જલ્સા કરોને જેંતીલાલ

માસુમ દિકરી, બેવફા પતિ, સ્વાભિમાની પત્ની… નાનકડી પણ સમજવા જેવી વાર્તા…

૫ ટૂંકી વાર્તા- માઈક્રો ફિક્શન

અધૂરા સપના

“અરે સાંભળ્યું કે” સંતોક બહેને ઉત્સાહી અવાજે સૌમિલભાઈ સામે જોઈ કહ્યું “શું થયું?” સૌમિલભાઈ એ છાપું વાંચતા વાંચતાજ જવાબ આપ્યો..

“આ નયનભાઈ ના દીકરાની વહુને એવોર્ડ મળ્યો… સ્ટેટ લેવલે કથક ડાન્સ કોમ્પીટીશનમાં પહેલી આવી છે અને સમાજવાળા સન્માન પણ કરવાના છે એનું… એને તો આખા ખાનદાનનું નામ અજવાળ્યું..” પછી ચોકડીમાં વાસણ ધસી રહેલી વંદનાની સામે જોઈ કટાક્ષમાં બોલ્યા “વહુ હોય તો આવી, હેં ભગવાન બધાના નસીબ ક્યાં નયનભાઈ જેવા હોય છે..”

વંદના કામ પતાવી પોતાના રૂમમાં આવી.. સાસુના બોલેલા શબ્દો કાનમાં અથડાયા.. ઉદાસ મોંએ એણે કબાટનું બંધ ખાનું ખોલ્યું .. પોતાની ડાયરી કાઢી સ્વલિખિત કવિતાઓ વાંચવા લાગી … આજે નવી કવિતા લખવા પાનું ખોલ્યું અને પેન ઉપાડી શીર્ષક લખ્યું “અધૂરા સપના” ..

“વંદના વહુ ૪ વાગી ગયા … આ ચા કેમ ના આવી હજુ… સુઈ ગયા છો કે શું” સંતોક બહેને આંગણામાંથી બુમ પાડી અને વંદનાના હાથમાં રહેલી પેન અટકી ગઈ … આંખમાંથી આંસુ સરી પાના પર પડ્યું… એણે ભીનો થયેલો કાગળ લૂછ્યો અને સાથે આંખો પણ.. ડાયરી બંધ કરી ખાનામાં મૂકી કબાટ બંધ કરી દીધું… કવિતા અધૂરી રહી ગઈ એના સપનાની જેમ…

-સ્વાતિ સીલ્હર

કામ કોનું?

સવારના ૯ વાગ્યામાં ડોરબેલ વાગતા સચિને દરવાજો ખોલી કચરાપેટી કચરો લેવા આવેલા બેનને આપી, દરવાજો બંધ કર્યો ત્યાંજ સોફા પર બેસી માળા ગણતા સંતોકબેને ગુસ્સામાં સચિન સામે મો મચકોડ્યું,… આ જોઈ ચિન્ટુ એ પુછ્યું… કેમ દાદી ગુસ્સો કર્યો પપ્પા પર?

અરે બેટા… આ સ્ત્રીઓનુ કામ છે, આ સ્ત્રીઓના કામ કરતાં પુરુષ ને લોકો જુએ તો કેટલી શરમ લાગે… હં…અ.. “..દાદી… મમ્મી રોજ ઓફીસ જાય છે ત્યારે એને પણ રોજ કેટલી શરમ લાગતી હશે નહી!..” ચિન્ટુ સાવ ભોળા મને બોલી ઉઠ્યો….

-સ્વાતિ સીલ્હર

ઢળેલી આંખો

શ્રેયાએ ઘડિયાળમાં જોયું સાંજના ૬:૩૦ થયેલા .. એણે ઝડપથી બાથરૂમમાં જઈ નાઈટ ગાઉન પહેર્યું… તૈયાર થઈ વાળ થોડા વીંખી નાંખી ખુલ્લા કરી દીધા.. ડ્રોઈંગ રૂમમાં પડેલ ટીપોઈ પર પીવાઈ ગયેલ કોફી ના બે એંઠા મગ મુક્યા અને સોફાના તકિયા થોડા અસ્ત વ્યસ્ત કરી નાંખ્યા … ત્યાંજ ડોરબેલ વાગી… એણે ઝડપથી બેડરૂમમાં જઈ બેડની ચાદર પર કરચલી પાડી .. અને બ્લેન્કેટ ખોલીને અવ્યવસ્થિત હાલતમાં બેડ પર મૂકી દીધું..

દરવાજો ખોલતાજ સાહિલે શ્રેયાને જોઈ અને એને અજુગતું લાગ્યું … સાડીમાં સજ્જ રહેનાર શ્રેયા આજે આ સમયે નાઈટ ગાઉનમાં એ વિચારતા ઘરમાં પ્રવેશ્યો … સોફા પર બેસી બુટ કાઢતા ટીપોઈ સામે નજર પડી બાજુમાં સોફા તરફ ધ્યાન ગયું.. “કોણ આવ્યું હતું ઘરે ?” એણે પૂછ્યું પણ શ્રેયાં જવાબ આપ્યા વિના કોફીના મગ લઈ રસોડામાં ચાલી… શર્ટના બટન ખોલતો એ બેડરૂમમાં પહોંચ્યો અને વીંખાયેલી પથારી જોઈ કંઈ કેટલાય વિચારો એના મગજમાં ફરી વળ્યા… લાલઘુમ ચહેરે એણે બુમ પાડી “શ્રેયા…આ..” પણ શ્રેયાએ જાણે સાંભળ્યું જ ના હોય એમ રસોડામાં કામ કરતી રહી… સાહિલ ગુસ્સામાં આગ જારતો લાલ આંખો સાથે શ્રેયા પાસે જઈ એનો હાથ જોરથી પકડ્યો અને તાડુક્યો “કોણ હતો એ બોલ.. મારી ગેર હાજરીમાં આ બધું… તને શરમ ના આવી”

શ્રેયા શાંત ચિતે એની નજરોમાં નજર મિલાવી બોલી…“સૌથી પહેલાતો તમારો આ ગુસ્સો ખંખેરી નાંખો અને ધોઈ આવો તમારી આ લાલ ઘૂમ આંખો..” સાહિલ ના કપાળ પર કરચલીઓ ઉપસી આવી લાલ આંખો વધુ લાલ થઈ “લોહી ઉકળી રહ્યું છે મારું … કેવી રીતે ખંખેરુ ગુસ્સો?…” શ્રેયા મક્કમ અવાજે બોલી “ એવીજ રીતે જેવી રીતે ઓફિસથી આવ્યા બાદ તમારા શર્ટ પરથી લાંબા વાળ ખંખેરી લીપ્સ્ટીકના ડાઘ હું છેલ્લા બે વર્ષથી ધોવું છું” … લાલઘુમ આંખો શરમથી ઢળી પડી…

-સ્વાતિ સીલ્હર

વ્હાલ

“મમ્મી મારે ચોકલેટ ખાવી છે” ૫ વર્ષની નાનકડી ઈશુએ મમ્મીનો પાલવ પકડતા જીદ કરી..

“ઈશુ ચોકલેટની તને બહુ ખરાબ આદત પડી છે… રોજ ચોકલેટ ખાવાની… દાંત સડી જવાના છે તારા …” સીમાએ એને સમજાવતા કહ્યું
“પ્લીઝ મમ્મી પ્લીઝ…” ઈશુએ હઠાગ્રહ કરતા સીમાએ મીઠું મ્હેણું મારતા કહ્યું “આ તારા રાહુલ ભાઈએ તને ચોકલેટની આદત પાડી છે તે જા એમને જ કહે તને લાવી આપે..” “મમ્મી રાહુલ ભાઈ નથી આજે કોલેજ થી મોડા આવાના છે એમના મમ્મી એ કહ્યું..

રાહુલ એમના પડોશમાં રહેતો ને ઈશુ સાથે એને પહેલીથી બહુજ લગાવ એની માંગતી વસ્તુ પણ લાવી આપતો અને ચોક્લેટ ત્તો રોજ એણે ખાવાનીજ રાહુલના મમ્મી ને છોકરી બહુજ ગમતી પણ રાહુલ જ એકમાત્ર સંતાન એટલે એ ઈશુને નાનપણથીજ રમાડવા લઈ જતા ઈશુને એમના ઘરની ખુબ માયા … મોટા ભાગે ત્યાં જમી પણ લેતી ઈશુની જીદ સામે જુકી મમ્મી એ એને ચોકલેટ લાવી આપી… એણે ખાતા જોઈ પોતે હરખાઈ પણ ખરી.. “મમ્મી તું મને વ્હાલ નથી કરતી હો..” ઈશુએ ચોકલેટ ખાતા ખાતા ફરિયાદ કરી..

સીમાએ પોતાની મીઠુંડી ને ખોળામાં બેસાડતા ગળે ચૂમી ભરી .. “બસ આટલુંજ રાહુલ ભાઈ તો મને બહુ વ્હાલ કરે…”

“એમ! કેવું વ્હાલ કરે તારા રાહુલ ભાઈ ..” સીમાએ હસતા હસતા પૂછ્યું “રાહુલ ભાઈ મને ચોકલેટ આપે ત્યારે એમના રૂમમાં લઇ જાય પછી મારા કપડા ઉતારે અને મને બહુજ બધી બચીઓ કરે…અને… ” સીમના પગ તળેથી જમીન સરકી ગઈ એની આંખો પહોળી થઈ ગઈ.. એણે દીકરીને પોતાની છાતી સરસી ચાંપી દીધી…

-સ્વાતિ સીલ્હર

સમર વેકેશન

સમર વેકેશન આવતાજ માતા પિતા આખું વર્ષ ભણીને રજાઓની રાહ જોતા પોતાના બાળકોને ગરમીથી રાહત આપવા ને તેમના એન્જોયમેન્ટ તેમજ રીફ્રેશ્મેન્ટ માટે હોલીડેઝ પર જવાના પ્લાનિંગ કરે છે. અને બાળકો ખુશ થઇ જુદા જુદા પ્રવાસિક સ્થળો એક્સ્પ્લોર કરવા લાગે છે , ગૂગલ તો કોઈક જુદી જુદી ટ્રાવેલ એજન્સીસ પર કોઈક કુલુ મનાલી તો કોઈક દાર્જીલિંગ કોઈક વળી સ્વીટ્ઝરલૅન્ડ ને કોઈક આઇસલેન્ડ પસંદ કરે છે હોલીડેઝ પર જઈએ ત્યારે કઈ કઈ એકટીવીટી કરશું ને કેવી મજા પડશે તેના સપના બંધાવા લાગે છે બાળકની અને માતા પિતાની આંખમાં..

એજ વખતે..

ફૂટપાથ પર સુતેલી એક માતા કોઈક અવાજ થી અધૂરા સપનામાં જ ઝબકીને સફાળી બેઠી થઈ જાય છે ..ભર ઉનાળે ગરમ લુ ની વરાળો કાઢતા ધગધગતા રોડ પર ચાલવાથી પડેલા પગના છાલા… ને એ અવાજ છાલાની પીડાથી ઊંઘમાં બાળકના મોંમાંથી નીકળતા શીશકારાનો… ને ત્યારબાદ માતા સુઈ નથી શકતી, એ માતાએ જોયેલું અધૂરું સપનું કદાચ એના બાળકોને આવતા ઉનાળા સુધીમાં પગમાં પહેરવા સ્લીપર્સ લઈ આપી શકે , એવુજ કંઈક હોતું હશે ને, નહી…..

લેખક : સ્વાતિ સીલ્હર

દરરોજ આવી અનેક સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version