સ્ત્રીઓના જીવનની સત્ય હકીકત…. જોબ કરતી બેહનોએ ખાસ વાંચવી આ વાર્તા…..

“થાક”

આજે ખૂબજ મોડું થઇ ગયું . ઓફિસ કલાકો પછી ની સ્ટાફ મિટિંગ માં દોઢ કલાક વધારે ગયા. મોડી રાત્રી ને ધોધમાર વરસાદ . ટેક્ષી સ્ટેન્ડ પાસે એક પણ ટેક્ષી ઉભી ન હતી. ગમે તેમ કરી ને એક ટેક્ષી મળી જાય ….થોડું ચાલી ને મુખ્ય રસ્તા સુધી પહોંચી. આવતીજતી દરેક ટેક્ષી ને હાથ બતાવતી એ કાંડા ઘડિયાળ ને વારંવાર એ રીતે નિહાળી રહી, જાણે આમ નિહાળવા થી સમય ની ગતિ ઓછી થઇ જવાની હતી. પણ સમય કોઈ ની ઈચ્છા ને આધીન થોડો ?

દૂર એક ટેક્ષી આવી થોભી ને એ ઝડપ થી ભાગી. થોડા પૈસા વધારે આપવા પડે તો ચિંતા નહીં, બસ ટેક્ષી મળી ગઈ એટલુંજ બહુ હતું. ટેક્ષી માં ગોઠવાતાજ મોટો હાશકારો થયો. ઘરે પહોંચી કાર્યો ની લાંબી હારમાળા રાહ જોઈ રહી હતી. દરરોજ કરતા દોઢ કલાક મોડી પહોંચશે એટલે દોઢ કલાક મોડે દિવસ પૂરો થશે ! આજ નો દિવસ પણ દરરોજ જેવોજ લાંબો , કાર્યો ની ભરમાળ વાળો , શ્વાસવિહીન જ પસાર થયો હતો. યાદ નથી અરીસા માં ચ્હેરો જોવાને કેટલા દિવસો વિતી ગયા હતા. પોતાની કાળજી લેવાને, કેટલીક અંગત ક્ષણો વિતાવવા ને , તાજી હવા અંદર ખેંચવાને, પોતાની જાત સાથે વાતો કરવાને, ખુશ રહેવાને, હસવાને, પોતાની આત્મા ને આનંદ આપે એવી ગમતી કોઈ પ્રવૃત્તિ કરવાને જાણે એક આખો યુગ વિતી ચુક્યો હતો.

લગ્ન શું થયા જાણે જીવન જ હાથ માંથી સરી ગયું. આખો દિવસ યાંત્રિક કાર્યો ની હારમાળા . સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવાનું, બધાનો નાસ્તો તૈયાર કરો , પોતાનું ટિફિન તૈયાર કરો, આદિત્ય નું શાળા નું દફ્તર , એનો લંચબોક્સ , આદર્શ ના ઓફિસ ના કપડાં તૈયાર કરવા થી લઇ , બપોર નું ભોજન બધા માટે તૈયાર કરી મૂકી જવા સુધી બધાજ કાર્યો નો ભાર એના બે હાથ પર હતો. લગ્ન પછી ઓફિસ માં નોકરી કરવું એનો પોતાનો નિર્ણય હતો. પણ જો એ ઘર અને ઓફિસ બંને નું સંતોલન જાળવી શકે તો એ શરતે આદર્શ અને એના માતાપિતા ને એની નોકરી કરવા અંગે કોઈ વાંધો ન હતો !

જીવન ફક્ત શરતો ને ફરજો ની ભરમાર વચ્ચે કચડાઈ રહ્યું હતું. આદર્શ એને સમજશે કે એના કાર્યો માં ભાગીદારી નોંધાવશે , જે રીતે પોતે આદર્શ ના જીવન ના દરેક કાર્યો ની ભાગીદાર બની રહી હતી, એ મન નો વિચાર કે આશા ફક્ત ભ્રમણા બની રહી ચૂકી . સ્ત્રી ની નોકરી ને પુરુષ ની નોકરી ને સમાજ તદ્દન જુદાં દ્રષ્ટિકોણ થી નિહાળે છે. એક ની નોકરી ને થાક આવકાર્ય ,જયારે અન્ય ની નોકરી ને માટે શારીરિક કે માનસિક થાક નો કોઈ અવકાશજ નહીં. થાકી ને આવેલા આદર્શ ને માતાપિતા નો સ્નેહ , આરામ ની ક્ષણો, મનોરંજન માટે ટીવી કે ફિલ્મ કે મેચ નિહાળવા ના વિકલ્પો ઉપલબ્ધ હતા. પણ પોતાની એટલે કે સ્ત્રી ની નોકરી ના થાક માટે આવા કોઈ સ્નેહ અને મનોરંજનભર્યા વિકલ્પો ઉપલબ્ધ ન હતા. કારણકે જો એને એ વિકલ્પ મળે તો પુરુષ ના આરામ અને મનોરંજન ની પ્રવૃત્તિઓ પર એની આડઅસર થાય !

એકવાર સાંજે ઘર પરત થતા એ હોટેલ માંથી ઘરે ટેક અવે લઇ ગઈ હતી. ઓફિસ માં આખો દિવસ ખુબજ થાકી ગઈ હતી. થયું કે બધાં માટે જમવાનું લઈ જાય ને રસોડાં માંથી પણ જરાં આરામ મળે . એ દિવસે આદર્શ ના માતાપિતા એ જમવાની ના પાડી દીધી . આદર્શ કેવો ગુસ્સો થયો હતો .

“જો થાક લાગતી હોય તો નોકરી છોડી દે . પહેલાં ઘર અને કુટુંબ . હું કમાવું છું ને મારું પરિવાર ચલાવી શકું છું ”

નોકરી કઈ રીતે છોડી દઉં ? એ મારા માટે ફક્ત પૈસા નું માધ્યમ નથી . મારા શિક્ષણ ની મારા જીવન ને મળેલી સ્વાભિમાન યુક્ત ભેટ છે . એ આદર્શ ને કહેવા ઇચ્છતી હતી પણ કહી શકી નહીં . જ્યાં સમજ્ણ નો અવકાશ જ ન હોય ત્યાં કિંમતી મંતવ્યો ને અપમાનિત કરવાં શાને છોડવા ? એના ઉત્તર માં એણે ચુપચાપ રસોઈ બનાવી નાખી ને છેવટે બધા એ મન માણી ને ઘર નું ભોજન જમ્યું . પોતાનો થાક બમણો થયો પણ એ માટે તો ઘર ના મેડિકલ બૉક્સ માં ઘણી દવાઓ ઉપલબ્ધ હતી .

આ ભેદભાવ અઠવાડિયા સાથે રજા ના દિવસો માં પણ એકસમાન વર્તાતો . રવિવાર કે કોઈ પણ રજા નો દિવસ આદર્શ માટે આરામ અને આનંદ ની ક્ષણો લઇ આવતો . ક્યારેક મિત્રો જોડે ફરવાનો કાર્યક્રમ તો ક્યારેક મિત્રો ને ઘરે જમવાનું આમંત્રણ . જોકે આમંત્રણ આદર્શ નું , મિત્રો આદર્શ ના છતાં રસોઈ બનાવવા ની ને મહેમાનગતિ ની જવાબદારી તો પોતાનીજ . જયારે કોઈ આમંત્રણ ન હોય તો આદર્શ ની માતા પાસે ઘર ના બાકી રહી ગયેલા ખૂણાઓ ની સાફસફાઈ ની યાદી તૈયાર રહેતી . પોતાના માતા પિતા ને મળવા જવાનું મન હોય તો એ યાદી પતાવી જઈ શકવાની પરવાનગી મળી જતી .

આદર્શ ને કેટલી વાર કહ્યું કે પોતાની આવક માંથી એક નાનકડું ટુ વહીલર ખરીદવા ઈચ્છે છે . એનાથી સમય અને ઉર્જા ની કેટલી બચત થઇ શકે . પણ આદર્શ ની લગુતાગ્રન્થિ , એનો અવિશ્વાસ ,એના અસલામતિ નાં ભાવો ને આ વાત માં કોઈ તર્ક દેખાતું નહીં . ટુ વહીલર પર એ સલામત ન હતી તો શું દરરોજ ટેક્ષી માં અજાણ્યા લોકો જોડે બેસવામાં ,મુસાફરી કરવામાં સંપૂર્ણ સલામતી હતી ? અશિક્ષિત લોકો ની અલ્પ વિચારશક્તિ કરતા શિક્ષિત લોકો ની અલ્પ વિચારશક્તિ વધું ચિડ ઉપજાવતી હોય છે !

લગ્ન જીવન માં પ્રેમ અને સલામતી ના સરનામાં શોધવાના એણે ક્યારનાંય ટાળી દીધા હતાં . સામાજિક સંબંધો ની વ્યાખ્યા અંતર માં સ્વિકારાય ચૂકી હતી . ફિલ્મો માં દેખાતાં સંબન્ધો અતિશયોક્તિ ની પરાકાષ્ઠા સમા દીસતા હતાં . સંબંધો ના વાસ્તવિક રંગો જોઈ આત્મા ને ઉબકાઓ આવતા . ક્યારેક થતું આદિત્ય ને લઇ ક્યાંક જતી રહે . દૂર ખૂબજ દૂર . કોઈ સુંદર જગ્યા એ જ્યાં આત્મા ને ઉબકાઓ આવતાં ન હોય . જ્યાં એની નોકરી ની આવક માંથી એ આદિત્ય સાથે આનંદ થી જીવન માણી શકે ! જ્યાં પોતાનાં જીવન અંગે પરવાનગીઓ માંગવાની ન હોય ! જ્યાં હસવા ને ખુશ રહેવા અવસરો શોધવાના ન હોય ! જ્યાં કુત્રીમતા નહીં પણ બધુંજ સહજ હોય , એક એવું વિશ્વ્ જ્યાં એની શ્વાસો પોતાની હોય ! જ્યાં સાંજે મોડે પહોંચાય તો જમવાનું ટેક અવે પણ લેતા જવાય , જ્યાં પોતાની આવક માંથી એક ટુ વહીલર ખરીદવા કોઈ ની આનાકાની કરવાની ન હોય ! જ્યાં ફક્ત દીવસો પસાર કરવાના ન હોય પણ ફક્ત સાચું જીવન હોય !

ટેક્ષી ને બ્રેક લાગી ને પોતાની આદર્શ સ્વ્પ્નસૃષ્ટિ માંથી એ વાસ્તવિકતા ની ધરતી પર ઉતરી આવી . અન્ય દિશામાંથી ટેક્ષી નો દરવાજો ખુલ્યો ને એક અન્ય યાત્રી અંદર પ્રવેશી . ટેક્ષી ચાલક ને વિસ્તાર નું નામ જણાવી ભીના શરીર ને લૂંછતી એ ખડખડાટ હસી :

” કિતને દીનો બાદ એસી બારિસ આયી હે , જમકે , મજા આ ગયા !”

શરીર ના બધાજ અંગો નો આકાર દેખાય એવા ચૂસ્ત કપડાં . વાળ લાંબા છૂટ્ટા . લાલ ,ખૂબજ ગાઢ લાલ લિપસ્ટિક ને વધારે પડતું ચમકતું મેકઅપ , માથું ભમવા લાગે એવી આખા શરીર માંથી પ્રસરી રહેલી પર્ફયુમ ની અતિશય માત્રા વાળી સુગંધ . ભાષા નો નખરાળો લ્હેકો ……બાજુ માં ગોઠવાયેલા શરીર નો વ્યવસાય કળતા બહુ સમય ના લાગ્યો . સમાજ માં એ વ્યવસાય માટે એક નહીં અનેક નામ જાણીતા છે …. ધંધાવાળી , વેશ્યા , તવાયફ , પ્રોસ્ટિટ્યૂટ વગેરે ….વગેરે …….. એના બોલેલા વાક્ય ને મહત્વ આપ્યા વિનાજ નજર ફરી કાંડા ઘડિયાળ પર ફેરવી એ બારી ની બહાર જોઈ રહી . એવી વ્યક્તિ ને કોણ મોઢે લગાવે જે પૈસા માટે પોતાનું શરીર આમ સરળતા થી કોઈ ને પણ સમર્પિત કરી દે ! એમની આત્મા શું મરી પરવારી હોય ???

પડખે ગોઠવાયેલી સ્ત્રીએ આ પતિક્રિયા ની નોંધ તો લીધી પણ આવી પ્રતિક્રિયાઓ ની જાણે ટેવ પડી ગઈ હોય એ પ્રમાણે પોતાનું વર્તન જાળવી રાખતી ફરી ખડખડાટ હસી પડી . કારણ વિના ના આ હાસ્ય થી અકળામળ વધવા લાગી . હાસ્ય સમેટી એ શરીરે પર્સ માંથી કેટલોક મેકઅપ નો સામાન કાઢ્યો . અરીસા માં પોતાનું પ્રતિબિંબ બારીકાઇ થી નિહાળતી મેકઅપ સરખું કરતી એ ગીત ગણગણવા માંડી :

” દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ ,
દૂર તક નિગાહો મેં હે ગૂલ ખીલે હુએ ,
યે ગિલા હે આપકી નિગાહો સે ;
હો ફૂલ ભી જો દરમિયાં તો ફાસલે હુએ ”

બારી બહાર ડોકાયેલી આંખો માં આછી ઈર્ષ્યા ભરાઈ આવી . આ તો પોતાનું ગમતું ગીત . વર્ષો પહેલા એને પણ આમજ ગણગણતાં આવડતું હતું . અંતાક્ષરી રમવું એને કેટલું ગમતું . માતાપિતા ને ત્યાં હતી ત્યારે પોતાના મોકળાશ ના સમય માં એફએમ સાંભળતી અથવા કાન માં ઇયરફોન ગોઠવી સંગીત ના જગત માં ખોવાય જતી . ગઝલ સાંભળવું તો કેટલું ગમતું ! પણ લગ્ન પછી ગમા ,અણગમા , મોકળાશ બધુંજ છીનવાઈ ગયુ હતું . કંઈક બચ્યું હતું તો એ ફરજો ની લાંબી યાદી ને યાંત્રિક માનવી જેવું આ શરીર ………

અચાનક રણકેલા મોબાઇલ થી સચેત થઇ એણે કોલ ઉઠાવ્યો . સામે તરફ થી અપેક્ષા મૂજબ પ્રશ્નો ની કતાર બંધાઈ .પરંતું એ પ્રશ્નો એની ચિંતા કે કાળજી ને લઇ ન જ હતા . ઘર માં રાહ જોતા કાર્યો ની સમાપ્તિ ની અનિશ્ચિતતા અંગેજ હતા .

” હા થોડા સમય માંજ પહોંચું છું . રસોઇ થઈ જશે , ચિંતા ન કરો ”

એના અવાજ માં થાક છલોછલ ઉભરાઈ રહ્યો . ઘરે સૌ ભૂખ્યા થયા હતા . ભૂખ તો એને પણ કડકડતી લાગી હતી . પણ હજી તો ઘરે પહોંચી રસોઇ અને બાકીનાં કાર્યો સમાપ્ત કર્યા પછીજ પેટ માં કાઈ પડશે …….એક કૉલ કપાયો કે પડખે ના શરીર નો મોબાઈલ રણક્યો . કાન ને વેધતો ધારદાર અવાજ ટેક્ષી માં ગૂંજી રહ્યો :

” બોલ મીના ક્યાં ચલ રહા હે…બસ એશ હી એશ હે યાર…….ઇસ સાલ ધંધા બોહત જમા હે…..અભી એ વ્રત બર્ત કે મહિને મેં તો સાલો કો બિવિયા દૂર રખતી હે તો મૂંહ મારને યહી આયેંગે ના ! ”

આવા શબ્દો સાંભળવા કાન ટેવાયેલાં ન હતા . બાળપણ થી સમાજે ‘ નૈતિક ‘શબ્દો નો શબ્દકોશ ગોખાવી નાખ્યો હતો. ગમે તેવી ઘૃણા કે વિહ્વળતા માટે અનૈતિક શબ્દો નું ઉચ્ચારણ સ્ત્રીઓ થોડી કરી શકે ? વાતે વાતે મશ્કરી માં અપશબ્દો પ્રયોજતાં પુરુષો માટે વળી જુદો શબ્દકોશ ! અને ભૂલેચૂકે એવા શબ્દો કાને અથડાય પણ જાય તો કેટલાક ધાર્મિક શબ્દો નું ઉચ્ચારણ કરી કાન ના શુદ્ધિકરણ ની પ્રક્રિયા સમાજે શીખવાડી તો દીધી હતી. એવાજ ઉચ્ચારણ થી એ કાન મનોમન શુદ્ધ કરી રહી હતી.

પડખે નું શરીર ફોન ના સામે તરફ થી સાંભળેલા શબ્દો થી ખડખડાટ એવું હસી રહ્યું જાણે ટેક્ષી માં એના સિવાય અન્ય કોઈ હતુજ નહીં અને જો હશે પણ તો એના અસ્તિત્વ ની ક્યાં દરકાર થવાની હતી !

” સોચતી હું ઇસ સાલ એક સેકન્ડ હેન્ડ કાર લેલુ. સાલે ટેક્ષીઓ કી રિકઝિક બોહોત હુઈ …..ટાઈમ કાયકુ વેસ્ટ કરના ….થોડા આરામ ભી તો હોના માંગતા લાઈફ મેં …ક્યાં બોલતી ?”

સામે છેડે થી મળેલા પ્રત્યાઘાત થી ટેવ પ્રમાણે એ ખડખડાટ હસી. પણ આ બધું સાંભળી પોતાના હૃદય માં કેવા ઇર્ષ્યાભાવ ઉઠી રહ્યા હતા ! એક શરીર વેચનારી સ્ત્રી પોતાના જીવન નિર્ણયો મુક્ત પણે લઇ રહી હતી એ જોઈને ? પોતે આખું જીવન ફરઝ , નૈતિકતા , કુટુંબ મર્યાદા , સામાજિક રીતિરીવાજો, પરંપરાઓ ને ઘેટાં ની જેમ અનુસરતી ગઈ હતી. સમાજે જ્યાં જીવન દોર્યું ત્યાં દોરવાતી તો ગઈ હતી. ઇનામ માં શું મળ્યું ? પાંજરા માં પૂરેલા પંખી જેવું જીવન ને કપાયેલી પાંખો ? આજે પોતાની ટુ વહીલર વસાવવાની ઝંખના સ્પ્રિંગ સમી શા માટે ઉછળી આવી ?

હાસ્ય સંકેલતું શરીર સામે છેડે થી પુછાયેલા પ્રશ્નો નો ઉત્તર સંપૂર્ણ પારદર્શિતા ને શબ્દો ને લાગણી ની પુરેપુરી ઈમાનદારી થી વર્તતું આપી રહ્યું .

“નહીં યાર આજ રાત નહીં ! બદન થકા હે , આજ આરામ ….સાલા બોડી હે મશીન નહીં ……બસ અપુન કી મરજી….સૂન ‘મહાલક્ષ્મી ‘ મેં અક્ષય કી ફિલ્મ લગી હે ,ચલતે હે ના …….”

સામે તરફ થી મળેલા પ્રતિસાદ થી ખુશ થતું એ શરીર વધુ ઉત્સાહ માં આવ્યું .

” ભૂખ તો બોહત લગી હે યાર ……પેહલે જમકે પીઝ્ઝા ખાયેંગે …મિલ્કશેક બિલ્કશેક પીયેંગે….ઠીક હે તો મિલતે હે ……..”

આ બધું સાંભળી એના મોઢા માં પાણી શા માટે છૂટી રહ્યા ? જાણે મન પૂછવા ઉત્સુક બની રહ્યું : હું પણ સાથે આવી શકું ? પિઝા ખાવા ? ફિલ્મ જોવા ? થોડી ખુશી ની ક્ષણો માણવા ? થોડો સમય પોતાની ઈચ્છા મુજબ શ્વાસો લેવા ?

” બસ ઇધર હી સાઈડ પે લગા દેના ”

એ શરીર ટેક્ષી માંથી ઉતરી ગયું .

” રેહને દે એશ કર ”

ટેક્ષી ચાલક પાસેથી છુટ્ટા લેવાની ના પાડી , મોટા હય્યા ને ખુમારી
જોડે પોતાની રાત્રી પોતાની ઈચ્છા મુજબ માળવા એ શરીર ખુશી થી ઉછળતું નીકળી પડ્યું . ટેક્ષી આગળ વધી ને ફરીથી જીવન ની એકલતા, નીરસતા એને ઘેરી વળી. થાક તો દરરોજજ લાગતો હતો પણ આજે શરીર ,મન ,મગજ ને ઈન્દ્રિયો ને બમણો થાક શા માટે લાગી રહ્યોં હતો .

” મૅડમ ……….”

ટેક્ષી ચાલક ના સાદ થી ઇન્દ્રિયો ફરી સચેત થઇ . ઘર આવી ગયુ હતું પણ ટેક્ષી માંથી ઉતરવાનું મન થઇ રહ્યું ન હતું . કમને એના ડગલાં આગળ વધ્યાં . કાઈ ઉબકા જેવું ઉપર આવ્યું . પોતાના થાક ને સઁકેલતી એ ઘર માં પ્રવેશી .

” આટલું મોડું ???”

” બહુ ભૂખ લાગી છે ……….”

” મમ્મી હોમવર્ક !!!!!!”

એકલી જાન પર સૌ એકીસાથે તૂટી પડ્યા. કોઈ પણ જવાબ આપ્યા વિનાજ એ સીધી રસોડા માં પ્રવેશી . એક ઊંડો શ્વાસ ભર્યો ને કામે વળગી. હાથપગ તેજ ગતિ એ કામ કરી રહ્યા હતા પણ અંતર જાણે કોમા માં સરી પડ્યું હતું. ભૂખ થી પેટ માં કળ વળી રહી હતી. દૂર દૂર થી આવી રહેલી કોઈ ગરમાગરમ પીઝા ની સુગંધ શ્વાસો માં ભળી રહી હતી. થોડે દૂર આદર્શ પગ ઉપર પગ ચઢાવી ટીવી નિહાળી રહ્યો હતો. એના ચ્હેરા પર ઉપસી આવેલા નિરાંત ને વિશ્રામ ના ભાવો મન માં ચીડ ઉપસાવી રહ્યા હતા. આંખો ની સામે મહાલક્ષ્મી સિનેમા હોલ માં રમી રહેલ ફિલ્મ ના દ્રશ્યો ની કલ્પના છવાઈ ગઈ. આખરે બધાને જમાડી આદિત્ય નું હોમવર્ક પૂરું કરાવવા ગઈ. આંખે આવતા ઝોખાઓ ને હડસેલતી થાકેલા શરીર ને અર્ધજાગૃત અવસ્થા માં એ કામ પણ પૂર્ણ કર્યું . આદિત્ય ઊંઘ્યો કે પોતે જમી ન જમી જેવું ,ઠંડા ભોજન ના થોડા કોળ્યાં મોઢામાં મૂકી , વાસણો ધોઈ આખરે રસોડામાંથી જીવ છોડાવ્યો .

” મુખ્ય દરવાજો બંધ કરી દેજે ……..”

કુટુંબ ના કોઈ સભ્ય નો આદેશ સંભળાયો. આદેશ કોઈએ પણ છોડ્યો હોય , શું ફેર પડે ? આખરે બજાવવાનો તો એણેજ હતો ને !

મુખ્ય દરવાજા ને સામે એક મોકળો માર્ગ હતો . આ માર્ગ ક્યાં જતો હશે ? કોઈ સુંદર સ્વ્પ્ન સૃષ્ટિ તરફ ? શું ખબર ? વાસ્તવિકતા ની ધરતી પર ઉતરી આખરે એણે દરવાજો બંધ કર્યો.

શયનખંડ ની અંદર ગાઢ અંધકાર હતું. આખું શરીર થાક થી લથપથ હતું. આખો દિવસ ઉભા રહેલા પગ ઉપર ના સોજા કળી રહ્યા હતા. થાક થી હારેલું શરીર પથારી માં પછડાયું . એક ક્ષણ રાહત મળીજ કે બે હાથ એના શરીર પર ફરી રહ્યા . એ હાથ નો ઈરાદો કળી જતા સ્પષ્ટ શબ્દો એ પ્રતિકાર કર્યો :

” આજે નહીં આદર્શ પ્લીઝ , ખુબજ થાકી ગઈ……………..”

એનું વાક્ય પૂરું થાય કે એની મરજી નો અભિપ્રાય સંભળાઈ એ પહેલાજ એ કુમળું શરીર એક સશક્ત શરીર ની સામે હારી ગયું.

થોડા સમય પછી પડખે ઊંઘતા આદર્શ ના નસકોરા દરરોજ ની જેમજ આખા શયનખંડ માં ગુંજી રહ્યા . પણ પોતાની આંખો આજે ઢળી કેમ રહી ન હતી ?આ નિત્ય ક્રમ ની તો એને ટેવ પડી ચૂકી હતી . તો આજે શું થયું ? અચાનક ટેક્ષી વાળું પેલું શરીર ઓરડા માં પ્રગટ થયું. એની અનેક આવૃતિઓ આખા શયનખંડ માં ફેલાઈ ગઈ. બધીજ આવૃતિઓ એકસમાન સંવાદ જોરજોર થી બોલવા લાગી :

” નહીં યાર , આજ રાત નહીં ! બદન થકા હે ………. આજ આરામ……….. સાલા બોડી હે મશીન નહીં ! અપૂન કી મરજી……….”

વારંવાર પુનરાવર્તિત થતા સંવાદો અસહ્ય બનતા એણે બન્ને કાન પર હાથ દબાવી દીધા.

પેલું શરીર એની પાસે આવી ખડખડાટ હસ્યું ને એના કાન પરથી હાથ હટાવી ખુબજ ગંભીર અવાજે ચિખયું :

” મારી આત્મા તો જીવે છે ! પણ શું તારી આત્મા મરી પરવારી છે ?????”

ફરીથી બધીજ આવૃતિઓ ખડખડાટ હસી પડી અને એ ભયકંર દ્રશ્ય સામે પોતાના બન્ને હાથ એણે આંખો પર બળપૂર્વક દબાવી દીધા………………………….

સવારે એજ ઘર હતું. એજ કુટુંબ ના સભ્યો ને એજ સૂર્યોદય. પણ એ ક્યાંય ન હતી, આદિત્ય પણ એના ઓરડા માં ન હતો. બન્ને ની શોધ ઘર ના ખૂણે ખૂણે થઇ રહી. પણ બન્ને નું નામોનિશાન ન હતું. મુખ્ય દરવાજો ચોપાટ ખુલ્લો હતો !ક્યાં જતા રહ્યા બન્ને………………………….. ???????????????????????????
???????????????????????????

કદાચ ક્યાંક દૂર ……….બહુ દૂર …………..એવા કોઈ સ્થળે તો નહીં જ્યાં આત્મા ને ઉબકા ન આવતા હોય ????????????????

લેખક : મરિયમ ધુપલી

મિત્રો ખુબ લાગણીસભર વાર્તા છે શેર કરો તમારા મિત્રો સાથે ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી