આપણા દેશના પછાત જન જાતિ વિસ્તારોમાં માસિક ધર્મ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અમેરિકાથી પરત આવી આ યુવતી…

માસિક ધર્મ સાથે જોડાયેલી અગણિત મનાઈઓ સ્ત્રીઓની માનસિક તેમજ શારીરિક સ્વતંત્રતા માટે એક મોટો અવરોધ છે. નેશન ફેમિલિ હેલ્થ સર્વે દ્વારા તાજેતરમાં જ કેટલાક આંકડા રજુ કરવામાં આવ્યા જેમાં 15થી 24 વર્ષની ઉંમર સુધીની છોકરીઓમાંથી માત્ર 42 ટકા સ્ત્રીઓ જ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. માસિક ધર્મ દરમિયાન 62 ટકા મહિલાઓ કપડાનો ઉપયોગ કરે છે. લગભગ 16 ટકા મહિલાઓ સ્થાનીય સ્તર પર બનાવવામાં આવેલા સેનેટરી પેડનો ઉપયોગ કરે છે. તે એવિ પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકસાનકારક છે. તેવામાં જરૂરી એ છે કે દરેક સ્ત્રી પોતાના શરીર તેની સાથે જોડાયેલા પરિવર્તનો વિષે હકારાત્મક વિચાર હેઠળ જાગૃત થાય. પણ એ એક દુઃખદ વાસ્તવિકતા છે કે આપણા સમાજમાં તેનાથી વિપરિત સ્થિતિ છે. એક છોકરી જ્યારે માસિક ધર્મના ચક્રમાં પહેલીવાર બેસે છે ત્યારે તેના મનમાં ઘરની સ્ત્રીઓ દ્વારા કેટલાએ ભ્રમ ઉત્પન્ન કરવામાં આવે છે.માસિક ધર્મ પ્રત્યે ફેલાયેલા ખોટા ભ્રમોને તોડવા અને તે સમય દરમિયાન એક સ્વસ્થ જીવનશૈલીની જાગૃતિ ફેલાવા અમેરિકાથી પોતાના ગામ પાછી આવી છે માયા વિશ્વકર્મા.

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં મેહરા સાઇંખેડા ગામની રહેવાસી માયાએ પોતાનું શાળા શિક્ષણ અહીં જ પુરુ કર્યું અને ત્યાર બાદ જબલપુરથી બાયો કેમિસ્ટ્રીમાં એમએસસી કર્યું. AIIMSમાંથી રિસર્ચ કર્યા બાદ એમેરિકામાંથી પીએચડી કર્યું અને પછી કેલિફોર્નિયામાં જોબ કરવા લાગી. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રેન્સિસ્કોમાં બ્લડ કેન્સર પર સંશોધન કર્યું. થોડા સમય પહેલા તે ભારત પાછી આવી ગઈ અને પોતાના દેશ માટે કામ કરવા લાગી. જો કે તેના માતા-પિતા ખેતીના મજૂર હતા પણ તેમણે ક્યારેય તેના અભ્યાસમાં અવરોધ નથી આવવા દીધો અને નથી તો ક્યારેય લગ્ન માટે કોઈ દબાણ કર્યું.માયા પોતાના દેશની મહિલાઓના સારા માટે કંઈક કરવા માગતી હતી. માયા પોતાના મિશનને પુરુ કરવા માટે સંશોધનને વચ્ચે જ છોડી હાલ મધ્યપ્રદેશના આદિવાસી વસ્તિવાળા જિલ્લાઓમાં વિદ્યાર્થીનીઓ તેમજ મહિલાઓના માસિકના દિવસોમાં સેનેટરી નેપકિનના ઉપયોગ વિષે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. મધ્યપ્રદેશની ‘પેડ-જીજી’ એટલે કે પેડ સીસ્ટર માયા વિશ્વકર્મા તે મહિલાઓને જાગૃત બનાવી રહી છે જેમને પેડ વિષે કોઈ જાણકારી નથી.
પણ તમને એ વાત જાણી આશ્ચર્ય થશે કે 26 વર્ષ સુધી તેમણે પોતે જ સેનેટરી નેપકીનનો ઉપયોગ નહોતો કર્યો. તે પાછળનું કારણ તેણી જણાવે છે કે ન તો તેને ખરીદવા માટે તેમની પાસે પૈસા હતા કે ન તો તે બાબતે કોઈ જાણકારી હતી. માયા આજે પણ પોતાની મા સાથે ખુલીને પિરિયડ્સની વાતો કરી શકતી નથી. સમાજમાં ફેલાયેલા મા-દીકરી, પતિ પત્ની અને મહિલા અને પુરુષ વચ્ચેના આ જ ખચકાટને માયા તોડવા માગે છે જે.PTI સાથેના એક ઇન્ટર્વ્યુમાં માયા જણાવે છે, “જ્યારે હું પહેલીવાર પિરિયડમાં થઈ હતી ત્યારે મારા મામીએ જણાવ્યું હતું કે મારે કપડાનો ઉપયોગ કરવાનો છે. તે જ કપડાના કારણે મને 5-6 મહિનામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું.”

દિલ્લીમાં એઇમ્સમાં અભ્યાસ દરમિયાન માયાને ખબર પડી કે તેમના ઇન્ફેક્શન પાછળનું કારણ પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતું કપડું હતું. ત્યાર બાદ તેમણે સેનેટરી પેડ્સનો ઉપયોગ શરૂ કર્યો અને તે બાબતે સ્ત્રીઓ તેમજ છોકરીઓમાં જાગૃતિ ફેલાવવાની જવાબદારી ઉઠાવી.લગભગ 2 વર્ષમાં તેમણે ગ્રામીણ મહિલાઓને મળીને એ ભાન કરાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તે જ સમયે માયા વિશ્વકર્માએ આ વિષે સંપૂર્ણ રિસર્ચ કરવાનું શરૂ કર્યું. માયાએ અમરિકાના પોતાના મિત્રો સાથે આ વિષે ચર્ચા કરી અને સેનેટરી નેપકીન બનાવવાનો નિર્ણય કર્યો. તેના માટે તે અરુણાચલમ મુરુગનાંથમને મળવા તમિલનાડુ પણ ગઈ. તેમને મળ્યા બાદ માયાને લાગ્યું કે આ કામથી સમાજની ખરેખર સેવા થઈ શકશે.
વાતચીતમાં માયા વિશ્વકર્મા આગળ જણાવે છે કે તેમના દ્વારા સ્ત્રીઓને સેનેટરી નેપકિન વિષે જાગૃત બનાવવા માટે સુકર્મા ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે. તેમની આ સંસ્થા આદિવાસી વિસ્તારોમાં જાગૃતિના કાર્યક્રમ ચલાવી રહી છે.
મહિલાઓને સસ્તા તેમજ ગુણવત્તાસભર સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવા માટે તેમના સુકર્મા ફાઉન્ડેશન દ્વારા નરસિંહપુરમાં સેનેટરી પેડ બનાવવાનું નાનકડું કારખાનું પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે એક સારું મશીન ઇચ્છતી હતી. તેના માટે તેમણે પોતાના મિત્રો પાસેથી કેટલાક રુપિયા ઉધાર લીધા અને કેટલાકની વ્યવસ્થા તેમણે ક્રાઉડ ફંડિગથી કરી. પછી મશીનો ખરીદી. આજે 2 ઓરડામાં માયા સેનેટરી પેડ બનાવવાનું કામ ચલાવે છે. રોજના 1000 પેડ બનાવવામાં આવે છે. તેમના કારખાનાના સેનેટરી પેડને નો ટેન્શન બ્રાન્ડ નામ આપવામાં આવ્યું છે. તેમના બનાવેલા 7 પેડની કીમત માત્ર 15થી 20 રૂપિયા છે જ્યારે અન્ય બ્રાન્ડ્સના પેડની કીમત તેનાથી ક્યાંય વધારે હોય છે. આ ફેક્ટ્રીમાં કેટલીક મહિલાઓને ભેગી કરીને સેનેટરી પેડ બનાવવાનું શરૂ કર્યું. માયાનું એક માત્ર લક્ષ છે, પીરિયડ્સ અને તેની સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ વિષે ગ્રામીણ સ્ત્રીઓમાં જાગૃતિ ફેલાવવી.સમાજમાં ફેલાયેલી માસિક ધર્મ સાથેની અનેક ખોટી, ધડમાથા વગરની વાતોભર્યા અંધકારમાં આશાનું કિરણ અહીં જોઈ શકાય છે. આજે સ્ત્રીઓ પણ આ ખોટી માન્યતાઓને દૂર હડસેલવા અવાજ ઉઠાવી રહી છે. વિવિધપ્રયાસો, લેખો, ફોટોગ્રાફ્સ તેમજ વિચારોના માધ્યમથી આ જડ વિચારશરણીનો અંત લાવવાની જાણે એક ચળવળ ઉભી થઈ ગઈ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

એક શેર કરીને આ યુવતીની વાત દરેક લોકો સુધી પહોચાડો, દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી