જલ્સા કરોને જેંતીલાલ

માતાના મઢમાં દેવચંદ વાણીયાની ભક્તિથી કેવી રીતે પ્રસન્ન થયા “માં” આશાપુરા…

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૯૦ કિ.મી. ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે. “નવરાત્રી માં દેશવિદેશ થઈ દરરોજ ઉમટે છે લાખો પદયાત્રીઓ અને ભક્તો છતાંય પ્રસાદ ભોજન ખૂટતો નથી.”


આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.

“આજે પણ કચ્છ ના મહારાવ નવરાત્રી માં કરે છે વિશિષ્ટ પૂજા.” શત્રુઓ ના આક્રમણ થી કચ્છ ના રાજ્ય નું હમેશા માતાજી એ રક્ષણ કર્યું છે.

આજે પણ કચ્છ ના રાજવી વંશજ મહારાવ નવરાત્રી માં આઠમ ના દિવસે માતાજી ની પૂજા કરવા આવે છે. પવિત્ર ચાચર કુંડ માં સ્નાન કરી ને નગ્ન પગે માતાજી ને પત્રી ચડાવે છે, આ એક વિશિષ્ટ પૂજા છે, અને ત્યારે એવું કહેવાય છે કે માતાજી પર મુકેલો પુષ્પ આશીર્વાદ રૂપે નીચે પડે છે, જ્યાં સુધી એ પુષ્પ નીચે ના પડે ત્યાં સુધી પૂજા અટકતી નથી. ત્યાર બાદ પૂજા સંપન્ન ગણાય છે અને પ્રસાદ વહેંચાય છે.

“માતાજી ના પ્રાગટય પાછળ ની કથા”

માતાજી ના પ્રાગટય પાછળ ની કથા કઈંક એવી છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં.

વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા.

પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ કહ્યું કે “તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું, પરંતુ તારી ભક્તિ અને સેવા થી હું પ્રસન્ન છું,” તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. અને માતાજી એ તને આશીર્વાદ આપ્યા અને તેને ઘેર પુત્ર નો જન્મ થયો. અને આજે પણ લાખો ભક્તો ની મનોકામના પુરી કરે છે માતાજી.

લેખન સંકલન- આનંદ ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version