માવાના ગુલાબજાંબુ – માવો, મેંદો, પનીર, મિલ્ક પાવડર અને બ્રેડ વગેરેમાંથી બનાવી શકાય છે. પરંતુ, માવાનાં બનેલા ગુલાબજાંબુનો સ્વાદ કંઈક વિશેષ જ હોય છે.

ગુલાબજાંબુ નામ પર્શિયન શબ્દ ગુલાબ પરથી આવેલું છે, કારણ કે, તે સમયે ચાસણીને ગુલાબજળ ઉમેરીને સુગંધિત કરતાં હતાં. વળી દેખાવમાં જાંબુ જેવી લાગતી હોવાથી બંને શબ્દો મળીને વાનગી ગુલાબજાંબુ નામે ઓળખાતી થઈ. ગુલાબજાંબુ માવો, મેંદો, પનીર, મિલ્ક પાવડર અને બ્રેડ વગેરેમાંથી બનાવી શકાય છે. પરંતુ, માવાનાં બનેલા ગુલાબજાંબુનો સ્વાદ કંઈક વિશેષ જ હોય છે.

તો ચાલો બિલકુલ બજાર જેવા જ ગુલાબજાંબુ બનાવવાની રીત શીખી લો…

વ્યક્તિ : ૧૦
સમય : ૧ કલાક

સામગ્રી :

જાંબુ બનાવવા માટે :

૫૦૦ ગ્રામ તાજો મોળો માવો
૫૦-૬૦ ગ્રામ મેંદો
૧/૪ ટી.સ્પૂ. ઈલાયચી પાવડર
૧ ચપટી ખાવાનો સોડા
કાજુ-બદામના ટુકડા
તળવા માટે ઘી

ચાસણી માટે :

૩ કપ ખાંડ
૨ કપ / ખાંડ ડૂબે તેટલું પાણી
૧ ટે.સ્પૂ. દૂધ
૧/૮ ટી.સ્પૂ. કેસર
૩ નંગ ઈલાયચીના દાણા
સજાવટ માટે :
૫ નંગ બદામની કતરણ
૫ નંગ પિસ્તાની કતરણ

રીત :

૧) ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણીને એક તપેલીમાં ભેગા કરીને ગેસ પર ઉકળવા માટે મુકો. એક ઉકાળો આવે એટલે દૂધ ઉમેરીને ઉપરથી કાળો ફીણ જેવો મેલ કાઢી લો. એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દો. ચાસણીને એક પહોળા વાસણમાં કાઢીને થોડી ઠંડી થવા દો. ચાસણી હુંફાળી થાય એટલે તેમાં ઇલાયચીના દાણા અને ૧/૮ ટી.સ્પૂ. પાણીમાં પલાળેલું કેસર ભેળવી દો.

૨) ચાસણી ઠરે તે દરમ્યાન માવાને છીણીને ૧૫-૨૦ મિનિટ હલકા હાથે ઘી છુટું પડે ત્યાં સુધી મસળી લો. તેમાં મેંદો, ખાવાનો સોડા અને ઈલાયચી પાવડર તેમજ જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મસળીને નરમ મુલાયમ કણક તૈયાર કરો. રોટલીના લોટ કરતાં સહેજ જ કઠણ માવો તૈયાર કરવાનો છે.

૩) તેમાંથી થોડો માવો લઇ વચ્ચે ખાડો કરીને બદામ કે કાજુનો નાનો ટુકડો મૂકી સોપારી જેવડા માપનાં એકસરખા ગોળા વાળીને તૈયાર કરી લો.

૪) એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ને એકદમ ધીમી આંચ પર ગરમ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે એમાં એક સાથે ૬-૭ ગોળા ઉમેરીને એકદમ ધીમા-મધ્યમ તાપે આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો.

૫) તળેલા ગોળાને બરાબર ઘી નિતારીને સીધા જ ચાસણીમાં નાખી દો અને હળવેથી હલાવી લો જેથી બહારથી છેક વચ્ચે સુધી બરાબર ચાસણી શોષાઈ શકે.

૬) ગુલાબજાંબુને ૫-૬ કલાક માટે ચાસણીમાં રાખી મુકયા બાદ વપરાશમાં લેવા. ઠંડા કરીને પીરસવા હોય તો એક બે કલાક માટે ફ્રીઝમાં મૂકી શકાય.

૭) એક વાડકીમાં કાઢીને ઉપરથી થોડી ચાસણી ઉમેરીને બદામ અને પિસ્તાની કતરણથી સજાવીને પીરસો.

૮) તૈયાર છે એકદમ બજાર જેવા જ ટેસ્ટી માવાના ગુલાબજાંબુ…

નોંધ :

★ માવાને બરાબર મસળીને ભેગો કરવાનો છે અને જો છૂટો પડતો હોય તો જરૂર મુજબ પાણી છાંટીને ફરીથી ઘસવો.
★ ચાસણી એક તારની કરતી વખતે બરાબર ધ્યાન આપો. જો, પાતળી રહેશે તો ગુલાબજાંબુ નરમ પડી જશે અને જો જાડી હશે તો અંદર સુધી શોષાશે નહીં.
★ માવાનો ભાગ ઓછો કરીને તેના બદલે ૫૦ ગ્રામ પનીર ઉમેરી શકાય.
★ માવો એકદમ તાજો જ ઉપયોગમાં લેવો. જો ફ્રીઝ કરેલો માવો હોય તો તેને છીણી લીધા બાદ સામાન્ય તાપમાન પર આવે પછીથી જ ઉપયોગમાં લેવો.
★ પહેલાં બે-ત્રણ ગોળાને ઘીમાં તળી જુઓ અને જો છુટા પડતા હોય કે ખૂબ જ ઘી શોષી લેતાં હોય તો બીજો આશરે ૧૦ ગ્રામ જેટલો મેંદો ઉમેરવો.
★ ઘી ગરમ થાય એટલે એક નાનો ગોળો નાખીને ચકાસી જુઓ. એકદમ જ લાલ થઈ જાય તો ઘી ને ઠંડુ પડવા દો. બહુ જ ગરમ ઘીમાં તળવાથી જાંબુ અંદરથી કાચા રહેશે.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી