મારે મોબાઈલ બનવું છે. – ક્યાંક તમારું બાળક પણ આવું તો નથી વિચારતું ને? એક બાળકની દ્રષ્ટિએ ખૂબ લાગણીસભર વાર્તા..

નીલ ની શાળાનો annual function હતો. દર વખત ની જેમ આ વખતે પણ નિલે ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો. અને દર વખતની જેમ મિતાલી અને અભય પોતાના લાડકા દીકરા નિલ ના ડાન્સ માટે ઉત્સાહિત હતા. નિલ નો ડાન્સ પરફોર્મન્સ નો કોસ્ચ્યુમ આગલા દિવસે જ ઘરે આવી ગયો હતો. annual function ને જ્યારે ગણતરી ના કલાક બાકી હતા ત્યારે મિતાલી એ ડાન્સ કોસ્ચ્યુમ બેડ પર મૂકી અને પોતાના અદ્યતન કેમેરા વાળા મોબાઈલ મા એ કોસ્ચ્યુમ નો એક ફોટો લઈ લીધો અને એને પોતાના whatsapp status માં મૂકી દીધો. સાથે કેપ્શન પણ આપ્યું “count down begins for annual function”

થોડીવારમાં મિતાલી એ નિલ ને ડાન્સ કોસ્ચ્યુમ પહેરાવી .જરૂર મુજબ મેકઅપ કરી તૈયાર કરી દીધો. અને તૈયાર કરતાંવેંતમાં જ આડાઅવળા પોઝ માં એને નિલના ઘણા બધા ફોટોસ પાડી લીધા.અભય પણ જાણે મિતાલી નો વાદ કરતો હોય એમ એને પણ નિલના અલગ અલગ એન્ગલ માં ફોટોસ પાડી લીધા.ત્યારબાદ બંને પતિ પત્ની કયો ફોટો સરસ આવ્યો છે એની ચર્ચા માં પડી ગયા. મિતાલી બધા જ ફોટા વારાફરતી પોતાના વોટ્સઅપમાં મૂકતી ગઈ.અને અભય પણ મિતાલી ની જેમ જ ઘણા બધા ફોટો ફેસબૂક પર અપલોડ કરવામાં લાગી ગયો..

તૈયાર થઈ ને બેઠેલો નિલ પોતાના મમ્મી પપ્પા ને મોબાઈલ માં પરોવાયેલા જોઈ રહ્યો હતો. annual function પર સમયસર પહોંચી જવા મિતાલી અને અભય પોતાના નાનકડા નિલ સાથે નિલ ની શાળા એ રવાના થવા ગાડી માં ગોઠવાઈ ગયા.ગાડી માં ગોઠવાઈ ગયેલા નિલ સાથે એક સેલ્ફી પાડી મિતાલી એ પોતાના સોશિયલ મીડિયા પર મૂકી દીધો.નીચે સરસ મજાનું caption પણ મુકાઈ ગયું.

“ready for annual function …….feeling excited for nil s performance.મિતાલી અને અભય ને નિલ ખૂબ જ વ્હાલો..બંને નિલ ને ખૂબ જ પ્રેમ કરતા..એની દરેક જીદ સંતોષતા…નાનપણ થી લઈને અત્યાર સુધી નિલના દરેક પળ ને એમને પોતાના મોબાઈલ માં કેપ્ચર કરી રાખેલા..નિલને શહેરની સારામાં સારી શાળા માં એડમિશન પણ અપાવી દીધું હતું…annual function માટે ઉત્સાહિત મિતાલી અને અભય આખરે નિલની શાળા એ પહોંચ્યા. શાળામાં પહોંચતા નિલ પોતાના મિત્રો સાથે ચાલ્યો ગયો અને મિતાલી અભય સાથે નિલના મિત્રોના માતા-પિતા સાથે વ્યસ્ત થઈ ગયા.પોતાના સંતાનો એક જ શાળામાં ભણતા હોવાથી હવે એમના માતાપિતા પણ જાણે મિત્રો જ બની ગયા હતા.

ઘણા સમયે બધા સાથે મળ્યા હોય બધા એ ઘણી બધી વાતો કરી..મિતાલી એ નિલના મિત્રો ની માતા સાથે કેટલીક ગ્રૂપ સેલ્ફી લીધી તો ઘણા વિદ્યાર્થીઓ ની મમ્મી સાથે અલગ અલગ પોઝ માં ફોટા પણ પડાવ્યા. થોડી વાર આમ તેમની વાતો કરી બધા જ પોતે લીધેલા સેલ્ફી જોવા પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. જેની પાસે એકબીજાનો નંબર હતો એ ફરી કન્ફર્મ કરી રહ્યા હતા અને જેની પાસે નંબર ન હોય તે એકબીજાનો નંબર શેર કરી રહ્યા હતા..

થોડી જ વારમાં સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી. એટલે સૌ માતા-પિતા પોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા અને એમના બાળકો પોતાના ડાન્સ પર્ફોર્મન્સ માટે બેક સ્ટેજ જતા રહ્યા. પ્રિન્સીપાલ દ્વારા સૌપ્રથમ બધાનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ સૌપ્રથમ પ્રાથના અને ત્યાર બાદ ડાન્સ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. ડાન્સના અવનવા રંગીન કોસ્ચ્યુમ માં બધા જ બાળકો ખૂબ જ શોભી રહ્યા હતા. નીલ પણ એમાંનો જ એક ખૂણામાં ડાન્સ કરી રહયો હતો અને મિતાલી અને અભય બંને પોત પોતાના મોબાઈલમાં નીલના ડાન્સનો વિડીયો ઉતારી રહ્યા હતા. ડાન્સ જેવો પત્યો તેવા જ મીતાલી અને અભય પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. સૌપ્રથમ મિતાલી એ પોતાનો ફેસબુક ખોલ્યું. અને નીલ નો ડાન્સ વિડીયો પોતાના ફેસબુક એકાઉન્ટમાં અભયને ટેગ કરીને અપલોડ કરી દીધો.

ત્યારબાદ બંને જણા નીલના ડાન્સ વિડીયો ને મળતા લાઈક અને કોમેન્ટ ની ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં અન્ય ફંકશન અને પ્રોગ્રામ પર એમનું જરાય ધ્યાન ન હતું.અને આવી જ દશા બીજા ઘણા માતાપિતા ની હતી.. થોડી જ વારમાં ફરી હોસ્ટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી. અને એ એનાઉન્સમેન્ટ ડિબેટ કોમ્પિટિશન માટેની હતી. આમ તો મીતાલી અને અભય જાણતા હતા કે નિલે પણ ડિબેટ કોમ્પીટીશન ભાગ લીધો છે. પણ બંને ડિબેટ કોમ્પિટિશન માટેના વિષય થી અજાણ હતા. વારાફરતી એક પછી એક બાળક પોતાનો ડિબેટ કોમ્પિટિશન માટે નું વક્તવ્ય રજુ કરી રહ્યા હતા. આખરે છેલ્લું નામ નિલ નું બોલાયું. અને ફરી એકવાર મિતાલી અને અભય પોતપોતાના મોબાઈલ સાથે સ્ટેજના એક ખૂણામાં નિલનો વિડીયો ઉતારવા માટે ગોઠવાઈ ગયા. નીલે પોતાના વક્તવ્યની શરૂઆત કરી.

આજે ડિબેટ સ્પર્ધામાં મારો વિષય છે મારે શું બનવું છે. તો મારા માટે આનો જવાબ છે મારે મોબાઈલ બનવું છે. હા કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે પણ હા મારે ખરેખર મોબાઇલ જ બનવું છે. મિતાલી અને અભય બંને પોતાના લાડકા દીકરા ને પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યા હતા..એમનું સંપૂર્ણ ધ્યાન વિડીયો સારી લાઈટ અને સારા એન્ગલ થી આવશે કે નહીં એના પર જ હતું. નિલે પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું.

મારે મમ્મી ની આંગળીઓ સાથે સતત રમતા મોબાઈલ બનવું છે. પપ્પા જે મોબાઈલ માં ગેમ રમે છે મારે એ મોબાઈલ બનવું છે. મારા મમ્મી અને દાદી ને જે જોડી રાખે છે ને મારે એ મોબાઈલ બનવું છે. મારા પપ્પા જેની એક રીંગથી સુતેલા ઉઠી જાય છે ને મારે એ મોબાઈલ બનવું છે. રસ્તામાં જો ફોન પડી જાય તો એને દશવાર ચકાસી જોવે ને મારે એ મોબાઈલ બનવું છે.લોકો જેને જીવની જેમ સાચવે છે મારે એ મોબાઈલ બનવું છે. જેના બેટરી લો ની એક નોટિફિકેશન સૌને આકુળવ્યાકુલ કરી મૂકે મારે એ મોબાઈલ બનવું છે.

જેના જોક્સ વાંચી મારી મમ્મી હસે છે મારે એ મોબાઈલ બનવું છે. ઓફિસથી આવ્યા બાદ મારા પપ્પા જેમાં સતત વ્યસ્ત રહે છે મારે એ મોબાઈલ બનવુ છે. નિલ નું વ્યક્તવ્ય સાંભળી મિતાલી અને અભય સ્થિર થઈ ગયા. વિડીયો ઉતારવા માટે ઉપડેલા મોબાઈલ વાળા હાથ હેઠા મૂકી દીધા. બંને નાનકડા નિલ ની વાત સાંભળી ને જાણે સ્તબ્ધ જ થઈ ગયા. ફક્ત મિતાલી અને અભય જ નહીં ત્યાં ઉપસ્થિત બધા જ વાલીઓ નિલ નુ અત્યાર સુધી નું વક્તવ્ય સાંભળી અચંબિત હતા.નિલ ના શિક્ષકો પણ અવાચક થઈ ગયા. એક નાનકડા છોકરા ના જાણે ઉભરા ઠલવાતા હોય એમ સૌને લાગવા લાગ્યું.

આધુનિકતા ની દોડ માં પોતે ક્યારે પોતાના બાળક થી દુર થઇ ગયા હતા એનો મિતાલી અને અભય ને વિચાર આવવા લાગ્યો. નિલનો નાના માં નાનો પળ પોતાના ફોન માં કેપ્ચર કરવાની લ્હાય માં પોતાના દીકરા સાથે નાની નાની પળો ગાળવા ની ભૂલી ગયા હતા એનો એમને અફસોસ થવા લાગ્યો. નિલે માંડેલુ પહેલું પગલું બેશક એમના મોબાઈલ માં કેદ હતું. પણ એ પહેલા ડગ ને પોતાની આંખે મનભરી ને જોવાનો લ્હાવો એ ગુમાવી ચુક્યા હતા. પોતાના દીકરા ની બધી જ જરૂરિયાત ને પુરી કરી ને સંતોષ માનતા ત્યાં ઉપસ્થિત બધા જ વાલીઓ જાણે પોતાના સંતાન ને માતાપિતા નો સમય ન આપી શક્યા એના ગુનેગાર બન્યા હતા. નિલ નું વક્તવ્ય આગળ ને આગળ ચાલતું રહ્યું અને ત્યાં બેઠેલા સર્વ કોઈ જાણે પોતાના સંતાનો ના આરોપો થકી જેલ માં પટકાયા હોય એવું અનુભવી રહ્યા હતા..

પોતાના સંતાન ના જન્મદિવસ ની ગુમાનભેર ઉજવણી…મોટી ડિઝાઈનર કેક…મોંઘીદાટ હોટેલ નું એ ઊંચું બિલ એ સઘળું તો મોબાઈલ માં ઉતારી લીધું હતું પણ પોતાના સંતાન ની એ જન્મદિવસે પહેરેલા કપડાં ની અકળામણ કદાચ બધા જ ભૂલી ગયા હતા. દરેક વાલીએ પોતાના બાળક ને સેલ્ફીથી તો પરિચિત કરી દીધા હતા પણ સેલ્ફ(પોતાની જાત) સાથે પરિચિત કરવા માં જાણે પાછા પડ્યા હોય એવું અનુભવી રહ્યા હતા.

બાળકના દરેક અનુભવ ને મોબાઈલમાં કેપ્ચર કરી એને પોતાના મિત્રવર્તુળ સાથે શેર કરી આનંદ પામવા ની દોડ માં પોતાના લાડકવાયા સાથે એ આનંદ માણવા નો જ રહી ગયો હતો એનો અહેસાસ મિતાલી અને અભય ની આંખો માં છલકાતા આંસુઓ પરથી નિહાળી શકાતો હતો. નિલ જ્યારે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે એના પર્ફોર્મન્સ ને જોવા કરતા એમને વિડીયો ઉતારવા માં વધુ રસ હતો એ વાત હવે એમને સમજાઈ ચુકી હતી. પોતાનું બાળક જ્યારે સ્ટેજ પર ઉભું હોય ત્યારે ને પ્રોત્સાહિત કરવા ને બદલે બસ એને કેમેરા માં કેદ કરવાની ઉતાવળ પર એમને પસ્તાવો થઈ રહ્યો હતો.

નિલના વક્તવ્ય એ ફક્ત મિતાલી અને અભય ની જ નહીં ત્યાં બેઠેલા બધા ન વાલીઓની આંખો ઉઘાડી દીધી હતી..ત્યાં બેઠેલા બધા જ ક્યાંક પોતાની જાત ને આ નાનકડા ભૂલકાઓ ના ગુનેગાર સમજી રહ્યા હતા. આખરે નિલે વક્તવ્ય પૂર્ણ કર્યું. સ્પર્ધા માં નિલ વિજેતા ન થઈ શક્યો પણ એને પોતાના માબાપ નો એના ભાગ નો સમય ચોક્કસ જીતી લીધો હતો

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ