કેરીનો રસ ભાવે છે? પણ શું તમે રસ આરોગવાની સાચી રીતે જાણો છો?

કેરીના રસનો સંપૂર્ણ લાભ મેળવવા તેને આ રીતે ખાઓ

આપણે આખું વર્ષ કેરીની રાહ જોઈ બેસીએ છીએ કે કેરી આવે તો રસને પૂરી/રોટલી ખાઈ શકાય. કેરીનો વિચાર આવતાં જ ઉનાળાની યાદો તાજી થઈ જાય છે. હવે તો લોકો આખું વર્ષ કેરીનો રસ ખાઈ શકાય તે માટે તેને ફ્રીઝરમાં સ્ટોક કરી રાખે છે.કેરીમાં અસંખ્ય વિટામીનો સમાયેલા છે. તેમાં વીસથી પણ વધારે વિટામીન્સ સમાયેલા છે આ ઉપરાંત તેમાં કેટલાએ પ્રકારના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ પણ સમાયેલા છે. એક કપ સમારેલી કેરીમાં લગભગ 100 કેલેરી હોય છે, 1 ગ્રામ પ્રોટિન, 25 ગ્રામ કાર્બ્સ, વિટામીન એ, સી, બી-6, કે અને પોટેશિયમ સમાયેલા હોય છે તેમજ તેમાં 0.5 ગ્રામ ફેટ સમાયેલી હોય છે. કેરીનું સેવન કરવાથી કોપર, કેલ્શિયમ અને આયર્ન પણ શરીરને મળે છે. તેમજ તેમાં જિક્સનથીન જેવા એન્ટિઓક્સિડન્ટ્સ પણ ઉપલબ્ધ હોય છે. તેમાંના મોટા ભાગના માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ પાણીમાં મિશ્રિત થાય છે અથવા તો પછી ફેટમાં મિશ્રીત થાય છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શરીરને વિટામિન્સ, તેમજ ખનીજને પચાવવા માટે ફેટની જરૂર પડે છે. માટે જો તમે કેરીનો રસ ખાતા હોવ તો તેમાં થોડું ઘી નાખીને તેનું સેવન કરવું જોઈએ કારણ કે ઘી આ બધા જ ખનીજ, માઇક્રોન્યુટ્રીઅન્ટ્સ તેમજ વિટામીનનું શરીરમાં સારી રીતે વહન કરી શકે છે. આમ કરવાથી ખોરાક સરળરીતે અન્નનળીથી આંતરડા સુધી પહોંચે છે અને તેનું પાચન પણ સરળ રીતે થઈ શકે છે.આ ઉપરાંત કેરીમાંના બેટા કેરોટીન, સેલેનિયમ, પોટેશિમ અને વિટામીન ઈ સમાયેલા હોય છે જે તમને હૃદય રોગથી બચાવે છે. કેરીનો રસ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે કેરીના રસમાં આઈસોક્રિરેસીટ્રીન, એસ્ટ્રેગેલીન, ક્યુર્સેટીન, મિથાઇલ-ગેલેટ અને ગેલિક એસિડ સમાયેલા છે જે ઘણાબધા પ્રકારના કેન્સરના જોખમને ઘટાડે છે. તેમાં રહેલું પોટેશિયમ તમારા લોહીના દબાણને નિયંત્રિત કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ મિકેનિઝમને પણ નિયંત્રિત કરે છે. કેરીના રસમાં વિટામીન ઈ ઉચ્ચ પ્રમાણમાં હોય છે તે શરીરમાંના હોર્મોનલ મિકેનિઝમને મજબુત બનાવે છે અને સ્ટેમિનાને પણ સુધારે છે. ગર્ભવતિ સ્ત્રીઓ માટે પણ કેરીનો રસ ખુબ જ લાભપ્રદ હોય છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન સમાયેલું હોય છે તે શરીરમાંના ઓક્સિજનના પ્રવાહને સંતુલિત રાખે છે અને એચબીના સ્તરને પણ જાળવી રાખે છે. કેરીના રસમાં ફ્લેવોનોઇડ્સ, બિટા-ક્રિપ્ટોક્સેનધીન અને આલ્ફા-કેરોટીન સમાયેલા છે જે સ્વસ્થ આંખો માટે જરૂરી પોષકત્વો છે. તેમજ કેરીના રસમાં સમાયેલું વિટામીન એ તમારી ત્વચાને સુંવાળી અને ચમકદાર બનાવે છે.આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શિયાળાની સરખામણીએ ઉનાળા તેમજ ચોમાસામાં શરીરની પાચનશક્તિ થોડી ધીમી પડી જાય છે. માટે જ્યારે તમે કેરીનો રસ ખાઓ છો ત્યારે તે સમયે તેમાં રહેલું ઘી આ પાચનશક્તિને થોડી વેગવંતી બનાવે છે.કેરી એક એસિડિક ખોરાક છે જે શરીરમાં પિત્ત વધારે છે અને પિત્ત વધવાથી પાચનશક્તિ ધીમી પડે છે પણ કેરીના રસમાં જો ઘી મિશ્રિત કરીને ખાવામાં આવે તો તેનાથી પાચનશક્તિ વધે છે. જે વ્યક્તિની પાચન શક્તિ નબળી હોય તેમણે પણ ઘીનો પ્રયોગ કરવો જોઈએ.

જુના જમાનામાં જ્યારે ફ્રિઝ નહોતું ત્યારે હંમેશા કેરીના રસમાં ઘી અને થોડી સૂંઠ નાખીને ખાવામાં આવતો. કહેવાય છે કે કેરીનો રસ થોડો ઠંડો ખાવો જોઈએ અને જો તમે ઠંડો ખાવા ન માગતા હોવ તો તમારે તેમાં સૂંઠ અને ઘી નાખીને ખાવા જોઈએ જેથી કરીને તે પચવામાં સરળ રહે અને સૂંઠ નાખેલી હોવાથી ગેસ પણ થતો નથી.