મસાલા ઘુઘરાં – ઘરે જ બનાવો સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીઓમાં જોઇને, ટેસ્ટી અને ચટપટા…

મિત્રો, ઘૂઘરા એ સૌરાષ્ટ્રનું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. એવું તો ચટપટ્ટુ અને તીખું તમતમતું બને છે કે આ પૂછો વાત, તેથી જ યંગસ્ટર્સનું ફેવરિટ ફૂડ છે. માટે જ આજે હું આવા ચટપટ્ટા અને તીખા તમતમતા ઘૂઘરા બનાવવાની રેસિપી લઈને આવી છું તો ચાલો બનાવીએ મસાલા ઘૂઘરા.

સામગ્રી :

Ø 500 ગ્રામ બટેટા

Ø 1 & 1/2 કપ મૈદો

Ø 1/2 કપ આમલીની ખાટીમીઠી ચટણી

Ø 3 ટેબલ સ્પૂન સુજી

Ø 1/4 કપ લીલા વટાણા

Ø 1/2 કપ કોથમીર

Ø 2 ટેબલ સ્પૂન દાડમના દાણા

Ø 2 ટેબલ સ્પૂન ઝીણી સેવ

Ø 2 ટેબલ સ્પૂન લીલી ચટણી

Ø 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા મરચા

Ø 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર

Ø 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો

Ø 1/2 ટેબલ સ્પૂન બારીક ખમણેલું આદુ

Ø તજ,મરી અને લવિંગ પાવડર

Ø મીઠું

Ø તેલ

તૈયારી : બટેટા બાફી, છાલ ઉતારી મેશ કરી લો. વટાણા બાફી લો. એક ઇંચ તજ, બે લવિંગ અને 5 -6 મરી દાણાનો પાવડર બનાવી લો.

રીત :

1) સૌ પ્રથમ એક મોટા વાસણમાં મૈદો ચાળીને લો. તેમાં સુજી અને મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પૂન તેલનું મોણ આપો. આપણે મુઠી પડતું મોણ આપવાનું છે.2) હવે તેમાં થોડું થોડું પાણી નાંખી મીડીયમ સોફ્ટ લોટ બાંધી લો. તેમાં અડધી ટેબલ સ્પૂન તેલ નાખી લોટને મસળીને સ્મૂથ કરી લો. આ લોટને 20 થી 25 મિનિટ સુધી ઢાંકીને રાખી દો જેથી લોટ બરાબર સેટ થઈ જાય.3) લોટ સેટ થાય ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લો. સ્ટફિંગ માટે એક મોટા વાસણમાં બાફીને મેશ કરેલા બટેટા લો તેમાં બાફેલા વટાણા, બારીક સમારેલા મરચા, આદુની પેસ્ટ, બારીક કાપેલા કોથમીર, મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર અને તજ મરી લવિંગનો પાવડર ઉમેરો.ફુદીનાનો સ્વાદ પસંદ હોય તો તાજા લીલા ફુદીનાને બારીક સમારીને ઉમેરી શકાય.4) બધું બરાબર મિક્સ કરી લો, તો આ તૈયાર છે સ્ટફિંગ માટેનો મસાલો.5) હવે લોટમાંથી લુઆ લઈને નાનકડી પૂરી વણો.પૂરી વણ્યા બાદ એક ગોળ વાસણથી કટ કરી શકાય જેથી બધાજ ઘૂઘરા એકસરખા બને. પૂરી વચ્ચે દોઢથી બે ટેબલ સ્પૂન સ્ટફિંગ માટેનો મસાલો ભરો.6) કિનારી પર સહેજ પાણી લગાવો જેથી ઘૂઘરા તળતી વખતે ખૂલી ના જાય.હવે પૂરીને અર્ધ-ગોળાકાર(ઘૂઘરાના) શેઇપમાં બંધ કરી દો. કિનારીઓને હાથથી શેઈપ આપો, ઘૂઘરા બનાવવા માટેના મોલ્ડનો પણ યુઝ કરી શકાય.7) મીડીયમ તેલ ગરમ કરીને હળવા હાથે ઘૂઘરા તળી લો, બંને સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળી લો.8) તળેલા ઘૂઘરાને સેર્વિંગ પ્લેટમાં લઈ ઘૂઘરામાં વચ્ચે ખાડો કરી તેમાં તીખી-મીઠી ચટણી, સેવ, દાડમના દાણા, કાંદા અને કોથમીર નાખી સર્વ કરો.9) મિત્રો, છેને મસ્ત મસાલેદાર ઘૂઘરા, જયારે સ્પાઈસી, મસાલેદાર ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવજો આ મસ્ત મસાલેદાર ઘૂઘરા.
નોંધ :
v તજ, લવિંગ, મરીનો પાવડર ઘૂઘરાને અનોખો સ્વાદ અને સોડમ આપે છે, છતાં પણ પસંદ ના હોય તો સ્કિપ કરવો.

v ઘૂઘરાને વધારે સ્પાઈસી બનાવવા માટે સ્ટફિંગમાં અડધી ચમચી ગરમ મસાલો પણ નાખી શકાય.

v આમચૂર પાવડરના ઓપ્શનમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :