મતભેદ – એક પિતા કેમ નથી કરી રહ્યો પોતાના દિકરાને મદદ, શું એ નથી ઈચ્છતા કે તેમનો દિકરો સફળ થાય…

રમણ કાકાના ઘરના બેઠકખંડમાં બેસી એમની રાહ જોઈ રહેલ દીપકના હાથની આંગળીઓનું હલનચલન એની અંદર ચાલી રહેલ સંઘર્ષ અને તાણનું સૂચન આપી રહ્યું હતું.રમણકાકાને શું કહેશે અને કઈ રીતે કહેશે એ અંગે મનમાં ને મનમાં એ ગૂંચવાઈ રહ્યો હતો . એમને વચન આપ્યું હતું અને આજે એ વચન નિભાવવાની અંતિમ તારીખ હતી . આજે એમણે આપેલી ઉછીની રકમ પરત કરવા એણે અત્યંત આત્મવિશ્વાસ જોડે વાયદો કર્યો હતો . પરંતુ નવા શરૂ કરેલ ધંધામાં અણધાર્યા આવી પડેલા નુકસાનને કારણે આજે તો એ વાયદો પૂરો થઇ શકે જ નહીં . એકવાર શબ્દો આપ્યા હોય અને એ પાળી ન શકે ,એનો ફરીથી વિશ્વાસ કોઈ કરે ખરું ? રમણકાકાની નજરમાં એનું શું માન જળવાશે ? પોતાના આત્મસન્માન ઉપર થયેલી ઇજા એના મનને પીડા આપી અંદરથી જાણે કોતરી રહી હતી.


આ સમસ્યા ઉદ્ધભવતેજ નહીં જો પોતાના પિતાએજ એની મદદ કરી દીધી હોત . પોતાના એકના એક દીકરાના સ્વપ્નોને , એની ઈચ્છાઓને , એના દ્રષ્ટિકોણને સમજવાનો અને માન આપવાનો પ્રયાસ કર્યો હોત . પોતાના ધંધાની શરૂઆત કરવા માટે એક રકમનીજ તો વ્યવસ્થા કરવાની હતી અને એ રકમ એમના માટે કોઈ અશક્ય આંકડાઓ તો ન જ હતા . જો એ ધારતે તો સરળતાથી રોકાણની મૂડી પોતાના હાથમાં થમાવી શક્યા હોત . પણ નહીં . એમના જીવન દ્રષ્ટિકોણ અને એમના સિદ્ધાંતો . એ બન્ને વચ્ચે દીકરા માટે , એની ભાવના કે લાગણીઓ માટે કોઈ જગ્યા ક્યાં બચી હતી ? પોતે તો આખું જીવન નોકરી પાછળ ખર્ચી નાખ્યું ,તો એ એમનો અંગત જીવન નિર્ણય હતો.

એક મર્યાદિત આવકના આંકડા એમના જીવનને તૃપ્ત કરી શક્યા .પણ અન્ય ના જીવનને પણ કરીજ શકે એવી કોઈ અનિવાર્યતા થોડી હોય . નોકરીનો વિકલ્પ એમને વધુ સુરક્ષિત લાગ્યો તો ભલે , પણ અન્યના હય્યામાં જોખમ ખેડવાનો સાહસ ભર્યો પણ હોય શકે . એ વાત કદી એ સમજી જ ન શક્યા કે પછી ન સમજવાનો ચતુર ડોળ કરતા રહ્યા ? ધંધાથી , એની જોડે સંકળાયેલા આર્થિક જોખમથી એટલો બધો ડર ? ડરનું અસ્તિત્વ તો દરેક વ્યવસાયમાં એક્સરખું જ ને ?


નવી પેઢી પાસે જુસ્સો , ઉત્સાહ અને અખૂટ સાહસ હાજર છે . જો જૂની પેઢી પાસેથી થોડો સાથ સહકાર , સમજણ અને અનુભવી જ્ઞાન મળી રહે તો ત્યાં ચમત્કાર સર્જાય શકે . વાત ફક્ત આટલીજ છે . એટલું જો સમજી શકાય તો કદાચ નવી અને જૂની પેઢી વચ્ચે વર્ષોથી ચાલી રહેલ શીત યુદ્ધને હંમેશ માટે પૂર્ણ વિરામ લાગી જાય.

એકબીજાના જુદા દ્રષ્ટિકોણનું માન જાળવતા , એકબીજાની પરિસ્થિતિમાં પોતાને નિહાળી જોવું એટલું બધું કપરું પણ નથી . બન્ને પેઢી તદ્દન જુદા સમયમાં જન્મી , ઉછરી અને વિકાસ પામી હોય ત્યાં એકસમાન વિચારો , અનુભવો , ટેવો , કાર્યપઘ્ધતિઓ કે જીવન નિર્ણયોની આશ તદ્દન પાયાવિહીન બની રહે .

દીપકના મનના વિચારો અત્યંત વેગથી આગળ વધી રહ્યા હતા . રમણકાકાના આગમન સાથેજ એ વિચારમાળા આખરે તૂટી. ” કેમ છે બેટા ? ” રમણકાકાનો પ્રફુલ્લિત ચ્હેરો ટેવ અનુસાર પ્રેમસભર હાસ્યથી છલકાયેલો હતો . ” નમસ્તે , રમણકાકા . હું ઠીક છું . ” દીપકનો ચ્હેરો વધુ ગંભીરતા પકડી રહ્યો . ” શું થયું દીપક ? સૌ ઠીક તો છે ને ? તારા પિતાજીની તબિયત ….” અનુભવી રમણકાકા દીપકના ચ્હેરા નો ઉડેલો રંગ પામી ગયા . પોતાના સહ આયુ મિત્રના સ્વાસ્થ્ય અંગે મન થોડું શંકાશીલ થઇ ઉઠ્યું .

” નહીં રમણકાકા , પિતાજી સ્વસ્થ છે . તમે ચિંતા ન કરો . પણ ….” દીપકના શબ્દો થંભી ગયા . ” શું થયું બેટા ?કોઈ સમસ્યા ? જે કઈ હોય તું મને મન ખોલી કહી શકે છે . હું બનતું બધુજ કરીશ . હજી વધુ પૈસા …..” દીપકના ઉતરેલા ચ્હેરાને પ્રોત્સાન પૂરું પાડતા રમણકાકાના વાત્સલ્ય સભર હાથ એના ખભે આવી ટેકવાયા .


” જી નહીં . આપે જે રકમ આપી હતી એ પર્યાપ્ત છે . ધંધાની શરૂઆતમાં જ દુર્ભાગ્યે કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે હાલ મોટું નુકસાન વેઠવું પડ્યું છે . પણ આપ ચિંતા ન કરતા . મારો વિશ્વાસ રાખજો . હું આપની રકમ ચોક્કસ ચૂકવી દઈશ .પરંતુ મને થોડો સમય જોઈએ છે . ” દીપકની આંખો આજીજી અને શરમના ભારથી ઝૂકી ગઈ .

” અરે તું એ પૈસાની ચિંતા સહેજે ન કરીશ . તું પણ તો મારા દીકરા જેવોજ છે . જો ન પણ ચૂકવી શકાય તો ….” રમણકાકાએ પોતાના વિશાળ હૃદયના દર્શન કરાવ્યા . દીપકનો સ્વર સંવેદનશીલ બન્યો . ” આજના સમયમાં જ્યાં આપણું કુટુંબ આપણને સમજી ન શકે ત્યાં આપ જેવા મનુષ્યો ઈશ્વરે ક્યાંથી ઘડી નાખ્યા ? ” ” જો દીપક બેટા . હું તારા પિતાજીને બાળપણથી ઓળખું છું . તારા અને એના વિચારોના મત ભેદને સારી પેઠે જાણું છું . પણ એના દરેક વર્તન પાછળ ફક્ત અને ફક્ત તારા પ્રત્યેની લાગણી અને પ્રેમ છુપાયા છે . હા , પણ ક્યારેક તારા અંગેની ચિંતાઓ એ પ્રેમ અને લાગણી ઉપર હાવી થઇ બેઠે છે . ” રમણકાકાએ પોતાના અનુભવી શબ્દો દ્વારા દીપકને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો.


દીપકના હાવભાવોમાં કડવો કટાક્ષ પ્રતિબિંબિત થયો . ” પ્રેમ તો સમજણનો પર્યાયી છે . જો પોતાના દીકરાના સ્વપ્નો અને ઈચ્છાઓને ન સમજી શકાય તો એ પ્રેમ કહેવાય કે અભિમાન ? પોતાના જીવન અભિગમોને મારા ખભા ઉપર લાદવા એ સ્નેહ કહેવાય કે જીદ્દ ? પોતે આખું જીવન પોતાની મરજી થી જીવવું , પોતાની ગમતી નોકરી કરવી , પોતાના દ્રષ્ટિકોણથી વ્યવસાયની પસંદગી કરવી અને દીકરા માટે કોઈ વિકલ્પ નહીં ? જે નોકરીમાં એ સુરક્ષિત અને આરામદાયક અનુભવ પામી શક્યા , એ નોકરી દ્વારા મને કદી સમાન સુરક્ષા કે આરામ મળી શકશે નહીં . મને એ બન્ને ભાવો મારા સ્વતંત્ર ધંધામાં જ અનુભવાશે . હું એમનો પુત્ર બની શકું , પણ એમની અન્ય આવૃત્તિ કદી નહીં . “

દીપકના મનમાં ગૂંગળાઈ રહેલી પિતા પ્રત્યેની રીસ એના એક એક શબ્દમાં રમણકાકા અનુભવી રહ્યા . ધીરે રહી એ પોતાની બેઠક છોડી નજીકની બારી પડખે ઉભા રહી ગયા. ” હું કહેવા તો ન ઈચ્છતો હતો . તારા પિતાને વચન આપ્યું હતું . પણ તારા હય્યામાં એના માટે જે કડવાશ ભરાઈ ચુકી છે ,એ નિહાળી તને સત્યથી અવગત કરાવવુંજ ઉચિત રહેશે . ” ” સત્ય ? કેવું સત્ય ?” દીપકની રીસ મૂંઝવણમાં પરિણમી રહી.


દીપકની આંખો જોડેના સીધા સંપર્ક સાથે રમણકાકાએ હકીકતની પણ સહજ અભિવ્યક્તિ કરી . ” તારી ઉછીની રકમ તારા પિતાજીએ ક્યારની ચૂકવી દીધી છે . આ વાત તને જણાવવાની સ્પષ્ટ ના પાડી હતી . તારું સ્વમાન જળવાઈ રહે એ જ કારણે .” રમણકાકાના શબ્દો સાંભળી દીપક ક્ષણ ભર થીજી ગયો . આગળ એક પણ શબ્દ એ ઉચ્ચારી શક્યો નહીં . મૌન નજરે એ રમણકાકાના ઘરની દાદરો ઉતરી ગયો . બાઈક ચલાવી રહેલ આંખો રસ્તા પર જરૂર જડાઈ હતી પણ એમાં ઉઠી રહેલ દ્રશ્યો અન્ય સ્થળનાજ હતા . વિચારોની ગંભીરતા એના શાંત ચ્હેરા ઉપર અરીસા સમી પારદર્શક હતી . એ ધીરગંભીર મુદ્રા કોઈ મહત્વના નિર્ણય તરફ છૂપો સંકેત કરી રહી હતી.

ઘરે પહોંચી એ સીધો બેઠક ખંડ તરફ ધસી ગયો . એના આગમન જોડેજ પિતાજીએ સમાચારપત્ર સંકેલી લીધું . ” રમણ નો ફોન આવ્યો હતો. એણે બધી વાત કરી . ” ” એ રકમ તમે મારા હાથમાં સીધી પણ થમાવી શક્યા હોત . ” દીપકના એકજ વાક્ય પાછળ અઢળક પ્રશ્નો છુપાયા હતા. ” હા , જાણું છું . પણ તારોજ પિતા છું . મારુ અહમ પણ તારા અહમના કદ જેટલુજ હશે ને . ” પિતાજીની આંખો હળવેથી હસી ઉઠી . આ હાસ્ય દીપક માટે નવીન હતું .


” પણ આપને તો ધંધા જોડે એલર્જી છે . તો પછી ?” ” એલર્જી તો મને નોકરીથી હતી . ” અચાનક ફરીથી પિતાજીની આંખોમાં ગંભીરતા ઘેરાઈ આવી . ” મને કશું સમજાઈ નથી રહ્યું . ” દીપક થોડો વિહ્વળ થયો અને થોડો અકળાયો .

” હું પોતાનો સ્વતંત્ર ધંધો કરવા ઈચ્છતો હતો . જ્યાં આવકના આંકડાઓ મર્યાદિત પગારમાં બંધાઈ ન રહે . કોઈની જી હજુરી કરવી ન પડે . જ્યાં દરેક નિર્ણયો પોતાના હોય . પરંતુ મારા પિતાજીનો સાથસહકાર ન મળ્યો . નોકરીજ જીવન નિર્વાહનો સુરક્ષિત માર્ગ હોય એ વાત એમના મનમાં દ્રઢ જડાઈ ગઈ હતી . નોકરીમાં ધંધા જેટલા સાહસ ખેડવાના ન હોય . મહિનાને અંતે ખિસ્સામાં એક પગારની નિશ્ચિતતા હોય તોજ રાત્રે ચેનથી ઊંઘી શકાય . અમારા વૈચારિક મતભેદો ધીમે ધીમે વેગ પકડતા ગયા .

અમારા સંબંધ વચ્ચે એક અડગ ભીંત સમા ઉભા થઇ ગયા . પિતાજીના વિરોધ છતા મિત્રો જોડે મળી એક મોટી રકમ લોન પર ઉઠાવી આખરે હું ધંધામાં પ્રવેશ્યો . શરૂઆતમાં ધંધો સારો એવો જામ્યો . પણ ચાર મિત્રો અને ધંધા અંગેના ચાર જુદા જુદા અભિપ્રાયો . દુર્ભાગ્યે મારો ધંધામાં પ્રથમજ પ્રવેશ નિષ્ફ્ળ નીવડ્યો . લોનની રકમ ચાર સરખા ભાગમાં ચુકવવાની હતી . મારા ભાગે આવેલી રકમ ની ચુકવણી કરવા આખરે મારે પિતાજીની શરણોમાં પરત થવું પડ્યું . એમના મરજી માફકની નોકરી અને એમની ઈચ્છા મુજબનું જીવન સ્વીકારવા સિવાય મારી પડખે અન્ય કોઈ વિકલ્પ ન હતો”

પિતાજીના જીવન અંગેની હકીકતે દીપકને ચોંકાવ્યો . પોતાના મનમાં ઉઠી રહેલ પ્રશ્નો હોઠ ઉપર આવી વસ્યા. ” તો પછી મારા સ્વતંત્ર ધંધો કરવાના નિર્ણયને આપના તરફથી ટેકો શા માટે ન મળ્યો ?” ” હું એક પિતા છું . મારા જીવનની નિષ્ફ્ળતાઓ હું મારા દીકરાના જીવનમાં ફરી પુનરાવર્તિત થતી નિહાળવા ઈચ્છતો ન હતો . મારા ભુતકાળના જીવન અનુભવોને આધારે હું તારા ભવિષ્યના અનુભવોને નિષ્ફ્ળતાવિહિન અને સંઘર્ષ વિહીન રાખવા ઈચ્છતો હતો . પરંતુ એ પ્રયાસ આદરી હું એ ભુલ્યો કે તને તારા જીવનના અંગત અનુભવો જાતે ભેગા કરવાનો પૂરો અધિકાર છે .


કોઈ પણ માતાપિતા પોતાના બાળકને ઇજા ગ્રસ્ત પરિસ્થિતિમાં નિહાળી શકતા નથી . તેથીજ કદાચ વધારે પડતી સુરક્ષાઓ વચ્ચે ઘેરી પરોક્ષ રીતે બાળકનો પ્રાકૃતિક વિકાસ અવરોધતા રહે છે . પણ જો બાળક ઇજા પામશે જ નહીં , તો જીવનભર ઇજાથી ડરતું રહેશે . પડતીનો સામનો કરવાથી , ઇજા વેઠવાથીજ તો સહનશક્તિ વિકસે અને સાચી નીડરતા ગ્રહણ કરી શકાય એ તથ્ય એકબાજુ પડ્યું રહી જાય છે . “

પિતાજીના વિચારો અને અભિગમમાં અચાનક આવેલો બદલાવ દીપક માટે અત્યંત વિસ્મયયુક્ત હતો. ” તો પછી રકમ ચૂકવવાનો નિર્ણય તમે શા માટે લીધો ?” ” જે દિવસે મને જાણ થઇ કે મારા વિરોધ છતાં તે રમણ પાસે આર્થિક મદદ માંગી, તે દિવસે મારા મનમાં અગણિત પ્રશ્નો ઉઠ્યા . આપણી વચ્ચે આવી રહેલ ભાવાત્મક અંતર મારું હૃદય કળી ગયું . હું સમજી ગયો કે તારા હૃદયમાં મારા અંગે એવીજ ભાવનાઓ વિકસી રહી હતી ,જે આજ સુધી મારા હૃદયમાં મારા પિતાજી અંગે હતી . મેં જીવનભર નોકરી કરી એટલે કે મારા પિતાજી ફક્ત મારી સફળતાઓમાં મારી પડખે રહેવા ઇચ્છતા હતા . મારી નિષ્ફ્ળતાઓ જોડે એમને કોઈ સંબંધ રાખવો ન હતો.


મારી નિષ્ફ્ળતાઓ એમને જોવીજ ન હતી . કદાચ હું પણ એજ ભૂલ કરવા જઈ રહ્યો હતો. પણ મારે એ ભૂલ કરવી નથી. જે માતાપિતા પોતાના બાળકની સફળતાની ઉજવણી માં ભાગ લે કે ન લે પરંતુ એની નિષ્ફ્ળતાઓમાં અડગ, અચૂક એની પડખે રહી એને પ્રોત્સાહન પૂરું પાડતા રહે છે , એજ ઘરોમાંથી મહાન વિજેતાઓ અને ચેમ્પિયન સમાજને ભેટમાં મળે છે. મારા ઘરમાંથી પણ એક વિજેતા મને સમાજને ભેટ આપવો છે અને એ માટે મારે એની દરેક નિષ્ફ્ળતાઓમાં અડગ , અચૂક એની પડખે રહેવું છે. એની દરેક હારને જીતમાં ફેરવવી છે . એને દોડતો જોવો છે અને જો દોડતા દોડતા પડી પણ જાય તો હાથ લંબાવી એને ફરી ઉભો કરવો છે. એ માટે એની સહમતી મળશે ?”

પિતાજી જોડે નિયમિત લાંબી લચક દલીલોમાં ઉતરનાર દીપક પાસે આજે એક પણ શબ્દ ન હતો . તેથી એ ચુપચાપ ભીની આંખો જોડે પિતાજીને ભેટી પડ્યો .

લેખક : મરિયમ ધુપલી

વાર્તા વિષે આપના અભિપ્રાય અમને જરૂર જણાવજો.