તો જાણી લો આ પોપ્યુલર વાનગીની રીત અને બનાવો આ સ્વાદિષ્ટ વાનગી આપના રસોડે… કાલે નહીં… આજે જ…

“મસાલા કોકી”

સિંધી રસોઈની જાણીતી વાનગીઓ પૈકીની “કોકી” ખાસ કરીને સવારના નાસ્તા માટે બનાવવામાં આવે છે. પરંતુ, ટિફીન ફૂડ અને બપોરના કે સાંજના જમવામાં પણ કોકી બનાવી શકાય છે.

વ્યક્તિ : ૪

સમય :

તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૧૫-૨૦ મિનિટ

સામગ્રી :

૨ કપ ઘઉંનો ઝીણો લોટ,
૧/૨ કપ ઘઉંનો જાડો/કકરો લોટ,
૨ નંગ મધ્યમ કદની ડુંગળી,
૨૧/૨ ટે.સ્પૂ. ઘી/તેલ (મોવણ માટે),
૧/૪ કપ ઘી (શેકવા માટે),
૫-૬ નંગ લીલાં મરચાં,
૧/૪ કપ લીલાં ધાણા,
૨ ટી.સ્પૂ. જીરું,
મીઠું સ્વાદ મુજબ,
હુંફાળું ગરમ પાણી,

રીત:

૧) ડુંગળી અને મરચાંના એકદમ ઝીણા ટુકડા કરી લો. સાથે સાથે લીલાં ધાણા પણ ધોઈને સમારી લો.
૨) ઘઉંનો ઝીણો અને જાડો લોટ બંનેને બરાબર ભેળવી લો. તેમાં ઘી અથવા તેલનું મોવણ નાખી બરાબર હલાવી લો.
૩) ત્યારબાદ લોટમાં સમારેલી ડુંગળી, લીલાં ધાણા-મરચાં, જીરું, મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
૪) ધીમેધીમે તેમાં નવશેકું પાણી ઉમેરતાં જાઓ અને હલાવતાં જાઓ. ભાખરી કરતાં થોડોક નરમ એવો લોટ બાંધી લો. તેના પર ભીનું કપડું ઢાંકીને ૮-૧૦ મિનિટ મૂકી રાખો.

૫) બાંધેલા લોટમાંથી કોકી વણી લો. ધ્યાન રાખો કે કોકી ભાખરી કરતાં થોડી વધુ જાડી વણવાની હોય છે.
૬) તવો ગરમ કરી તેના ઉપર એક બાજુથી કોકી શેકી લો. તેને પલટાવીને બીજી તરફથી પણ શેકાવા દો. બંને તરફથી થોડી શેકાઈ જાય પછી કોકીને ઘી લગાડી બરાબર લાલ થાય તેવી કડક શેકી લો.
૭) કોકીને પહેલાં ધીમા તાપે અને પછી મધ્યમ તાપે શેકવી જેથી અંદરથી કાચી ના રહે.
૮) ચટણી, અથાણું, સૉસ, દહીં, રાયતું કે સલાડ સાથે ગરમાગરમ કોકીનો સ્વાદ માણો.

નોંધઃ

★ જાડો લોટ ઉમેરવાથી કોકી ક્રિસ્પી બને છે. ૧/૨ કપ કકરા લોટનાં બદલે ૧/૪ કપ સોજી પણ ઉમેરી શકાય.
★ કોકી શેકવામાં ઘી સામાન્ય રીતે વધુ વપરાય છે પરંતુ, ઓછું ઘી વાપરીને પણ એટલી જ સ્વાદિષ્ટ કોકી બને છે.
★ ડુંગળી આશરે લોટ કરતાં અડધી જેટલી લેવી અને ઝીણી સમારવી.
★ મસાલા કોકીમાં લાલ મરચું, હળદર, અજમો, દાડમનો પાવડર વગેરે પણ ઉમેરી શકાય.

“રિફ્રેશિંગ રાયતું”

વ્યક્તિ : ૨

સમય: ૧૦ મિનિટ

સામગ્રી :

૨૦૦ ગ્રામ મોળું દહીં,
૧ કપ કાકડીનું છીણ,
૧/૨ કપ સફરજનનું છીણ,
૧/૪ કપ દાડમના દાણા,
૩ લીલાં મરચાં,
૩ ટે.સ્પૂ. લીલાં ધાણા,
૫-૭ નંગ ફુદીનાનાં પાન,
૧ ટી.સ્પૂ. રાઈનાં કુરિયાં,
૨ ટે.સ્પૂ. ખાંડ,
૧/૨ ટી.સ્પૂ. મીઠું,

રીત:

૧) એક વાડકામાં દહીં, મીઠું અને ખાંડ ઉમેરી ચમચી વડે બરાબર હલાવી લો.
૨) કાકડી અને સફરજનને પાણીથી ધોઈને સાફ કરીને છાલ સાથે જ છીણી લો. છીણને દહીંમાં ઉમેરી દો.
૩) લીલાં ધાણા, ફુદીનો અને મરચાંને ઝીણા સમારીને દહીંમાં ઉમેરો. સાથે દાડમના દાણા અને રાઈનાં કુરિયાં ઉમેરી બરાબર હલાવી લો.
૪) ફ્રિજમાં ઠંડુ કરીને સજાવીને પીરસો.

નોંધ:

★ ૨ ટે.સ્પૂ. કાકડીનું છીણ, ૧ ટે.સ્પૂ. લીલાં ધાણા અને ૨-૩ નંગ ફુદીનાનાં પાન વાટીને ઉમેરવાથી રાયતું આછા લીલા રંગનું બનશે. દાડમની સાથે તે દેખાવમાં ખૂબ સરસ લાગે છે.
★ સફરજન છીણવાના બદલે ઝીણા ટુકડાં કાપીને પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી