આજે બનાવો એક અલગ જ ટેસ્ટની “માવા અને મગફળીની પૂરણ પોળી” (વેડમી)

માવા અને મગફળીની પૂરણ પોળી (વેડમી)

પૂરણ પોળી એ ગુજરાતી થાળીની શાન જ કહી શકાય એવી સ્વિટ ડીશ છે . જેને આપણે વેડમી પણ કહીએ છીએ.ગુજરાત માં પૂરણ પોળી તુવેર દાળમાંથી બનાવવામાં આવે છે જેમાં ગોળ કે ખાંડનો ઉપયોગ થાય છે.
જ્યારે મહારાષ્ટ્રમાં પૂરણ પોળી તહેવારોમાં ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે.

ઘણા બધા પ્રકારની પૂરણ પોળી બનાવવામાં આવતી હોય છે. જેમાં માવા ,ખજૂર અને ડ્રાયફ્રુટની પૂરણ પોળી પ્રખ્યાત છે.

આજે હું માવા અને મગફળી ની પૂરણ પોળી ની રેસિપી લઇ ને આવી છું.

પેહલા ના સમય માં કાચો માવો , કાચી મગફળી નો ભૂકો અને કાચી ખાંડ મિક્સ કરી ને પૂરણ પોળી બનાવતા અને કદાચ હજુ પણ ઘણા ના ઘરે એ બનતી જ હશે..

હું થોડી અલગ અને સરળ રીત લાવી છું જે બહુ ઓછા સમય માં પણ બની જાય છે. એકવાર ચોક્કસ થી ટ્રાય કરવા જેવી આ રેસિપી છે.

એક જ પ્રકાર ની પૂરણ પોળી બનાવા કરતા આ થોડી અલગ પૂરણ પોળી બનાવો અને બધા ને ખુશ કરી દો.

તમે ઉપવાસ માં પણ આ બનાવી શકો છો બસ ઘઉં ના લોટ ની બદલે રાજગરા નો લોટ ની કણક બાંધો.

સામગ્રી:-

કણક બાંધવા માટે

11/2 કપ ઘઉંનો લોટ ( ઉપવાસ માં લેવા રાજગરાનો લોટ),
1 ચમચી તેલ,
જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે,

પૂરણ બનાવા માટે

1 કપ તાજો મોળો માવો ( 150 ગ્રામ),
1/2 કપ મગફળીના દાણા,
3-5 બદામ,
3-5 કાજુ,
15-20 કિશમિસ,
1 ઈલાયચીનો ભૂકો ( હું ઈલાયચી ને ખાંડ સાથે ક્રશ કરી ને રાખું છું જેથી પાવડર જલ્દી બની જાય),
3 ચમચી ખાંડ (ઓછી જ ઉમેરવી),
1 ચમચી ઘી,
થોડું ઘી પુરણ પોળી શેકવા માટે,

રીત:

સૌ પ્રથમ ઘઉંના લોટમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ધીરે ધીરે લોટમાં પાણી ઉમેરીને મધ્યમ નરમ કણક બાંધી દો. આ કણકને 30 મિનીટનો રેસ્ટ આપો.

માવાને હાથેથી મસળીને ચૂરો કરી લો. મગફળીને કડાઈમાં 2-4 મિનીટ ધીમા તાપે શેકી લો. અને પછી ફોતરાં નીકાળીને રાખો . બદામ અને કાજુને પણ એક મિનીટ માટે કડાઈમાં શેકી લો.

હવે મગફળી , બદામ, અને કાજુનો મિક્સર બાઉલમાં દાણાદાર ભૂકો કરી લો. (ઝીણો ભૂકો નથી કરવાનો) દાણાદાર ભૂકો કરવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે.

એક કડાઈ માં ઘી ઉમેરી ગરમ કરો. તેમાં માવો ઉમેરી ને 3-5 મિનીટ માટે ધીમી આંચ પર શેકી લો. હવે ખાંડ ઉમેરો અને બરાબર મિકસ કરો અને ધીમી આંચ પર જ્યાં સુધી માવો અને ખાંડ બરાબર મિકસ થાય અને ખાંડ માવા \માં ઓગળી ને મિશ્રણ થોડું ઘટ્ટ બને ત્યાં સુધી શેકી લો લગભગ 3-5 મિનીટ જેવો સમય લાગશે.


ગેસ બંધ કરો અને ઈલાયચી નો ભૂકો,મગફળી, કાજુ, બદામ નો ભૂકો ઉમેરો અને બરાબર બધુ મિક્સ થાય ત્યાં સુધી હલાવો. આ પૂરણનું મિશ્રણ ઠંડુ થાય એટલે તમને ગમતાં સાઈઝ ના એકસરખા ગોળા બનાવી લો. નાની પૂરણ પોળી માટે 2 રોટલી ના સાઈઝ નો ગોળા બનાવી લો.

કણકને તેલ વાળા હાથ કરીને બરાબર કૂણવી લો. હવે પૂરણ કરતા બમણા સાઈઝના લુઆ બનાવી લો.હવે લોટમાંથી નાની પુરી જેવું વણો. તમે વચ્ચે માવા અને મગફળીનો બનાવેલો બોલ મૂકીને બધી બાજુથી બંધ કરી લો . વધારાનો લોટ ઉપરથી નિકાળી લો અને વેલણ થઈ હળવા હાથે વણી લો.( ફોટો માં દેખાડ્યા મુજબ) બહુ પાતળી રોટલી કે બહુ જાડી રોટલીના વણવી.


ગરમ તવા પર બન્ને બાજુ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લો. અને પછી બંને બાજુ ઘી લગાવીને બરાબર શેકી લો.

બધી જ વેડમી આ રીતે તૈયાર કરી લો.

ગરમ ગરમ વેડમી તમને ગમતાં શાક અને કઢી જોડે સર્વ કરો . સ્વાદિષ્ટ એવી આ પૂરણ પોળી તમે ચોક્કસથી બનાવો..

નોંધ:- 

-બને ત્યાં સુધી ગરમ હોય ત્યારે સર્વ કરો.
-ઘીનો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ વધુ કે ઓછો કરી શકાય.
-કણક નરમ જ રાખો નહીં તો વેડમી સોફ્ટ નહીં બને.
-આ પૂરણ પોળી માં ગળપણ થોડું ઓછું જ રાખવું. કિશમિસ થી એનું બેલેન્સ થઇ જશે.
-તમને ગમતા ડ્રાયફ્રુટ વધુ પણ ઉમેરી શકો છો .પિસ્તા, અંજીર, ખજૂર બધું જ સરસ લાગે છે.
-તમે અંજીર અને ખજૂર ઉમેરો તો ખાંડ બિલકુલ નહિવત ઉમેરો.
-માવો અને ખાંડનું મિશ્રણ ઠડું થાય એટલે થોડું વધુ જાડું થઇ જશે એટલે થોડું નરમ હોય ત્યારે જ ગેસ બંધ કરી દો.
-તમે ઈચ્છો તો એકલા મગફળીને માવાની વેડમી પણ બનાવી શકો છો.
-ઉપવાસ માટે ઘઉંના લોટની બદલે રાજગરાના લોટનો ઉપયોગ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી