બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. આજે હું એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી મસાલા ગ્રીલ સેન્ડવિચ ની રીત લાવી છું. ઝડપી બનાવવા માટે બટેટા ને વહેલા બાફી ને ઠંડા કરી લેવા..
સામગ્રી :
• બ્રેડ સ્લાઈસ
• બટર
• કોથમીર ની તીખી ચટણી
• ચાટ મસાલો
• થોડી ટામેટા ની સ્લાઈસ
• કેપ્સિકમ મરચાં ની સ્લાઈસ
મસાલા માટે
• 3 નાના બાફેલા બટેટા
• 2 ડુંગળી, એકદમ બારીક સમારેલી
• 2 લીલા મરચા, બારીક સમારેલા
• 1 ચમચી તેલ
• 1/3 ચમચી રાઈ
• મીઠું
• થોડી હળદર
• 1/4 વાડકો બારીક સમારેલી કોથમીર
• સ્વાદાનુસાર લીંબુ નો રસ
પીરસવા માટે
• કાકડી , ટામેટા સ્લાઈસ
• ટામેટા નો સોસ
• કોથમીર ની તીખી ચટણી
રીત ::
સૌ પ્રથમ મસાલો બનાવીએ.. બટેટા ને બાફી લો. ઠંડા પડે એટલે છાલ ઉતારી લો. આપ ચાહો તો અગાઉ થી જ બટેટા બાફી લો જેથી ઠંડા કરવા નો ટાઈમ બચી જશે અને મસાલો ચીકણો પણ નહીં થાય. બટેટા ને છૂંદી ને માવો બનાવી લો. નાની નોનસ્ટિક કડાય કે પેન માં તેલ ગરમ કરો. એમાં રાઈ ઉમેરો. રાઇ બરાબર થઈ જાય એટલે એમાં બારીક સમારેલી ડુંગળી અને મરચા ઉમેરો. ડુંગળી અને મરચા ને સરસ સાંતળી લો. ત્યારબાદ એમાં મીઠું અને હળદર ઉમેરો અને સાંતળો. મીઠું ધ્યાન થી નાખવું. બટેટા બાફવા માં પણ જો મીઠું ઉમેરેલું હોય તો એ પ્રમાણે જ મીઠું નાખવું..
ડુંગળી માં બટેટા નો માવો અને કોથમીર ઉમેરો. સરસ મિક્સ કરો. લીંબુ નો રસ ઉમેરો અને એકાદ મિનિટ શેકો અને ત્યારબાદ ગેસ બંધ કરી દો.
10 મિનિટ માટે આ મસાલો ઠંડો થવા દો. હવે મસાલો તૈયાર છે તો બનાવીએ સેન્ડવિચ..
બ્રેડ ની સ્લાઈસ પર બટર અને ચટણી લગાવો. આપના ટેસ્ટ મુજબ બંને સાઈડ આપ બટર અને ચટણી લગાવી શકો. હું એક બાજુ બટર અને એક બાજુ ચટણી લાગવું છું.
હવે એક બાજુ બટેટા નો માવો પાથરો. ચમચી ની ઊંધી બાજુ થી સરસ રીતે પાથરી શકાય. એના પર ટામેટા ની સ્લાઈસ અને કેપ્સિકમ મરચા પાથરો. ઉપર ચાટ મસાલો ભભરાવો.. બીજી સ્લાઈસ ઉપર મૂકી સેન્ડવિચ તૈયાર કરો.
ઉપર થોડું બટર લગાવવું.. આ સેન્ડવિચ ને ગ્રીલર કે ટોસ્ટર માં કડક કરો.. ગરમ ગરમ પીરસો. પીરસવા માટે કાકડી અને ટામેટા ની સ્લાઈસ તૈયાર કરો.
સેન્ડવિચ ની સાથે ટામેટા સોસ અને કોથમીર ની ચટણી પીરસો.. ચાહો તો ઉપર થી થોડું ચીઝ ખમણી ને સજાવવું.. આશા છે પસંદ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.