માનવ મંદિર = “માં” નું મંદિર અશકત, નિરાધાર, માનસિક અસ્થિર માટેનું આશ્રય સ્થાન…

માનવતા શું છે એ જીવતો જાગતો નનુમો છે આ માનવ મંદિર. માં માટે તો બધા સરખા તેવી જ રીતે અહીંયા ૧૦૦ કરતાં પણ વધુ અશકત, નિરાધાર, માનસિક અસ્થિર મગજવાળા લોકો ની કાળજી લેવામાં આવે છે અને દિવસ ને રાતે તેની સેવા કરવામાં આવે છે.


એક નાનું એવું ઉદાહરણ આપના ઘર નું જ લઇ તો કેટલાક લોકો પોતાના માતા પિતાને પણ અમુક ઉમર પછી નથી સાચવી શકતા. જયારે આ સંસ્થા ૧૦૦ કરતાં વધુ લોકો ને સાચવે છે એ પણ એક, બે વર્ષ થી નહિ પણ છેલ્લા ૧૭ વર્ષ થી તેમની સેવા કરી રહ્યા છે. કોટી કોટી નમન આ માણસ (ધીરેન્દ્રભાઈ જીવરાજભાઈ કોરાટ) માટે કે જેમણે આ નિરાધારોને આધાર આપતી સેવા ચાલુ કરી અને અવિરત સેવા આપી રહ્યા છે.


ભાવગનર-રાજકોટ હાઇવે પર આવેલું કસ્તુરબા માનવ મંદિર જેને લોકો કસ્તુરધામ (ત્રાંબા) તરીકે પણ ઓળખે છે. તેની સ્થાપના કરનાર શ્રી ધીરેન્દ્રભાઈ જીવરાજભાઈ કોરાટને અસ્થિર મગજ ધરાવતા લોકોના ઉદ્ધારમાં ઉંડો રસ હતો અને માટે જ તેમને આવા નિરાધાર અસ્થિર મગજના, શારીરિક માનસિક રીતે અશક્ત લોકો માટે એક આશરો બનાવવાની પ્રેરણા મળી.


તેમને નાનપણથી જ આવા અશક્ત લોકો માટે એક અલગ જ લાગણી હતી તેઓ અભ્યાસ બાદ હંમેશા આવા લોકો માટે ઘર બનાવવાનું પોતાનું સ્વપ્ન પુરુ કરવાનો માર્ગ શોધતા રહેતા. તેઓ અમરાવતીમાં જ્યારે બીપીએડનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને હાથખર્ચી માટે જે રૂપિયા મોકલવામાં આવતા હતા ત્યારે તેમાંથી તેઓ આવા માનસિક રીતે અસ્થિર 5-6 લોકોને જમાડતા. અને તેઓ જ્યાં રહેતાં હતાં ત્યાં જ તેમની રહેવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી. અને ત્યારથી જ તેમનું સ્વપ્ન હતું કે તેઓ આવા લોકો માટે એક વ્યવસ્થિત આશિયાનો બનાવે. તેમનું આ સ્વપ્ન પુર્ણ કરવા માટે તેમને રૂપિયાની અને જમીનની જરૂર હતી. તેમણે ઘણા બધા લોકોને પોતાનું સ્વપ્ન સમજાવવા અને તેને વાસ્તવિક રૂપ આપવા સમજાવવા પડ્યા.


છેવટે તેમણે કસ્તુરબા આશ્રમ ટ્રસ્ટના સત્તાવાળાઓ સાથે વાત કરી. તેમણે તેમને પોતાની યોજના સમજાવી અને તેમને જણાવ્યું કે તેઓ શારીરિક રીતે અશક્ત તેમજ માનસિક રીતે અસ્થિર લોકો માટે એક સંસ્થા સ્થાપવા માગે છે. કસ્તુરબા આશ્રમના ટ્રસ્ટને તેમની આ ઇચ્છા જાણીને ખુબ ખુશી થઈ. છેવટે તેમની વાત માનીને કસ્તુરબા આશ્રમને તેમણે ત્રણ એકરની જમીન દાનમાં આપી. જે ભાવનગર હાઈવે પર ગ્રીન ફાર્મ શાળાની સામે ત્રાંબા ખાતે આવેલી હતી.


તેમને આ સંસ્થા ઉભી કરવા માટે આર્થિક રીતે ઘણી ખેંચનો સામનો કરવો પડ્યો પણ તેમ છતાં તેઓ અંગત સંપર્કો તેમજ સ્રોત દ્વારા સંસ્થા માટે પુરતા રૂપિયા ભેગા કરી શક્યા.


તેમને આર્થિક રીતે મદદ કરનારમાં તેમના કેટલાક નજીકના મિત્રોનો સમાવેશ થતો હતો. તેમણે ખુબ જ ટુંકા ગાળામાં તેમની સંસ્થાનું બિલ્ડિંગ તૈયાર કરાવી લીધું. અને પોતાના પિતાના મૃત્યુની વરસી પર એટલે કે 6ઠ્ઠી મે 2002ના રોજ તેમનું સ્વપ્ન પુર્ણ કર્યું.


ધીરેન્દ્રભાઈના પિતા જીવરાજભાઈ કોરાટ એક તલાટી હતા. તેમને બે ભાઈઓ છે એક શીક્ષણના વ્યવસાયમાં છે તો બીજા ખેતીના વ્યવસાયમાં છે અને તે પોતે પણ એક શૈક્ષણિક સંસ્થા ધરાવે છે. તેઓ પોતે પણ માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ છે. તેમની આ શાળામાં 4000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.


કસ્તુરબા માનવ મંદિરમાં માનસિક તેમજ શારીરિક રીતે અશક્ત લોકોને આ પ્રકારની સગવડ આપવામાં આવે છે


સૌ પ્રથમ તો અહીં તેમને એક શાંત અને ખુશખુશાલ વાતાવરણ મળી રહે છે. અહીં જે પણ વ્યક્તિને દાખલ કરવામાં આવે છે તેની નાત, જાત કે ધરમ જોવામાં નથી આવતા. તેમને એક જ ફેમિલિ ગણવામાં આવ્યા છે. અત્યંત સેંસિટીવ તેવા આ લોકોને સંસ્થામાં પ્રેમભર્યું, શાંત અને સંભાળવાળુ વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. તેમજ તેમના આત્મસમ્માનનું પણ તેટલું જ ધ્યાન રાખવામાં આવે છે.

તેમજ તેમનામાં રહેલી ક્ષમતાને વિકસાવવા માટે તેમને પ્રવૃત્તિશિલ રાખવા તેમજ તેમને બને ત્યાં સુધી પોતાના પર નિર્ભર રાખવા માટે તેમને મદદરૂપ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.


દાક્તરી સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે

કસ્તુરબા માનવ મંદીર માનસિક રીતે અસ્થિર તેમજ શારીરીક રીતે નબળા લોકોને સેવાઓ પુરી પાડે છે જેથી કરીને તેમનું માનસિક તેમજ શારિરિક સ્વાસ્થ્ય સુધરે. તે દરેક પર પુરતું ધ્યાન આપવામાં આવે છે અને તેમના માટે કેરટેકર્સ પણ રાખવામાં આવ્યા છે. તેમને જરૂરી બધી જ દાક્તરી મદદ પુરી પાડવામાં આવે છે અને જો વધારે સમસ્યા થાય તો તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવાની પણ વ્યવસ્થા છે. આ સંસ્થા તેમની પોતાની 24X7 ઉપલબ્ધ રહેતી એમ્બ્યુલન્સ પણ ધરાવે છે.

તેમના રહેવા માટે ઉનાળા દરમિયાન તેમને ગરમી ન લાગે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને તેમના માટે એસી રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રૂમનું ખુબ જ ધામધૂમથી ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.


વ્યવસ્થિત સ્વસ્થ ખોરાક પુરો પાડવામાં આવે છે

કસ્તુરબા માનવ મંદીરમાં એક મોટો ડાઈનીંગ હોલ બનાવવામાં આવ્યો છે જેમાં લગભગ 300 જેટલા લોકો એક સાથે જમી શકે છે. તેમના આ ડાઈનીંગ હોલની લગોલગ એક કીચન છે જે સંપુર્ણ સજ્જ છે. તેમાં ગેસ કનેક્શન તો છે જ પણ સાથે સાથે છ ઓવન પણ રાખવામાં આવ્યા છે. અહીં રહેતા લોકોને સંપુર્ણ પોષણયુક્ત શાકાહારી ભોજન પિરસવામાં આવે છે. આ ઉપરાંત જે અશક્ત લોકો પોતાની જાતે જમી નથી શકતાં તેમને કેરટેકર્સ જમાડે છે. આ ઉપરાંત રાત્રે સુવા જતાં પહેલાં દરેક વ્યક્તિને એક ગ્લાસ દૂધ પિવડાવવામાં આવે છે.

મનોરંજન પણ પુરુ પાડવામાં આવે છે


અહીં રહેનારા દિવ્યાંગોને કોઈ પણ રીતે કેદ કરીને નથી રાખવામાં આવતા તેમના મનોરંજનનો પણ પુરતો વિચાર કરવામાં આવે છે અને વાર તહેવારે તેમના માટે વિવિધ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના માટે સંસ્થામાં મોટું ટીવી પણ છે જેના પર તેમને ફિલ્મો બતાવવામાં આવે છે.

તો વળી દર ગુરુવારે બહારના મનોરંજન ગૃપ દ્વારા તેમને મનોરંજન પણ પુરુ પાડવામાં છે. આ સંસ્થાનું પ્રાંગણ ખુબ જ વિશાળ છે. જ્યાં તેમને કેટલીક આઉટડોર રમતો અને વ્યાયામ કરાવવામાં આવે છે જેથી કરીને તેઓ તેમની માનસિક તેમજ શારીરિક સ્થિતિમાં સુધારો લાવી શકે.

2016માં ધીરેન્દ્રભાઈ કોરાટે પોતાના પત્નીરમાબેન કોરાટની યાદમાં એક બીજી પણ ઇમારત બનાવી હતી જેનું નામ રમાભવન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં રહેતા દિવ્યાંગો માટે 2016માં સપ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


કસ્તુરબા માનવ મંદિરનું પ્રાંગણ હરિયાળીથી ભરપુર છે. અહીં દરેક તહેવારની પણ ઉજવણી કરવામાં આવે છે અને સંસ્થામાં હાજર દરેક ભાઈઓને રાખડી બાંધવામાં આવે છે.

આ સંસ્થા બહારના લોકો પાસે માનવતા સિવાય બીજી કોઈ જ મદદની અપેક્ષા નથી રાખતી


આ સંસ્થા સંપુર્ણ રીતે શ્રી ધીરેન્દ્રભાઈ કોરાટ દ્વારા સંચાલીત છે. આ સંસ્થાનું લક્ષ ‘માનવ મંદિર’ સંસ્થામાં સુખમય અને જીવંત વાતાવરણ જાળવી રાખવાનું છે. તમને લોકોને માત્ર એટલી જ અરજ છે કે તમે આ જગ્યાની મુલાકાત લો અને અહીં રહેતાં આ અશક્ત લોકોનો ઉત્સાહ વધારો અને તેમને એક ઘર જેવું વાતાવરણ આપવામાં મદદરૂપ થાઓ. તમારી એક મુલાકાત તેમના માટે આનંદદાયી રહેશે જેને તેઓ જીવનભર યાદ રાખશે.

ખરેખર ધીરેન્દ્રભાઈ જેવી વ્યક્તિ જો ગામે ગામે હોય તો દેશમાં આવા અશક્ત લોકોને જ્યાં ત્યાં ઠેબા ન ખાવા પડે. ધીરેન્દ્રભાઈને તેમના આ સતકાર્ય બદલ લાખો નમન.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ