કલર કે ફ્લેવરની ભેળસૅળ વગરનો મેંગો શ્રીખંડ બનાવો હવે ઘરે……

મેંગો શ્રીખંડ

શ્રીખંડ તો બધા ને ભાવતો જ હોય છે , એમાય જ્યારે એ શ્રીખંડ માં કેરી નો સ્વાદ ભળે તો પૂછવું જ શુ !! ઘર નો તાજો , મિલાવટ રહિત નો , શુદ્ધ , કલર કે ફ્લેવર ની ભેળસૅળ વગર નો શ્રીખંડ પરિવાર ને પીરસો …

સામગ્રી ::

  • તાજું દહીં , 500ml દૂધ માંથી જમાવેલ,
  • 1/2 વાડકો ખાંડ નો ભૂકો,
  • 2/3 વાડકો કેરી નો પલ્પ ,
  • 2/3 ચમચી ઈલાયચી ભૂકો,
  • થોડા કેસર ના તાંતણા,
  • 2 થી 3 ચમચી બદામ અને કાજુ ના ટુકડા.

રીત ::

શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ છે , બસ તો અમુક મુદ્દા ધ્યાન માં રાખવા માં આવે તો બજાર માં માળતાં શ્રીખંડ કરતા પણ સરસ શ્રીખંડ ઘરે બનાવી શકાય.. સૌ પ્રથમ તાજા મોળા દહીં ને મલમલ ના કપડાં માં કાઢી લો.

કિનારી ને સરસ ભેગી કરી બાંધી લેવી અને સહેજ ઉપર લટકાવી , પાણી નિતારો. પાણી ને 3 થી 4 કલાક માટે નિતરવા મૂકી દો. પહેલી એકાદ કલાક બાદ એમ જ ફ્રીઝ માં મૂકી દો જેથી દહીં ખાટુ પણ ના પડે.

પાકી કેરી ની છાલ ઉતારી કટકા કરી લો. આ કટકા ને મિક્સર માં કે બ્લેન્ડર માં કૃશ કરી પલ્પ બનાવો. 1 પણ ટીપું પાણી કે દૂધ ઉમેરવાનું નથી.

દહીં માંથી પાણી નિતાર્યા બાદ આપ જોશો એ એકદમ સરસ જાડું અને ક્રીમી થઈ જાશે. આ બાંધેલું દહીં પચવામાં ભારે હોય છે .

હવે એક બાઉલ મા આ બાંધેલું દહીં ની સાથે કેરી નો પલ્પ ને ખાંડ નો ભૂકો ઉમેરો. સરસ રીતે ફેંટો. આપ ચાહો તો બ્લેન્ડર કે મિક્સર નો ઉપયોગ કરી શકો છો. દહીં, ખાંડ અને કેરી નો રસ એકરસ થઈ જવા જોઈએ.

મેં અહીં કોઈ પણ જાતના કલર નો ઉપયોગ કર્યો નથી. આપ ચાહો તો આપની ઈચ્છા અનુસાર કરી શકો છો. હવે શ્રીખંડ માં ઈલાયચી નો ભૂકો , સમારેલા બદામ અને કાજુ , કેસર ઉમેરો. મેં કેસર ને 1 ચમચી ગરમ દૂધ માં 10 મિનિટ માટે પલાળેલું છે.

સરસ મિક્સ કરો ને ફ્રીઝ માં મુકો. પીરસતા પેહલા ઓછા માં ઓછું 2 કલાક ફ્રીઝ માં મૂકી ઠંડુ કરો. ઉપર બદામ કાજુ થી સજાવટ કરી શકાય. તૈયાર છે મેંગો શ્રીખંડ. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી