મારી દિકરીની વિદાયવેળાએ – દિકરીના લગ્ન પછી પિતા અને દિકરીની મનોસ્થિતિ દર્શાવતી લાગણીસભર વાર્તા…

“અરે શું શોધવા બેઠા છો તમે સવાર સવારમાં સાહેબ?? આજે રવિવાર છે ને આટલા દિવસનો થાક પણ છે.. સરખી ઊંઘ કરી લો ને જરા..!” સુહાસિનીબહેન વહેલા પરોઢિયે તેમના પતિ સુહાસભાઈને કહી રહ્યા હતા..! પત્નીની વાત સાંભળી સુહાસભાઈએ ત્વરાથી જવાબ આપ્યો, “અરે સુહાસિની, એ જ તો કહું છું કે આજે રવિવાર છે.. મારો અને મારી સાત્વીકાનો જોગિંગ પર જવાનો દિવસ છે.. પણ જો ને મારા શૂઝ નથી મળતા ક્યાંય…! તે જોયા છે???”


પતિની વાત સાંભળી મોં પર મુસ્કાન સાથે સુહાસિનીબહેન બોલ્યા, “અરે સાહેબ, તમારી સાત્વીકાને સાસરે વળાવ્યે આજે સાત દિવસ થયા..! ગયા રવિવારે રાત્રે જ તમારી દીકરી શાહ પરિવારની વહુ બની ગઈ..! ને આજે તો એ અને આપણા જમાઈરાજ શ્લોકકુમાર સ્વાતીઝર્લેન્ડમાં ફરતા હશે..! એમાં એને તમારી સાથેનું આ જોગિંગ યાદ પણ નહિ હોય અને તમે પાંચ વાગ્યામાં જાગીને શૂઝ શોધવા લાગી ગયા..!”

સુહાસિનીબહેનની વાત સાંભળી સુહાસભાઈને અચાનક ભાસ થયો કે તેઓ જેની ખેવના કરી રહ્યા છે તે તો ત્યાં હાજર જ નથી..! તેમનાથી હજારો કિલોમીટર દૂર ક્યાંક પોતાના પતિ સાથે આનંદ કરવામાં મગ્ન હશે..! ને આ વિચાર આવતા જ એ બાપની બાપની આંખોમાંથી આંસુ સરી પડ્યા… દીકરીની વિદાય પર પણ કઠણ કાળજું રાખીને આંસુ વહાવ્યા વગર તેને વિદાય આપનારો એ પુરુષ આજે સાત દિવસે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો..!


સુહાસ મહેતા અને સુહાસિની મહેતાનું એકનું એક સંતાન એટલે તેમની દીકરી સાત્વીકા. પાંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયા બાદ સુહાસભાઈને સંતાનની કોઈ ઈચ્છા નહોતી. બાળપણથી જ અનાથાશ્રમમાં ઉછરેલા સુહાસભાઈને ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ શહેરની ઉચ્ચ કંપનીમાં મેનેજરની પોસ્ટ મળી…! તે પછીના પાંચ વર્ષ પોતે જ્યાં રહીને ઉછર્યા તે અનાથાશ્રમનાં ઉદ્ધારમાં તેમણે વ્યતીત કરી દીધા.. તેમની સતાવીશ વર્ષની ઉંમરે તેમના ગુરુજી અને અથાશ્રમના સંચાલક બાલેન્દુભાઇનું અવસાન થયું તે પછી બે વર્ષ તેઓ તેમના મૃત્યુના ગમમાં રહ્યા.. લગ્નની કોઈ હોશ નહોતી જાણે..! અને ત્યારબાદ લગ્નની કોઈ જરૂર ના જણાતા પોતાની જાતને સેવામાં અને નોકરીમાં વ્યસ્ત કરી દીધી..

ચોત્રીસ વર્ષની ઉંમરે જયારે તેઓનો પરિચય નોકરીમાં નવા આવેલ સુહાસિનીબહેન સાથે થયો ત્યારે એક વર્ષના પરિચય પછી તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો..! ત્યારબાદ સંતાનની ઈચ્છા ના હોવા છતાં પણ સાત્વીકાનો જન્મ થયો.. તે વખતે સુહાસભાઈ બહુ ખુશ થયેલા.. અચાનક જ જાણે સ્વર્ગની પ્રાપ્તિ થઇ ગઈ હોય તેમ આખો દિવસ સાત્વીકાની દેખભાળમાં વ્યસ્ત રહેતા.. સાત્વીકાના જન્મ બાદ સુહાસિનીબહેને નોકરી છોડી દીધી હતી..! તે બંને પતિ-પત્નીના જીવનનું એકમાત્ર લક્ષ્ય અને પ્રેમ હવે સાત્વીકા જ હતી..!


નાનપણથી જ સાત્વીકાને પોતાના પિતા પ્રત્યે અપાર હેત.. માઁ કરતા પણ વધારે તે પોતાના પિતાથી નજીક હતી.. બંને બાપ-દીકરી રોજ સવારે સાથે જ નાસ્તો કરે.. પછી સુહાસભાઈ પોતાની દીકરીનું બેગ ભરે અને તેના વાળમાં ચોટલા પણ ગુંથી આપે.. સાંજે તે આવે પછી બંને સાથે જ જમે.. સાત્વીકા કોલેજમાં આવી ત્યાં સુધી આ ક્રમ ચાલ્યો.. પછી બેગ ભરવાનું ને એ બધું બંધ થઇ ગયું પરંતુ દર રવિવારે બંને બાપ-દીકરીનું સાથે જોગિંગ કરવા જવાનું શરૂ થયું. સુહાસભાઈ આખું અઠવાડિયું રવિવારની રાહ જોયા કરે..

જુવાન થઇ ગયેલી દીકરી ધીમે ધીમે પોતાની વ્યસ્તતામાંથી પિતા માટે સમય ઓછો કાઢી શકતી તેથી રવિવારની સવારનો છથી નવનો સમય એ બંને માટે બહુ ખાસ હતો.. મોબાઈલ લીધા વગર એ બાપ-દીકરી ફક્ત એકબીજા સાથે વાતો કરવા અને સમય પસાર કરવા જોગિંગ કરવા જાય..! ત્યારે તેમની વચ્ચે સુહાસિનીબહેન પણ ના આવી શકે.. સાત્વીકા હંમેશા તેના પિતાને કહેતી,

“પપ્પા હું ક્યારેય લગ્ન નહિ કરું..! તમને છોડીને હું ક્યારેય નહિ જાવ..! મારા જીવનમાં ફક્ત એક જ પુરુષ છે અને એ તમે જ છો..!”

સુહાસભાઈને આ સાંભળી એક જાતની રાહત થતી..! દરેક બાપ પોતાની દીકરીને એક દિવસ લગ્નમંડપમાં જોવા માગતો હોય છે.. દીકરીના જન્મથી આત્મસાત કરીને રાખેલા એક પિતાના શમણાંઓ તેના લગ્નમંડપમાં જ્યારે પુરા થાય ત્યારે તેની આંતરડી ઠરે છે..! પરંતુ સુહાસભાઈને સાત્વીકાનું ગજબનું વળગણ હતું કે તેઓ હંમેશા તેને પોતાની સાથે જ રાખવાનું વિચારતા..!


વકીલાતનું ભણ્યા બાદ સાત્વીકા હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવા લાગી.. ત્યાં તેની ઓળખાણ શ્લોક સાથે થઇ અને લગ્ન ના કરવાની તેની ઇચ્છાએ શ્લોકને જોઈને, મળીને તેના હૃદય સાથે હુંસાતુંસી શરૂ કરી…! ને આખરે એક દિવસ પોતાના મમી-પપ્પાને કહ્યા બાદ સાત્વીકાને શાંત્વના મળી..! સુહાસભાઈને જયારે ખબર પડી ત્યારે તેમને બહુ વસમું લાગેલું..! તેમની લાડકવાયીના જીવનમાં બીજો પુરુષ આવશે જે તેને કદાચ પોતાના કરતા પણ વધારે પ્રેમ કરશે..! આવા વિચારો ાવતા તેઓ એને ત્વરિત ખંખેરી નાખતા..!

ચાર મહિના પહેલા સાત્વીકાએ લગ્ન કરવાની જાણ કરી તે બાદ ગયા અઠવાડિયે લગ્ન પૂર્ણ થયા ત્યાં સુધી સુહાસભાઈ એક પણ રાત ઊંઘી નહોતા શક્યા..! ત્યાં સુધી કે તેના લગ્નના દિવસે રવિવારે પણ તે બંને બાપ-દીકરી જોગિંગ પર ગયેલા…!!!

આજે ફરી રવિવાર આવ્યો ને સુહાસભાઈને એ જોગિંગની વાત યાદ આવી ગઈ…! પણ હકીકતથી જયારે વાકેફ થયા ત્યારે તેમને એ આઘાત બહુ વસમો લાગ્યો..! રોજ ભલે દીકરી સમય ના કાઢી શકે પણ પોતાની પાસે છે એ જ વાત તેમને સધિયારો આપતી.. સુહાસભાઈ આખા દિવસમાં નહિ તો રાતના પણ એક વાર તેના ઓરડામાં જઈ તેના કપાળમાં વ્હાલભર્યું ચુંબન કરી આવતા..! પરંતુ હવે એ કશું જ શક્ય નહોતું.


વિચારોમાં ખોવાયેલા ને પાંચ વાગ્યાના જાગી ગયેલા સુહાસભાઈના ફોનમાં છ વાગ્યાનો એલાર્મ વાગ્યો ને તેઓની આંખ ફરી ભરાઈ આવી..! હજુ તો એલાર્મ બંધ કરવા જાય ત્યાં જ વહાલી દીકરીનો નંબર જોઈ તેઓ ખુશખુશાલ થઇ ગયા.. તરત જ ફોન ઉપાડીને બોલ્યા,

“મારી ઢીંગલી, મારી પરી… મારી વહાલી કેમ છે તું??? પપ્પાની યાદ નથી આવતી ને તને?? તારા સાસરે ગયા પછી એક વાર પણ તે ફોન નથી કર્યો હો…! ભૂલી ગઈ ને મને મીઠુંડી તું..?!” લાડમાં દીકરીને વઢી રહેલા સુહાસભાઈને જોઈ સુહાસિનીબહેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા..! પોતાના પતિનો હાથ પકડી તેઓ તેમને મૂક સધિયારો આપી રહ્યા..!


“અરે અરે પપ્પા..! કેમ આવું કહો છો?? હું તમને ભૂલું?? ઘડી વાર માટે તમારા આ જમાઈને ભૂલી જાવ પણ તમે તો મારા હૃદયમાં, મારી આત્મામાં વસેલા છો..! પોતાના ઈશ્વરને કોઈ કેમ ભૂલી શકે?? કહો જોઈએ..!? અને પપ્પા આ સમય હંમેશાથી તમારો જ હતો ને હંમેશા તમારો જ રહેશે. હું ભલે તમારી સાથે ત્યાં નથી કે આપણે નથી જોગિંગ પર જવાના પરંતુ આ છથી નવનો સમય એટલે ફક્ત તમારો જ સમય છે..!”

ને પછી તો ત્રણ કલાક સુધી એ બંને બાપ-દીકરીની વાતો ચાલતી રહી..! આખા અઠવાડિયામાં પોતે શું-શું કર્યું એ બધું જ વિગતવાર સાત્વીકાએ પોતાના પપ્પાને જણાવ્યું. શ્લોક પણ સાત્વીકાને આ રીતે તેના પપ્પા સાથે વાતો કરતા જોઈ ખુશ થઇ રહ્યો હતો…! રવિવારનો એ દિવસ સુહાસભાઈ માટે અત્યંત યાદગાર રહ્યો.. એ પછી તો મહિના સુધી દર રવિવારે સાત્વીકાનો આ રીતે ફોન આવતો. અને ત્રણ કલાક સુધી કોઈ જ જાતના હસ્તક્ષેપ વગર બંને બાપ-દીકરી વાતોમાં મગ્ન રહેતા..!


એક મહિના પછી પાંચમા રવિવારે સવારે છ વાગ્યે સુહાસભાઈ ફોનની રાહ જોતા હતા કે ડોરબેલ વાગી. અત્યારમાં કોણ હશે તેમ વિચારી તેઓ ઉભા થઈને દરવાજો ખોલવા ગયા..! દરવાજો ખોલતા સામે ઠસ્સાદાર સાડીમાં, સેંથામાં સિંદૂર અને હાથમાં રંગબેરંગી બંગડીઓ સાથે ઉભેલી દીકરીને જોઈ સુહાસભાઈ ચોંકી ગયા..! ભાન આવતા જ તરત તેને ભેટી પડ્યા. અંદરથી સુહાસિનીબહેન સાત્વીકાને જોઈ બહાર આવ્યા અને સાથે શ્લોકકુમાર પણ આવેલા છે તે જોઈને તેમણે બંને બાપ-દીકરીને સંબોધીને કહ્યું,

“અરે સાહેબ. શ્લોકુમારને દરવાજે જ ઉભા રાખવા છે કે શું?? જરા એમને અંદર તો આવવા દો પછી તમે બંને તમારું મિલાપકાર્ય કરજો..!! ને આ સાંભળતા જ બધા હસી પડ્યા. તે રવિવાર તે બંને બાપ-દીકરી છથી નવ ફરી વાર જોગિંગમાં ગયા અને આ બાજુ સાસુ-જમાઈએ વાતોના ઠહાકા માર્યા..! જોગિંગમાંથી આવ્યા બાદ બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસતો કરતા હતા ત્યારે શ્લોકે તેના સસરાને સંબોધીને કહ્યું,

“પપ્પા.. તમારો અને સાતુનો પ્રેમ ખરેખર અવર્ણીય છે..! એમાંય તમારું એના પ્રત્યેનું આ વળગણ ગજબ છે..! એક બાપને દીકરી માટે ચોક્કસ અઢળક પ્રેમ હોય પણ તમારા જેવો પ્રેમ મેં આજ સુધી નથી જોયો. જો તમારી અનુમતિ હોય તો હું તમને કંઈક કહેવા માગું છું..!” શ્લોકનીવાત સાંભળી ત્યાં હાજર ત્રણેયને આશ્ચર્ય થયું કે શું વાત હશે..! સુહાસભાઈએ વાત આગળ વધારવાનું કહેતા શ્લોક બોલ્યો,


“પપ્પા આપણા સમાજમાં પહેલેથી દીકરીની વિદાય પછી તેના પિયર પરત્વેના પ્રેમ માટે જાણે એક પ્રકારનો પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે..! કોઈ દીકરી જો મહિનામાં ચાર વાર પણ પોતાના પિયર જાય તો લોકોને શંકા જવા લાગે છે કે વર સાથે માથાકૂટ હશે અથવા તો સાસુ માથાભારે હશે..! પોતાના સગા માઁ-બાપને મળવા માટે પણ દીકરીને પરવાનગી લેવી પડે છે.. અરે ત્યાં સુધી કે જો ફોન પર પણ વધારે વાત થાય તો “બિલ વધારે આવે” એમ કહીને સાસુઓ પોતાની વહુઓને વઢે છે..!

હું સાત્વીકાને ખુબ જ પ્રેમ કરું છું.. કદાચ કાલે અમારે પણ દીકરી આવશે.. ને ત્યારે એનાથી છુટ્ટા થવાનું વિચારતા જ હું અત્યારથી ધ્રુજી જાઉં છું..! જે દીકરીને નાનપણથી એક કળીની જેમ ઉછેરી હોય તેનું સુંદર પુષ્પમાં રૂપાંતર થતા જ તેને કોઈ બીજાના બગીચે રોપી દેવાની અને તેના પરના સર્વ અધિકારો પણ ત્યાગી દેવાના એ વાત સાથે હું સંમત નથી..! અને એટલે જ મારી એક પ્રસ્તાવના છે..!


હું ઈચ્છું છું કે અઠવાડિયાના સાત દિવસમાંથી ત્રણ દિવસ અમે તમારી સાથે અને ત્રણ દિવસ મારા મમી-પપ્પા સાથે રહીએ..!!!! રવિવારે સૌ સાથે રહેશું..! આઈ નો કે આ પ્રેક્ટિકલી કરવું થોડું અઘરું છે પરંતુ આવું કરવાથી તમને એક દીકરી સાથે દીકરાનો પણ પ્રેમ મળશે.. હું તમારો દીકરો થઈને રહીશ.. હા જો કદાચ અમે બીજા શહેરમાં રહેતા હોત તો આ વાત અનુસરવી અશક્ય બની રહેત. પરંતુ આજે એક જ શહેરમાં રહીને આ અનુભવવામાં કશું ખોટું નથી એમ હું માનું છું..!

અને હા કદાચ તમને થાય કે હું તમને મારા ઘરે રહેવા કેમ નથી બોલાવી લેતો તો એનું કારણ છે તમારું આત્મસન્માન. મને ખાતરી છે કે આ રીતે તમને દીકરીના ઘરે રહેવાનું ના ફાવે પરંતુ જો અમે અહીં આવીએ તો તમને વાંધો પણ ના જ આવે..! એમાંય તમારે જ્યારે બીજું સંતાન ના હોય ત્યારે ખાસ કોઈની હાજરીની હૂંફ જોઈએ..!

અને હા બીજી પણ એક વાત..! મારા મમી-પપ્પા આ વાત સાથે સંપૂર્ણ રીતે અને ખુશીથી સહમત છે..! એટલે તમે એ બાબતે ચિંતા ના કરતા..!”


શ્લોકની વાત પુરી થતાની સાથે જ સુહાસભાઈની આંખમાં આંસુ આવી ગયા..! ક્યાં જન્મના પુણ્યે આટલો સમજુ જમાઈ મળ્યો છે તે વિચારતા જ તેઓએ જમાઈને બથ ભરી લીધી ને સુહાસિનીબહેન તો જઈને ભગવાનને દંડવત પણ કરી આવ્યા…! સાત્વીકાને પોતાની પસંદગી પર ગર્વ થઇ રહ્યો હતો..! ને તે રવિવાર જાણે શાહ અને મહેતા પરિવારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો…!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ