મારા સાસુ, મારી સહેલી – લગ્ન કરવા માટે કરી એક ચાલાકી અને એ જાણી ગયા સાસુમા.. હવે???

“કહી દઉં કે ચુપ રહું..!! શું કરું ને શું ના કરું..!! આ તે કેવી દ્વિધા છે?? આવી વાત કોને કહેવા જાવ?? કોઈ શું મારી વાતનો વિશ્વાસ કરશે?? લોકોને તો એમ જ થશે ને હું સાવ ખોટાડી છું.. પણ નાં મમી તો મારો વિશ્વાસ કરશે જ.. એમણે તો લગ્ન વખતે જ કહેલું કે “બેટા તું અમારી વહુ નહિ પણ દીકરી જ છે.. એટલે જીવનમાં ક્યારેય કોઈ પરેશાની આવે કે દિલ મૂંઝાઈ ત્યારે મને કહી દેજે.. હું તારી સાથે જ રહીશ.. તારી દોસ્ત બનીને.. પણ એવું તે કઈ હોતું હશે.. સાસુ વળી દોસ્ત બની શકે?? પણ જો કે આજ સુધી મેં એમને કઈ એવું કહ્યું જ નથી કે એમની મિત્રતાની પરખ થાય.. સાસુપણું પણ એમણે નથી દાખવ્યું.. તો શું એનો મતલબ એમ કે એ મારા દોસ્ત જ છે.. બસ મારે જ પહેલ કરવાની છે..!!

હે નાથ તું જ કે હું શું કરું??”

ખુલ્લી ડેલીમાંથી આવતા ધૂળના રજકણો ત્વમીના મુખ પર પથરાઈ ગયા ને જાણે એની મૂંઝવણમાં ભળીને એ પણ સહેમી ગયા હોય તેમ તેના ગાલ પર ચોટી ગયા.. તોય ત્વમી કદરૂપી નહોતી લાગતી.. કે એના ચહેરા પર ધૂળ છવાઈ ગઈ હોય એવું પણ નોહ્તું લાગતું.. તે હતી જ એટલી ખુબસુરત કે ધૂળની તો શું વિસાત એની પાસે..!! તેના ચહેરા પરની તંગ રેખાઓ વધારે તંગ બની રહી હતી કે સાસુમાએ રસોડામાંથી સાદ દીધો.. “ત્વમી બેટા.. જરા અહી આવજો તો.. રસોડામાં તમારું કામ છે..!!”


ચહેરા પરની ચિંતાને ડેલીએથી વળાવીને, ડેલી બંધ કરીને મુખ પર આછી મુસ્કાન ધારણ કરી ત્વમી તેના સાસુમા પાસે પહોચી. પણ ફળિયાથી રસોડા સુધીનો એ રસ્તો જાણે તેના માટે બહુ કપરો હતો.. બે મહિના જ થયા હતા હજુ તો લગ્નને.. એમાં પહેલો એક મહિનો તો એ અને તમસ હનીમુન પર ગયેલા.. આખું યુરોપ ફરીને પુરા એક મહીને બંને ઘરે પાછા આવ્યા હતા.. પાછો આગ્રહ તો સાસુ-સસરાનો જ હતો ને આ રીતે એક મહિના માટે હનીમુન પર મોકલવાનો.. ને આમેય તમસ વળી ક્યાં કોઈ નોકરી કરતો હતો કે તેને રજા લેવાની કે પગાર કપાવાની બીક હોય.. તેના સસરાએ નાખેલા કારખાનાને હવે તમસ જ સંભાળતો હતો.. એટલે એ હતો તો ઘરનો જ ધંધો પાછો..!! હનીમુનથી પાછા આવ્યા પછી એ પિયરે ગઈ હતી.. તેના કાકાના દીકરાના લગ્ન માટે.. તો દસ દિવસ તો એ ત્યાં જ રહીને આવેલી. ને પાછી આવી એટલે તે લોકોને સપરિવાર બહારગામ જવાનું થયું.. એક વ્યવહારિક કામ માટે.. એમ ને એમ કરતા કરતા બે મહિના પસાર થઇ ગયેલા.. આજે લગ્ન બાદનો એ પહેલો દિવસ હતો જ્યારે તેને સંપૂર્ણપણે એક ગૃહિણીની જવાબદારી નિભાવવાની હતી..!! વિચારોમાં ને વિચારોમાં તે રસોડામાં પહોચી ગઈ તેનો ખ્યાલ પણ તેને ના રહ્યો.


ને આખરે એ જ થયું જેના વિચારમાં તે ક્યારનીય અટવાયેલી હતી.. તેના સાસુમાએ તેને જોઇને સહેજ અમસ્તું હસીને કહ્યું, “આવ દીકરી.. લે ચાલ હવે તું લોટ બાંધી લે.. ને પછી આ શાક સમારેલું છે મેં એ વઘારી દે.. પહેલા લોટ બાંધી લે એટલે હું તને બતાવી દઉં કે આપણા ઘરે શાકમાં કેવો ને કેટલો મસાલો જોઇશે..!!

ને ત્વમીની આંખમાંથી આંસુ સરી પડ્યા.. “સોરી મમી.. આઈ એમ સો સોરી.. મને જમવાનું બનાવતા નથી આવડતું.. મેં આજ સુધી મારી ચોવીસ વર્ષની જીંદગીમાં રસોડામાં પગ જ નથી મુક્યો.. હું દસ વર્ષની હતી ત્યારે મમીનું મૃત્યુ થયું.. એ પછી પપ્પા જ બધું સંભાળતા.. રસોડું પણ..!! હું ડે સ્કુલમાં હતી એટલે મારા માટે એ કુકિંગ પોસીબલ નહોતું.. બનાવવું કે શીખવું.. ઊલટાની સાંજે સાત વાગ્યે આવું ત્યારે થાકી ગઈ હોય તો સીધી સુઈ જાવ.. પપ્પા આવીને આઠ વાગ્યે જમવાનું બનાવે અને મને ઉઠાડે.. એ પછી અમે બંને સાથે જ જમીએ.. પહેલા જરૂર ના પડી અને પછી ના બનાવાની આદત પડી ગયેલી..!!” ત્વ્મીની કબુલાત સાંભળી બીજો કઈ જવાબ દેવાને બદલે તેના સાસુએ તેને ફક્ત એટલું જ પૂછ્યું કે “તો બાયો ડેટામાં એમ કેમ લખ્યું હતું કે તું રસોઈકળામાં નિપુણ છે..??”


“મમી પેલા હું ને પપ્પા બહુ નિખાલસ હતા.. જે પણ છોકરો જોવા આવે તેને અને તેના પરિવારને સાચે સાચું જણાવી દેતા કે મને રસોઈનો ર પણ નથી આવડતો.. મેં તમસની પહેલા વીસેક છોકરાઓને જોયા છે.. દર વખતે છેલ્લે વાત એમ આવીને અટકતી કે મને રસોઈ નથી આવડતી.. લોકો વાતો કરવા લાગ્યા હતા કે મારામાં ખોડખાંપણ હશે ને એટલે જ બધા મને ના કહી દે છે…. આખરે એક દિવસ પપ્પાએ મને રસોઈ સીખવવાનું નક્કી કર્યું.. અને અમે બંને રસોડામાં ગયા..!!!

એ દિવસે પપ્પા મને ખીર બનાવતા શીખવી રહ્યા હતા.. મેં એની સાથે પૂરી બનાવતા શીખવાની જીદ કરી.. ને આખરે પપ્પાએ મારી વાત માનીને લોટ બાંધ્યો.. મેં પહેલી પાંચ-સાત પૂરી વિચિત્ર આકારની બનાવી હતી. એ જોઇને અમે બન્ને એવા તો હસ્યા હતા કે વાત નાં પૂછો..!! એ પછી મેં પૂરી તળવાની જીદ કરી.. અને પૂરી તળવા જતા મારા હાથ પર ગરમ ગરમ તેલ ઉડ્યું.. ને મારા મોમાંથી રાડ નીકળી ગઈ.. ને પપ્પાના હૈયામાંથી ચીસ..!!!!એ સાંજે હાથ પરનો મોટો ફોલ્લો જોઈ પપ્પાએ ચોખ્ખું કહી દીધું કે મારે રસોઈ શીખવાની જરૂર નથી.. બાયોડેટામાં લખી નાખવાનું કે મને રસોઈ આવડે છે.. એટલે એ પ્રશ્ન પૂછવાની વાત જ નહિ આવે.


ને બસ એના પરિણામે પપ્પાએ મારા બાયોડેટામાં આવું છપાવ્યું…!!” સાસુના બદલાતા હાવભાવ જોઈ ત્વમી સહેજ ડરી ગઈ.. સવારથી આ જ દ્વિધામાં તો તે અટવાયેલી હતી.. કે પોતાને રસોઈ બનાવતા જ નથી આવડતી એ વાત સાસુને કહે કે નહિ.. ને આખરે અત્યારે કહી દીધા પછી સાસુના ચહેરાનાં હાવભાવ જોઈ તેને પસ્તાવો થઇ રહ્યો હતો કે કંઇક બહાનું બનાવી દેવાની જરૂર હતી..!!


કેત્કીબહેન જેવા તેની નજીક આવ્યા કે ત્વમીની આંખ મીંચાઈ ગઈ.. તેને લાગ્યું જાણે હમણાં સાસુ થપ્પડ મારશે.. મિત્ર બનવાની તો ખાલી ઠાલી વાતો હતી.. સાસુપણું દાખવ્યા વગર સ્ત્રી થોડી રહે..!! ને ત્યાં જ ત્વ્મીના આશ્ચર્ય વચ્ચે કેતકીબહેન તેને ભેટી પડ્યા.. ને જરા વારમાં તો ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડ્યા.. ત્વમીને કઈ ગતાગમ નાં પડતા તેણે પ્રશ્નાર્થસૂચક નજરે સાસુ સામે જોયું. ને કેતકીબહેન તેને જવાબ આપતા બોલ્યા, “બેટા.. સારું થયું તે મને કહી દીધું..

મેં પણ એક સમયે મારા સાસુને કહેવાની કોશિશ કરેલી કે મને ખાટા ઢોકળા માટેનું ખીરું આથતા નથી આવડતું..!! પણ મનની મનમાં જ રહી ગઈ.. ને જયારે આથતી વખતે ખાટી છાશમાં ભૂલથી લોટ વધારે પડી ગયો ત્યારે મારા સાસુએ મને રીતસરના ડામ દીધા હતા.. જેના ડાઘ હાથ પરથી તો જતા રહેલા વર્ષો પછી.. પણ હ્રદયમાં વણાઈ ગયેલા..


આજે તે મને એ અપરાધભાવમાંથી મુક્ત કરી જાણે.. હું આજ સુધી પોતાની જાતને જ દોશી માનતી રહેલી કે મારે એક વાર કહેવાની હિંમત તો કરવી જોઈતી હતી.. આજે તે મારામાં વિશ્વાસ કરીને, એ હિંમત બતાવીને, મારી પાસે તે આ નિખાલસ કબુલાત કરી ને.. એમાં જ મને મારી જીત દેખાય છે..!!”

ને ત્વમી આ સાંભળતા જ કેતકીબહેનને ભેટી પડતા બોલી ઉઠી. “ને મને અહીં મિત્રતાની શરૂઆત દેખાય છે..!!”

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.