પસંદગી – ભાગ : ૫ – આજે અવિણાશે નહી પણ…..દિપ્તી એ ……આગળ જાણવા વાંચો ભાગ -5 આખો…

ઘરે પહોંચેલો અવિનાશ અત્યંત વિહ્વળ હતો. નિયમિત સમયસર ઘરે પહોંચી રહેનારી દીપ્તિ હજી ઘરે પહોંચી ન હતી . રસોડામાં સન્નાટો હતો. દરેક ઓરડો ખાલીખમ . દીપ્તિ વિનાનું ઘર વિચિત્ર ભાસી રહ્યું હતું. આ નીરવતાની એને ટેવ ન હતી. ઓફિસ માટે નીકળતા સમયે કે ઓફિસેથી પરત થતા દીપ્તિની હાજરી એજ  સદા આ મકાનને ઘર બનાવ્યું હતું. અવિનાશને કોલ કે મેસેજ કર્યા વિના કશે જવાની એને ટેવ જ ન હતી.

‘કઈ જરૂરી કામ નીકળી આવ્યું હશે . ‘ અવિનાશે પોતાના મનને આશ્વાસન તો આપ્યું પણ એક ડરની આછી રેખા એના હય્યાને વલોવી રહી. સવારે દીપ્તિની નજર સમક્ષ શાલિનીના કોલની સંતાકૂકડી આંખો આગળ એ ફરી જોઈ રહ્યો. દીપ્તિના અંતર્મુખી અને સંવેદનશીલ જગત અંગે એના હ્નદયમાં ચિંતા અને ફિકર ડોકાઈ રહી .

ઘડિયાળના કાંટા ઝડપભેર ફરતા રહ્યા અને અવિનાશના મનને ધ્રુજાવતા રહ્યા . દિપ્તીનો ફોન પણ ઓફ હતો . દીપ્તિના ઓફિસે કોલ લગાવવો વ્યર્થ હતો . ઓફિસ બંધ થવાનો સમયતો ક્યારનો નીકળી ગયો હતો .

પોતાના અને શાલિનીના સંબંધની આડઅસર કોઈના જીવનનું બલિદાન તો……

વિચાર અને મનોમંથનના ભાર જોડે અવિનાશ ગાડી લઇ શહેરના રસ્તાઓ ખુંદી રહ્યો . દીપ્તિ જોડે વિતાવેલ દસ વર્ષનું લગ્ન જીવન એની આંખો આગળ ફિલ્મ સમું રમી રહ્યું . દીપ્તિની કર્તવ્યપરાયણતા અને ફરજપૂર્તીઓ એને એ ફિલ્મની ‘ હિરો ‘ પુરવાર કરી રહી . અવિનાશની આંખોના ખૂણા ભીંજાઈ રહ્યા . જો દીપ્તિને કઈ થઇ ગયું તો એ કદી ખુદને માફ કરી શકશે નહીં .

સુમસાન શહેરના અંધારિયા રસ્તાઓ અવિનાશના ડરેલા મનને વધુ ભયભીત કરી રહ્યા . દીપ્તિ ઘરે તો ન પહોંચી હોય , એ ચકાસવા ફરીથી ગાડી એણે ઘર તરફ હાંકી .

દીપ્તિ ઘરે પણ પહોંચી ન હતી . મધરાતે સુમસાન ઘર બિહામણી કલ્પનાઓ રચી રહ્યું હતું . શયનખંડમાં પહોંચેલ અવિનાશે ફરીથી દીપ્તિને કોલ લગાવી જોયો .પણ એ પ્રયત્ન પણ નિષ્ફ્ળજ રહ્યો .

‘પુલીસ -સ્ટેશન ‘

થાકેલા , હારેલા મનમાં એકજ આખરી  ઉપાય ગૂંથાઈ રહ્યો . ધ્રુજતા પગે અવિનાશ શયનખંડમાંથી બહાર તરફ નીકળ્યો . અચાનક એના પગ થંભી ગયા . ફરીથી શયન ખંડનું બારણું ઉઘાડી એ પથારી નજીકની ટ્રિપોય તરફ ધસી ગયો . વજન ટેકવીને રાહ જોઈ રહેલ દીપ્તિના અક્ષરોથી લખાયેલી ચિઠ્ઠી આખરે અવિનાશના હાથે લાગી .એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ અવિનાશે ચિઠ્ઠી પર એની અધીરી ચિંતિત નજર ફેરવી .

‘ અવિનાશ ,

જીવનના દસ વર્ષ આપના ઘરને ને આપને સમર્પિત કર્યા . એ દરેક ક્ષણ આ ઘરને અને સંબંધને ટકાવી રાખવા મારા તરફથી, સાચું કહું તો એકતરફી પ્રમાણિક પ્રયાસો કર્યા . આપને શું ગમે છે અને શું નહીં તેની દરેક ક્ષણ તકેદારી રાખી . મારી દરેક ફરજ સાચા હૃદયે નિભાવી . છતાં હું હારી ગઈ .

કદાચ એટલે કે હું શાલિની જેવી ‘આધુનિક ‘ન બની શકી . પણ માફ કરશો . હું શાલિની કદી ન બની શકું , એજ રીતે જે રીતે શાલિની કદી દીપ્તિ ન બની શકે . આપના પ્રેમને પામવા હું મારા ‘સ્વ ‘નું અસ્તિત્વ નાબૂદ નજ કરી શકું અને જો કરું તો ફક્ત તમારી જોડે જ નહીં મારી આત્મા જોડે પણ દગો જ કરું . મારા વાળ નાના કાપવાથી , લાઉડ મ્યુઝિક સાંભળવાથી કે શોર વાળી જગ્યાઓએ જઈ શરીર થીરકાવવાથી જ શું સાચા અર્થમાં ‘આધુનિક ‘થવાય ? હું નથી માનતી . તમને એ બધું ગમતું હોય મને એની સામે કદી કોઈ ફરિયાદ ન હતી . કારણકે જે તમને આરામદાયક લાગતું હોય એ મને પણ લાગે અને જે તમને ન ગમતું હોય એ મને પણ ન ગમે એવી કોઈ ફરજતો નજ હોવી જોઈએ .

બે વ્યક્તિઓ એકસાથે રહે ત્યારે એમના વિચારો , મંતવ્યો , દ્રષ્ટિકોણ એકસરખા જ હોય તો પ્રેમ પાંગરી શકે એ માનવજીવનની અત્યંત ખોટી માન્યતા અને ભ્રમણા છે .

જેટલો અધિકાર એક પતિને એની પસંદગીની જીવનશૈલી નો હોય એટલોજ અધિકાર એક પત્નીનો પણ ખરો એની પસંદગીથી , એના વિચારોથી , એના દ્રષ્ટિકોણથી જીવન વિતાવવાનો .

પતિના ગમા -અણગમા વચ્ચે પત્ની અવરોધ ન બની શકે એજ રીતે પતિએ પણ તો પત્નીના ગમા-અણગમા ને માન આપવું રહ્યું .

મારો અંતર્મુખી સ્વભાવ અને સાદગી મારી પ્રકૃત્તિ છે , મારી કમી કે નિર્બળતા નહીં .

જે દિવસે આપના અને શાલિનીના સંબંધ અંગે
જાણ થઇ હતી ત્યારે જીવન જાણે સમાપ્ત થઇ
ગયું હતું . જીવવાનું કોઈ લક્ષ્યજ રહ્યું ન હતું. ભવિષ્યના નામે ફક્ત અંધકારજ અંધકાર  નજર સામે હતું. શહેરના એક પુલ ઉપરથી છલાંગ મારવા પણ પહોંચી ગઈ હતી .

પણ કોઈએ મારો હાથ એ દિવસે થામી લીધો હતો.

અંકુર .

ઓફિસમાં મારી જોડે કામ કરે છે .

અંકુરે મને યાદ અપાવ્યું કે લગ્ન પછી પણ એક સ્ત્રી માનવીજ હોય છે . એનું પોતાનું શરીર , એનું મન અને એની પણ આત્મા હોય છે . લગ્ન થઇ જવાથી શરીર નથી મરતું તો આત્મા કઈ રીતે મરી શકે ? મારી પોતાની ઈચ્છાઓ , અભિલાષાઓ અને સ્વપ્નોને પણ જીવિત રહેવાનો સંપૂર્ણ અધિકાર છે . હું મારી પ્રકૃત્તિ પ્રમાણે , મારા સ્વભાવના સારા- નરસા  દરેક પાસાઓ જોડે સ્વતંત્ર અને મુક્ત રીતે શ્વાસ ભરી શકું છું . મને દયાભાવ નહીં પ્રેમ જોઈએ છે . શરતો વિનાનો , સ્વાર્થ વિનાનો . મને કોઈ બદલવા વિવશ ન જ કરી શકે .

અંકુર મને ખુબજ પ્રેમ કરે છે . પણ એ પ્રેમના માન -સન્માન દયાભાવોના સ્તંભ ઉપર નથી જડાયાં , ના બાહ્ય દેખાવ ઉપર , ના શરીરની આકૃત્તિ ઉપર અને ના ચ્હેરા ઉપર . અમારા પ્રેમનો સ્તંભ આત્માની સુંદરતા ઉપર ઉભો છે .  હા , એનો દેખાવ તમારા જેવો મોહક નથી પણ એનું હૃદય , એનો સ્વભાવ અને એના વિચારો જેટલા પવિત્ર એટલાજ મોહક છે .

જે પ્રેમ બાહ્ય સુંદરતા પર ટક્યો હોય એ સમયની ધૂળ જોડે , ઉંમરના મોજાઓ જોડે રજ- રજ અદ્રશ્ય થઇ રહે . પણ મનની સુંદરતાને સમયની કોઈ મર્યાદા સ્પર્શી  ન શકે !

હું જાણું છું સમાજની અપેક્ષા એજ હશે કે હું મારા પતિને મેળવવા તળપાપડ બની પોતાને પણ બદલી નાખું . હું જે નથી એ બની બતાઉં . પણ નહીં , હું જેવી છું એવીજ સુંદર છું , ખુશ છું . મને ‘દેવી ‘ નથી થવું . હું એક સામાન્ય માનવી છું અને મને પણ એક સામાન્ય માનવી બનીજ પ્રેમ મેળવવો છે . એ મારા અસ્તિત્વનો અધિકાર પણ છે . મારી પૂજા ભલે ન થાય પણ મને મારા અધિકારો તો મળવાજ જોઈએ .

હું અને અંકુર આવતી કાલે કોર્ટ મેરેજ કરી રહ્યા છીએ . જો તમે અને શાલિની પણ આવશો તો ગમશે . ડિવોર્સ પેપર તૈયારજ છે .ગવાહ માટે બે પરિચિત લોકોની સાઈન જરૂરી છે . મારા માટે તો તમેજ સૌથી વધુ પરિચિત છો એટલે …..

– દીપ્તિ ‘

અવિનાશની પહોળી આંખોના આંસુ શોકથી સુકાઈ ગયા . ગળામાં ડૂમો બાઝી ગયો . દીપ્તિ માટે લખેલી ચિઠ્ઠીના એણે એટલાજ ઝીણા ઝીણા ટુકડાઓ કરી નાખ્યા જેટલા ભીતરથી એના હૃદયના થયા હતા …..

‘સમાપ્ત ‘

લેખિકા : મરિયમ ધુપલી