“સૌના લોહી નો રંગ લાલ” – એજ ચ્હેરા ! એજ લોહી ! એજ ધર્મ ! વારસો પણ વ્યક્તિ ને ઘડવામાં અનન્ય ભાગ ભજવે છે..

“સૌના લોહી નો રંગ લાલ”

ચિત્ર દોરાઈ ગયું હતું. રંગો ના અદ્દભુત મિશ્રણે એ કળવું મુશ્કેલ બનાવ્યું હતું કે કોણ વધારે તરસ્યું છે ? વેરાન રણ માં ઉભેલો માનવી કે પછી રણ પોતે? આજે ઘણા દિવસો પછી ફરીથી પોતાની સર્જનાત્મકતાને આ સુંદર સર્જન નું રૂપ આપી રહેલા અરમાન અલી નું હૃદય પણ એ રણ જેટલુજ તરસ્યું હતું. પોતાની વ્યથા ને કાગળ અને રંગો દ્વારા હળવી તો કરી શકાય પણ હૃદય નો ભાર કઈ રીતે હળવો થાય ? એકીટશે ચિત્ર જોઈ રહેલા આ ચિત્રકાર ની આંખો માં ભૂતકાળ ની એ અવિસ્મરણીય ઘટના આજે પણ જીવંત હતી ! આજે પણ એ સળગતું ઘર, નિર્દોષ બાળકો ની માસૂમ ચીસો, પોતાના પરિવારજનો ની યાદ, એના હૃદય ને વિના આગે દઝાડી નાખતા.

એક સમય ના પ્રખ્યાત ચિત્રકાર અરમાન અલી ના જીવન માં ખુદા
ની બંદગી અને ચિત્ર કળા સિવાય કોઈ પ્રવૃત્તિ ને અવકાશ ન હતો. એને નવા મકાન માં આવ્યા ને થોડાજ દિવસો થયા હતાં , પરંતુ જૂનું ઘર એની સ્મૃતિ માં આજે પણ જીવતું હતું. સાંપ્રદાયિક ઝઘડાઓ માં પોતાના બાળકો અને પરિવાર ગુમાવ્યા પછી માનવતા પર થી એને જાણે વિશ્વાસ જ ઉઠી ગયો હતો. જે પાડોશીઓ સાથે મિત્રધર્મ પૂરી ઈમાનદારી થી નિભાવ્યો હતો , એજ પરધર્મી મિત્રો ની વિમુખતા એના કુટુંબ ના વિનાશ નું નિમિત્ત બની હતી. સંબંધ વિહિન ,મિત્રતા વિહીન ,જીવન પસાર કરવાનો જે નિર્ણય એણે લીધો હતો, એના મૂળ માં આજ ઘટના હતી.

ભૂતકાળ માં અટવાયેલા અરમાન અલી ને વર્તમાન નો પડઘો સંભળાયો . બધુજ પડતું મૂકી એ નમાજ પઢવા મસ્જિદ તરફ ચાલી નીકળ્યો. સમય બધાજ દુઃખો ને ભુલાવી દે છે પણ યાદો ભૂંસાતી નથી. અરમાન અલી ની જીવન જીવવાની તત્પરતા મરી પરવારી હતી.આ લાગણી એ એના જીવન ને એક ક્રમબદ્ધ માળખા માં ગોઠવી દીધું હતું. ખાલી મકાન માં વ્યથા ભરેલા હૃદય સાથે રહેતા અરમાન અલી ના જીવન માં ઘરે થી મસ્જિદ અને મસ્જિદ થી ઘરે આવવું તેમજ પોતાની ચિત્ર કળા વચ્ચે જૂના સંસ્મરણો ને શોધવા સિવાય કોઈ પણ બાબત નું મહત્વજ રહ્યું ન હતું !

એક દિવસ મસ્જિદે થી ઘરે પાછા વળતા રસ્તા માં એક બાળક અચાનક અરમાન અલી ને પગ માં વળગી પડ્યું. એ બાળક ની આંખો માં નિર્દોષતા અને નિખાલસતા ડોકાઈ રહી હતી. અરમાન અલી કંઈક બોલે એ પહેલાજ એ બાળક તત્પરતા થી પૂછી રહ્યું :

” કાકા, મારા બાપુ કહે છે તમે બહુ સરસ ચિત્રો બનાવો છો . મને પણ ચિત્રકામ કરવું ખૂબજ ગમે છે. પરીક્ષા માં પણ ચિત્રકામ માં મારા સૌથી વધુ ગુણ આવે છે. તમે મને તમારા જેવા સુંદર ચિત્રો દોરતા શીખવશો ને ?”

હજી એ છોકરો આગળ કંઈક બોલે એ પહેલાજ પાછળ થી શંકર દરજી નો અવાજ સંભળાયો :

” રાજા બેટા જમવાનો સમય થઇ ગયો છે !”

અરમાન અલી કઈ પણ બોલ્યા વિનાજ બાળક ને દૂર હડસેલી આગળ વધી ગયો. ખુબજ ઝડપ થી પોતાના ઘર તરફ ઉપડી રહેલા પગ ની સાથે મગજ ના વિચારો પણ એટલીજ ઝડપ થી ચાલી રહ્યા હતા. એજ ચ્હેરા ! એજ લોહી ! એજ ધર્મ ! વારસો પણ વ્યક્તિ ને ઘડવામાં અનન્ય ભાગ ભજવે છે. કદાચ મોટો થઈ આ છોકરો પણ કોઈ મુસ્લિમ ના ઘર ને………………???????? ઘરે પહોંચ્તાજ અરમાન અલી ને થયું, આજે રોજ કરતા તે કેટલો જલ્દી ઘરે પહોંચી ગયો ?!?

અરમાન અલી ના નિત્ય ક્રમ માં આ બાળક જાણે કે ગોઠવાય ગયું. અરમાન અલી જેવો આવતો દેખાય તેવોજ એ છોકરો દોડતો – ભાગતો ગમે ત્યાંથી આવી ચઢતો. ચિત્રો વિશે , રંગો વિશે જાત – જાત ના પ્રશ્નો પૂછતો . તો કોઈક વાર પોતે દોરેલા ચિત્રો જોવા લઇ આવતો.

” કાકા ,આમાં કયો રંગ પૂરું ?”

અરમાન અલી કઈ પણ બોલ્યા વિનાજ આગળ વધી જતો. એક દિવસ ભરબપોરે અરમાન અલી ચિત્ર બનાવવા માં વ્યસ્ત હતો ત્યાં બારણે
ટકોરા પડ્યા. બારણું ખોલતાંજ પરિચિત અવાજ કાને અથડાયો :

” કાકા, આ જૂઓ ! હું મારા બધા રંગો લઇ આવ્યો છું . આજે શાળા માં પણ રજા છે. તેથી હું તમારી સાથેજ ચિત્રકામ કરીશ ”

પોતાની બાળસહજ ઈચ્છા વ્યક્ત કરતા છોકરા એ જેવો મકાન માં પ્રવેશવા પ્રયત્ન કર્યો ત્યાંજ અરમાન અલી એ જોર થી ધક્કો મારી એને બહાર ની બાજુ હડસેલી દીધો :

“ખબરદાર, જો ફરીથી અહીં આવવાની હિમ્મત કરી છે તો ! કાફીર ની ઔલાદ ! ”

બારણું બંધ કરવા છતાં બાળક ના ધ્રૂસકા નો અવાજ અંદર સુધી પહોંચી રહ્યો હતો. પણ એ આંસુ અરમાન અલી ના પથ્થર બની ચૂકેલા હૃદય ને ઓગાળવા પૂરતા ન હતા. ‘ જે લોહીએ મને મારા લોહી થી અલગ કર્યો છે એ લોહી ને હું મારા ઘર માં કઈ રીતે પ્રવેશવા દઉં ? ‘ અરમાન અલી નું હય્યુ આક્રમકતા ની ચરમસીમા ને સ્પર્શી રહ્યું. અનિચ્છા એ પણ એનું મન ફરી ભૂતકાળ ને ચકરાવે ચઢ્યું. પ્રશ્નો ની
હારમાળા સર્જાઈ રહી. મારા પરિવાર નો વાંક શું હતો? મારા માસુમ બાળકો એ કોઈ નું શું બગાડ્યું હતું? મારા ઘર ને ખાક કરનારાઓ મને ઓળખતા પણ ક્યાં હતા? મારુ પરિવાર આગ ની લપેટો માં ભડથું થઈ રહ્યું હતું, ત્યારે ક્યાં હતા મારા પાડોશી પરધર્મી મિત્રો? બંધ બારણાં ની પાછળ અરમાન અલી પોતાના પ્રશ્નો માં ડૂબી ગયો, એક નિર્દોષ હૃદય ને ક્રૂરતા થી તોડી !

આ ઘટના પછી અરમાન અલી નું જીવન ફરીથી એજ નિશ્ચિત ક્રમ માં ગોઠવાય ગયું. એની આક્રમકતા થી હેબતાઈ ગયેલું એ બાળક પછી એને દેખાયુંજ નહિ . એટલું ધમકાવ્યા પછી હવે એ છોકરો એને પરેશાન કરવા ક્યાંથી આવશે? એ ‘કાફીર ની ઓલાદ ‘ થી આખરે પીછો છૂટ્યો. હૃદય નિશ્ચિંન્તતા અનુભવી રહ્યું. આવીજ એક નિશ્ચિંન્ત સાંજે નમાજ પઢવા બહાર નીકળેલા અરમાન અલી ના પગ અચાનક થંભી ગયા.

કેટલાક લોકો એક બાળક ના શબ ને લઈને જઈ રહ્યા હતા. અરમાન અલી ના હૃદય ના અકથ્ય ભાવો જાગ્યા .એણે ટોળા માં સૌથી પાછળ ચાલી રહેલા એક ભાઈ પાસે જઈ પૂછપરછ કરી :

” સબ કુદરત કે ખેલ હે સાબજી! ઉસકી અમાનત ઉસી ને લેલી ! લેકિન ઇતની જલ્દી ??? અભી તો બેચારે રાજા ને દુનિયા દેખી ભી નહિ થી ! ઇતની છોટી ઉંમર મેં ઇતની બળી બીમારી ???”

” બીમારી??” અરમાન અલી અનાયાસે બોલી ઉઠ્યો .

” કેન્સર સાહેબ. બીચારે શંકર કે પાસ ઇતના પેસા ભી તો નહીં થા. જો બચ્ચા કલ તક યહીં હસતા – ખેલતા થા, આજ જમીન કે નીચે દફન હો જાયેગા. ”

અરમાન અલી નું હ્ય્યુ પૂર જોશ માં ધબકી રહ્યું : ” હિંદુ બચ્ચા ઓર દફન ?????”

” અરે સાબ , બચ્ચા શંકર કે ઘર મેં રહેતા જરૂર થા , લેકિન ઉસને તો સિર્ફ પાલા થા . વો સાબ , અભી હિંદુ – મુસલમાનો કે બીચ જો દંગા ફસાદ હુઆ થા ના , ઉસીમે રાજા કે ઘર વાલે મર ગયે .. ઉસકા પૂરાં ઘર જલ ગયા થા. લેકિન પડોશી શંકર ને મુસ્લિમ બચ્ચે કો પનાહ દેકર દોસ્તી કા કરઝ અદા કિયા. બચ્ચે કો ઇતના પ્યાર દિયા જેસે ખૂદ કા હી ખૂન ન હો !!!

અરમાન અલી ના શરીરના રુંવાડા ઊભા થઈ ગયાં .એના કાન માં છેલ્લા શબ્દો નો પડધો ગૂંજી રહ્યો :

” ખૂદ કા હી ખૂન ન હો !!!!!!!!”

આ પડઘાં ની વચ્ચે અઝાન ના શબ્દો એ અરમાન અલી ને ઢંઢોળી નાખ્યો .બંદગી નો સમય થઈ ગયો હતો . પણ સ્થિતિપ્રજ્ઞ અરમાન અલી ના પગ થીજી ગયા . એક પણ પગલુ આગળ ભરવાની હિમ્મત ન હતી . ધ્રુજતા હૃદય માં એકજ વિચાર ડરાવી રહ્યો :

‘ આજે હું એ પવિત્ર સ્થળે મારા ખુદા ને કઈ રીતે મારો ચ્હેરો બતાવીશ ??????????’

લેખક : મરિયમ ધુપલી

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી