મરસિયા – ગર્ભવતી મૃત પત્ની મૃત બાળક સાથે તેના ખોળામાં, લાગણીસભર વાર્તા.

લાભૂને ચડતા દિ થયા ત્યારથી વિનુએ તેને મજૂરીએ જવાની ના કહી, અગાઉ બે કસુવાવડમાં લાભુનું શરીર નબળું પડેલું ને હવે ફરી ચડતા દિવસોમાં પૂરતું પોષક ભોજન ન મળવાથી તે નંખાઈ ગઈ હતી.

વીનુ બે જગ્યાએ વધુ મજૂરીએ જવા લાગ્યો , તનતોડ મહેનત સાથે એની આંખો એક નાનકડા જીવનું સપનું સેવી રહી હતી, લાભુ આમ જીરવી હતી પણ આ વખતે હેડ નબળી પડી હતી એ ખાધેલું બધું ઓકી કાઢતી , આમેય વિનુની મજૂરીમાં માંડ બે ટંકનો રોટલો ઉપજતો ત્યાં દવા કરાવવાના રૂપિયા તો ક્યાંથી હોય. સરકારી દવાખાનામાં લાભૂને લાંબી લાઈન માં કલ્લાકો બેસી રહેવું પડતું ત્યારે માંડ જરૂર પૂરતી દવાઓ ડોક્ટરના મેણા ટોણા સાથે મળતી.

ગરીબની વહુને ભાભી કહેનાર જાજા એમ હડકોલા ખાતી લાભુ ઘર સુધી પહોંચે ત્યાં હાંફી જતી જેટલો શ્રમ શરીર વેઠતું એટલો કે એથી વધુ લોકોની વાસના ભરી નજર ને ગરીબાયને કારણે થતા આપમાન વચ્ચે માનસિક શ્રમ પડતો. જેમ તેમ મહિનાઓ નીકળી રહ્યા હતાં.

હવે લાભૂને પુરા દી ચડેલા નવ મહિનાને માથે ત્રણ દી ચડી ગયાં; એ દિવસે તેની તબિયત બગડી હતી શ્વાસ ધમણની જેમ ચાલતા હતા પગે સોજા આવ્યા હતા, અને આંખ પીળી પડી ગઈ હતી. વારંવાર કપાળ અને ગળે પરસેવો વળી જતો હતો. પડખાં ખાલી થતાં આવ્યા હતા બાળક નીચું ઉતર્યું હોય એમ જણાતું હતું. સાંજ સવાર નીકળે એવું ટાણું હતું. પણ શરીર હિંમત કરી શકે એ સ્થતી ન હતી.

વિનુએ લાભૂને કહ્યું ” તું કે તો આજ ઘરે રહી જાવ તારી તબિયત ઠીક નથી” ઓચિંતો દુખાવો થશે તો કોણ સાથે રહેશે? આપણી વસ્તીમાં સહુ મજૂરીએ જાય છે” લાભુએ વિનુને કહ્યું ” ના ના તમે એમ કરો મને દવાખાને મૂકી પછી મજૂરીએ જાવ સાંજે આવજો મને લેવા ત્યાં સુધી જો હું છૂટી થઈ જઈશ તો રામે પાર ઉતાર્યા હમજશું નહિતર કાલ ફરી સવારે દવાખાને જાશું આમ પ્રસુતિ ન થાય ત્યાં સુધી રોળવીશું.” મજૂરી મળશે તો દી નિકળસેને.

વીનું લાભૂને દવાખાને મૂકી મજૂરીએ ગયો. સરકારી દવાખાનાની લાંબી લાઈનમાં ઉભેલી લાભુનો વારો આવે તે મોર તો દસિયો સરી ગયો , પ્રસવપીડા શરૂ થઈ ને લાભુની ચીસો પણ. એક નર્સ દોડતી આવીને લાભૂને હાથના ટેકે રૂમ સુધી લઈ ગઈ . અને એક પલંગ પર સુવાડી ડોક્ટરને બોલાવી લાવી. લાભુનું બ્લડપ્રેશર નીચું જતું રહેલું આ અવસ્થામાં પ્રસુતિ સહજ ન હતી . ડોકટરે પ્રયાસ કર્યા બ્લડપ્રેશર નોર્મલ કરવાના સાથે આસાની થી પ્રસવ કરાવવાની તૈયારીઓ કરી પણ લાભુનું શરીર સાથ ન આપી શક્યું તેની નસ ધીમી પડી શ્વાસ ડુૂકવા લાગ્યા બે ત્રણ ઘડીમાં તો તેને શ્વાસ છોડી દીધા . મરણ પામેલી લાભુના બાળકના ધબકારા ચેક કરતા જાણ થઈ કે તે પણ મૃત્યુ પામ્યું છે. ઓળનું પાણી શ્વાસનળીમાં જતું રહ્યું હોવાથી બાળક પણ ન બચ્યું ને લાભુ પણ ન બચી.

સાંજે વીનુ મજૂરીએથી આવ્યો ત્યારે તેના હાથમાં ડબલ મજૂરીના રોકડા રૂપિયા એક હજાર હાથમાં લઈ સરકારી દવાખાને પહોંચ્યો જ્યાં તેને એક સાથે બેવડો આઘાત મળ્યો. તે સ્તબ્ધ થઈ જમીન પર ઢળી પડ્યો. ન રોઈ શકયો ન એની આંખો ભીની થઇ! એની અંદર ગરીબીને વશ અઘટિત ઘટનાની ઘટમાળ ચાલુ થઈ. એક પછી એક એમ લાભુના નન્દવાતા સપના અને તેની કરમાતી કાયા દેખાઈ. તેનું મગજ સુન્ન થઈ ગયું. ટોળું જમા થયું વિનુના ખોળામાં લાભુનો મૃતદેહ હતો ને તેના ફૂલેલા પેટમાં બાળકનો.

બે ઓળખીતા લોકોએ વિનુને ઘરે પહોંચાડ્યો ને આવેલ હજાર રૂપિયામાંથી લાભુનું ખાપણ ને અંતિમક્રિયાનો ખર્ચ નીકળ્યો. વસ્તીની સ્ત્રીઓ ગણગણવા લાગી લાભૂને કાઢી જાય ત્યારે લાંબે રાગે મરસિયા ગાવા જોશે તો વીનું ને રોવું આવશે ને તેનો જીવ હળવો થશે આમ તો બાપડો પોતે મરવા પડશે તય કોણ રોવા વાંહે વધ્યું છે હવે એને.

લાભુની અંતિમ સવારી નીકળી લાલ ઘરચોડું ને સેથીએ સિંદૂર ને ભર્યું છતાં ખાલી પેટ જોઈ ભલભલા લોકોની આંખો ભરાઈ આવી પણ વિનુની આંખોમાં કોરું ધાકળ વાદળું સૂર્ય આડું આવીને અંધારું કરે તેમ ગમગીની છવાયેલ રહી. બાજુવાળા રામી માસીએ મરસીયું ઉપાડ્યું ….

” મારા જતનની જણનાર ચાલી નીકળી સાથે લઈને જગજીવનને રે લોલ ” મારી સુની મેડીને સુના હવે મંદિરિયા રે લોલ … એ તો લઈ ગઈ રે આંગણા કેરો કિલ્લોલ મારી ઠાઠડીએ થી ખભ્ભો કોઈ લઈ ગયું રે લોલ… મારા પિંડ નોંધારા હવે રય ગયા રે લોલ મારા ચૂલાની ફૂંકનાર ક્યાં ગઈ રે લોલ….

ઊંચા અવાજે ગવાતા મરસિયાએ કામ કર્યું ને ડેલીએ. દેહનો વિસામો આવ્યો ત્યાં વિનુએ પોંક મૂકી રડવાનું ચાલુ કર્યું. આભડવા આવનાર સહુની આંખો ભીની થઇ . વિનુએ લાભૂને કાંધ દીધી ને રડતો છેક સ્મશાન સુધી ગયો. ત્યારે લોકોનું ટોળું એકજ વાત કરતું હતું ભલું થજો રામી માસીનું જેણે લૌકિકની રીત સાચવી રાખીને મરસિયા ગાતા શીખી લીધું નહિતર આવું કોક શોકમાં ડૂબેલું કમોતે મરે.

લેખક : ચિંતલ જોશી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ