“માસ્તર સાહેબ, રોકાઈ જાવને” – ફ્રેન્ડશીપ દિવસની એક અદ્ભુત ગામઠી વાત By Mukesh Sojitra

“એય મનું તારા ભાઈબંધ તો બે ભજીયા ખાઈને આ હાલ્યા, આમ હાલે?? તું કેતો જ એ રોકાશે. આતો સુવાણ થાય એટલે કહું છું!! આ તો તું મરચાં ગોતવા ગ્યોને માસ્તર તકનો લાભ લે છે!! જલદી હાલ્ય જલદી હાલ્ય” કાળી અંધારી રાતે કડકડતી ઠંડીમાં પુના કાળાની વાડીયે ભજીયા બનતા હતાં. અને પંકજ માસ્તર થોડાં ભજીયા ખાઈને હાલી નીકળ્યાં ત્યારે કનુભાઈ એ મનું ભાઈ ને કીધું અને મનુભાઈ ત્યારે ક્યારામાં મોટાં મરચાં ગોતવા નીકળ્યા હતા. એ ત્યાંથી સીધા જ્યાં ભજીયા બનતા હતાં એ ઓરડી પાસે ત્યાં આવી ગયા અને પકંજભાઈ નો હાથ પકડીને કીધું.

“આમ હાલે માસ્તર સાહેબ,?? આમ પોગ્રામ મુકીને ભાગી જવાય,??આમાં મારી આબરૂ શું???, વાડીમાં જે પ્રોગ્રામ થાય એમાં નિયમ હોય કે અધૂરા પ્રોગ્રામે કોઈ ના જઈ શકે!! માસ્તર સાહેબ રોકાઈ જાવને!!”
અને બસ માસ્તર રોકાઈ ગયાં, અને બધાં ખડખડાટ હસી પડ્યા!!
પંકજ પટેલ આ ગામમાં શિક્ષક તરીકે છેલ્લાં આઠ વરસથી નોકરી કરતાં હતાં અને ગામમાં ભળી ગયાં હતાં જેમ ચણાના લોટમાં મરચાં અને મેથી ભળે એમજ!! આમ તો એ આ તાલુકાના જ હતાં પણ વતન ૫૦ કિલોમીટર દૂર એનું ગામ હતું. આવ્યાં ત્યારે એકલાં જ રહ્યા હતાં!! ગામમાં એકલાં માસ્તરને ભાડે મકાન મળતાં થોડી વાર લાગે. પહેલે જ દિવસે એને મનુભાઈ મળી ગયેલાં અને મકાનનું ગોઠવી દીધેલું. મનુભાઈ એની મોટીબેનનો દાખલો કઢાવવા આવેલાને પંકજભાઈ હાજર થવા આવેલા અને આચાર્યએ ઓળખાણ કરાવેલી.

“આ મનુભાઈ પટેલ, શાળામાં અવારનવાર ઉપયોગી થાય છે, તમારે અહી રહેવું હોય તો મનુભાઈ મકાન ગોતી દેશે, મનુભાઈ ના મોટા ત્રણ ભાઈઓ સુરત રહે છે, એ સારું કમાય છે!! મનુભાઈ અહી એકલાં ખેતી સંભાળે છે!! તમને મોજ આવશે અહી ગામડામાં જો રહેવું હોય તો!! પંકજે મનુભાઈ સાથે રામ રામ કર્યા અને પોતાનો પરિચય આપ્યો. થોડી આડા અવળી વાતો કરી ને પછી પછી પંકજભાઈ બોલ્યાં!!

“ચાલો ત્યારે મજા આવી તમારી સાથે વાતો કરવાની અને મારી ઈચ્છા અપ ડાઉન કરવાની છે. તાલુકા એ રહીશ આમેય મારા ચાર ભાઈબંધ મારી સાથે જ નોકરીએ લાગ્યાં છે તે અમે બધાં એ સાથે જ રહેવાનું નક્કી કર્યું છે”

“સાહેબ આ શું બોલ્યાં રોજ રોજ અપડાઉન કરવા કરતાં અહી જ રહી જાવ ને અને આમેય આપણે એક તાલુકાના ને એટલે ભાઈયું જ કહેવાઈને એમ કરો માસ્તર સાહેબ અહી રોકાઈ જાવને!!!” અને પંકજભાઈ રોકાઈ ગયાં ગામમાં જ!! સાંજે મનુભાઈને ત્યાં જમી લીધું, મનુભાઈ અને એની પત્ની અને એનાં બા બાપુજી આમ ચાર જ જણા રહેતાં હતાં. મનુભાઈને એક છોકરો અને છોકરી હતી.એ મોટાભાઈને ત્યાં સુરત રહેતાં હતાં, અને ત્યાજ ભણતાં હતાં કારણકે ગામમાં ચાર ધોરણ જ હતાં. બીજે દિવસે એક મકાન ગોતી દીધું એય ને સાવ સ્વતંત્ર!! ભાડુંય વળી ઓછું અને એય પણ મનુભાઈ રહેતાં હતાં ઈ જ શેરીમાં!! અને પછી એ શાળાના આચાર્યની થઇ બદલી અને પંકજભાઈ થઇ ગયાં સીધા આચાર્ય.!! ધોરણ એક થી ચાર અને એક શિક્ષક!! સાવ નાનું એવું ગામ!! આમ તો ત્રણ શેરીનુજ ગામ!!

પછી તો નિશાળના સમય સિવાય પંકજભાઈ અને મનુભાઈ લગભગ સાથેજ હોય. ગામમાં એક જ દુકાન અને ત્યાં બપોરે છાપું આવે તે આ બંને આખેઆખું છાપું વાંચી લે!! કોઈને ત્યાં પ્રસંગ હોય ને તો મનુભાઈની સાથોસાથ પંકજભાઈને પણ આમંત્રણ મળવા લાગ્યું અને એ પણ જવા લાગ્યાં. શરૂઆતમાં પંકજ હાથે રાંધે પણ પછી તો લગભગ મનુભાઈ ને ત્યાજ જમીલે!! રવિવારે તો બપોરે મનુભાઈને ત્યાજ જમવાનું!!મનુભાઈને ઘરે બધાનો સ્વભાવ ખુબ સારો એટલે પંકજ પણ આમંત્રણ સ્વીકારી લે!! રવિવારે ખાસ કાઈ કામ ના હોય એટલે મનુભાઈને પંકજ ગામના પાદરે બેઠા હોય. અગિયાર વાગે એટલે પંકજ ઉભો થાય અને કહે ચાલો હવે હું રાંધી નાંખું.!!

“હવે આપણી ઘરે જમી લઈએ, રોકાઈ જાવ ને માસ્તર સાબ!!” મનુભાઈ કહે ને પંકજ ભાઈ એનાં ઘરે જમી લે.. અને દર રવિવારે સાંજે વાડીમાં પ્રોગ્રામ હોય ભજીયાનો, ક્યારેક કટકીના ભજીયા તો ક્યારેક બટેટાની પૂરી, તો ક્યારેક બરાબર મસાલો મળ્યો હોય તો કુંભણીયા ભજીયા પણ ઝીંકી દે!! ચટણી બનાવવામાં પંકજ માસ્તર માસ્ટર હતાં. દહીં માં લાલ મરચું નાંખીને ઉપર એક લીંબુ નીચોવે અને થઇ જાય ચટણી તૈયાર અને પછી જે ઈ વાડીના ભજીયા બને એ હોય ટેસ્ટી.!! છેલ્લે બધાં ઉભા ગળે ખાઈને ખુલ્લામાં જમાવે. મનુભાઈને આમ કોઈ વ્યસન નહિ પણ જયારે જ્યારે વાડીએ પ્રોગ્રામ હોય ત્યારે એક સીગરેટ પીવે.. એક જ સિગારેટ અને એય બે કે ત્રણ વખત ઘૂંટ મારીને ધુમાડો કાઢી નાંખવાનો!! બાકી એને સિગારેટ પીતાં પણ ના આવડે. સાથે આવેલ માણસો બધાં સિગારેટના માસ્ટર!! પછી તો એક સિગારેટમાં પંકજ ભાઈ અને મનુભાઈ બે બે ઘૂંટ મારે!! શરૂઆતમાં પંકજભાઈ ના પાડે.

“ મને ના ફાવે મનુભાઈ!!, કેવું લાગે એક શિક્ષક સિગારેટ પીવે એ!! બાળકોને ખબર પડે તો,?? અને ગામવાળા કેવો વિચાર કરે કે માસ્તર થઈને આ બંધાણ”!!

“તે આને બંધાણ થોડું કહેવાય, અઠવાડિયે એક વાર આ ગોટા કાઢવાની મજા આવે,આ રાત જેવું ધાબુ, આ કડકડતી ટાઢ, આ ભુક્કા કાઢી નાંખે એવા ભજીયા અને એક એક સટ!! બોલો આવી બાદશાહી કોને હોય!!?? હવે પીય લ્યોને માસ્તર આમાં ક્યાં આખી આખી પીવાની છે આ તો બબ્બે ઘૂંટ અને ગોટા કાઢી નાંખવાના બીજું શું સાથે લઇ જાવાનું છે” અને પંકજ ના ન પાડી શકે તે એ ય બે સટ મારી લ્યે!! પછી તો પંકજના લગ્ન થયાં, પોતાની પત્ની સંધ્યાને પણ ગામ ફાવી ગયું તે પંકજ જાય નિશાળે ને સંધ્યા જાય મનુભાઈ ને ઘરે!! રાતે જયારે જયારે વાડીએ પ્રોગ્રામ હોય ને ત્યારે સંધ્યા પણ ઘરે ના રાંધે એ મનુભાઈને ત્યાં જમી લે!! એક જાતનો લગાવ જ થઇ ગયો બને વચ્ચે!!

મનુભાઈ ની વાડીએથી શાક બકાલું તો આવેજ પણ ઉનાળામાં કાચી કેરી થી માંડી પાકી કેરી અને ગુંદા, મરચા, અને ગાજર પણ પંકજભાઈ ને ઘરે પહોંચી જાય. હવે ઈ વખતે પંકજભાઈને પગાર લેવા છેક તાલુકામાં જવાનું અને રોકડમાં પગાર આવે.. તે સાથે મનુભાઈ પણ જાય એને પણ તાલુકામાંથી કંઇક લાવવાનું હોય. આ બાજુ માસ્તર કેન્દ્રવર્તી શાળામાં પોતાના પગારનું કામ પતાવે અને મનુભાઈ એની ખરીદી અને પછી ક્યારેક સમય હોય તો ટોકીઝમાં જઈને ૧ થી ૪ ના શો માં ફિલ્મ જોઈ આવે નહીતર આવે પાછા!! હવે તાલુકે જવા માટે બે ગાઉં ચાલવું પડે અને પછી જ તમને છકડો મળે.!!

એક દિવસની વાત છે આવી જ રીતે પગાર લેવા માટે પંકજ અને મનુભાઈ ગયાં તાલુકાએ.. બંને એ પોતાનું કામ પતાવ્યું અને સાથે જમ્યા પછી બને ગયાં એક દુકાને એ દુકાન વાળો પંકજભાઈ ના ગામનો એટલે પંકજે પોતાના પગારમાંથી ૩૦૦૦ રૂપિયા કાઢીને એક બાજુ મુક્યા અને બાકીનો પગાર પેલાં દુકાનવાળાને આપી ને બીજી આડી અવળી વાતો કરીને પછી જવા ઉભા થયા. બંને ભાઈ બંધો છકડામાં બેસીને આવ્યાં નજીકના ગામે અને ત્યાંથી અંધારું થાય ઈ પહેલાં પહોંચી ગયાં ઘરે..

ઘરે જઈને પંકજે પોતાનું પાકીટ ખોલીને જોયું તો મોતિયા મરી ગયાં. પેલાં અંદર નાંખેલા ૩૦૦૦ હજાર રૂપિયા ના મળે!! આ તો ભારે થઇ!! પોતાની અને મનુભાઈ સિવાય કોઈ હતું નહિ!! ઘરે પૈસા મોકલાવ્યા ત્યારે ૩૦૦૦ અલગ કાઢ્યા એ સો ટકાની વાત હતી!! પોતે પછી ક્યાંય ગયાં નહોતા એ પણ સો ટકાની વાત હતી!! પોતાની સાથે મનુભાઈ સિવાય કોઈ નહોતું એ પણ સો ટકાની વાત હતી!! તો પૈસા ગયાં ક્યાં!!!??? ફરથી પાકીટ ત્રણ વાર જોયું, પણ હોય તો મળે ને ?? વળી પાકીટ પોતાની પાસે જ હતું તો આ પૈસા ગયાં ક્યાં???

અચાનક એને યાદ આવ્યું કે પોતે ટેમ્પામાંથી ઉતર્યા ત્યારે પાકીટ એણે મનુભાઈ ને આપ્યું હતું અને પોતે એ વખતે પેશાબ કરવા ગયો હતો. પણ એટલીવારમાં મનુભાઈએ પૈસા કાઢી લીધા હશે?? શું એ રમત કરતાં હશે?? હા એવું હોઈ શકે કદાચ !! ભાઈબંધ રહ્યા એટલે મશ્કરી કરે પણ ખરા જોકે અત્યાર સુધી એ બીજાની મશ્કરી કરતાં પણ એની મશ્કરી કયારેય નથી કરી!! પંકજ સીધો મનુભાઈ ને ઘરે ગયો ને વાત કરી.

“ ભારે કરી મનુભાઈ તમે તો મને આ ભર શિયાળામાં પરસેવે રેબઝેબ કરી નાંખ્યો. ઓલ્યા પૈસા લાવો જે તમે મારા પાકીટમાંથી રમત કરવા માટે કાઢી લીધા હતાં, જ્યારે આપણે ટેમ્પામાંથી ઉતર્યા ત્યારે”

“મેં નથી કાઢ્યા સાહેબ, હું કાઈ આવી મશ્કરી કરું,?? અને કરી હોય તો, ગામ આવે ઈ પહેલાં આપી દઉં” મનુભાઈ બોલ્યાં.

“ ભારે થઇ તો શું રસ્તામાં પૈસા પડી ગયાં હશે!!” કહીને પંકજભાઈ એનાં ઘરે ગયાં.સંધ્યાએ વળી એ રાતે શેરો બનાવ્યો હતો પણ હવે ઈ ભાવે ખરો???’’ કલાક પછી મનુભાઈ અને એનાં પત્ની આવ્યાં.

“માસ્તર સાહેબ પૈસા મળી ગયાં કે નહિ,”?? મનુભાઈ એ કીધું.
“નાં રે ના પાકીટ પણ નીચેથી સાજુ છે,પૈસા નીચેથી તો નીકળે જ નહિ અને તમારી સિવાય મેં પાકીટ કોઈને આપ્યું નથી.”
“ ભારે કરી ત્યારે હવે શું કરીશું?? કેટલા ત્રણ હજાર હતાં નહિ”??
“હા ત્રણ હજાર જ હતાં “ નિસાસો નાંખીને પંકજ બોલ્યો.
“લ્યો ત્યારે આ પૈસા એમાં મુંજાઈ શું ગયાં ભલા આદમી આ તો હું ચેક કરતો હતો કે માસ્તર સાહેબ ના ગાઢ કેટલા છે, એનામાં સહન કરવાની હિમત કેવી છે?? પણ તમે તો સાવ ફોસી નીકળ્યા, તમે મને પાકીટ આપ્યુંને ત્યારે જ મેં એ કાઢી લીધા હતાં” કહીને મનુભાઈ હસી પડ્યા.

“ભારે કરી હો મનુભાઈ, મને તો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો, પૂછો સંધ્યાને મેં શેરો પણ ના ખાધો, ખાવાનું ભાવ્યું જ નહિ ને અલી લાવ્ય શેરો” પંકજ ફૂલ ફોર્મમાં આવી ગયો, મનુભાઈના પત્ની અને સંધ્યા પણ હસ્યાં. બધાએ શેરો ખાધો. પછી તો અલકમલકની વાતો થઇ.જતી વખતે મનુભાઈ બોલ્યાં.

“માસ્તર સાહેબ, આ વાત કોઈને કરતાં નહિ, મારી આબરૂના કાંકરા થશે હો , ભાઈબંધો ઠેકડી કરશે હો. ભલા થઇ ને ભૂલી જજો, મનેય શું કમત સુજી કે આવું કરી બેઠો બાકી વાત બાર જાય ને તો ભવિષ્યમાં કોઈ માસ્તર અમારા જેવા ગામડિયાનો ભરોસો નહિ કરે, તમે કોઈને કેતા નહિ ભલા થઇ ને” મનુભાઈ રીતસરના ગળગળા થઇ ગયાં. પંકજે ધરપત આપી કે

“ભાઈબંધીમાં આવું તો હાલ્યા કરે ને તમે તો મશ્કરી કરી હતીને ચોરી તો નહોતી કરીને?? વળી તમે તરત પૈસા પણ આપી ગયાં છોને એટલે તમે મૂંઝાવમાં હું ક્યારેય વાત નહિ કરું.”

પણ આ ઘટના બન્યા પછી મનુભાઈ નું વર્તન થોડું બદલાઈ ગયું, એ વાડીએ જતાં રહે ને પંકજભાઈને આમાં મજા ના આવી તે એક વખતે એ વાડીયે જ પોગી ગયો.

“કેમ મનુભાઈ આવતાં બંધ થઇ ગયાં છો? હમણા શેઠની દુકાને પણ નથી આવતાં!! મારાથી રિસાઈ તો નથી ગયાં ને”??
“પંકજભાઈ સોખમણ જેવું થાય છે ભલા થઈને તમે એ વાત કોકને કરોને કે મનુભાઈ એ પાકીટમાંથી પૈસા કાઢી લીધા હતાં ને તો મારે તો જીવવું નકામું થઇ જાય” મનુભાઈ ફરીથી લાગણીશીલ બની ગયાં. ને પંકજે ફરીથી ધરપત આપી ને પાછો પુર્વરત સંબંધ શરુ થઇ ગયો.
મહિના પછી પગાર લેવા જવાનું થયું અને પંકજ માસ્તરે સાંજે શેઠની દુકાને મનુભાઈને કીધું.
“કાલે પગાર લેવા જાવું છે, સવારે તૈયાર થઇ જજો, વહેલા નીકળીશું”
“માસ્તર સાહેબ કાલે મેળ નહિ આવે કાલે જારમાં પાણી વાળવાનું છે અને ભાગીયો ય લગ્નમાં ગયો છે, વળી કાલ જ લાઈટ રેશે પછી કાંઇક થાંભલા ફેરવવાના છે તે અઠવાડિયું સીમ માં લાઈટ જ નહિ આવે, એમ કરો કાલે તમે એકલાં જઈ આવો” મનુભાઈએ કહ્યું ને પંકજ સમજી ગયો કે એનાં મનમાં હજુ પેલી જ વાત છે પણ મહિના બે મહિનામાં ભૂલી જશે. એટલે એણે વધારે આગ્રહ ના કર્યો,. પંકજ માસ્તર એકલા જ ગયો પગાર લેવા. આજ તેને મનુભાઈ વગર કંટાળો આવતો હતો. રોજ તો એ સાથે હોયને રસ્તો ઝટ દઈને ઉકલી જતો હતો પણ આજે એને રસ્તો ખુબ લાંબો લાગ્યો. તાલુકે જઈને કેન્દ્રવર્તીમાં થી જઈને પગાર લીધો. બાજુમાં જ ટોકીઝ અને ફિલ્મ પણ સારું હતું, પણ મનુભાઈ વગર એને મૂડ ના ચડ્યો. પગાર લઈને એ પેલી એની ગામની દુકાને ગયા જ્યાં એને પગારમાંથી ઘરે પૈસા મોકલવાના હતાં. અને દુકાનવાળાએ એને રીતસરનો ઘચકાવ્યો.

“એલ્યાં પકલા પૈસાનું તો ધ્યાન રાખતો હો તો, તારા બાપુજીને આપવાના પૈસા તો તે મને આપી દીધાં પણ તારે લઈ જવાના પૈસા ૩૦૦૦ તું અહિયાં ટેબલ પર જ ભૂલી ગયોને, આ તો બપોર ટાણું હતું ને કોઈ ઘરાક નહિ ને તે હું ભાળી ગયો પછી તો હું તમારી બેયની પાછળ આવ્યો પણ તું કે તારો પેલો ભાઈબંધ મનુ ક્યાય દેખાણા નહિ મને થયું કે આ વખતે વગર પૈસે પકલો હેરાન થાવાનો અને આમેય તાણ વાળો માણસ. જરૂર હોય એટલાં જ લઇ જાય ને બાકીના ઘરે બાપાને મોકલાવે એટલે એની પાસે કઈ હશે તો નહિ એટલે પાછો લેવા આવશે. પણ આ આખો મહિનો વહ્યો ગયો આ જ તું ડોકાણો!! હવે પૈસાનું ધ્યાન રાખજે!! આ તો મારું ધ્યાન ગયું ને નહીતર બીજો કોઈ ઘરાક બંડલ લઈને વ્યો ગયો હોય તો પછી મારે ક્યાંથી કાઢવા”?? પંકજ માસ્તરને રીતસરના ચક્કર જ આવી ગયાં એ કાઈ બોલી જ ના શક્યો .એને જે પૈસા ઘરે મોકલવાના હતાં એ આપી દીધાં. પેલા દુકાનમાં ભૂલી ગયેલાં ૩૦૦૦ લઇ લીધા અને ચાલતી પકડી. દુકાનવાળો બોલ્યો.

“અલ્યા મોઢું કેમ પડી ગયું છે?? તને કીધું એમાં ખોટું લાગ્યું આ તો તારા સારા માટે કીધું છે ખોટું લાગ્યું હોય તો સોરી”

“ ના એવું નથી પણ આ તો મારી તબિયત સારી નથી ને એટલે એવું મોઢું છે, બાકી ભૂલ મારી જ હતી, તમારો ક્યાં વાંક છે તે તમે માંફી માંગો છો માફી તો મારે જ માંગવી જોઈએ “ એમ કહીને પંકજ ચાલતો થયો. આજ ફરી વખત એનો જમવાનો મૂડ જતો રહ્યો હતો.પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો!! એક ભગવાન જેવા માણસ પર એણે અવિશ્વાસ કર્યો હતો, મનુભાઈએ વિશ્વાસ કરીને તરત જ ૩૦૦૦ આપી પણ દીધાં લીધા નહોતા તોય!! માંડ માંડ ગામ આવ્યું!! માસ્તર સીધાં જ મનું ભાઈ ના ઘરે!! મનુભાઈ ખાટલે જ બેઠા હતાં!!

“આવો આવો માસ્તર સાહેબ!! પગાર લઇ આવ્યાં !! મને પણ આજ તમારી વગર ના ગમ્યું હો, પણ મારે કામ જ એવું આવી ગયુંને, અરે આ શું સાહેબ તમે રોવો છો કેમ , કોઈએ કીધું તમને કાઈ”??

અને પંકજ બોલ્યો.

“તમે લીધા જ નહોતા મારા પૈસા તો આપ્યા શું કામ”?? અને પછી બધી જ વાત કરી. પંકજે માફી માંગી અને મનુભાઈ બોલ્યાં.
“તમારા પાકીટમાં પૈસા નહોતા એ હકીકત હતી. મારા સિવાય પાકીટ કોઈને પણ નહોતું આપ્યું એ પણ હકીકત હતી. પૈસા માટે હું સંબંધ ના બગાડું સાહેબ, બીજો કોઈ રસ્તો મારી પાસે નહોતો.

મારી પત્નીને મેં એ વખતે વાત કરી હતી તે એણેજ કીધું હાલો આપણે જઈને એને પૈસા દઈ આવીએ એ પૈસા સો ટકા કોઈ લઇ ગયું છે અથવા ગમે ઈ થયું હોય તમેય નથી લીધા એનીય પાસે નથી પણ એ માસ્તર સાબ છે અને માસ્તર સાબ ક્યારેય ખોટું ના બોલે એટલે આપણે પૈસા આપી દઈએ”!!

માસ્તર સાબ ક્યારેય ખોટું ના બોલે એ શબ્દો પંકજના હૈયામાં કોતરાઈ ગયાં!!
“મનુભાઈ તમારી જેવો માણસ આટલા પંથકમાં છે નહિ” પંકજ ગળગળો થઇ ગયો.
“હવે ભેગો ભેગો બીજો પણ એક ઉપકાર કરશો માસ્તર સાહેબ”??? મનુભાઈએ કહ્યું.
“જેમ પેલી વાત કોઈને નથી કરી એમ આ વાત પણ કોઈને નથી કરવાની બસ આટલું જ માંગું છું માસ્તર સાહેબ!! જીવનમાં અમુક વાતો કાળજામાં ઉતારવાની હોય!! કોઈને કહેવાની ના હોય” અને પંકજે વચન આપ્યું.કે એ આ વાત પણ કોઈને નહિ કહે.
“માસ્તર સાહેબ હવે જમીનેજ જાવ, સંધ્યાબેનને અહી જ બોલાવી લઈએ” મનુભાઈ બોલ્યાં કે પંકજભાઈ કહે ના એવું નથી કરવું તોય મનુભાઈ એ આગ્રહ કર્યો.!!

“માસ્તર સાહેબ હવે રોકાઈ જાવને” અને પંકજ રોકાઈ ગયો. મનુભાઈના પત્ની સંધ્યાને બોલાવી લાવ્યાં. સંધ્યાએ પણ વાત જાણી એ પણ ગદગદિત થઇ ગઈ અને પછી સાથે જમ્યા પણ તે ઘટના પછી મનુભાઈ ને પંકજ વચ્ચે નાતો ગાઢ થઇ ગયો. કોઈકના લગ્ન પ્રસંગમાં ચાંદલો લખવા પંકજ બેસે અને પૈસા લેવા મનુભાઈ બેસે. જે ચાંદલો લખે એ જાનમાં પણ જાય જ એવો અમારે કાઠીયાવાડમાં વણલખ્યો રીવાજ તે જાનમાં પણ બને સાથેજ હોય.. એયને સુવાણ કરતાં જાયને લગ્નને મહાલતા જાય.!!

પછી તો સમય વીતતો ચાલ્યો પંકજને પેલાં ખોળાની દીકરી થઇ અને બીજા ખોળાનો દીકરો!! દીકરીના જન્મ વખતે મનુભાઈએ પેંડા વહેંચેલા અને દીકરાના જન્મ વખતે પંકજે વાડીયે ભજીયાનો પ્રોગ્રામ આપેલો પછી તો સમયને અનુસાર પંકજે બદલી માંગી વતનમાં અને જયારે છુટા થવાનું આવ્યું ત્યારે મનુભાઈ કામ સબબ સુરત ગયેલાં. ભીના હૈયે પંકજે પોતાની પ્રથમ શાળા છોડીને વતનની બાજુની શાળામાં આવ્યો, પંદર દિવસ પછી મનુભાઈ આવ્યાં અને બોલ્યાં.

“મારે સુરત ખાસ કોઈ કામ નહોતું,પણ તમારે કૌટુંબિક જવાબદારી આવી અને બદલી માંગી લીધી. મને અને ગામને નથી ગમ્યું પણ, અંતે તો જુદું પડવાનું જ હોય, ભેગું થવાનો આ જ તો મતલબ છે કે એક દિવસ જુદું જ પડવાનું. તમે છુટા થતાં હોવને મારાથી બોલાય જાય કે માસ્તર સાહેબ રોકાઈ જાવને !!અને તમે એ પાળી ના શકો તો આપણી મિત્રતા લાજે એટલે એવું ના થાય એટલે જ હું સુરત જતો રહ્યો” પંકજ પણ ભાવ વિભોર થઇ ગયો. પછી તો મનુભાઈ બે દિવસ રોકાયા અને તે પછી અવારનવાર પ્રસંગોપાત પંકજ એ ગામમાં જાય મનુભાઈને મળે. સમય વીતતો ચાલ્યો. પંકજની દીકરી દસમાં ધોરણ આવી ગઈ હતી અને દીકરો આઠમું ભણતો હતો.મનુભાઈને મળ્યા એને બે વરસ વીતી ગયાં હતાં.વચ્ચે સમાચાર આવતાં હતા કે મનુભાઈ બીમાર હતાં એટલે એ સુરત છે. એક દિવસ પંકજને લગ્નમાં જવાનું થયું સુરત એટલે અચાનક એને મનુભાઈ સાંભર્યા એ મનુભાઈના ભાઈના ઘરે ગયો જે યોગી ચોકમાં રહેતાં હતાં. વાત મળી કે મનુભાઈને કેન્સર છે અને વાઘોડિયા પાસે મુનિ આશ્રમ ગોરજમાં છે એક મહિનાથી.

લગ્ન અધૂરા મુકીને બીજે દિવસે સવારે જ પંકજ ગોરજ જતો રહ્યો.પત્ની સંધ્યાને કીધું કે તમે ને દીકરો દીકરી પ્રસંગ પતાવો હું સાંજે આવી જઈશ. ગોરજમાં જઈને પંકજે મનુભાઈને શોધ્યા બહારની સાઈડમાં આવેલ એક બિલ્ડીંગમાં નીચેની રૂમમાં મનુભાઈ હતા. કીમોથેરાપીને કારણે વાળ જતાં રહ્યા હતાં.આખું શરીર નંખાઈ ગયેલું અને સાવ દુબળા થઇ ગયેલાં મનુભાઈને પંકજ તો ઓળખી પણ નાં શક્યો ઘડી વાર,!! અને પછી ભેટી પડ્યો અને રડી પડ્યો.

“જીવન છે ચાલ્યા કરે,!! મોજમાં રહેવાય માસ્તર સાહેબ,!! આ ઉનાળામાં દીકરા અને દીકરીના લગ્ન છે, તમે સહ કુટુંબ આવજો, અત્યારથી આમંત્રણ આપું છું હું જીવતો રહીશ તો કંકોતરી દેવા આવીશ નહિ તો પછી ક્યારેક ભેગા તો થઈશું જ”!!
“એવું અમંગળ ના બોલો તમારે તો મારી દીકરીના લગ્નમાં પણ આવવાનું છે, અને હવે તો તમને સારું છે એમ તમારાં ભાઈઓ કહેતા હતાં” પંકજે વાત ફેરવી.

“ હા સાચી વાત છે કેન્સરના દર્દીને એમ જ કહે બધાં,!! બાકી તમે ગયાં પછી તો વાડીયે લગભગ પ્રોગ્રામ કરતાં જ નહિ અને સિગારેટ મૂકી એને વરસો થઇ ગયાં, અને એ પણ મહિનાની જ ચાર જ એ પણ અડધી અડધી જ તોય કેન્સર થયું બોલો. !! બાકી આપણા ગામમાં રોજની ચાર ચાર જુડી ફૂંકી નાંખે એને પાણાય નથી પડતાં. તમે આવશો એની ખાતરી હતી જ, કોઈ દુઃખ નથી મને જીંદગીથી!! ભાઈઓ એ મારા માટે ઘણું જ કર્યું છે. દીકરો અને દીકરી પરણી જાય એટલે આપણું બોર્ડ પૂરું છે” મનુભાઈ ઊંડા વિચારમાં પડી ગયાં.

પછી તો એણે આખી હોસ્પિટલ બતાવી, જમવાનું સરસ છે, ખર્ચ ઓછો છે, અનુબેને આ આશ્રમ બાંધ્યો એક વગડામાં એ બેને જે કામ કર્યું એની વાતો કરી. જૂની વાતો સંભારી, એક એક વસ્તુ મનુભાઈને મોઢે હતી.સાંજ પડવા આવી હતી. પંકજ માસ્તરે રજા માંગી.
“અરે માસ્તર સાહેબ રોકાઈ જાવને,શું ઉતાવળ છે!! મનુભાઈ અસલ રંગમાં આવી ગયાં.

“મનુભાઈ અત્યારે ઉતાવળમાં છું. રજાઓ નથી મારી પાસે. લગ્નમાં જરૂર આવીશ એક અઠવાડિયા અગાઉ આવીશ. અત્યારે સુરત થી સંધ્યા અને બેય બાળકો બેસી જશે હું વડોદરાથી એની સાથે ખાનગી બસમાં બેસી જઈશ એવું નક્કી થયેલ છે” પંકજે કહ્યું.

“ માસ્તર સાહેબ રોકાઈ જાવ ને, આજની રાત રોકાઈ જાવ, મજા આવશે, આપણે સુવાણ કરીશું, એક રાતમાં શું ખાટુ મોળું થઇ જાશે ટિકિટ કેન્સલ કરાવી નાંખો, કાલે નીકળજો માસ્તર સાહેબ રોકાઈ જાવને” મનુભાઈ બોલ્યાં શબ્દો કાળજાની અંદરથી આવતાં હતાં.!!

“ પછી ક્યારેક આવીશ, ઉનાળાના વેકેશનમાં તો સીધો જ આવીશ પણ અત્યારે જવાદો મનુભાઈ તમે ઢીલા ના પડો” પંકજે મનુભાઈના હાથ પકડી લીધા.

“ઠીક છે ચાલો ત્યારે રોડ સુધી મુકવા આવું” હાથમાં હાથ પકડીને મનુભાઈ પંકજને રોડ સુધી મુકવા આવ્યાં. રોડથી થોડે દૂર એક પાંનની કેબીન ત્યાં ગયાં અને કીધું કે ચાલો છેલ્લી વાર એક સટ મારી લઈએ માસ્તર સાહેબ ના ન પાડતા. તમે ગયાં પછી લગભગ પીધી નથી. એક સિગારેટ લીધી પંકજ પાસે એક ઘૂંટ મરાવ્યો અને પછી એક ઘૂંટ માર્યો અને સિગારેટ ઓલવી નાંખી.

“કોઈ અબળખા નથી માસ્તર સાહેબ, બસ મારો દીકરો દીકરી પરણી જાય ને તો ભયો ભયો, આ લ્યો એક કામ કરો આ ૫૦૦ રૂપિયા તમારી દીકરીના હાથમાં દેજો અને કેજો કે મનું કાકાએ આપ્યા છે, કદાચ તમારી દીકરીના લગનમાં ન અવાય તો પછી ચાંદલાના ગણી લેજો ”
પરાણે મનુભાઈએ પંકજ ના ખિસ્સામાં ૫૦૦ની નોટ નાંખી. બસ આવી પંકજ બસમાં બેઠો.

“માસ્તર સાહેબ રોકાઈ ગયાં હોત તો સુવાણ રેત” અને પછી એ બોલી ના શક્યા અવળું ફરી ગયાં. અને બસ ચાલી. પંકજ પણ ગમગીન થઇ ગયો. વડોદરાથી એ બસમાં ગોઠવાયો. સંધ્યાને વાત કરી.એણે પણ ખેદ વ્યકત કર્યો. સવારે પંકજ વતનમાં પહોંચ્યો અને બીજા દિવસે સવારે છાપું હાથમાં લીધું અને છેલ્લે પાને એક અવસાન નોધ જોઈ અને ચોંકી ગયો. મનુભાઈનો ફોટો હતો. ત્રણ દિવસ પછી એનું બેસણું હતું. એની દીકરી જોઈ રહી કે પાપા રડે છે, સંધ્યા આવી એણે છાપું વાંચ્યું. પંકજે ખિસ્સામાંથી ૫૦૦ ની પેલી નોટ કાઢી અને પોતાની દીકરીને આપી.

“બેટા આ પૈસા સાચવીને રાખજે તારા મનુકાકાએ આપ્યા છે” એ આગળ ના બોલી શક્યો. એ ફોટા સામે સ્થિર જોઈ રહ્યો એને હજુ પણ પેલાં શબ્દો ઘુમરાઈ રહ્યા હતાં.

“માસ્તર સાહેબ, રોકાઈ જાવને, આજની રાત રોકાઈ જાવ”

લેખક*મુકેશ સોજીત્રા ૪૨ શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,ઢસાગામ તા*ગઢડા જી. * બોટાદ ૩૬૪૭૩૦

આપ સૌ ને આ વાર્તા કેવી લાગી અચૂક જણાવજો !!

ટીપ્પણી