રેપીસ્ટ ની માઁ – આ માતાએ કર્યું બહુ સાહસભર્યું કામ, બહુ હિંમત જોઈએ પોતાના દિકરા સાથે આવું કરવા માટે…

રાત ના 2:30 વાગ્યા હતા…હું પાણી પીવા માટે રસોડા તરફ જવા પોતાના રૂમ માંથી નીચે ઉતરી…ત્યાં જ મેં ઘર ના મુખ્ય દરવાજા માંથી છાના પગલે ઘર માં પ્રવેશી રહેલા અભય ને જોયો.. “અભય…તને સમય નું કાઈ ભાન છે કે નહીં…ઘડિયાળ માં સમય તો જો..આમ.અડધી રાત સુધી આવારા છોકરાઓની જેમ ફરવું તને શોભતું નથી…”મેં મારા મોટા દીકરા અભય ને આમ મોડી રાત્રે ઘરે આવવા બદલ ટોકતા કહ્યું.

“મમ્મી પ્લીઝ તું ફરી તારું આ ભાષણ ચાલુ ન કરીશ” અભય અલ્લડતા થી બોલ્યા “માઁ છું તારી ..જે કહું છું એ તારા સારા માટે કહું છું”


અભય કઈ સાંભળતો જ ન હોય એમ એના રૂમ માં જતો રહ્યો..હું પણ એની પાછળ એની રૂમ માં જઇ જ રહી હતી કે અભયે મને બઉ ઊંઘ આવે છે એમ કહી સીધો જ રૂમ નો દરવાજો મારા મોઢા પર બંધ કરી દીધો…હું હોઠે આવેલા શબ્દો ગળી ગઇ…આ કઈ પહેલીવાર નહોતું બન્યું..એટલે જ મને મારા પ દીકરા અભય ના આવા વર્તનથી ચિંતા થઈ ઉઠતી…

અભય નું વર્તન દિવસે દિવસે તોછડું થતું જતું હતું..એની હરકતો પણ એક સારા ઘર ના દીકરા ને શોભે એવી નહોતી…રાત્રે મોડા મોડા ઘરે આવવું….સવારે મોડા સુધી સુઈ રહેવું…..ગમે ત્યારે નહાવું…ગમે ત્યારે જમવું..આવારા મિત્રો સાથે ફરવું…અને અનેક વ્યસનો પણ એના જીવન માં ઘર કરી ગયા હતા…પરિવાર ના સભ્યો સાથે તો જાણે દુશ્મનાવટ હોય એવું જ વર્તન….

હું ઘણીવાર આ અંગે અભય ના પિતા સાથે વાત કરતી પણ એના પિતા દીકરો હવે મોટો થઈ ગયો છે એટલે એની ચિંતા જાતે કરી શકે છે એમ કહી આંખ આડે હાથ કરી દેતા..પણ મને એ જ વાત ની ચિંતા હતી કે દીકરો હવે મોટો થઈ રહ્યો છે જો સમય રહેતા એને સુધારવા માં નહિ આવે તો ખૂબ જ નરસું પરિણામ ભોગવવું પડશે.અભય ની ચિંતા માં મને એ રાત્રે ઊંઘ જ ન આવી…સવારે ઉઠી ફરી પાછી એ જ રોજિંદી દિનચર્યા માં હું પરોવાઈ ગઈ..


એક દિવસ શાકભાજી લેવા હું માર્કેટ ગઈ હતી…પરત ફરતી વખતે મેં જે દ્રશ્ય જોયું એનાથી મારુ હ્ર્દય દ્રવી ઉઠ્યું…સડક ના કિનારે બેઠેલા કેટલાક યુવાનો એક રસ્તે ચાલતી છોકરી ની છેડતી કરી રહ્યા હતા…હું એ લોકો ને રોકવા થોડી નજીક ગઈ..પણ નજીક જતા જ મેં એ યુવાનો ના ટોળાં માં મારા દીકરા અભય ને પણ જોયો…અભય પણ એ છોકરી ને છેડતી કરી રહ્યો હતો…હું ત્યાંથી બે ડગલાં પાછળ ખસી ગઈ..અભય મારો દીકરો છે એની આજે મને શરમ આવી…

મને મારા સંસ્કારો આજે કાચા પડતા દેખાય…એને ત્યાં જ એક તમાચો ચોડી દેવાનું મન થઇ ગયું..પણ ત્યાં જ આજુબાજુ ઉભરાયેલી ભીડમાંથી ઘણા લોકો પેલી યુવતી ની મદદે આવ્યા અને અભય એના મિત્રો સાથે ત્યાંથી ફરાર થઈ ગયો..હું ઘરે ગઈ અને અભય ના આવવાની રાહ જોવા લાગી…ધુંઆપુંઆ થયેલી હું અભયની રાહ જોતી ઘર માં આમથી તેમ આંટા મારી રહી હતી..અને મારી આ દશા અભય ના પપ્પા અને મારો નાનો દીકરો રાહુલ જોઈ રહ્યા હતા…સમગ્ર પરિસ્થિતિથી અજાણ આ બન્ને જણા મારી સામું પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા..પણ હું હમણાં અભય સિવાય કોઈ સાથે વાત કરવા તૈયાર નહોતી એની એમને જાણ હતી એટલે એમના થકી મને કોઈ જ સવાલ ન પૂછાયો..થોડી જ વાર માં અભય ઘરે આવ્યો..

“ઓહ…આવી ગયા તમે લાડસાહેબ….ડુબાડી આવ્યા અમારું નામ” હું લગભગ તાળુકી “what nonsence,મોમ” અભય જાણે કઈ બન્યું જ ન હોય એમ બોલ્યો.. “અજાણ બનવાની કોશિશ ન કરીશ…તું જ્યારે તારા આવરગી પેલી નિર્દોષ છોકરી ની છેડતી કરી પ્રદર્શિત કરી રહ્યો હતો ત્યારે હું ત્યાં જ હતી” મેં એના કારનામા એની સામે છતાં કર્યા.


પોતાની હરકતો ને છુપાવવા અભય બસ એટલું જ બોલ્યો “એ તો અમે મસ્તી કરતા હતા” મારો પારો આસમાને પહોંચી ગયો…છેડતી ને મસ્તી નું નામ આપી એ જાણે છટકવા માંગતો હતો…ખુદ પર હવે હું કાબુ ગુમાવી ચુકી હતી…મારો હાથ તીવ્ર ગતિ થી એના ગાલ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ મારા પતિ એ મને રોકતા કહ્યું

“જુવાન દીકરા પર આમ હાથ ઉગામવો યોગ્ય નથી….વાત વધારે બગડશે..આપણે એને શાંતિથી સમજાવીશું..અત્યારે રાત ખૂબ થઈ ગઈ છે..ચાલ સુઈ જઈએ” વાત હજી ચાલુ જ હતી કે અભય એના રૂમ માં ચાલ્યો ગયો..અને ધડામ દઈને દરવાજો પટક્યો…હું આજે ફરી મારો ગુસ્સો ગળી ગઈ..પણ મારી અભય માટે ની ચિંતા હવે વધી રહી હતી..

દિવસો આમ ને આમ વીતી રહ્યા હતા..એકવાર ઘરની સાફસફાઈ કરતા અભય નો વિખરાયેલો રૂમ મારી નજરે પડ્યો..આમ તો એના રૂમ માં જવાની…એની કોઈ પણ વસ્તુને અડવાની અમને બધા ને સખ્ત મનાઈ હતી..પણ ક્યારેક રૂમ ની સફાઈ કરવા હું એના રૂમ માં જતી .આજે પણ એના અસ્તવ્યસ્ત રૂમની સાફ સફાઈ માટે હું એના રૂમ માં આવી ચડી..બધી વસ્તુ ઠેકાણે મુકી..

રૂમ વ્યવસ્થિત કરી હું બહાર નીકળવા જ જતી હતી કે મારી નજર એના અધખુલ્લાં લેપટોપ પર પડી..અભય ની બેદરકારી જોઈ મને ફરી એની ચિંતા થવા લાગી..એના એ અધખુલ્લાં લેપટોપ નો પાવર ઓફ કરવા મેં એને ઉઘાડયું..લેપટોપ ની સ્ક્રીન પર એક pause કરેલો વિડીયો હતો જે લેપટોપ ના ખુલતા play થવા લાગ્યો..હું એને બંધ કરવા જ જતી હતી ત્યાં જ મારી નજર સ્ક્રીન પર ગઈ અને મેં જે જોયું એ પછી મારા પગ નીચે થી જમીન ખસી ગઈ..હું માથે હાથ મૂકી ત્યાં જ ફસડાઈ પડી..


અભય અને એના મિત્રો દ્વારા દુષ્કૃત્ય થયું હતું એનો એ પુરાવો હતો..હું રડમસ થઈ ગઈ…મેં ધ્યાન થી જોયું તો મને ખ્યાલ આવ્યો કે એ છોકરી પેલી જ હતી જેની અભય અને એના મિત્રો માર્કેટ માં છેડતી કરી રહ્યા હતા .મને તે દિવસે અભય ના ગાલ સુધી ન પહોંચેલો મારો તમાચો યાદ આવી ગયો…કાશ એ દિવસે એ તમાચો એના ગાલ પર જડી દીધો હોત..એને એની ભૂલ નું ભાન કરાવ્યું હોત તો આમ આજે એ છોકરી ની જિંદગી બરબાદ ન થઈ હોત….

મારી અંદર રહેલી મમતા ની સામે આજે એક સ્ત્રીત્વ જીતી ગયું હતું અને એટલે જ મેં એ છોકરી ની તપાસ કરવાનું શરૂ કરી દીધું..તપાસ કરતા ખબર પડી કે એનું નામ શૈલી છે અને અભય સાથે એની કોલેજ માં જ અભ્યાસ કરે છે..કોલેજ ના પ્રિન્સિપાલ ની મદદ થી એના ઘર નું સરનામું મેળવી હું સીધી જ એના ઘરે ચાલી ગઈ…ખૂબ જ હિંમત કરી ડોરબેલ પર હાથ મુક્યો..દરવાજો ખુલતાની સાથે સામે મારી જ ઉંમર ની એક મહિલા હતી

“હા.બોલો..કોનું કામ છે?” એ મહિલા એ મારી સમક્ષ પ્રશ્નાર્થ નજર કરતા પૂછ્યું “જી શૈલી…શૈલી છે…મારે એનું કામ હતું” મેં ઢીલા અવાજ માં જવાબ આપ્યો “ના શૈલી તો નથી …એ વેકેશન કરવા બહાર ગઈ છે..આવે ત્યારે આવજો” એટલું કહી એ દરવાજો બંધ કરવા જ જતા હતા કે મેં એમને રોક્તા કહ્યું “પ્લીઝ મારુ શૈલી ને મળવું ખૂબ જ જરૂરી છે…હું એની સાથે થયેલા દુષ્કૃત્ય થી વાકેફ છું અને એની મદદ કરવા ઇચ્છુક છું”


સામે ઉભેલી મહિલા શૈલી ની મમ્મી હતી..મારી વાત સાંભળી એમને મને શૈલી ને મળવાની પરવાનગી આપી..હું એમની સાથે શૈલી ના રૂમ માં પહોંચી..ત્યાં બેડ પર સુનમુન બેઠેલી શૈલી ને જોઈ મને અભય પર ઘીન્ન ઉતપન્ન થઈ…ચહેરા અને હાથ પર થયેલા ઉઝરડા એ હવસખોર ના દુષ્કૃત્ય ને સાબિત કરવા પૂરતા હતા…પણ એ થી વધારે ઝખ્મો કદાચ શૈલીના હ્ર્દય ને પહોંચ્યા હતા..એટલે જ એ કઈ પણ બોલી શકે એવી પરિસ્થિતિ માં ન હતી “આવું થયું ત્યારની એકદમ ચૂપ જ થઈ ગઈ છે..કાઈ બોલતી જ નથી”એની મમ્મી એ ફરિયાદ કરતા કહ્યું

મેં શૈલી નો હાથ મારા હાથ માં લેતા કહ્યું “શૈલી..હું તારી મદદ કરવા આવી છું….હું અભય ની મમ્મી છું” અભય નું નામ સાંભળતા શૈલી ના ચહેરા પર ડર ની રેખાઓ ઉપસીએ આવી..પોતાના બન્ને પગ સંકેલી એના પર બની શકે એટલા જોર થી હાથ ભીંસી એ રડવા લાગી…મેં ફરી એના માથે હાથ ફેરવ્યો “એ નરાધમો ને સજા મળવી જ જોઈએ” મેં ગુસ્સા માં કહ્યું

“પણ આંટી…જો હું કઈ પણ બોલીસ તો એ લોકો મારો વિડીયો વાયરલ કરી દેશે” એટલું બોલી એ ફરી રડવા લાગી “નહિ કરી શકે…કારણ એ વિડીયો હાલ મારી પાસે છે…ચાલ તું મારી સાથે પોલીસ સ્ટેશન..એમના વિરુદ્ધ માં ફરિયાદ કરવા” મેં મક્કમતાથી એનો હાથ પકડ્યો “હા ચાલો…હું એ નરાધમો ને નહિ છોડું…હું એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ જ” શૈલી એ હિંમતથી જવાબ આપ્યો


અમે પોલીસ સ્ટેશન જવા નીકળી રહ્યા હતા ત્યાં જ શૈલી ની મમ્મી એ કહ્યું “અરે તમે શું કરો છો…મારી દીકરી ને આમ ભડકવો નહિ…પોલીસ ફરિયાદ કરીશું તો લોકો શુ કહેશે…. અમારી આબરૂ ના ધજાગરા થશે…તમારું તો કઈ નહિ જાય” હું કઈ બોલું એ પહેલાં જ શૈલી બોલી ઉઠી “મારી લૂંટાયેલી આબરૂ કરતા લોકો શુ કહેશે આ વધારે મહત્વ નું છે?” એનોએ આ ધારદાર પ્રશ્ન એની માતા ને ચૂપ કરાવવા માટે પૂરતો હતો.

હું અને શૈલી પોલીસ સ્ટેશન પહોંચ્યા…અમારી પાછળ શૈલી ના માતાપિતા પણ શૈલી ની મદદ કરવા પોલીસ સ્ટેશન આવી ચડ્યા..અમે અભય અને એના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પુરાવા તરીકે પેલો વિડીયો ઇન્સ્પેક્ટર ને સોંપ્યો…પોલીસ અધિકારીએ તાત્કાલિક જ પગલું લેતા અભય અને એના મિત્રો ની ધરપકડ કરી..હું શૈલી ને એના ઘરે મૂકી મારા ઘર તરફ રવાના થઈ..

ઘરે અભય ના પિતા ને ચિંતાગ્રસ્ત હાલત માં જોયા..એમને મને અભય ની ધરપકડ ની વાત જણાવી..સામે મેં પણ એમને સઘળી હકીકત થી વાકેફ કર્યા…સમગ્ર ઘટના ની નાજુકતા અને મારા નિર્ણય નો મર્મ સમજી ને એમને પણ મારા અભય ને પોલીસ ને હવાલે કરવાનો નિર્ણય વધાવી લીધો..કોર્ટ માં કેસ ચાલ્યો..અમે અભય ને બચાવવા ની કોઈ જ કોશિશ ન કરી..એના અપરાધ બદલ એને સજા મળવી જ જોઈએ એવો મારો અને અભય ના પપ્પા નો મક્કમ નિર્ણય હતો..અને આખરે અભય ને જન્મટીપ ની સજા ફરમાવવા માં આવી..

જતા જતા અભય કરગરી રહ્યો હતો..કડાચ એને એની ભૂલ સમજાઈ ગઈ હતી..પણ હવે મારી એના પ્રત્યે ની મમતા મરી પરવારી હતી..એક નારી નું સન્માન ન જાળવી શકે એવા વ્યક્તિ પ્રત્યે હું જરા પણ દયાભાવ ન કેળવી શકી..પોલીસવાન માં બેઠેલા અભય સામે છેલ્લી વાર જોવાની પણ મેં પરવાહ ન કરી…મને શૈલી ને ન્યાય અપાવ્યો એ વાત ની ખુશી હતી..હું અને અભય ના પપ્પા ઘરે પરત ફર્યા…


બીજા દિવસે પોતાની જાત ને દિનચર્યા માં ગોઠવવા અમે મથી રહ્યા હતા..હું શાકભાજી લેવા માર્કેટ ગઈ…પણ માર્કેટ માં ફરતા દરેક લોકો ની નજર મારા પર ફરી રહી હતી..દરેક નજર તિરસ્કાર ના ભાવ ઉપજાવી રહી હતી.કેટલાક અવાજો પણ મારા કાને અથડાયા “આ તો પેલા અભય ની મમ્મી છે ને” “હા પેલો રેપીસ્ટ અભય” “જરા શરમ જેવું છે કે નહીં આમ સરેઆમ ફરવા નીકળી પડી છે…એના દીકરા ના કાળા કૃત્ય ની કાઈ લાજ જેવું છે કે નહીં” “સંસ્કારો માં જ ખોટ હશે…તો જ આવા કપૂત દીકરા પાકે”

મને આજે શૈલી ની મમ્મી ના શબ્દો યાદ આવી ગયા “અભય ની મમ્મી તમારું તો કઈ નહીં જાય..અમારી આબરૂ ના ફજેતા થશે” આજે મેં મારું માન સન્માન સરેઆમ લૂંટાતું જોયું..હું નજર નીચી કરી ત્યાંથી સીધી ઘરે આવી..ઘરે આવી ત્યારે રાહુલ ઘરે હતો અને ગભરાયેલો હતો..મને જોતા જ એ મને વળગી પડ્યો

“મમ્મી હું કાલ થી સ્કૂલે નહિ જાઉં”એટલું બોલી એ રડવા લાગ્યો..રાહુલનું પણ શાળામાં બીજા વિદ્યાર્થીઓ દ્વારા અભય ના કારણે અપમાન થયું..અરે શાળા ના આચાર્ય એ તો રાહુલ ને એમની પાસે બોલાવી ચેતવણી પણ આપી દીધી.થોડી જ વાર માં એના પપ્પા પણ લટકતા મોઢે ઘરે આવ્યા..એ પોતાના સમગ્ર સ્ટાફ સામે લડી ન શક્યા અને નોકરી માંથી રાજીનામુ મૂકી દીધું…


શૈલી ના પરિવાર ની સાથે સાથે આબરૂ અમારી પણ ગઈ હતી…બસ ફરક એટલો જ હતો કે એમની એ લૂંટાયેલી આબરૂ માટે લોકો ની નજર માં દયાભાવ હતો..જ્યારે મારા માટે મારા પરિવાર માટે બધા ની જ નજર માં બસ ઘૃણા…તિરસ્કાર…ગુસ્સા ના ભાવ તરવરતા હતા..લોકો ની નજરો ભૂખ્યા વરુ ની જેમ અમારા પર ત્રાટકી પડતી અને કઈ કેટલાય મહેણાંટોણા એમના મુખ માંથી સરી પડતા..મારા સંસ્કાર ને વગોવતા એ લોકો ને કઈ રીતે સમજાવવા કે કઈ માતા પોતાના બાળક ને રેપીસ્ટ બનવાના સંસ્કાર આપતી હશે..ક્યાં માબાપ એવું ઇચ્છતા હશે કે પોતાનું સંતાન જેલવાસ ભોગવે.?


એ ઘટના ને આજે એક વર્ષ વીતી ચૂક્યું છે…અમે એ શહેર છોડી બીજે વસવાટ શરૂ કર્યો છે..મારો દીકરો રાહુલ શાળામાં અને આસપાસ ના લોકો દ્વારા થતા અપમાન ના કારણે ડિપ્રેસન નો ભોગ બન્યો હતો..એનું ડિપ્રેસન એટલી માત્રા માં વધી ગયું કે 3 મહિના પહેલા જ ડોકટરે એને મેન્ટલી ડિસેબલ જાહેર કર્યો છે સાદી ભાષા માં કહું તો રાહુલ હવે પાગલ થઈ ગયો છે..રાહુલ ના પપ્પા એ અહીં નવી નોકરી શરૂ કરી છે અને પોતાનું જીવન થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે..હું પણ એ બન્ને ના સહારે જીવન જીવી રહી છું..પણ આજે પણ જ્યારે ઘર બહાર નીકળું છું ત્યારે મારી પર ફરી રહેલી દરેક નજર માં મને એક જ સંબોધન દેખાય છે..

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ