જીવ – તેની એક ભૂલના કારણે જીવ ગુમાવ્યો હતો તેની પત્નીએ, એક વર્ષે કરી શક્યો પ્રાયશ્ચિત્ત, વાંચો લાગણીસભર વાર્તા…

જીવ

અનુજ ના હાથ સ્ટિયરિંગ પર ભલે ફરી રહ્યા હતા પણ આંખો તો પડખે ની સીટ પર ગોઠવાયેલી વેદિકા ના હાસ્ય છલકાવતાં હોઠો, મોતી સમા વિખરાઈ રહેલા એના મધુર શબ્દો, બાળકો જેવા નિર્દોષ હાવભાવો પર અજાણ્યેજ જડાઈ ગઈ હતી. ખુશીઓ માટે ધન જોઈએ, ખુશ રહેવા માટે અઢળક ધન -સંપત્તિ અને ખુશી સભર કુટુંબ વસાવવા માટે નાણાં ના અતિરેક થી ઉભરાતું બેન્ક એકાઉન્ટ….. સમાજ ની ખુશી ની વ્યાખ્યામાં જીવન બંધ બેસતું કરવા માટેના તમામ પાસાઓ અનુજ ની પાસે હતા. બધું સહેલાઇ થી તો નજ મળ્યું હતું. પરશેવા અને તનતોડ મહેનત ના સમન્વય થીજ એણે પોતાનું આ વ્યવસાયિક સામ્રાજ્ય ઉભું કર્યું હતું. પોતાની સફળતા પર એને અનન્ય ગર્વ હતો. આટલી યુવાન વયેજ શહેર ના આંગણી એ ગણી શકાય એટલા જ સફળ અને શિખર પરના સમૃદ્ધ વ્યવસાયિક વ્યક્તિત્વો માં એનો પણ સમાવેશ થતો હતો. આખરે ‘ સેલ્ફ મેડ મેન ‘ નું મેળવેલું બિરુદ આ ગર્વ ને સંપૂર્ણ ન્યાય પણ તો આપતુંજ હતું.
પણ વેદિકા ના જીવન માં આવ્યા પછી એનો જીવન પ્રત્યે નો દ્રષ્ટિકોણજ બદલાઈ ચુક્યો હતો. આર્થિક સમૃદ્ધતા, વ્યવસાયિક સફળતાઓ અને નાણાં ની અતિરેક થી ઉભરાતા બેન્ક એકાઉન્ટ માં આજીવન ખુશીઓ શોધવાની મથામણ કેવી નિરર્થક હતી ! વેદિકા એ એના જીવન ને ખુશી અને સુખ ના નવા સરનામાઓ આપ્યા હતા. સંતોષ, પ્રેમ, હૂંફ, અજાણ્યાઓ ની મદદ, અકારણ સ્મિત અને હાસ્ય ની વહેંચણી, નાની નાની બાબતો પર એના માસુમ ચ્હેરા પર ડોકાઈ આવતો હાસ્ય નો ઉછાળ, મૂંગા પ્રાણીઓ ને પ્રેમ, ભિખારી ને પણ આઈસ્ક્રીમ આપતા એના ઉદાર હાથ, જન્મ દિવસ મોંઘી હોટેલ કરતા અનાથાશ્રમમાં જઈ ને ઉજવવાની એની હઠ, ઘર ની કામવાળી બાઈ ને પણ બારાખડી શીખવતી એની સાફ નિયત….. વેદિકા આજ સૃષ્ટિની હતી કે કોઈ અન્ય સૃષ્ટિની ??? કેટલા સહજ અને સરળ સ્થળોએ એને જીવનની ખુશીઓ મળી રહેતી. અન્ય ને ખુશ જોવું, એજ એના જીવન નું એકમાત્ર સુખ….પણ એજ સુખ તો સાચું, પવિત્ર…. આ સુખ ને ન કોઈ ઝુંટવી શકે, ન કદી છીનવી શકે…. આ સાચા મનની ખુશીઓ હતી જ્યાં અસુરક્ષિતતા, ડર, લઘુતા ગ્રન્થિ, ઈર્ષ્યા ને માટે દૂર દૂર સુધી કોઈ સ્થાનજ ન હતું !

વેદિકા દર વખત ની જેમ એના મીઠા મધુર શબ્દો હવામાં વીખરાવી રહી હતી અને કાર ચલાવતા અનુજ એ શબ્દો માં એટલો ઊંડો ખોવાઈ ચુક્યો હતો કે એ શબ્દો ધ્વનિ વિહીન બની ચુક્યા હતા. શ્રવણઈન્દ્રિયો માં કોઈ સુંવાળું સંગીત ગુંજી રહ્યું હતું અને એ સંગીત ના તાલ ઉપર સાથ બેસાડતા વેદિકા ના ચ્હેરા ના સુંદર હાવભાવો એ મન ને સંમોહિત કરી મૂક્યું હતું….
અચાનક એક પ્રચંડ ધ્વનિ સાથે આખી કાર ઉછળી ગઈ. હવા માં પલટીઓ ખાઈ જમીન પર પછડાતી કાર સાથે આંખો ઉપર અંધારા છવાઈ ગયા અને જોતજોતા માં આખું વિશ્વ વેદિક સહિત આંખો થી ઓઝલ થઇ ગયું…….

” વેદિકા ……….”

પરશેવે રેબઝેબ અનુજ સ્વ્પ્ન માંથી સફાળો જાગી ઉઠ્યો. આ ભયંકર સ્વપ્ન તો હવે જીવન નો એક નિયતક્રમ બની ગયો હતો. બન્ને હાથ આંખો પર ફેરવતો એ પથારી છોડી ઉભો થયો. હ્ય્યુ એટલીજ ઝડપે ધડકી ઉઠ્યું હતું જેટલી ઝડપે અકસ્માત ની એ ક્ષણે ધ્રૂજ્યું હતું. કોઈ ડરામણું સ્વ્પ્ન જોઈએ ત્યારે આંખો ખુલતાંજ વાસ્તવિકતા ના સ્પર્શ થી જ ભય નું બાષ્પીભવન થઇ રહે… પણ જયારે જીવન ની કડવી વાસ્ત્વિકતાજ સ્વ્પ્ન સ્વરૂપે ડરાવવા આવતી હોય તો એવા ભય થી મુક્તિ નો કોઈ માર્ગજ ન બચે….

અનુજ પણ આ ભય થી મુક્ત ક્યાં થઇ શકે ? હવે શેષ જીવન આ ભય ને સતત સાથે લઇ ચાલવાનું હતું, તદ્દન એકલા, વેદિકા વિના…. વેદિકા ના હત્યારા તરીકે….. એનાથી મોટી સજા એના ગુનાહ ની અન્ય કઈ હોય શકે ??? પશ્ચયાતાપ ની અગ્નિ માં જીવન ની એક એક શ્વાસ ની આહુતિ આપવાની હતી….

અદાલતે એને ભલે મુક્ત કરી દીધો, નિર્દોષ ઘોષિત કરી દીધો.

“એ ફક્ત એક અકસ્માત હતો …..શ્રીમાન અનુજ ઉપાધ્યાય ને બાઈઝ્ઝત મુક્ત કરવામાં આવે છે …..”

અકસ્માત ??? નહીં …..આટલી સરળતાથી એની ભૂલ ને માફી કઈ રીતે આપી દેવાય ??? એક માસુમ ફરિસ્તા જેવા જીવ ને એણે સમાપ્ત કરી દીધો હતો. એક શ્વાસ લેતા જીવન ના પ્રાણવાયુ ઉખેડી નાખ્યા હતા….જે જીવ ને આ સૃષ્ટિ ઉપર લાવવાની ઓકાત ન હોય માનવી એજ જીવ નું સમાપન ક્યા હક થી કરી શકે ? પ્રાણવાયુ ફૂંકી ન શકાય તો પ્રાણ કઈ રીતે ફૂંકી શકાય ? શ્વાછોસ્વાસ અર્પણ ન કરાય તો છીનવવાનો અધિકાર ક્યાંથી ??? પોતાની આત્મા ની અદાલત માં એ હમેશ માટેનો એક કેદી બની ગોંધાય ચુક્યો હતો.
અકસ્માત ને એક વર્ષ પણ થવા આવ્યો હતો.ઓફિસ, બિઝનેસ બધુજ કાર્યકરો ના હાથો માં હતું. પત્ની ના મૃત્યુ ની જવાબદારી પોતાના ખભા પર લાદી એક શબ ની જેમ અનુજ ફક્ત દિવસો પસાર કરી રહ્યો હતો. જીવન નું કોઈ લક્ષ્ય, કોઈ ધ્યેય, કોઈ ઉદ્દેશયજ બાકી રહ્યું ન હતું…

કપડાં બદલી, ગાડી લઇ એ દરરોજ ની જેમ નીકળી પડ્યો. વેદિકા ના જવા પછી જીવને નક્કી કરી આપેલા નિયત ક્રમ ને અનુસરવા એક શબ નીકળી પડ્યું. ફૂલો ની દુકાન પર થી સફેદ ફૂલો નો બુકે ખરીદી શહેર ને કિનારે પસાર થતી નદી પાસે ના એ પ્રાકૃતિક વિસ્તાર તરફ અનુજ ની ગાડી આગળ વધી. વેદિકા પ્રકૃતિ નું બાળક હતી. વાદળ, પહાડ, નદી, પક્ષીઓ, ઝરણાં, ઘાસ, વૃક્ષો ની નજીક એ કલાકો વિતાવી શકતી. સિનેમા હોલ કે શોપિંગ મોલ માં એનો શ્વાસ રૂંધાવા માંડતો. શહેર ને કિનારે પ્રકૃત્તિ ના ખોળે ઉછરતો એ વિસ્તાર એને ખુબજ ગમતો. શહેર ની ભીડભાડ, પ્રદુષિત હવા, વાહન વ્યવહાર થી ફેલાતું ધ્વનિ પ્રદુષણ, ફેક્ટરીઓ ના શોર થી દૂર એ હંમેશા ત્યાંજ ભાગી જતી. શરીર અને આત્મા ને શુદ્ધ કરી આપતું એ વાતાવરણ એને કેટલું પ્રિય હતું ! શાંત નદી, ઊંચા વૃક્ષો, પંખીઓ ના ટહુકા, લીલુંછમ ઘાસ…… આજે પણ અનુજ જયારે એ સ્થળે જતો ત્યારે વૃક્ષ ને ટેકવી ને બેસી રહેતા એના શરીર ને જાણે વેદિકા ની હયાતી એ સ્થળે સ્પષ્ટ અનુભવાતી… એના રોમેરોમમાં વેદિકા નો સ્પર્શ અનુભવાતો. એ જાણતો હતો કે એની વેદિકા હજી પણ ત્યાં આવે છે…. એ વૃક્ષો ને સ્પર્શે છે…. એ ઘાસ પર એનું શરીર આળોટે છે… એ પંખીઓ ના ટહુકા સંગીત ની ધૂન સમા માણે છે…. વહેતી નદી ના શાંત પાણી આજે પણ એની દ્રષ્ટિ ને ટાઢક આપે છે…. હા, આજે પણ એની વેદિકા ત્યાંજ છે….. તેથીજ દરરોજ સફેદ ફૂલો નો બુકે લઇ વેદિકાની માફી માંગવા એ અચૂક પ્રકૃત્તિ ના એ ખોળામાં પહોંચી જાય છે……

દૂર થીજ નિહાળેલ ગાડીઓ ની લાંબી કતાર થી અનુજ હેરત માં પડ્યો. હંમેશા સુમસાન અને શાંત વાતાવરણ હોય ત્યાં આજે આટલો શોર, ચહેલ પહેલ ને ભીડ કેવી ? આવડા ભારેભરખમ વાહન વ્યવહાર ના માધ્યમો અહીં શું કરી રહ્યા હતા ? આટલી બધી માનવ મહેરામણનું અહીં શું કામ ??? નજીક પહોંચી રહેલી ગાડી સાથે અનુજ ના હૃદય માં વિચિત્ર ગભરામણ છવાઇ રહી હતી. એક વાર વેદિકા ને ખોઈ દીધા પછી હવે એના અહેસાસ થી પણ દૂર થઇ જવાની એના અસ્તિત્વમાં ક્ષમતા ન હતી……

ગાડીઓ ના લાંબા કાફલા ની પાછળ પોતાની ગાડી ઉતાવળે ગોઠવી અનુજે અતિ ઝડપે શ્વાસ વિહીન દોટ મૂકી. ઉપસ્થિત માનવ મહેરામણ ને ચીરતો એ ટોળા ના અંદર થી રસ્તો બનાવતો આખરે એ સ્થળે પહોંચ્યો. વિશાળ કદ ના બુલડોઝરે એક અંતિમ વૃક્ષ ને પણ ધરાશયી કર્યું અને એને બચાવી લેવું હોય એ રીતે અનુજ આગળ ધપી ગયો.
” અરે શું કરો છો ????”

” દૂર…..દૂર …”

” અરે કોઈ પકડો એને …..”

જોતજોતામાં કેટલાક કદાવર શરીરો એ અનુજ ને સુરક્ષિત રીતે બચાવી લીધો.

” વેદિકા…. વેદિકા……..” એક છેલ્લું વૃક્ષ પણ આખરે ધરાશયી થયું અને અનુજ નું હય્યાફાટ રુદન, ચીસો એક શોક્ગ્રસ્ત મૌન માં ઢળી પડ્યા.

દૂર એક શાંત ખૂણા માં ગોઠવી દેવામાં આવેલું એનું શરીર દરેક માનવ ચહેલ પહેલ નિષ્ક્રિય રીતે નિહાળી રહ્યું. આખો વિસ્તાર વ્યવસાયિક ઉપભોગ માટે ખરીદી લેવામાં આવ્યો હતો. ઘાસ, વૃક્ષો, પંખીઓ, શાંતિ કશુંજ બચ્યું ન હતું. વેદિકા પણ આજે આવી ન હતી. પ્રચંડ શોર ની વચ્ચે એક જીવલેણ સન્નાટો વ્યાપી રહ્યો હતો. સફેદ ફૂલો ધૂળ ના થર માં ડૂબી ગયા હતા. અનુજ ની આંખો માંથી ઉફાળું પાણી ઉભરાઈ રહ્યું હતું…. આજે ફરીથી એણે વેદિકા ને ખોઈ દીધી હતી……

” પાણી……” બે ગરીબ હાથો આશ્વાસન પૂર્વક અનુજ તરફ આગળ વધ્યા. અનુજ ના શરીર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા એ સમજણ અને પરિપકવતા થી સમેટાઇ ગયા…. વૃક્ષો ધરાશયી કરીને આવેલા એ ખરબચડા હાથો એ પોતાનાં હાંફતા શરીર ને પાણી થી થોડી તાજગી અર્પી.

” એક વાત પૂછું સાહેબ ? ”
મૂર્તિસમા સ્તબ્ધ શરીર તરફથી ઉત્તર મળવાની અપેક્ષા છોડી હાંફતા શરીરે પોતાના શબ્દો આગળ વધાર્યા.

” આ વૃક્ષો માં તમારો જીવ હતો કારણકે એની જોડે તમારા જીવનની યાદો સંકળાઈ હતી. પણ જો એ યાદો સંકળાઈ ન હોત તો તમને એમના વિનાશ નું સહેજે દુઃખ થયું હોત ???”

અનુજ ની જડ આંખોમાં થોડી ચેતના આવી. પડખે બેઠા એ ગરીબ ચ્હેરા ઉપર એ સચેત આંખો આવી મંડાઈ…

” સાહેબ તમારો જીવ એ વૃક્ષો માં હતો ….પણ એ વૃક્ષો નો પણ પોતાનો જીવ હતો !!!”

અનુજ ની આંખો માં એક અનન્ય ચમક ઉપસી આવી. એક અભણ, ગરીબ માનવી એને શિક્ષિત કરી રહ્યો હતો અને પોતાના શિક્ષણ ની અભણતા છતી થઇ રહી હતી….

” પેટ નો ખાડો પુરવા અને ગરીબી ની વિક્લ્પ વિહીન પરિસ્થિતિ થી મજબુર હાથો આ કાર્ય કરી રહ્યા છે….. નહીંતર શ્વાસ લેતા, પ્રાણ ધરાવતા, પૃથ્વી ને પોષતાં આ જીવો ની હત્યા કરતા આત્મા ક્ષણ ક્ષણ મરે છે સાહેબ…. તમે તો મજબૂર નથી સાહેબ…”

અનુજ ના મોંઘા વસ્ત્રો અને કિંમતી ગાડી પર દ્રષ્ટિ ફેંકી એ ગરીબ આંખો ખુબજ અપેક્ષા જોડે અનુજ ની નજરોમાં ડોકાઈ રહી, ” સાહેબ કંઈક કરો નહીંતર એક દિવસ આખી સૃષ્ટિ ભઠ્ઠી સમી સળગી ઉઠશે અને આપણી આત્મા ખુદ ને કોસશે…. ઈશ્વર નો પ્રકોપ તૂટશે….. કઈ નહીં બચશે…. કઈ જ નહીં…… જીવો ની આ નિર્દોષ હત્યા સર્વનાશ વ્હોરશે…….”
ગરીબી ને હાથે બંધાયેલું જીવન પોતાના હાથો વડે કરેલી જીવ હત્યા ના પશ્ચયાતાપ ના અશ્રુઓ સમેટતું દૂર નિકળી ગયું. આ સંવેદના અનુજ થી વધુ કોણ સમજી શકે ?

બન્ને ના પશ્ચયાતાપ એક સમાન જ તો ! માનવ જીવ અને પ્રકૃત્તિ જીવ આખરે તો જીવજ ને ……બન્ને ની હત્યા ના પ્રત્યાઘાતો જુદા શા માટે ? એક જીવતા જાગતા મનુષ્ય ને મોત ને ઘાટ ઉતારવું અને એક પ્રકૃતિ જીવ ની શ્વાસો ને ઉખાડી નાખવું, બન્ને કર્મો સમાનજ તો છે… ફક્ત પ્રકૃત્તિ ને બોલવાનું, અભિવ્યક્ત કરવાનું કે ફરિયાદ કરી શકવાનું વરદાન ન મળ્યું એટલે મનુષ્ય એના પ્રાણ ઉખાડી જેલ ભેગો ન થાય ? જે શ્વાસો ને જીવ નું નિર્માણ કરવાની ક્ષમતા ન હોય એનાં વિનાશ નું નિમિત્ત બનવાનો અધિકાર ક્યાંથી મેળવી શકાય ???

અનુજ ની અંતર ની આંખો ઉઘાડી ગયેલો એ ગરીબ દલિત આંખો થી ઓઝલ થઇ ચુક્યો હતો. અનુજ ના અંતર માં એક નવી ચેતના પ્રગટાવી ગયેલ એ માનવી જાણે એક અલૌકિક સંદેશો પહોંચાડી ગયો…. કદાચ વેદિકા નોજ સંદેશો……
થોડા વર્ષો પછી અનુજ ફરીથી એજ સ્થળે બેઠો છે. હવે અહીં વૃક્ષો, પંખીઓ, ઘાસ, શાંતિ, સ્વ્ચ્છ હવા બધુજ પરત થઇ ચૂક્યું છે. શહેર ના લોકો માટે આ સ્થળ ખુલ્લું મુકાયું છે. પ્રકૃત્તિ ના ખોળા માં માથું ટેકવી શહેરીજનો પોતાની યાંત્રિક અને પ્રદુષણ થી છલોછલ ઉભરાતી જીવનશૈલી માંથી ભાગી છૂટી સ્વસ્થ વિશ્રામની ખોજ કરવા અહીં આવી પહોંચે છે. અનુજ ની મલ્ટીનેશનલ કમ્પની હવે ‘ વેદિકા નેચર રિઝર્વ્સ ‘ માં પરિવર્તિત થઈ ચુકી છે. એક ખાનગી વ્યવસાયિક કમ્પની હોવા છતાં પ્રકૃત્તિ ની જાળવણી અને બચાવ ના કાર્યો કરતી દરેક સરકારી સંસ્થાઓ સાથે જોડાઈ પૃથ્વી ની જાળવણી અંગે ની ફરજપૂર્તિ કરે છે. એના દ્વારા રોપવામાં આવતા દરેક વૃક્ષ ની જોડે એક નવું જીવ સૃષ્ટિ પર શ્વાસ ભરે છે…. અને આ દરેક જીવ ‘ભવિષ્ય માં સૃષ્ટિ ઓક્સિજન વિહીન બની રહેશે’ એ ભય સામે એક નવું આશા નું કિરણ બની ચમકે છે….. એ આશા ના ચમકતા કિરણ વચ્ચે થી દરરોજ વેદિકા અનુજ ને પ્રેમ ભર્યું સ્મિત આપતી જાય છે….

લેખક : મરિયમ ધુપલી

વાહ પોતાની ભૂલનું અનોખું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે આ યુવાન, આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો.
દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી