ઠંડી હોય કે બરફવર્ષા કેનેડામાં લોકો કામ કે ભણવાનું મિસ નથી કરતા, તફાવત છે ભારત અને કેનેડાના લોકોની માનસિકતામાં!

કડકડતી ઠંડી અને બરફવર્ષામાં પણ લોકો કામ કરવા અને ભણવા જાય છે. તથા બસમાં કઈ રીતે મુસાફરી કરે છે ? અચૂક વાંચો કૅનેડામાં રહેતા લોકોની શિષ્ટતા વિશે મૌલિક ત્રિવેદીની કલમે.

શિયાળાની શરૂઆતમાં માઇનસ સોળ ડિગ્રીમાં સવારે ૭ વાગે કોલેજ જવા નીકળ્યો ત્યારે મને એમ હતું કે આવી કડકડતી ઠંડીમાં ભાગ્યે જ કોઈ માણસ બહાર જોવા મળશે. પરંતુ બહાર ગયા પછી મારો ભ્રમ ભાંગી ગયો. ઉનાળામાં માણસો જોવા મળતા હતા એજ જુસ્સો અને એજ ઝુનૂનથી મને શિયાળાની સવારે બરફવર્ષામાં પણ જોવા મળે છે.

મારે અહીંયા વાત લોકોની માનસિકતાની કરવી છે ! બસની અંદર ઘેટાની જેમ ભરવાની પ્રથા કૅનેડામાં પણ છે. પરંતુ ફર્ક એટલો કે અહીંયા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો સ્વયંભૂ લાઈનમાં ઉભા રહી બસની રાહ જોતા હોય છે. બસ આવે એટલે  જરા પણ ધક્કામુક્કી કર્યા વગર એક પછી એક તમામ મુસાફરો બસમાં ચડે છે. બસની અંદર પણ આગળની સીટો વડીલો અને બાળકો સાથે આવેલા બહેનો માટે હોય છે. જયારે ભારતમાં આગળની સીટ “ધારાસભ્ય માટે” એવું લખેલું હોય છે. આ તફાવત છે બંને દેશમાં !

ગુજરાતમાં એસટી બસ મુકાય એટલે મુસાફરો વચ્ચે રીતસર યુદ્ધ ખેલાય અંદર ઘૂસીને જગ્યા રોકવા માટે. લાઈનમાં ઉભા રહી અને એસટી બસ કે ટ્રેનમાં પ્રવેશ કરવાની સમજણ આપણા દેશના લોકોમાં ક્યારે આવશે ?

અમુક હરખપદુડાઓ તો જગ્યા રોકવા માટે બારીમાંથી સામાનની સાથે પોતાના બાળકનો પણ ઘા કરતા હોય છે. ચૂંટણી વખતે પોતાના પ્રિય વિસ્તારની સીટ મેળવવા માટે નેતાઓ જેટલા ઘેલા થાય એના કરતા ક્યાય વધારે ભુરાંટી તો બસની સીટ મેળવવા માટે આપણી પ્રજા થતી હોય છે. એસટી બસમાં ધક્કામુક્કી કરતા મુસાફરોને જોવો એટલે સમજાય કે વાનરમાંથી માણસ થતા ભલે આપણને હજારો વર્ષ લાગ્યા પરંતુ માણસમાંથી વાંદરા થતા આજે પણ એકજ સેકન્ડ લાગે છે.

ખેતરમાં ખૂટ્યો માથું મારીને ઘૂસે એમ મુસાફરો બસમાં વિજયપ્રવેશ કરે. અંદર ગયા પછી મુસાફરો વચ્ચે ઝઘડા તો ચાલુ જ હોય. હું કૅનેડામાં દરરોજ ૫-૬ વખત બસમાં મુસાફરી કરું છું. મને યાદ નથી કે એક પણ વખત કોઈ માણસે ઝઘડો કર્યો હોય.

પશ્ચિમના દેશોમાં બસમાંથી ઉતરતી વખતે દરેક મુસાફર ડ્રાઈવરને થૅન્ક યુ કહે છે. જો કે, અહીંયાના ડ્રાઈવર એટલા વિનમ્ર હોય છે કે તમને આભાર વ્યક્ત કરવાનું સામેથી મન થાય.

કૅનેડામાં બસની અંદર કંડક્ટર નામનું પ્રાણી જોવા નથી મળતું. એટલે મુસાફરોને યાત્રા દરમિયાન થોડો ઓછો થાક લાગે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર એટલો બધો રુઆબ કરતા હોય જાણે તેઓ બસ નહિ પણ દેશ ચલાવતા હોય. આપણી એસટી બસના ડ્રાઈવર અને અહીંયાની સરકારી બસના ડ્રાઈવરમાં મને જમીન આસમાનનો તફાવત લાગ્યો છે.

અહીંયા મુસાફર ડ્રાઈવરને કોઈ પણ રૂટ વિશે પૂછે એટલે ડ્રાઈવર સગા ભાઈની જેમ તમામ સચોટ માહિતી આપે. એક વખત હું ખોટી બસમાં ચડી ગયો તો ડ્રાઈવર લાસ્ટ સ્ટોપથી સ્પેશ્યલ ૫ મિનિટ્સ બસ ચલાવીને મને એકલાને મારા રૂટના સ્ટોપ સુધી મૂકી ગયો હતો.

પરદેશમાં એવો કોઈ કાયદો નથી કે તમે લાઈનમાં ઉભા રહી બસની રાહ જોવો. ધક્કામુક્કી કર્યા વગર બસ કે ટ્રેનમાં ચડવાનું કોઈને શીખડાવવામાં નથી આવતું. બસો સળગાવવાનું કે રેલ્વેના પાટા ઉખેડવાનું તો કેનેડા કે અમેરીકાની પ્રજા સપનામાં પણ વિચારી શકે નહિ. આ તમામ શિષ્ટતા અહીંયાના લોકોમાં સ્વયંભૂ આવી છે.

નેતાઓ અપેક્ષા પ્રમાણે કામ નથી કરતા એ વાત સાચી જ છે. પણ ૨૪ કલાક એક ને એક રોદણાં ફેસબુકમાં રોવા એ કેટલું વ્યાજબી છે ? એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણી જવાબદારીઓ સરખી રીતે નિભાવીએ છીએ કે નહિ એનો ક્યારેય વિચાર કર્યો  ? વધુમાં વધુ સરકારી સુવિધાઓ મળે એવી અપેક્ષા રાખવી એ દરેક નાગરિકનો અધિકાર છે પણ જે સુવિધાઓ મળી રહી છે એનો સદુપયોગ કરવો એ દરેક નાગરિકની ફરજ નથી ?

લેખક :  મૌલિક જગદીશ ત્રિવેદી

દેશ વિદેશની અવનવી વાતો, વાર્તાઓ’લેખ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી