માયા જેટલી ઓછી, એટલું સારું……… પૈસો હોય કે સંબંધ.

“પણ જો આ માયા લાગી જાય તો? તેનાથી બચવા છે કોઈ ઉપાય? તેમાંથી બહાર આવવા શાં પગલાં લેવા જોઈએ? અરે ! આ માયાથી બચવું કે બહાર આવી જવું? બચવું હોય તો બચી શકાય ખરું?” આવા પ્રશ્નો માયાળુઓના મનોમંથનમાંથી ઘણી વખત તરી આવે છે. જો તમારી માયા-લગની સાચી દિશા તરફ઼ હોય તો આવા પ્રશ્ન જ કેમ ઉદભવે? અને જો એ ધુતારી હશે તો આપોઆપ તમારું ઘનોતપનોત કાઢી નાખશે. એ કઈ ચેપી કે જીવલેણ રોગ થોડો છે, કે એમાં સપડાવાથી નુક્શાન થાય? ખરુ કહું? તો છે ! એક રોગ જ છે. માનસિક રોગ. જેનું કોઈ ઓસડ નથી. નિવારવા માટે અથવા તેનાથી બચવા માટે પ્રાથમિક તબ્બકે કાળજી જરૂર લઈ શકાય.

સૌ પ્રથમ તો આપણે આ માયા શું છે એ જોઈએ. ‘માયા’ એક પ્રકારની લાગણી. જે વધુ વિકરતાં લાલચમાં ફેરવાય. એટલે તેનાથી લોકો ડરે ! કઈક સતત પોતિકું હોવાની ઝંખના, કોઈ ઉપરની આધિપત્યની ભાવના, કંઈક અતિ પ્રિય ન મળ્યું હોવાની વેદના, કઈક હાંસલ કરી લેવાનો જૂસ્સો અથવા કઈ વિખૂટું પડી જશે એનો ડર ! કંઈક વપરાઈ જવાથી ખૂટી જશે – એવી કંજૂસાઈ. એ બધું માયા કહી શકાય. આપણે જાણે અજાણે આવી કોઈ એક કે બધી જ લાગણીઓથી પીડાઈએ છીએ. એટલે જ સ્તો, આ સંસારને માયાલોક પણ કહેવાય છે.

દરેક કાળ કે યુગ મુજબ જુદી જુદી માયાઓ હોય. રાધા અને મીરાંની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની માયાનો રંગ કેવો ભક્તિમય હતો ! સિકંદરને જંગ કરી જગ જીતવાની લગની હતી તો અંગ્રેજોને સત્તાની-વર્ચસ્વની.. પ્રેમીઓને પ્રેમની તો માતાને સંતાનની માયા હોય જ છેને? આ માયાના રવાડે મહાભારત – રામાયણ રચાઈ ગયાં ! ઈતિહાસનો ઈતિહાસ માયાથી લદાયેલો છે જ. જ્યારે અત્યારનો યુગ કહેવાતો કળયુગ.. એતો માયાઓથી છ્લોછલ છે ! બધું જ અહી માયા.. નાણાં.. રાજનીતિ.. સત્તા.. પ્રગતિ.. પ્રેમ.. હવસ.. મમતા.. સ્વાર્થ.. સંબંધો.. લાગણી.. બધું જ માયા જ માયા.. એનાથી છૂટીને જઈશું પણ ક્યાં…….? છૂટીને કરશુંય શું? અહીં સુધી આવ્યાં જ છીએ તો આ ભવમાં બધું જ જીવી જાણો ને માણી જાણો !

છતાંય, સમય ખૂબ બળવાન છે એના થકી આપણે ઘણું ઘણું યાદ રાખવાનું અને ન યાદ રાખવાનું વિસરી શકીએ છીએ. તેથી લાગેલી માયાથી ગભરાવું નહી. એને બસ વહેવા દેવી.. વિના અવરોધ. આપોઆપ એનો યોગ્ય સમય આવે ઓસરી જશે. સતત તેનું સ્મરણ, મનન-ચિંતન અને ઝંખન ક્યારે તમને લઈ ડૂબે ખબર પડતી નથી. હા, કોઈ કોઈ માયા તમને તારી જાય એવું પણ બને ! માયા લાગવી કઈ ખોટું નથી પણ ફક્ત તેને વળગી રહેવું એ ખોટું. તમને જો ખબર પડી કે તમને માયા લાગી છે, જો એ માયા હાનિકારક છે તો માયા ઓછી કરવા એનાથી બને એટલા દૂર રહેવા પ્રયત્ન કરવો.. સંપર્ક ઓછો થશે તો બધું સારાવાના થઈ રે’શે ! હેં ને?

દિલ્લગીઃ આ આખી ‘માયાકૂટ’ ઓલાં હાથીવાળા માયા આન્ટીને સહેજ પણ લગતી વળગતી નથી એની લેખીતમાં નોંધ લેવી. 😉

લેખક : કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

આપ આ મજેદાર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી