રાવણ કે લડડુ – વાંચો રસપ્રદ વાતો કેવીરીતે નામ પડ્યું સોનમ પોસ્ટ, સાથે બીજી જાણવા જેવી વાતો…

રાવણ કેલડ્ડુ!

ગયા વર્ષે સિયાચીન હીમ નદીની સોનમ પોસ્ટ પર હિમ સ્ખલન ત્રાટક્યું અને 10 બહાદુરો શહીદ થયા. અત્રે પ્રસ્તુત છે સોનમ પોસ્ટ પર કબજો જમાવવા માટે વર્ષ 1984માં ભારતે પાકિસ્તાન સામે લડેલી જીવ સટોસટની લડાઈની દાસ્તાન. સોનમ પોસ્ટની લડાઈમાં પાકિસ્તાનને ભોંય ભેગા કરનાર, એ જીતનાં હીરો છે હવાલદાર સોનમ.

ભારત પાક વચ્ચે સીમા વિવાદ કઈ નવી વાત નથી અને આપણે પાકની ભારતની ભૂમિ પર યેનકેન પ્રકારે કબજો જમાવવાની નીતિ રીતી થી ભલીભાંતિ પરિચિત છીએ.

વર્ષ 1984માં કર્નલ પુષ્કરચાંદ અને તેમનાં દળને સિયાચીન ગ્લેશિયરનાં વ્યુહાત્મક સલ્તોરો પહાડ પર કબજો કરવાનો હુકમ મળ્યો. તૈયારી માટે બિલકુલ સમય ન હતો. જેનું કારણ હતું સામે પાર પાકિસ્તાની સ્પેશ્યલ ફોર્સની ટુકડીઓ એ સલ્તોરો રેંજ પર કબજો જમાવવા માટે કુચ આરંભી દીધી હતી. હવે લડાઈ ખરેખરની હતી. સમય અને હવામાન બંને સામે લડીને વિજય મેળવવાનો હતો.

હાઈ રિસ્ક મિશન માટે ભારતીય સેનાની ઉત્તરી કમાન અને બીજી કમાનો માંથી વોલન્ટરી યુવા સૈનિકોને પસંદ કરવામાં આવ્યા, કારણ હતું કેવળ પાકિસ્તાની સેના જ નહિ પરંતુ ત્યાંનો ભુ પ્રદેશ અને જોખમી હવામાન પણ દુશ્મનની ગરજ સારતાં હતાં. લડાખ સ્કાઉટસ, કુમાઉં રેજીમેન્ટ અને સ્પેશીયલ ફોર્સેસની ટુકડી ઓને સલ્તોરો રેંજ પર નિર્ણાયક સ્થાનો પર દુશ્મનની પહેલા પહોંચી ને કબજો જમાવવાનો આદેશ મળ્યો. આ ટુકડીઓ પાસે અત્યંત ઊંચાઈ પર સર્વાઈવલનાં સંશાધનો અને ગ્લેશિયર પર પહેરવાનાં ખાસ કપડાંની પ્રાથમિક સુવિધાઓ નામ માત્રની હતી. સૈન્ય ટુકડીઓ એ સત્વરે સલ્તોરો રેંજ પહોંચવા માટેની આગે કુચ આરંભી. પૃથ્વીનાં સૌથી ઉંચા યુદ્ધ મેદાન પર લાંબો કઠણ પહાડી માર્ગ ઓળંગી, ભારતીય સેનાનાં હિંમતવાન સૈનિકોએ પાક આર્મી કરતાં ત્રણ દિવસ પહેલા પોતાની પોઝીશન લઇ લીધી.
હવાલદાર સોનમની પેટ્રોલ પાર્ટીની કમાન એક યુવા અધિકારીનાં હાથમાં હતી. કપરાં પહાડી ચઢાણ દરમિયાન પેટ્રોલ લીડર હિમ નદીમાં ઊંડી બર્ફીલી ખીણમાં પડી ગયો અને ગંભીર રીતે ઘવાયો. આ વિકટ પરિસ્થિતિમાં ઘાયલ અધિકારીને હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવાનું અશક્ય હતું. કમાન અધિકારીએ રેડિયો પર પેટ્રોલ પાર્ટીને બે ભાગમાં વંહેચી નાખવાનો આદેશ આપ્યો. એક ટીમને ઘાયલ અધિકારીનાં બચાવ માટે ફાળવી અને બીજા દળને હવાલદાર સોનમની કમાંડ નીચે તેમને ફાળવેલ લક્ષ્ય તરફ આગળ વધવાનો આદેશ મળ્યો.

સોનમ, એક હિંમતવાનનું (લડાખી) સૈનિક હતો. તેણે પોતાની ટીમનું આગળ રહીને નેતૃત્વ કર્યું અને લક્ષ્યાંક સર કર્યો. સાધનોનાં નામે તેમની પાસે ફક્ત થોડાક તંબુ હતાં જે આ કાતિલ બર્ફીલી હવાઓ સામે નકામાં હતાં. બર્ફીલા પવનોથી બચવા માટે, સોનમે તેની ટુકડીને સત્વરે બરફની નીચે બોગદા ખોદવાનો આદેશ આપ્યો. ત્યાં તો તેઓ પાકિસ્તાનની નજરે ચડી ગયા અને તેમની પર પાકિસ્તાની સૈનિકોએ ભારે તોપ મારો વરસાવ્યો. તેમણે ખોદેલા બોગદાઓનાં લીધે તેમનો દુશ્મનના તોપમારાથી યેન કેન પ્રકારે માંડ બચાવ થયો.
દુશ્મનનાં ગોળીબારની દિશા નક્કી કરી શકાતી ન હતી, પણ સોનમને ખ્યાલ આવી ગયો હતો કે વળતો હુમલો કરવોજ પડશે. સોનમ તેના બે સાથીઓ સાથે મળીને નજીકની ટેકરી પર ચડી ગયા જેથી જાણી શકાય કે દુશ્મનનો ગોળીબાર કઈ દિશામાંથી આવી રહ્યો છે. તે સાંજે, જ્યારે કર્નલ પુષ્કરે રેડિયો પર તેમની સાથે વાત કરી તો હવાલદાર સોનમે કર્નલને જણાવ્યું કે તેમણે દુશ્મન મોર્ટારની સ્થિતિ જોઇ લીધી છે અને તોપ મારાથી દુશ્મન મોર્ટાર પોસ્ટનો નાશકરવા માટે વિનંતી કરી. આ પરિસ્થિતિની દુર્દશા કહો કે સોનમનું નેવિગેશન વિષેનું પ્રારંભિક જ્ઞાન. સોનમને કેવી રીતે તોપ મારો નિયંત્રિત કરવો તે અંગે બિલકુલ માહિતી ન હતી. નીચે ગોઠવાયેલી તોપોને આપેલ નકશામાં સચોટ ગ્રીડ (ગ્રીડ: નકશાને સરળતાથી વિભાજીત કરવા માટે નકશામાં દોરેલી આડી ઉભી રેખાઓ) લોકેશન દર્શાવવી અત્યંત જરૂરી છે. કારણ છે કે તોપનો ગોળો દુશ્મન કે દોસ્તમાં ફરક નથી કરતો. પહાડની નીચે રહેલા આપણા તોપચી અને પહાડ ઉપર પોસ્ટ પર રહેલા સૈનિકો બંને પાસે એક સમાન નકશો અને ગ્રીડ હોય છે. આ ગ્રીડ અનુસાર પોતાનો અનુભવ કામે લગાડી તોપચી દુશ્મન પર ગોળા વરસાવે છે. પ્રથમ થોડાક ગોળાઓનાં પડવાની ગ્રીડ પોઝીશનને રેડિયો સંદેશ દ્વારા ઉપર રહેલી ટુકડી તોપચીને દર્શાવે છે. આમ તોપચી તોપનાં નાળચાનાં એન્ગલને બરાબર વ્યવસ્થિત નિશાને ગોઠવે છે. (વર્તમાન સમયમાં લેસર ગાઈડેડ તોપ ગોળા વિકસાવાઈ ચૂકયા છે.)

સોનમ અને તેના સાથીઓ આ પોસ્ટ પર કોઈ રાહત વગર છ મહિનાથી વધુ સમય સુધી રહ્યા. જયારે જયારે તેમણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ઊંચાઈ પર રહેલા દુશ્મનો તરત તેમની ઉપર ગોળાઓ વરસાવતા. આ નીડર સૈનિકો કોઈ પ્રકારની ફરિયાદ વિના કોઈ સામાન્ય માણસ ભાંગી પડે તેવી પરિસ્થિતિઓમાં ફરજ પર અડીખમ રહ્યા. દુશ્મનોનાં તોપમારાનું વર્ણન કરતાં હવાલદાર સોનમ રેડિયો પર રીપોર્ટ કરે છે” રાવણ કે દસ લડ્ડુ ગીરે, ચાર એર બર્સ્ટ ઔર બાકી ગ્રાઊંડ-બર્સ્ટ.”
બ્રિગેડીયર પુષ્કર યાદ કરે છે કેવી રીતે સોનમ પોસ્ટ નામ અસ્તિત્વમાં આવ્યું. રેડિયો પર જયારે જયારે સોનમને તેનો ગ્રીડ રેફરન્સ પૂછતા, સોનમ ખાનગીમાં જવાબ આપતો કે તેને નકશો કે ગ્રીડ રેફરન્સ સમજાતા નથી. કમાન અધિકારી રેડિયો સેટ પર મજાકમાં તેને કહેતા, “સોનમ, દુશ્મનો તને કેદ કરીને લઇ જાય તો મને ચિંતા નથી, કેમકે દુશ્મનો તારી પાસે કાંઈ માહિતી કઢાવી નહિ શકે કેમકે તને પોતાનેજ કાંઈ માહિતી નથી.” તેમણે કહ્યું“ સોનમ જયારે તું રીપોર્ટ કરે તારે કહેવાનું ‘સોનમ પોસ્ટ ઓકે’”. અને આમ સોનમ પોસ્ટને તેનું નામ મળ્યું.

વર્ષો પછી હવાલદાર સોનમનું પોસ્ટીંગ HAWS હાઈ અલ્ટીટ્યુડ વોરફેર સ્કુલ ખાતે ફરી થયું. યુવાન સૈનિકો માટે સોનમ અત્યંત ઊંચાઈએ લડાતી લડાઈનો એક આદર્શ હતો. તેઓ હંમેશા સોનમને ઘેરી વળતા અને તેના સિયાચીનનાં અનુભવો સાંભળવા તત્પર રહેતા. તે અનેક વાર કહેતો“ સાહેબ લામા ગુરુઓ કી ભૂમિ પર ગામા નહિ બનના.” સિયાચીન પર છ મહિના વિતાવ્યા. એક પોસ્ટનું નામ તેના નામ પરથી પડ્યું પણ આપણો હવાલદાર સોનમ તેનાં વિનમ્ર અને શરમાળ સ્વભાવનાં લીધે સર્વ પ્રિય હતો.

ગ્લેશિયર પર તાલીમ દરમિયાન એક ગવિષ્ઠ અધિકારીને યુવાનીનાં જોશમાં બર્ફીલી દીવાલ પર ધસી જતો જોઈને, તાલીમ વચ્ચે બ્રેક દરમિયાન ચાની ચૂસકી લેતાં હવાલદાર સોનમ શાંતિથી એક જીવન સૂત્ર આપે છે, “સાહિબ, તમારી ગતિ બરફની દીવાલ પર ન દેખાડો, અહી તમને બીજી તક નહિ મળે અને આ દીવાલ પરથી ખાબક્યા પછી બચવાની કોઈ આશા નથી. બર્ફીલા પહાડો પર આગળ વધો, આઈ બેક્સ(પહાડી બકરાં) ની જેમ મક્કમ કદમો થી.”
હાઈ અલ્ટીટ્યુડ વોરફેર સ્કુલનાં મેસમાં હવાલદાર સોનમનો એક ફોટો આજે પણ લટકે છે, તેના અપ્રતિમ વીરત્વનાં સન્માનનું એક માત્ર પ્રતિક. સોનમ અને તેના જેવા અનેક દેશી સરળ સૈનિકો કે જેમણે જાતની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતાં રહે છે. 19 મદ્રાસનાં 10 થમ્બીઓ કે જેમણે પોસ્ટ પર પોતાનો જીવ ગુમાવ્યો એ પણ તેના જેવાજ હતાં, સોનમ અને હનુંમાન થાપ્પા જેવા હજારો સીધા સરળ સૈનિકો દેશની આન બાન અને શાન માટે કલ્પી ન શકાય તેવી તકલીફો વેઠતાં પોતાના જીવની પરવા ન કરતાં. કોઈ ઇનામ કે બદલાની આશા વગર પોતાની ફરજ બજાવે જાય છે. આ લેખ તેમને અર્પણ છે.

બિટિંગ ધ રીટ્રીટ : કર ચલે હમ ફીદા જાનોંતન સાથીયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં.

લેખન સંકલન : મનન ભટ્ટ

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને દરરોજ આવી અનેક રોચક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી