મેંગો રવા કેસરી – કેરીની સીઝનમાં બનાવો આ ખાસ ટેસ્ટનો શીરો, બાળકો તો આઈસ્ક્રીમ સમજીને ખાઈ જશે…

સાદો રવા શીરો બધા એ ખાધો જ હશે , આજે ટ્રાય કરો મેંગો રવા કેસરી.. કેરી ના પલ્પ સાથે બનાવેલ રવા નો શીરો. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ મીઠાઈ છે. કેરી ની સિઝન માં એક વાર તો અચૂક થી બનાવજો.

આ સ્વાદિષ્ટ શિરો બનાવવા માટે મુખ્ય 2 સામગ્રી જોઈએ- કેરી નો પલ્પ અને રવો.. તો ચાલો જોઈએ રીત..

સામગ્રી :

• 1/2 વાડકો રવો

• 1/2 વાડકો કેરી પલ્પ

• 1 વાડકો ખાંડ

• 3 મોટી ચમચી ઘી

• 1 ચમચી ઈલાયચી પાવડર

• 7 થી 8 કાજુ , ટુકડા કરેલા

રીત :


સૌ પ્રથમ પાકી કેરી ને ધોઈ કટકા કરી લેવા. કેરી હંમેશા એકદમ પાકી અને મીઠી પસંદ કરવી. જેનાથી કલર પણ સારો પકડશે અને સ્વાદ પણ સરસ આવશે. કેરી ના ટુકડા ને બ્લેન્ડ કરી પલ્પ બનાવી લો. સ્મૂધ પલ્પ બનાવો. કેરી માં બહુ રેસા ના હોય એવી કેરી પસંદ કરવી. એક કડાય માં 2 ચમચી ઘી ગરમ કરો. ઘી માં કાજુ ના ટુકડા ને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મેં કાજુ ના અડધા ભાગ કર્યા છે , આપ ચાહો તો નાના ટુકડા પણ કરી શકો. આજ કડાય માં રવો શેકો. બાકી નું ઘી ઉમેરી દો. રવો હંમેશા ઘીમી આંચ પર શેકો. રવો ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકો. રવો બરાબર નહીં શેકાય તો શીરો ચીકણો બનશે. શેકાય જાય એટલે એમાં 1.5 વાડકો ગરમ પાણી ઉમેરો. ગેસ ની આંચ ધીમી જ રાખવી. પાણી ઉમેરી તરત કેરી પલ્પ ઉમેરો. સરસ રીતે મિસ કરી દો. ઢાંકી ને રાખો જેથી રવો સરસ પોચો બનશે. રવો બરાબર રંધાઈ જવો જોઈએ. જ્યારે લાગે કે રવો એકદમ સરસ પોચો થઇ ગયો છે, એમાં ખાંડ , ઈલાયચી ભૂકો અને તળેલા કાજુ કટકા ઉમેરો. આ સ્ટેજ પર આપ ચાહો તો વધારે ઘી ઉમેરી શકો. સરસ મિક્સ કરો અને શીરો કડાય ની સાઈડ્સ છોડે ત્યાં સુધી પકાવો.. ગરમ ગરમ પીરસો. આશા છે પસંદ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.