જલ્સા કરોને જેંતીલાલ

માનવતાની મિશાલ કાયમ કરી છે આ ટ્રાફિક પોલીસ અધિકારીએ, વાંચો એવું તો શું કામ કર્યું છે…

જમાનો એવો આવ્યો છે જો હાઈવે પર કોઈનો અકસ્મત થાય તોય કોઈ ઊભું રહીને બચાવતું નથી. સૌને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળ હોય છે તો કોઈને ક્યારેક ક્યાં કોઈ લફડામાં પડવું? એમ વિચારીને આગળ નીકળી જાય છે. ક્યારેક ટ્રફિક સિગ્નલ પર કે મંદિરના કિનારે બેઠેલ ગરીબોની પૈસા માગવાની રીત એટલી અકળાવી દેનારી હોય છે કે ક્યારેક કોઈ સાચી વ્યક્તિ પણ મદદ મળ્યા વિના જ રહી જાય છે.

કહેવાય છે કે ભગવાનની સેવા ભક્તિ ગમે તેટલી કરો તેનું ફળ કાયમ સૂક્ષ્મ સ્વરૂપે મળતું હોય છે પરંતુ હાજરાહજુર માનવદેહની સેવા કરવાથી તેમના મૂંગા આશીર્વાદ અચૂક મળે છે. પરંતુ આજના ફાસ્ટ જમાનમાં કોઈને માનવતાના સેવાકીય કાર્યો કરવાનો સમય જ ક્યાં હોય છે? સૌને પોતપોતાના ધ્યેય અને પ્રગતિની દોટ મૂકવાની રહે છે. એમાં ઘરમાં રહેતાં વડીલોની તબિયત પૂછવાની પણ આજના યુવાનો દરકાર નથી કરતાં ત્યારે એક ખૂબ પ્રેરણાદાયક સમાચાર આપણી સામે આવ્યા છે.

આ કોઈ મોટા ઇન્ડસ્ટીયાલિસ્ટ કે સેલિબ્રિટી નથી કે એમને સેવાના કામની પાછળ નામના વધારવાના ઓરતા હોય. આપને જણાવીએ કે એક સામાન્ય સરકારી નોકરી કરતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલની પ્રેરણાદાયી સત્યઘટનાના સમાચાર છે આ. એક ટ્રફિક પોલીસનું જીવન હંમેશાં ચાર રસ્તા વચ્ચે અને સડકના કિનારે ઊભા રહીને પસાર થતાં વાહનોનું નિયમન કરવામાં જ વીતતું હોય છે. જેમાં ટાઢ, તાપ કે વરસાદ જેવા વાતાવરણમાં પણ ખડે પગે ઊભા રહીને ફરજ બજાવવાની રહે છે ત્યારે એવે સમયે કામનો પણ બોજો રહેતો હોય છે અને ટૂંકા પગારમાં કુટુંબના ભરણપોષણની પણ તેમને તાણ રહેતી હોય છે. તેમ છતાં, મધ્યપ્રદેશના દામોહ શહેરના દિનેશ ગોસ્વામીએ જે કર્યું એ ખરેખર દાદ દેવા લાયક કામ છે.

હેડ કોન્સ્ટેબલ દિનેશ ગોસ્વામી એક દિવસ એમની ડ્યુટી એવરેસ્ટ લોજ તિહારા પાસેના ટ્રાફિક સિગ્નલ પર હતી. એક દિવ્યાંગ અને ઉમરલાયક વૃદ્ધ મહિલા મદદની આશાએ આમતેમ જોઈને અવાજ કરીને સૌનું ધ્યાન ખેંચી રહી હતી. તેને માટે ભોજન મંગાવ્યું. એટલેથી વાત પૂરી નથી થઈ જાતી. કારણ કે આ વૃદ્ધ મહિલા હાથ ઊંચકીને જમી પણ નહોતી શકતી તેથી તેમને પોતના હાથથી કોળિયા ભરાવ્યા. એ સમયે આસપાસથી પસાર થતાં લોકોએ એમને સહર્ષ બિરદાવ્યા.

તેમણે પોતના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એ વૃદ્ધ અને દિવ્યાંગ મહિલા નિસહાય હતાં અને મને થયું કે ફ્કત ભોજન મંગાવીને કામ પૂરું નહીં થાય. એમને જમાડીને મને પણ ખૂબ સંતોષ થયો.

આપને વધુ વિગતે જણાવીએ કે આ સેવાનિષ્ઠ હેડ કોન્સ્ટેબલ અવારનવાર આ પ્રકારના ઉમદા કાર્ય કરે છે. થોડા સમય પહેલાં તેમણે શહેરના ઘંટાઘર ચાર રસ્તે ડ્યુટી સમયે ખુલ્લી ગટરમાં પડી ગયેલ ગરીબ વૃદ્ધને પણ બચાવ્યા હતા. તેઓના કામ વિશે એમના ડિપાર્ટમેન્ટના અન્ય સહકર્મીઓ પણ વખાણ કરતા હોય છે. તેમને સમાજસેવાના કાર્યો માટે પ્રમાણપત્ર પણ મળેલ છે.

સમાજની વચ્ચે રહીને ફરજ બજાવતા કર્મચારીઓ જો આ રીતે પોતાની નિષ્ઠા દાખવે એના જેવું ઉત્તમ ઉદાહરણ બીજું શું હોઈ શકે. એક કર્મવીરને સલામ.

Exit mobile version