મત્સ્ય કન્યા સાથે પ્રેમ – એક અદ્ભુત પ્રેમકહાની કાશ વિહારને….

વિહાર ભાનમાં આવે છે. આંખ ખોલે છે….જોયું તો તેનું શરીર સાંકળથી બંધાયેલા હાથ સાથે લટકી રહ્યું હતું. ઘણા સમયથી તેનું શરીર લટકી રહ્યું છે એવો તેને ભાસ થયો. આજુબાજુ એણે નજર નાખી એ ક્યા છે તે જાણવા પ્રયત્ન કર્યો. પણ એ અત્યારે ક્યાં ને કઈ દુનિયામાં છે તેની તેને કલ્પના કરવી પણ અશક્ય લાગી.કારણ કે, આજૂબાજૂમાં લીલી અને શેવાળોની બનેલી દીવાલો હતી. ક્યારેય ન જોઈ હોય એવી વનસ્પતિ એ જે જગ્યા પર બંધાયો હતો ત્યાં શો-પીશ સ્વરૂપે મુકવામાં આવી હતી. એવું તેને લાગતું હતું કે, હું જે જગ્યા પર છું એ અલગ જ દુનિયા છે.


હજી તો વિહાર કશું સમજવાનો કે વિચારવાનો પ્રયત્ન કરે ત્યાં જ એક ટોળું તેની પાસે આવી જાય છે. એ ટોળું જેનું આવ્યું હતું તે બધી ઉપરથી મનુષ્ય અને નીચેથી માછલીઓ હોય તેવું તેને લાગ્યું. એક સ્ત્રી પણ એનાં સ્વરૂપને જોઇને પ્રેમમાં પડ્યા વગર ના રહી શકે એવું તે બધી જ મત્સ્ય કન્યાઓનું કોમળ કોમળ ને ધાટીલું શરીર. આંખોતો એકદમ મોટી ને ચકાદાર. એમાય તેની પાંપણો તો જાણે આકાર આપીને આંખ પર ગોઠવી હોય તેવું લાગતું……પાંપણ ભરાવદાર, ઘટાદાર ને એકદમ લાંબીને ગોળાકાર જે આંખોની શોભા હજારણી વધારી રહી હતી. ને એમાય એ બધી જ મત્સ્ય કન્યાઓની કમર એક પાતળી પેન્સિલ કરતા સહેજ જ જાડી કહી શકાય….જો ભૂલથી પણ કમર પર હાથનો સ્પર્શ કરીએ તો હાથ જ સીધો લપસી પડે.

અહા, આવું રૂપ તો મેં પહેલા ક્યારેય નથી જોયું…ને એમાંય પગના તળિયે છેક અડી જતાં સોનેરી, ચમકદાર ને ઘટાદાર લહેરાતા એના વાળ જોઈ એવું લાગે કે, એ વાળ પણ મને હમણાં જ વ્હાલ કરશે. હું તો મારી કલ્પનામાં જ ખોવાઈ ગયો ત્યાં મારી કલ્પનાથી પણ ઉપર જેનું સૌન્દર્ય હતું એવી એમની રાજકુમારીનું મારી સમક્ષ આગમન થાય છે.


હું અલગ દુનિયાનો એમની દુનિયા અલગ એટલે વાર્તાલાપ કે વાતો સમજવાનો કોઈ સ્કોપ જ ના હતો. “આંખો અને ઇશારાથી કરીને એ રાજકુમારીએ એની સાથીઓમાં જે કન્યાઓ હતી....એને પૂછ્યું કે, આ વ્યક્તિને કેમ આપણે બંદી બનાવ્યો છે. એ કોણ છે?” “હું એમના આ ઈશારા વાળો વાર્તાલાપ તો સમજી ગયો. પણ....હું કોણ છું એ ન જણાવી શક્યો.”

ખબરનહિ, મારા વિષે એ રાજકુમારી શું સમજી હશે....જેવું એ લોકોનું ટોળું ગયું ત્યાં કે તરત જ બે મત્સ્યકન્યા આવીને મને બીજી બે સાંકળોથી બાંધી ગઈ...એ ગઈ ત્યાં પાછી એમની સ્વરૂપવાન રાજકુમારી આવે છે. અત્યારે હું અને રાજકુમારી બંને એકલા જ હતા....એ મારી સામે અવિરત નયનોથી જોઈ રહી. પછી ખ્યાલ નહિ....એને શું થયું કે અચાનક જ તે જતી રહે છે.....એ બધી મત્સ્ય કન્યાઓને પગ ન હતા....એટલે એમનું ચાલીને જવું તો અશક્ય હતું. છતાં જવું લાજવાબ હતું.


હવે તો એ રાજકુમારી રોજ મને એકલી જ મળવા આવતી....મારી પ્રેમ પૂર્વક કાળજી લેતી. એ સમજી ચૂકી હતી કે હું એક મનુષ્ય છું....એટલે એ ગમે ત્યાંથી ગોતીને મારા માટે જમવાનું લઇ આવતી. પણ એ બધું જ છાનું માનું કરતી હો. જ્યારે એની સાથે એની સહેલી કે સાથી કન્યાઓ હોય ત્યારે તેનું વર્તન હું દુશ્મન હોય તેવું જ કરે. હવે તો મને પણ એ રાજકુમારી વગર નાં ચાલતું.....એક દિવસ જો હું પણ એને જોવું નહિ તો મને પણ ચેન ન પડે. અમે બંને ખાલી આંખોનાં ભાવથી જ અમારો પ્રેમ એકબીજાને વર્ણવી શકતાં હતા. સમયજતાં અમને એકબીજાનાં સ્નેહની આદત બની ગઈ હતી.... ખ્યાલ નહિ હું કેટલા સમયથી બંદી હતો...પણ જેટલો સમય થયો એ પણ મને ઓછો પડતો હતો.

“મત્સ્યકન્યાનો પ્રેમ પણ એક મનુષ્ય કન્યા જેવો જ!’, હું તો એ વિચારી ને જ એને વધારે પ્રેમ કર્યે જતો હતો. એકદિવસ એ ગભરાયેલી મારી પાસે આવી. એની આંખો આંસુઓથી ભીની હતી. એક શબ્દ પણ બોલ્યા વગર મારા હાથની સાંકળો છોડી મારો હાથ પકડી એક છૂપા રસ્તેથી મને દરિયાના કિનારે આવીને મૂકી ગઈ.


એની આંખોના ભાવ અને એનું મૌન બોલી રહ્યું હતું કે, એણે હું મારી દુનિયામાં પાછો જાવ...એ મત્સ્યકન્યા ને હું એક ઇન્સાન. અમારા બંનેની દુનિયા સાવ અલગ, પણ, એને મને પ્રેમ કર્યો હતો એટલે એ એટલું તો સમજી ચૂકી હતી કે, મારી ખુશી મારી દુનિયામાં છે....એટલે એણે એના પ્રેમનું બલિદાન આપ્યું હતું મારી ખુશી માટે.

ત્યારપછી તો મને એને જોયા વગર એક ક્ષણ પણ ચાલતું ક્યા હતું....હું રોજ સાંજે એ જ સાગર કિનારે પહોચી જતો. ને એને પણ મારો પગરવ થયો છે હવે, એ આભાસ થતા જ કુદતી ઉછળતી કિનારે આવીને મોજા સાથે કુદી કુદીને મને જોયા કરતી ને મનથી હરખાતી.

હું પણ અવિરત રીતે એને જ નિહાળ્યા કરતો.


બેડરૂમની બારીમાંથી શીત લહેર આવી કે વિહારની આંખ ખૂલી ગઈ. અજૂબાજૂ નજર કરીને જોયું તો એને મત્સ્યકન્યા સ્વપ્નમાં જ જોઈ હતી. સ્વપ્નમાં જ પ્રેમ થયો હતો...એ વિચારી ને હસવા લાગ્યો ને હળવેથી ઉભો થયો ને બારી પાસે પહોચી ગયો. આકાશમાં સૂર્યદેવતાએ પોતાના આગમનની છડી પોકારતાં આભમાં સોનેરી જાજમ બિછાવી દીધી હતી. પંખીઓ ઝાડ પર સામસામે ટહુકો દઈ રહ્યાં હતાં. મંદ મંદ ઠંડા પવનમાં વૃક્ષની ડાળીઓ ઝૂકીને ધીરે ધીરે ડોલી રહી હતી. જાણે સૂર્યદેવતાનું સ્વાગત કરી રહી હોય. વાતાવરણમાં પારિજાતની માદક સુવાસ પ્રસરી ગઈ હતી. ને બારીમાંથી દેખાતા દરિયામાં જોયું તો એ જ મત્સ્યકન્યા મોજા સાથે ઉછળી, કુદીને આનાદિત થતી, હરખાતી વિહારને જોઈ તેનો પ્રેમ વરસાવતી હતી.

લેખક : તૃપ્તિ ત્રિવેદી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ