મરસિયાની વિરાસત – મુસલમાનના ઘરે હિંદુ સમાજના મરસિયા ? લાગણીસભર વાર્તા…

બરાબર રસ્તાના ત્રિભેટે મુસ્લિમ વિસ્તાર પૂરો થાય ને હિન્દૂ મેલ્લો ચાલુ થાય, એની વચ્ચે એમની દુકાન. વર્ષોથી ડાયાલાલ જામી પડેલા. ઘરાકોની એવીતો ઠોર વાગે કે બે નોકર રાખેલા, તોય ડાયાલાલ માંડ બપોરે બે વાગે ખાધા ભેગા થાય. જોકે જયંતી હતો ત્યાં સુધી જીવને શાંતિ હતી, પણ એ જુવાનજોધ છોકરો બાઈકના જીવલેણ અકસ્માતમાં જતો રહ્યો ને એ થાકી ગયેલા. દુકાન સારી ચાલવાના મૂળમાં એમની મીઠી જીબાન. એક એક ઘરાકને નામથી ઓળખે. રહેવાનું ને દુકાન બેય અડી અડીને. બાજુમાંજ પાછી ઉમરભાઈની ગાદલાં-ગોદળાંની દુકાન.

આ બેય વેપારીઓને પાક્કો ઘરોંબો. ક્યારેક સકિનાચાચીએ ગોદાવરીબેનને ઘેર અડિંગો જમાવ્યો હોય તો વળી ક્યારેક ગોદારીબેન સકીનાચાચીના ઘરે, વાતોના તડાકા લેતાં લેતાં મરચાં ખાંડતાં જોવા મળે.

એમાંય પાછી ઉમરભાઈની સલમા ને ડાયાલાલની કુસુમતો રાતે સૂતી વખતેજ જુદી પડતી હશે. ના જાણે શુએ ગુસપુસ કરતી હોય કે, એમની વાતો ખૂટેજ નઇ. ખાવા બેસે તોય એકબીજીને સામે બેસાડીને ખાય. પછી વાસણનો ઢગલો ભેગો કરી મેલ્લાના નાકે બેઠી બેઠી ઘસી ઘસીને વાસણની પાળ કાઢી નાખે ત્યારે જપે.

આ ગામડું ખરું પણ મોટું ગામડું. પણ બંને સમાજનો એવો માહોલ કે ક્યારેક એહમદ ને એની બહેન સલમા નવરાત્રીમાં એવા ઠુમકા લઈ ગરબી ઘૂમે કે, જોનાર બસ જોતુંજ રહી જાય. માતાજીની આઠમની પ્રસાદી બસ ઉમરકાકા તરફથી દર સાલ રિઝર્વ થયેલી પડી હોય. સામે પક્ષે કુસુમને રક્ષાબંધન આવે ને મા જણ્યો ભાઈ જયંતિ યાદ આવે ! એ વખતે એ આંખોમાં આંસુનાં તોરણની સાથે એ એહમદને રાખડી બાંધી લે. આ કુસુમને સકીનાચાચી કુલસુમ કહીને બોલાવે કેમકે કુસુમને ગળથુથી આ ચાચીએ દીધેલી, એ ક્યારેક એને યાદ કરાવી લાડ લડાવે.

ઇદના દિવસે ગોદાવરીબેન સહકુટુંબ સકિનાચાચીના હાથની ખીર ખાઈને તરબતર થાય, તો બેસતા વરસના દહાડે એહમદના આખા કુટુંબના ડાયાકાકાને ઘેર ધામા હોય. આ બે કુટુંબ વચ્ચેજ ઘરેણ એવુંય નહીં નજીક નજીકનાં કેટલાંય ઘર બસ માણસ માણસ વચ્ચેના સંબંધને જ ઓળખે. ” કેમ, રાજી તારા કેતનીયાને તાવ ઉતર્યો ?” ” અલી મણી, તારી જોસનાના કાંઈ સમાચાર આવ્યા ?” આમ દુકાનની બાજુમાં ઊભેલા લીમડાના છાંયા નીચે બેસી સકીનાચાચી ગાદલાને ટાંકા લેતાં લેતાં જતાં આવતાં પડોશીઓના સંબંધોને વ્હાલના ટાંકા મારી મારીને નજીક ખેંચતાં હોય તેવું દ્રશ્ય ઊભું થાય.

તો ગોદાવરીબહેન વળી ઓલ્યા ગામના ઉતાર, રસુલના નાના બાબાને કેડમાં તેડી લાડ લડાવતાં, એટલુંજ નહીં પણ અણઘડને જાણે સંસ્કારનું સિંચન કરતાં હોય તેવું લાગે. કોઈનું છોકરું તોફાને ચડ્યું હોય તો, ” સીધો રહે સાલા બદમાશ, નહીતો ચકકુથી તારા બે કાન વચ્ચે માથું કરી નાખીશ.” ગોદાવરીબેન આટલું બોલે, એટલામાં તોફાન કરતું બાળક તરત ચૂપ.

કુસુમ-સલમાની દુનિયા તો અલગ જ્યારે જુઓ ત્યારે ભરત-ગૂંથણ કરી કરી કોઈના કમખા પર મોરલા ગહેકતા કરવામાં પડી હોય. તો ક્યારેક વળી એક-બીજીના પહેરવેશની અદલા બદલી કરતી જોવા મળે. આમને આમ, સમય ચક્ર ફરતું રહ્યું ને જમાનો કરવટ બદલતો રહ્યો. ત્રિભેટાની એ શાંતિને કોમવાદનો એરુ આભડી ગયો. અમનના મહોલને એક પલિતો ચંપાઈ ગયો. છેવાડાનાં કેટલાંય કુટુંબો મફતના ભાવે પોતાનાં મકાનો વેચી સોસાયટીમાં રહેવા જવા લાગ્યાં. એક ડાયાલાલને કોઈએ જવા ના દીધા.

ગોદાવરીબેનની માયાએ મોહની લગાડી. ગામના ઉતાર રસુલના મેબુને ગોદાવરીબેને ગળથુથી પીવડાવી હતી. તેણે ગોદાવરીબેનને વિખૂટાં પડતાં રોકી રાખ્યાં. એ મેબલો દુકાનનો વાણોતર હતો. કામથી થાકી ગયેલા ડાયાલાલનો એ કારોબાર સાંભાળતો હતો. ક્યારેક મેબલો બોલતો “ગોદાવરીમાને હું જવા દઉં તો મારી ગળથુથી લાજે ! ”

આખા ફળિયાનું ચિત્ર બદલાઈ ગયું હતું. પોતાપણામાં એક ફાંસ જાણે ભરાઈ ગઈ એ વારંવાર ખૂંચ્યા કરે. વખત રેતની જેમ સરી ગયો હતો. કિલકીલાટ કરતી એ માળાની ચકલીઓ સલમા-કુસુમને તો ક્યારનીએ પાંખો ફૂટી ગઈ હતી. એ માળો છોડી દૂર દૂર ઉડી ગઈ હતી. ઉમરભાઈનો એહમદ નિકાહ પઢી જેનબને લઈ આવ્યો હતો.

કુદરતને કરવું ને આ એહમદનો હાથ અજાણતાં રૂ પિંજવાના મશીનમાં આવી ગયો. રૂનો ઢગલો લાલ લાલ થઈ ગયો. દોડમ દોડ એક વાહનમાં એહમદને બાજુના શહેરમાં લઈ જવામાં આવ્યો. પણ ઘણું મોડું થઈ ગયું હતું. લોહી ઘણું વહી ગયું હતું ને એહમદ અલ્લાહને પ્યારો થઈ ગયો.

ગામમાં હા..હાકાર થઈ ગયો. જુવાન જોધ દીકરો માબાપને છોડી ખુદાની રહેમતમાં પહોંચી ગયો. માબાપ ને સગાંસબંધીયો ને ખૂબ સદમો પહોંચ્યો. ઘરમાં રો કકળ ચાલુ થઈ ગઈ. એહમદની ઘરવાળી ચડતા મહિને હતી. રૂખી દાયણના અનુમાન મુજબ ગમે તે ઘડીએ તેને પ્રસવની વેદના ઉપડવાની હતી. તે ફાડેલી આંખે માત્ર એહમદની મૈયત સામું જોયા કરે પણ રડે નહીં. એક બાજુ કારમું મૌત ને બીજી બાજુ આ બેજીવસોતી જેનબ રડી ના શકે. બધાને ચિંતા થવા લાગી. ” કેમ આ રડતી નથી ?”

” એને કોઈ પણ હિસાબે રડાવો. એનું બીપી વધી રહ્યું છે. ડીલેવરીની ઘડીઓ ગણાઈ રહી છે, ને એની માત્ર આંખોજ પહોળી છે રડતી નથી ! ” એકત્ર થયેલ સ્ત્રીઓમાંથી કોઈ બોલ્યું.

એહમદની મૈયતને નવડાવી, કફન પહેરાવી, જનાજામાં મૂકી તેને આંગણામાં લાવવામાં આવ્યો. બધા તેનો ચહેરો જોવા ઊભાં થયાં. માની હયાતીમાં જો દીકરો જતો રહે તો, રસમ મુજબ માએ દીકરાને પીવડાવેલું દૂધ માફ કરવું પડે. એ રસમ અદા કરવા, સકીનાચાચી, એહમદની મા ઊભાં થયાં.

” દીકરા ! તારું ગુ-મુતર ઘોયું…તને માફ મારા દીકરા ! તને મેં મારું દૂધ પાયું એ તને માફ કરું છું , મારી આંખના રતન ! અલ્લાહના ઘર સુધી તું છૂટો… દીકરા ! તા કયામત સુધી મારા એક એક અહેસાનમાંથી તને ફારેગ કરું છું ! બેટા એહમદ! ” ખુદા તને જન્નતમાં મુકામ આપે !” ભલભલાનું હૃદય હલબલાવી નાખે તેવી જીબાનમાં સકિનાબેને દૂધ માફ કર્યું. “આમીન ! આમીન ! ” આજુબાજુમાંથી અવાજ આવ્યા. એહમદની માનું આક્રંન્દ ભલભલા મરદોની આંખો ભીંજવી ગયું. એક ના રડી જેનબ. બસ એક પૂતળાની માફક એકધારી નજરે જોઈ રહી. એક પછી એક બધા સગાંએ ચહેરો જોવાની અને માફી આપવાની રસમ પુરી કરી. વિસફારીત નયને, જેનબ માત્ર જોઈ રહી પણ આંખનો પલકારો ના માર્યો. ઘણાની ચિંતામાં વધારો થયો.

” કલમે…શહાદત ! કલમે…. શહાદત” ના નેક ઉદગારો સાથે એહમદનો જનાજો ઉપડ્યો. તેમ છતાં, જેનબની આંખમાં આંસુના ટપકયું. જેવો જનાજો ઉપડ્યો તો એહમદની માનેલી, હિન્દૂ બહેન કુસુમે ને તેની સાથે આવેલી બીજી સ્ત્રીઓએ જનાજા પાછળ મરસિયા ચાલુ કર્યાં.

ત..લાયની પાળે વીરો દાતણીયાં માંગે હો…રે..ભ….ઇ ને હાયે હાયે..!! ક્યાં જોવું રે ? ક્યાં જોવું, વીરા ની વાટો હું ક્યાં જોવું .. હોં સે શેરિયા.. હાયે.. હાયે….!! ” હાય..મારા વીરા. હાય… હાય !! માંના જણ્યા હાય..!..હાય..!! મોભ ફાટ્યો…હાય..! હાય..! પાનેતર ઓઢાડનારા ..હાય..હાય..!! કુસુમ મરસિયા ગાઈ રહી હતીને તેની સાથે આવેલી સ્ત્રીઓ એટલાજ ભાવથી ઝીલી રહી હતી.

મુસલમાનના ઘરે હિંદુ સમાજના મરસિયા ? વાતાવરણમાં ગમગીની હતી. ઘરનાં નેવાં ખળભળી ઉઠયાં, દિવાલોએ પડઘા પડયા, હાય..! રશિયા હાય.. ! હાય..! જેનબનું દિલ હચમચી ઉઠ્યું. તે એકા એક ઊભી થઈ. બે ત્રણ સ્ત્રીઓએ તેને સંભાળી. એ કુસુમની છાતી સાથે જડાઈ ગઈ, કુસુમનો હાથ તેની પીઠ પર ફરવા લાગ્યો. ને બારે મેહ ખાંગા થઈ ગયા ! શ્રાવણ-ભાદરવો તેની આંખોમાંથી વરસી પડ્યો. રોઈ રોઈને કુસુમનો ખોળો ભીનો કરી નાખ્યો. એનું હૈયું ખાલી થઈ ગયું. ગળામાં ભરાઈ ગયેલો ડૂમો વેગથી બહાર આવ્યો ને બરાબર તે સમયે જેનબની કુખમાં બાળક ફરક્યું, જાણે કોઈ પોતીકું મળી ગયું હોય ! તેમ સમજી કુખમાંના બાળકે આળસ મરડી હશે ! ને જેનબને વેણ ઉપડી. થરકતી જાંઘે એને ઘરમાં લઈ જવામાં આવી. રૂખી દાયણને તાબડતોબ ડિલેવરી માટે બોલાવવામાં આવી.

કબ્રસ્તાનમાં એક બાજુ એહમદની મૈયત પર રસમ મુજબ ફૂલની માટી ચડતી હશે ને બીજી બાજુ તેના ઘરની માટીની દિવાલોની આરપાર ઉવાં….ઉવાં…ઉવાં ! નવજાતનું રુદન છલકાયું. કોઈએ દીકરાના જન્મની વધામણી ખાધી. એહમદની બહેન કુસુમના હોઠ પર આવી ગયું, ” ઉપરવાળો તને સો વરસનો કરે મારા વીરા ! ”

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ