નરગીસનો રોલ ભજવવો નસીબની વાત છે – મનિષા કોઇરાલા…

નરગીસનો રોલ ભજવવો નસીબની વાત છે –મનિષા કોઇરાલા

આજે સંજય દત્ત પર બનેલી તેની બાયોપિક ફિલ્મ સંજૂ રીલીઝ થઇ છે. સંજય દત્તની માતા નરગીસ પણ બોલિવૂડની લિજેન્ડ અભિનેત્રી હતી. તેમનું પાત્ર આ બાયોપિક ફિલ્મમાં મનિષા કોઇરાલાને ભજવવાની તક મળી છે. તેથી મનિષા આ રોલને કારણે હાલમાં ખૂબ ચર્ચામાં છે. મનિષાએ પોતે પણ બોલિવૂડમાં ખૂબ જ સફળ ફિલ્મો આપી છે. તે પોતે કેન્સર જેવી ગંભીર બિમારીનો ભોગ બની હતી અને તેમાંથી બહાર નીકળી હવે તેણે ફરીથી બોલિવૂડમાં કમબેક કર્યું છે. જોકે હાલમાં જ રજૂ થયેલી લસ્ટ સ્ટોરીઝ ફિલ્મ જેમા અલગ અલગ ડિરેક્ટર્સની શોર્ટ સ્ટોરીઝ લેવામાં આવી તેમાં પણ મનિષા કોઇરાલા જોવા મળી હતી. આ મહિનામાં તેની આ બીજી ફિલ્મ છે. સંજૂ ફિલ્મમાં તેણે સંજય દત્તની માતા નરગીસનું પાત્ર ભજવ્યું તેને લઇને તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માની રહી છે. તેના માટે આ રોલ સૌથી મોટું અચિવમેન્ટ છે. હવે તે પહેલાની માફક ફરીથી બોલિવૂડમાં એક્ટીવ રહેવા માગે છે. મનિષા સાથે થયેલી ફિલ્મ અંગેની ટેલિફોનિક વાતચિત.

— જ્યારે સંજૂ બાયોપિક માટે તમને રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે કેવું ફિલ થયું હતું.

મને જ્યારે આ રોલ ઓફર કરવામાં આવ્યો તો મને સ્વ. સુનિલ દત્ત સરની યાદ આવી. મેં જ્યારે બોમ્બે ફિલ્મ કરી હતી તો તે સમયે તેમણે મારા કામના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તને જોઇને મને નરગીસની યાદ આવી ગઇ. તે સમયે મારા માટે આ સૌથી બેસ્ટ કોમ્પલિમેન્ટ હતી. જ્યારે આ ફિલ્મ માટે મને કહેવામાં આવ્યું તો જાણે સાચે જ તેમની વાતો સાચી હોય તેવું મને લાગ્યું. જાણે આ રોલ ફક્ત મારા માટે જ લખાયો હોય તેવો મને અનુભવ થયો.

— આ પાત્ર ભજવવા માટે નર્વસફિલ થયું હતું.

હા, હું આ રોલ માટે ઘણુ નર્વસફિલ કરી રહી હતી કારણકે મને એક જ વાતની ચિંતા હતી કે હું તેમની રીયલ લાઇફનું પાત્ર યોગ્ય રીતે ભજવી શકીશ કે નહીં. તેમને સ્ક્રીન પર દરેક વ્યક્તિએ જોયા છે પણ તેમના અંગત જીવનમાં તેમને જાણનાર ઘણા ઓછા લોકો હશે, તેથી થોડી નર્વસ હતી.

—નરગીસના પાત્ર માટે કોઇ ખાસ પ્રકારની તૈયારીઓ કરવી પડી હતી.

નરગીસજી જેવી લિજેન્ડકલાકારનો રોલ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. મારે ખૂબ મહેનત કરવી પડી હતી. મેં ફિલ્મ માટે નરગીસજીના ઘણાબધા લુકટેસ્ટ કર્યા. તેમની જેમ વાત કરવી, ચાલવું, ઊઠવું, બેસવું, તે દરેક બાબત શીખવાનો પ્રયત્ન કર્યો. જે લોકો નરગીસજીને મળી ચૂક્યા હતા, તેમની પાસેથી પણ મેં તેમના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.શૂટીંગના પહેલા દિવસે જ નરગીસજીનું પાત્ર ભજવતી વખતે હું નર્વસ હતી. તે દરમિયાન રાજૂજીએ ખૂબ સપોર્ટ કર્યો.

— નરગીસજી વિશે શું કહેશો.

નરગીસજીનું પાત્ર ભજવતી વખતે તેમની વિશે જે જાણકારી મળી તે જાણીને મને ખબર પડી કે તે કેટલી સારી અને સ્ટ્રોંગ વ્યક્તિ હતી. તેમની તકલીફનો પણ અનુભવ મેં કર્યો. એક મા માટે તેના દિકરાને ખરાબ આદતો વચ્ચે ઘેરાયેલો, હેરાન થતો જોવો કેટલું પીડાદાયક હોય છે, તે અનુભવ કર્યો.

— સંજય દત્ત સાથે તમે પહેલા પણ ફિલ્મો કરી છે.

સંજૂ સાથે મેં મહેબૂબા, ખૌફ અને કારતૂસ આ ફિલ્મો કરી છે. તે સમયે મને જરાપણ લાગ્યું નહોતું કે તે કોઇ તકલીફમાંથી પસાર થઇ રહ્યો છે. લોકો તેમના વિશે જેટલું જાણતા હતા, હું પણ તેટલું જ જાણતી હતી. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. કોઇની સાથે દુશ્મની કરતા નથી. કોઇની વિશે ક્યારેય ખરાબ બોલતા નથી. તે જ્યારે પણ સંજૂના સેટ પર આવતા હતા ત્યારે ત્યાંનુ વાતાવરણ એકદમ જીવંત બની જતુ હતું. બધા ખૂબ હસતા અને આનંદ કરતા હતા. તે સમયે અવું લાગતું જ નહીં કે તેમના આ હાસ્ય પાછળ આટલું બધુ દર્દ છૂપાયેલું છે. મારે સંજૂની સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહી છે.

— રણબીર કપૂર વિશે શું કહેશો. કામનો અનુભવ કેવો રહ્યો.

રણબીર કપૂર ખૂબ જ મહેનતું અને ઉમદા કલાકાર છે. સેટ પર ઘણીવાર એવું બન્યું છે કે તેની એક્ટીંગ જોવામાં હું એટલી બધી ખોવાઇ જતી કે મારો ડાયલોગ જ ભૂલી જતી હતી.રણબીર એકદમ શાંત સ્વભાવનો વ્યક્તિ છે.

— શું તમે પોતાની બાયોગ્રાફી લખશો.

હું તેના વિશે કશું કહી શકીશ નહીં કારણકે હજી સુધી તેવો કોઇ વિચાર આવ્યો નથી. હા, હું હેલ્થ રીલેટેડ એક પુસ્તક જરૂરથી લખી રહી છું.

— આજની કઇ અભિનેત્રી તમને પસંદ છે.

આલિયા ભટ્ટ ખૂબ સારી કલાકારા છે. કંગનારનૌતનીએક્ટીંગ પણ મને ગમે છે અને દિપીકા પણ ખૂબ સારી કલાકાર છે. આ ત્રણેયના કામમાં મને વેરાયટીઝ જોવા મળતી રહે છે.

— તમારી હેલ્થ વિશે શું કહેશો.

હું કેન્સર જેવી ખતરનાક બિમારીમાંથી બહાર આવી છું. આજેપણ ઘણા લોકો આ બિમારીને સહન કરી રહ્યા છે. જો તમે હાર માની લેશો તો કેન્સર જેવા ભયાનક રોગ સામે જીતી નહીં શકો. મને જ્યારે મારી બિમારી વિશે ખબર પડી તો થોડા સમય માટે તો હું ભાંગી પડી હતી. મેં પોતાને આ બિમારી સામે લડવા માટે તૈયાર કરી. હું માનું છું કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઇએ. હું કરિયર દરમિયાન પણ મારી હેન્થ પ્રત્યે તેટલી સભાન નહોતી. પણ કેન્સરનારોગમાંથી મુક્ત થયા બાદ હું મારી હેલ્થ પ્રત્યે વધારે કોન્સિયસ થઇ ગઇ છું. મારા ખાવા-પીવા પર વધારે ધ્યાન આપું છું. આ રોગને મેં ખૂબ જ નજીકથી જોયા પછી એક વાત જાણી ગઇ છું કે જો આપણુ શરીર બેકાર થઇ જાય તો આપણી કરોડોની મિલકત, દોસ્તો, સગા-સંબંધિઓ આપણા માટે કઇ જ કરી શકશે નહીં. આપણા શરીરનું આપણે જ ધ્યાન રાખવાનું છે.

— કોઇ રીયાલીટીશોનો ભાગ બનવાની ઇચ્છા ખરી.

હાલમાં તો હું ફક્તને ફક્ત એક્ટીંગ પર જ ફોકસ કરી રહી છું પણ હા ભવિષ્યમાં કોઇ સારા શોની ઓફર થશે તો તે અંગે વિચારીશ.

લેખક : મેધા પંડ્યા ભટ્ટ

તો તમે ક્યારે જોવા જવાના છો? દરરોજ બોલીવુડની આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી