય તો એ મને વિના સંકોચ જણાવજે . હું મારાથી બનતું બધુજ કરી છૂટવાની ખાતરી આપું છું .

તારો ખ્યાલ રાખજે અને થઇ શકે તો મને માફ કરજે .

ન હું તને પ્રેમ કરતો હતો , ન કરું છું , ન કરી શકીશ ….

દસ વર્ષોના જીવન સહવાસની લાજ રાખતા આ શબ્દો તને ચ્હેરા ઉપર સીધા કહેવાનું યોગ્ય ન લાગ્યું . તારું માન અને સન્માન પૂર્વવત જળવાઈ રહે એ માટે કાગળ અને સહીનો આશરો લીધો છે .

તું મને સમજી શકીશ એજ આશ જોડે ,

-અવિનાશ .’

ચિઠ્ઠી વારંવાર અવિનાશે વાંચી લીધી . ક્યાંય કોઈ અતિશયોક્તિ તો નથી એ ઝીણવટ પૂર્વક ચકાસી લીધું. દીપ્તિની લાગણી જેટલી લગુત્તમ દુભાય એની કાળજી એણે શબ્દોના નિયંત્રણમાં જાળવી હતી ,એની પોતાની જાતને એ વારંવાર ખાતરી આપી રહ્યો . સમુદ્ર કિનારે ઉછળી રહેલા મોજાઓ અવિનાશને આ ચિઠ્ઠી જોડે એક કલાકથી તાકી રહ્યા હતા.

ચિઠ્ઠીની ચકાસણી ફક્ત એક બહાનું હતું. પોતાની અંદર ચાલી રહેલી મૂંઝવણો અને પોતાના નિર્ણયની યોગ્યતા અંગેની અચોક્કસતાને ઢાંકવાનો એ માત્ર એક નિષ્ફ્ળ પ્રયાસ હતો. પોતાની પસંદગી યોગ્ય છે ને ? પરિપક્વ દીપ્તિ કે બિન્ધાસ્ત શાલિની ? એકવાર નિર્ણય લેવાય જાય પછી પાછળહઠ અશક્યજ .

સમુદ્ર કિનારો સૂર્યાસ્ત જોડે અંધકારમાં ઢળવા લાગ્યો . અવિનાશનું મન પણ એક વિચિત્ર હતાશાના અંધકારમાં ડૂબી રહ્યું . શાલિની જોડે નવું જીવન આરંભવાનો ઉત્સાહ દીપ્તિને જીવનમાંથી નીકાળી મુકવાના અપરાધભાવ જોડે અત્યંત સ્વાર્થી રંગોમાં રંગાઈ રહ્યો .

અંતર મન ના પ્રશ્નો આત્માને ડંખી રહ્યા .

ભાવાત્મક નબળાઈ અને સંવેદનાઓના અતિરેકથી લઇ લીધેલા નિર્ણય ઉપર કોઈ અસર ઉપજે એ પહેલા એ ત્વરાથી ઉભો થયો . ચિઠ્ઠીને એની મંઝિલ સુધી પહોંચાડવા મક્કમ મને એ ગાડીમાં ગોઠવાયો અને રાત્રીના અંધકારને ચીરતી ગાડી નિર્ણાયક રાત્રિને એના અંતિમ ચરણ ઉપર પહોંચાડવા શ્વાસવિહીન શહેરના રસ્તા ઉપર ભાગી રહી.

ક્રમશ…..

લેખિકા : મરિયમ ધુપલી