મિસ માયાકુમારી – અને એકદિવસ એ વાંઢાવિલાસી ગ્રુપમાં એન્ટ્રી થઇ મિસ માયાકુમારીની અને પછી…

કાઠિયાવાડના દરિયા કિનારા બાજુના એક નાના શહેરમાં થોડા મિત્રોએ ભેગા મળી એક *અગદ્યયાપદ્ય નિખાર* નામનું વોટ્સએએપ ગ્રુપ ઊભું કરી દીધું. મોટા ભાગના મિત્રો વાંઢાવિલાશની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવા હતા. તો કેટલાક કાચાને કુંવારા ને થોડા એવા હતા કે જે લગ્ન બજારમાં આઉટ ઓફ ડેટ થવાની અણી ઉપર ડચકાં લઈ રહયા હતા. છેલ્લે છેલ્લે ભોગાવો સ્વરૂપ વિધુરો આ મંડળનો આસ્વાદ માણવા દાખલ થઈ ગયેલા.

મોટા ભાગના આમતો ભણેલા ગણેલા ને શેર- સાયરીના અને લોકવાર્તાઓ ના શોખીન જીવડા. ક્યારેક કોઈ સભ્યને કવિતા સ્ફુરી આવે તો તે ગ્રુપમાં મૂકે ને વાંચનારા સભ્યો આફરીન થઈ જાય ને વાહ.. વાહ નો વરસાદ વરસાવે આને કારણે ગ્રુપમાં જેમ ચોમાસામાં બિલાડીના ટોપ ઊગી નીકળે તેમ ગ્રુપમાં ફાસ્ફુસિયા કવિઓનો ને લેખકોનો રાફળો ફાટી નિકળ્યો. આમાંથી મોટા ભાગનાઓને સાહિત્ય સાથે નાવા નિચોવાનોએ સબંધ ના હતો છતાં તેઓએ યા હોમ કરીને ઝંપલાવેલું ને એડમીને પણ આવા સાહિત્યકારો માટે લાલ જાજમ પાથરીને બધાને આકડાના ફૂલળે વધાવી લીધેલા. બધા એકબીજાનો વાટકી વહેવાર એવો સાચવે કે ખુદ વાટકી તૌબા પોકારી ગયેલી. તેમ છતાં બધાનું ગાડું આરામથી રળે જાય.

image source

જેમ જૂની ખખડધજ આંબલી ભૂત માટે એક આદર્શ નિવાસસ્થાન હોય છે તેમ આ ગ્રુપમાં લગભગ દરેક મેમ્બરના મગજમાં લેખક કે કવિએ વાસ કરી દીધેલો. આનો અર્થ લેખક કે કવિ ભૂતના નજીકના સગા થાય એવો કોઈએ ના સમજવો. પછીતો અગદ્યયાપદ્ય ગ્રુપનો આજુબાજુના શહેરો ને ગામડાઓના વિસ્તારમાં ડંકો વાગી ગયેલો. દિવસે ને રાત્રે સભ્યોની સંખ્યા વધવા લાગી. પણ એટલું ખરું કે આ આ ગ્રુપમાં હજુ સુધી કોઈ સ્ત્રી સભ્ય બન્યું ના હતું એથી ઘણાને વસવસો થતો કે ગ્રુપનો એડમીન વાંઢો છે એટલે કોઈ સ્ત્રી ગ્રુપનો સભ્ય બનવા તૈયાર નથી.

એડમીન જયંતિ જોખમ પોતે પણ લગ્નની બજારમાંથી આઉટ ઓફ ડેટ થઈ જવાને આરે ઊભેલો હતો. પોતે ડબલ ગ્રેજ્યુએટ હતો આથી તે પોતે ઇચ્છતો હતો કે તેને ઓછામાં ઓછું મેટ્રિક પાસ પાત્ર તો મળવું જોઈએ. પણ મોટાભાગની છાણ ઉપાડતી બાઈઓનાં માંગાં આવ્યાં હતાં. આવાં માગાં તે રિજેક્ટ કરતો આથી તે વારે ઘડીએ નવની લોકલ ચુકી જતો. આવો એડમીન આપોઆપ ઝુરતો કવિ બની ગયેલો. તેની કવિતાઓમાંથી ઝુરાપા છાપ નર્યો શૃંગાર રસ ઝરતો ને બીજા તેની લાઇનાના મેમ્બરો આ રસ, ભર ભર કટોરા પીવાના બાંધણી બની ગયેલા.

image source

કેટલાક દાદા કોંકણે જેવા ફાસફુસિયા વાર્તા લેખકોને તો ગ્રુપમાં સ્ત્રી સભ્ય ના હોવાથી મોકળું મેદાન મળી ગયેલું. એમના માટે તો ભાવતું હતું ને વૈદે કહ્યું એવો ઘાટ થયેલો. આથી તેઓ ગ્રુપમાં વેજિટેરિયન અને નોનવેજિટેરિયન બંને પ્રકારની વાનગીઓ પીરસવા લાગ્યા. દ્વિઅર્થવાળા શબ્દોની વાર્તાઓએ તો આડો આંક વાળી દીધેલો. વાર્તાના સંવાદો તમે વાંચોતો કાનના કીડા ખરી પડે એવો મસાલો ભર્યો પડ્યો હોય. આવા સંજોગોમાં કઈ બેનના ભોગ મર્યા હોય કે અગદ્યયાપદ્ય ગ્રુપમાં જોડાય? એડમીન જયંતિ જોખમને પીરસાતા આવા સાહિત્ય સામે કોઈ વાંધો ના હતો.

એવામાં એક દિવસ મિસ માયાકુમારીની આ ગ્રુપમાં સભ્ય બનવાની રિકવેસ્ટ જયંતિ જોખમના અંગત ફોન પર આવી. આથી જયંતિએ ગ્રુપ માટે એક ગાઈડ લાઈન રાતોરાત જારી દીધી કે કોઈએ હવે નોનવેજિટેરિયન જોક્સ કે બીભત્સ અથવા શ્લેષ શબ્દો સમાવતી વાર્તાઓ ગ્રુપમાં મુકવી નહીં. દરેકે પોતાની વિગતવાર ઓળખ આપતો પોતાનો ફોટો ગ્રુપમાં મુકવો. આવતી કાલથી આપણા ગ્રુપમાં એક મહિલા સભ્ય દાખલ થઈ રહયાં છે જેઓ બીજા સ્ત્રી સભ્યોને પણ ખેંચી લાવવાનાં છે, જે આપણા ગ્રુપ માટે ગૌરવની વાત છે.

image source

આવી જાહેરાતથી જયંતી જોખમનો તો છાકો પડી ગયો. બધા તેને જોખમ સાહેબના નામથી સંબોધવા લાગ્યા. કેટલાક તેનો વિરોધ કરતા હતા તે તેની કવિતાઓ કરતા થઈ ગયા. એક ફાસફુસિયાએ વળી *જોખમ ધી ગ્રેટ* નામની વાર્તા લખી નાખી ને તે વાર્તા જ્યારે મિસ માયાકુમારી ગ્રુપમાં દાખલ થાય પછી ફટકારવી તેવું નક્કી કરી રાખેલું. કેટલાક નિષ્ક્રિય સભ્યો હતા તે આળસ મરડીને સફાળા જાગીને ખરી ખોટી કોમેન્ટસ કરવા લાગ્યા. જેને મુકાએલ પોસ્ટમાં સાંધાની સુજ ના પડતી તેઓ કૉમેન્ટમાં પ્રતીકો ને ઇમોજી મુકવા લાગ્યા. બધાએ પોતપોતાનો ટૂંકો પરિચય ફોટા સાથે ફટાફટ મૂકી દીધો.

બીજા દિવસે મિસ માયાકુમારીએ પોતાના ટૂંકા પરિચય સાથે એડમીન શ્રી જયંતી જોખમની ટીમનો આભાર માન્યો. પરિચયમાં તેઓએ શેર-સાયરી ને લાઘવિકાનાં ચાહક હોવાનું જણાવ્યું ને તેમની બે નવલકથાઓ એક વાર્તા સંગ્રહ ને એક ‘કાહેકુ આ હાઈકુ?’ નામનું વિવેચન પુસ્તક પ્રેસમાં છે, પરંતુ લોકડાઉનને કારણે કારીગરો બધા પગપાળા પોતાના વતનમાં ગયા હોઈ તેમનાં પ્રકાશનો અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં હોવાનું જણાવ્યું. ગ્રુપમાં તેઓએ ફોટો મુક્યો હતો. રાખોડી કલરની સાડી ને મેચિંગ બ્લાઉઝમાં શોભતાં મિસ માયાકુમારીનો ચહેરો, આપણી (વિદેશી અભિનેતાના હાથે) લૂંટાઈ ગયેલી હિરોઇન પ્રિયંકા ચોપરાની છાપ છોડી જતો હોય તેવું બધા ફિલ કરી રહયા હતા. ને થોડીજ મિનિટોમાં “વેલકમ મિસ માયાકુમારી” “અગદ્યયાપદ્ય ગ્રુપમાં આપનું સ્વાગત છે” આવી કૉમેન્ટ્સનો મારો ચાલ્યો ને કેટલાયના મોબાઈલ લટકી પડયા, એટલે કે હેંગ થઈ ગયા.

પેલા ઉત્સાહી લેખકે પહેલાજ દિવસે પોતાની કૃતિ *જોખમ ધી ગ્રેટ* મૂકી દૂધી ને તેમાં એડમીન જયંતિ જોખમનાં ભારોભાર વખાણ ભરેલાં હતાં તે વાંચી માયાકુમારી ભારે પ્રભાવિત થયાં. તો એડમીને પોતે મિસ માયાકુમારીનું સ્વાગત કરતી સાયરીઓ મૂકી દીધી. સમય જતાં એક પછી એક ગ્રુપમાં વધુ સ્ત્રીઓનું આગમન થવા લાગ્યું. આથી સભ્યોના ઉત્સાહે જાપાનની બુલેટ ટ્રેન જેવો વેગ પકડ્યો. મિસ માયાકુમારીની ભલામણથી કુ. કુંજબાળા, ને કુ. સૌદામીની કેરાલિયન નામની બે અન્ય બહેનોએ પણ ગ્રુપનું સભ્યપદ શોભાવ્યું.

image source

આમતો કુ.સૌદામીની એ મુકેલ ફોટોમાં તેમના વાળનો કલર ને ચહેરાનો કલર એકબીજામાં ભળી જતા હોવાથી તેમના માત્ર દાંત ઝગારા મારી રહયા હતા એટલું જ બાકી એમના ચહેરામાં બીજું કાંઈ નીરખીને જોવા જેવું ના હતું. ને કુમારી કુંજબાળાના ફોટાના ચહેરામાં દૈદીપ્યમાન તેજ ઝળહળી રહ્યું હતું પણ ખાટલે મોટી ખોડ કે તેમની આંખો ‘લૂક ટૂ લંડન ને ટોક ટૂ ટોકિયો’ જેવી હતી આ આંખો એક બીજાની વિરુદ્ધ દિશાઓમાં એકસોવીસ ઔશનો ખૂણો બનાવતી હતી. પણ ઉદારદીલના ગ્રુપના સભ્યોને થયું કે ‘ના મામા કરતાં કાંણા મામા શું ખોટા’ આવા ઉદગારથી બધાએ મન મનાવી લીધું. સભ્યો વિચારવા લાગ્યા કે ગમે તેમ તોએ લાંબી તપશ્ચર્યને અંતે ગ્રુપમાં લાલ લૂંઘડાનાં દર્શન થયાં છે, તો મોકો તેવો ચોકો સમજીને વહેવાર સાચવવો જોઈએ. આ રીતે ગ્રુપમાં કુમારી સૌદામીની અને કુમારી કુંજબાળાનું નું પણ ભવ્ય સ્વાગત થયું. કેટલાક વેવલા સભ્યોએ તો વળી મિસ માયાકુમારીના ફોટાને પોતાના મોબાઈલમાં સ્ક્રીન સેવર તરીકે મૂકી દીધેલો જેથી વારેવારે તે જોઈને ઉત્સાહનું ઈંધણ ઉમેરી શકાય.

આમ દિવસો ને મહિના સમયના વહેણમાં વહેવા લાગ્યા.ગ્રુપની સભ્ય બનેલી મિસ માયાકુમારી જમાનાની ખાધેલ બાઇ હતી તો સામે એડમીન જયંતિ જોખમ પણ કાળની થાપટો ખાઈ ખાઈને મોચીના પથરાની જેમ ઘડાઈને રીઢો થઈ ગયેલો. જતે દિવસે મિસ માયાકુમારી આ જયંતિ માટે તો પ્રેરણાના સ્ત્રોત સમાન બની ગઈ હતી. તેઓનું અંગત ચેટિંગ રાતના ઉજાગરા કરાવતું ને ધીમે ધીમે તેઓ *તમે* માંથી *તું* તરફ સરકાવા લાગ્યાં હતાં. એક દિવસ મિસ માયાકુમારીએ સાયરી મૂકી કે,

*યાર કો યાર ઢૂંઢ લેતા હૈ!*

*અપની ગલીકા પતા પૂછ લેતા હૈ!*

અને જયંતિ જોખમ પાણી પાણી થઈ ગયેલો.

image source

કેટલીક પરામરશો ને ગ્રુપના સભ્યો સાથેની ચર્ચાને અંતે પછી આ *અગદ્યયાપદ્ય નિખાર* ના સભ્યોનું એક સ્નેહમિલન જયંતિ જોખમના શહેરમાં યોજવાનું નક્કી થયું. જેમાં મિસ માયાકુમારી, કુ. કુંજબાળા ને કુ. સૌદામીની કેરાલિયન જેવી સ્ત્રી સભ્યોનું શાલ પહેરાવી બહુમાન કરીને તેમને કોઈ મોમેન્ટો ભેટ આપવો તેવું નક્કી કરવામાં આવ્યું. જોકે કેટલાક સભ્યોએ કુ.સૌદામીનીને શાલને બદલે કાળો ધાબળો ઓઢાડી સન્માનવાનું સૂચન કરેલું પણ તે લાંબી ચર્ચાને અંતે માન્ય રહેલું નહીં. વાર તારીખ નક્કી થઈ ગયાં રુડી આમંત્રણ ને નિમંત્રણ પત્રિકાઓ છપાઈ ગઈ જેમાં એડમીન અને મિસ માયાકુમારી તથા કુ. કુંજબાળાનો ફોટો છપાઈ ગયો. ( જગ્યાને અભાવે કુ.સૌદામીનીનો ફોટો મુકવામાં આવ્યો ના હતો.) જયંતિ જોખમની ટિમ આખી સ્નેહમિલનની તડામાર તૈયારીઓ કરવા લાગી. મોટાભાગના સભ્યોએ નવા ડગલા સિવવા આપી દીધા તો કોઈ ઓછી પહોંચવાળા સભ્યો ભાડાનો શૂટ બુક કરી આવ્યા. ભોગાવો સ્વરૂપ સભ્યો વાળને કલેપ કરવાની તૈયારીમાં પડી ગયા. આમ પછી તો સ્નેહમિલનની તારીખનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું ને બધા એ દિવસની કાગડોળે રાહ જોવા લાગ્યા.

મિસ માયાકુમારી ને તેની સાથી બહેનપણીઓ એ ગ્રુપમાં અવારનવાર જોડકણા, વાર્તા, ગઝલ, હાઈકુ જેવાં જુદાં જુદાં સાહિત્યને લગતી પોસ્ટ્સ મૂકી *અગદ્યયાપદ્ય નિખાર* ગ્રુપને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું ને વાંચકોનાં દિલ હરી લીધાં હતાં. તેની કદર રૂપે જયંતી જોખમ અને તેના મિત્રોએ ગ્રુપની આ મહિલા સભ્યોનું બહુમાન કરવાનું ઠરાવ્યું હતું. શહેરના ટાઉનહોલ ખાતે આ ગ્રુપના ઉપક્રમે બધા સલમાનખાનના સાઢુઓ ઉર્ફે વાંઢાઓ મળવાના હતા. તેમાં ગણીગાંઠી મહિલાઓ મિસ માયા, મિસ કુંજબાળા અને મિસ સૌદામીનીના ફોટાઓ તો બધાએ મોબાઈલમાં જોયા હતા પણ આજ આ બધી સ્ત્રી મિત્રોને રૂબરૂ મળવાના હતા તેથી સભ્યોમાં આનંદ ઉછાળા મારી રહ્યો હતો. લાગતાવળગતા બધાને આમંત્રણ અપાઈ ગયાં હતાં. મિનિટે મિનિટનો ઘટનાક્રમ ગોઠવાઈ ગયો હતો.

જો કે આવનાર મહેમાનોમાં મિસ માયાકુમારીનું સ્વાગત જયંતિ પોતે જ કરવાનો હતો. ત્યાર પછી મહિલા મહેમાનો વધી બે એમનું સ્વાવત કોણ કરશે તેના માટે ઘણી લમણાઝીંક થયેલી ને છેવટે દરેક સભ્ય પોતાને ખર્ચે બુકે લાવી મહેમાનોનું સ્વાગત કરી શકશે તેવું નક્કી થયું. જેથી દરેક સભ્યનો મહેમાનનો સાથે ફોટો આવી શકે. કેટલાક મિસ માયાકુમારી સાથે સેલ્ફી લેવા માગતા હતા તેની પણ ગોઠવણ કરવામાં આવી.

લઘરવઘર કપડાં ને વધી ગયેલી દાઢીએ જોવા મળતા આજ બધા ટનાટન રીતે તૈયાર થઈને આવ્યા હતા. શહેરના અને બહારના લગભગ સો ટકા સભ્યોની હાજરી જોઈ એડમીન જયંતિ ઘણો ખુશ હતો . તે આજ તેના સ્વપ્નોની રાણી મિસ માયાકુમારીને મળવાનો હતો તેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ તરી આવતી હતી. હોલમાં બે-ત્રણ જગ્યાએ મિસ માયાકુમારી ને તેમની સખીઓનું સ્વાગત કરતાં બેનર ઝૂલતાં હતાં.

સમય થઇ ગયો હતો બધા સભ્યોએ પોતપોતાનું સ્થાન મેળવી લીધું છે હવે માત્ર મહેમાનોની જ રાહ જોવાઇ રહી હતી. એવામાં જયંતિ પર ફોન આવ્યો,” હેલો મિસ્ટર જ્યાંતિલાલ, માફ કરજો રસ્તામાં ગાડીને પંચર થયું એટલે અમારે પહોંચવામાં થોડું મોડું થશે આપ પ્રોગ્રામ ચાલુ કરી દ્યો બસ અમે આવીએ છીએ.” મિસ માયાકુમારીના ફોનની જયંતિએ બધાને જાણ કરી ને લોકલ કવિઓને સ્ટેજ પર બોલાવી તેઓને કાવ્ય વાંચન શરૂ કરવાનું કહ્યું.

ઓડિયન્સ એટલું બધું આતુર હતું કે આજે તેમને કોઈ કવિતા વાર્તામાં રસ ના હતો તેથી તેઓ વારંવાર દરવાજા તરફ જોઈ લેતા હતા કે ક્યારે મહેમાનો આવે ને જલદી સેલ્ફી લેવાની ચાલુ કરીએ. બધા થોડી થોડી વારે મોબાઈલ ઓન કરી મિસ માયાનો ફોટો જોઈ લેતા હતા. આ સલમાનના સાઢુઓ પોતાને ખર્ચે ગુલાબના ફુલનો રૂપિયા પચાસથી માંડી ત્રણસો સુધીના બુકે લાવ્યા હતા જે તેઓ મિસ માયાને આપવાના હતા ને તેમની સાથે સેલ્ફી લેવાના હતા. એવામાં હોલનો દરવાજો ખુલ્યો ને એક ડોશીમા દરવાજામાં દાખલ થયાં. બધા એક ધારી નજરે જોઈ રહયા. કેટલાકને પશ્ન થયો ‘ આ ડોશી ક્યાંથી આવી ગઈ ભૂલી તો નથી પડી?’

માજી તો ચડી ગયાં સ્ટેજ પર ને માઇક પકડી બોલ્યાં, ” હાય! હેલો ફ્રેન્ડ, હું મિસ માયા. ગ્રુપમાં મેં મારી જવાનીનો ફોટો મુક્યો છે એટલે આપને કદાચ મને ઓળખવામાં તકલીફ પડી હશે?” તેઓ જયંતી જોખમ સામે જોતાં બોલ્યા,” હું આપને મળી ખુશ છું મિસ્ટર જયંતિ જોખમ. બહાર મારી બે સખીઓ હોલનાં પગથિયાં ચડી રહી છે તેમને સ્ટેજ સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરશો તો હું આપની આભારી થઇશ”

હોલમાં થોડીવાર સન્નાટો છવાઈ ગયો. સભ્યો બધા સફેદ કેશ ધરાવતી મિસ માયાકુમારીને જોઈ સ્તબ્ધ થઈ ગયા. તેટલામાં તો સાક્ષાત કાલીમાનું સ્વરૂપ ધરાવતી મિસ સૌદામીનીએ લથડતે પગે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું ને મિસ કુંજબાળા પોતાનાં બાટલીના તળિયા જેવા જાડા કાચના ચસ્મા સંભાળતી પોતાની સીટ શોધવા હાથ ફેલાવતી હતી તેને મિસ માલાએ ટેકો આપીને ખુરશી પર બેસાડી.

આમ મંચ પર ત્રણ ડોશીઓ વચ્ચે વાઢો તો લોહી ના નીકળે તેવી હાલતમાં બેઠેલા જયંતી જોખમે ઓડિયન્સમાં નજર ફેરવી તો સભામાં ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. કેટલાક હાથમાં રહેલા બૂકેને પગમાં કચડી રહયા હતા તો કેટલાકે દરવાજાની વાટ પકડેલી.” અલ્યા ભઈ, સ્ત્રીએ લગ્ન ના કર્યા હોય ને ડોશી થઈ જાય તો પણ નામની આગળ કુમારી કે મિસ લગાડી શકે, એ તમે કેમ સમજતા નથી.” સભ્યોમાં અંદર અંદર ચર્ચા ચાલી રહી હતી ને જયંતિ જોખમ કટાણું મોં કરીને મિસ માયાકુમારીને સાલ અર્પણ કરી સ્વાગત કરી રહ્યો હતો ત્યાં સુધીમાં તો અડધા ઉપરનું ઓડિયન્સ હોલ છોડી ચૂક્યું હતું.

*—- X—–X—-*

લેખક – સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ