માના ખોળે – જ્યાં સુધી માતા હયાત છે ત્યાં સુધી એની સાથે પ્રેમથી દરેક મધર્સ ડે ઉજવો, ખબર નહિ પછી આ સમય મળે ના મળે…

“માના ખોળે”

“લે માં.. હવે આજે ફરી મધર્સ ડે આવી ગયો.. બધા પોતાની માં સાથેના ફોટો મુકશે.. તેના વિશે કઈ ને કઈ લખશે. બધાના ડીપીમાં માં જ જોવા મળશે.. પણ મને આજે શું યાદ આવે છે તને ખબર છે?? તારો ખોળો..!! કેવી નિરાંત હતી તારા ખોળામાં માથું મુકીને સુઈ રહેવામાં.. હું સ્કુલેથી આવતો ને તું ગરમ ગરમ રસ-રોટલી તૈયાર રાખતી. ટોમ એન્ડ જેરી જોતા જોતા હું તારા હાથેથી રસ-રોટલી ખાતો.. ત્યારે તો દસ-પંદર રોટલી ખાઈ જતો.. આજે તો ખબર નહિ બિઝનેસના ટેન્શનમાં ને ટેન્શનમાં ટીફીનમાં આવતી ત્રણ રોટલી પણ માંડ ખવાય છે. ત્યારે તારા ખોળામાં માથું મુકીને હું ગમે ત્યારે સુઈ જતો. ને તું મારા વાળમાં ધીમેથી આંગળીઓ ફેરવતી રહેતી.. ખબર પણ ના પડતી મને અને હું ઊંઘમાં સરી જતો.. આજે તો આ એસી વાળા ઓરડામાં રાતના બે વાગ્યે જાગીને લેપટોપ પર કામ કરવું પડે છે.. ને પાંચ વાગ્યે ફરી પાછુ જાગી જવાનું… એ આરામની નીંદર હવે મને નથી મળતી… માં..!!


તને ખબર છે જયારે મારો કોલેજમાં પહેલો નંબર આવ્યો ત્યારે તે આજુબાજુના બધાયને પેંડા વહેચ્યા હતા.. જયસીયારામના આટલા મોંઘા પેંડા જીંદગીમાં પહેલી વખત તે ખરીદ્યા હતા.. ને આજે જાણે આ ડાયાબીટીસે મને મીઠાઈઓને અડવાથી પણ બાંધી રાખ્યો છે.. ત્યારે પપ્પા પાસે પેલું ખખડધજ સ્કુટર હતું એટલે હું શરમાતો તમને મારી કોલેજે લઇ જવાથી.. યાદ છે જીદ કરીને મેં પપ્પાને બાઈક લેવાનું કહેલું.. ને તે તારો સોનાનો ચેઈન વેચીને એ બાઈક લેવા માટે પૈસા આપ્યા હતા પપ્પાને… આજે હવે આ મર્સિડીઝ ને ઔડીમાં ફરતાંય મને એ તારી ને પપ્પાની વચ્ચે સ્કુટર પર બેસવું બહુ યાદ આવે છે. ત્યારે તો હું બહુ ગુસ્સો કરતો.. તને વચ્ચે બેસવાનું કહીને હું છેલ્લે જ બેસતો.. સાડીમાં તને એમ વચ્ચે ફાવતું પણ નહિ.. છતાય મારા માટે તું વચ્ચે બેસતી.. મને યાદ છે પછી તારી કમર ને ગોઠણ બહુ દુખી જતા હતા.. પણ અઠવાડિયામાં એક વખત તમારી સાથે હું બહાર આવું તેથી તું એ દુખાવો હસતા હસતા સહન કરી લેતી.. ને પાછી તો પણ રાતના આવીને મારા જ પગ દબાવતી… ને કહેતી..

“બેટુ, હિંચકામાં બેસીને મારા વહાલના પગ દુખી ગયા હશે.. લાવ જરા ચોળી આપું..!!”


ને તારા એ શબ્દની હું કેવી મજાક ઉડાવતો… તને ઈંગ્લીશ શીખડાવવા હું મથતો રહેતો.. ને ત્યારે અચાનક જ તે ચમત્કાર કરી બતાવ્યો..!! ચાર મહિનામાં જ ફાંકડું અંગ્રેજી શીખીને તું મને સવાર સવારમાં પરીક્ષા વખતે ભણવા ઉઠાડતી.. ને મારી પાસે બેસીને મને ભણાવતી.. મારા દરેક વિષયના જવાબ તને મોઢે યાદ રહેતા હતા.. આજે તો મારા છોકરાઓ સીધા પ્લેહાઉઝથી જ ટ્યુશનમાં જવા લાગ્યા છે.. મને લાગે છે કે કદાચ હું ને તારી વહુ તારા જેવું ભણતર, ગણતર અને સંસ્કાર એને નહિ આપી શકીએ તો??

ને હા તારી વહુની વાતથી જો ને મને મારા લગ્નની એ રાત યાદ આવી ગઈ. એકલે હાથે પપ્પાની ગેરહાજરીમાં તે બધો વ્યવહાર, બધા મહેમાનો અને બધા પ્રસંગો કેવા સુપેરે પાર પાડ્યા હતા.. ગામના ને સમાજના લોકો તો વાહ વાહ કરતા રહી ગયેલા.. ને આટલા બધા કામમાં પણ તે મને ને તારી વહુને હનીમુન માટેની ટીકીટ ગીફ્ટ આપવાનું યાદ રાખેલું.. કેવી અચાનક તું મોડર્ન બની જતી ને પાછી પળમાં જ વળી રીવાજોને સાચવીને, રસમોને જાળવનારી એક વ્યવહારુ વડીલ પણ બની જતી… લોકો કહે છે તારા હજાર રૂપ છે.. સાચું કહેતા હશે ને..!!


જ્યારે જ્યારે તને એ વહીલચેર પર જોતો ને ત્યારે તારી લાચારીનો એહસાસ થતો.. જિંદગી આખી તે તારું ને તારા ઘરનાનું કામ જાતે કર્યુ છે.. મારા બાળોતિયા બદલ્યા છે.. તારા સાસુની બીમારીમાં એનાય બાળોતિયા બદલ્યા છે.. પપ્પાની ગેરહાજરીમાં તારા મંદબુદ્ધિના સસરાજીને તે તારા હાથે કપડા પહેરાવ્યા છે.. ને જયારે તારી સેવા કરવાનો, તારું ઋણ ચૂકવવાનો મને મોકો મળ્યો ત્યારે મેં શું કર્યું.. એક પગારદાર નર્સ રાખી લીધી.. જેણે તારું કામ તો કર્યું પણ તને હુંફ નાં આપી.. ને ક્યાંથી આપે.. લોહીનો સંબંધ તો તારો ને મારો હતો.. તું મારી જવાબદારી હતી.. તારી વહુને તારું ધ્યાન રાખવાનું કહેવાની મારી ફરજ હતી.. આટલી અમથી ફરજથી પણ હું ચુકી ગયો માં.. મારા ધંધામાં પરોવાયેલો રહીને તને વહાલ કરવાનું હું ચુકી ગયો.. તારા પગ ચોળવાનું પણ હું ચુકી ગયો.. તોય તે તો હમેશા તારું મોં હસતું જ રાખ્યું છે.. ક્યારેય ફરિયાદ સુધ્ધા નથી કરી.. ને એટલે જ આજે મને તારા માટે ફરિયાદ છે..


કેમ માં તું આટલી સારી છે?? માં શબ્દમાં એવો તો શું જાદુ હોય છે કે દરેક સ્ત્રીને મમત્વની મૂર્તિ બનાવી દે છે એ શબ્દ..!! ક્યારેક તો મને ઠપકો આપ્યો હોત. ક્યારેક તો કડક શબ્દોમાં તારી વહુની ટીકા કરી હોત.. ક્યારેક તો તારી સારપ છોડીને મને કડવા વેણ કહ્યા હોત.. પણ હું જાણું છું તું એવું ના જ કરી શકે માં.. કારણકે તું તો માં છે.. તું વહાલ જ કરે.. તું મારા માટે કેરીનો ઠંડો રસ તૈયાર રાખે.. ધોમધખતા ઉનાળામાં ટુવાલને ભીના કરી પડદા પાછળ સુકવીને તારું પોતાનું ઘરઘરાઉ એસી બનાવે.. તારા ખોળામાં મારું માથું મુકીને મને સહેલાવે.. ને સરસ મજાનું તેલ પણ નાખી આપે.. મારા જુના પેન્ટમાંથી ચડી બનાવીને મને ઉનાળે પહેરવા આપે.. ને પોતે તો એ જ જુનો ઘસાયેલો સાડલો પહેરીને આખી જિંદગી વિતાવી નાખે.. મને યાદ છે માં મારા લગ્નમાં પણ તે સાવ સસ્તો સાડલો લીધો હતો.. ને મને ગમે એવા બ્રાંડના કપડા લઇ દીધા હતા..!!


કેટલાય બલિદાન છે માં તારા.. ને અગણિત છે વાતો.. આખી જિંદગી તને આ કઈ જ કહી ના શક્યો. એટલે જ આ પત્રમાં લખું છું.. મને ખબર છે તું આ પત્ર વાંચવાની નથી.. ઉપર ગયેલું માણસ પાછું થોડું આવતું હશે.. આ તો મારા મનના સંતોષ ખાતર આ કાગળમાં બધું ઉતાર્યું છે માં.. આયખું આખું જે કહેવા તને મન તલપાપડ રહેતું એ લખીને આજ આ પત્રમાં મેં મારું હ્રદય ઠાલવ્યું છે.. કાશ આ વાંચવા તું જીવતી હોત.. મારું નસીબ પણ કેવું અજીબ છે ને.. આ જ મધર્સ ડેના દિવસે ગયા વરસે તે અમારા વચ્ચેથી વિદાય લીધી હતી.. બરાબર એક વરસ થયું આજે.. તને પુણ્યતિથીએ કેમ કરીને યાદ કરું એની મથામણમાં અટવાયેલા મારા મને આ પત્ર લખવાનો વિચાર સુજાડ્યો.. ને જો ને એક્બેઠ્કે મેં લખી પણ નાખ્યો.. તોય જાણે હજુ ઘણું કહેવાનું બાકી રહી જતું હોય એવું લાગે છે.. ને એટલે જ અત્યારે નથી કહેતો.. આવતા જન્મે કહીશ.. આવીશ ને તું માં આવતા જન્મે?? મારી માં થઈને?? મારી આ બધી વાતો સાંભળવા?? મને વહાલ કરવા..


ચલ માં.. હવે મારા આંસુઓથી આ કાગળ પલળી જાય એ પહેલા લખવાનું બંધ કરું છું.. ને હા તારા વહાલા ઠાકોરજીની સમક્ષ આ પત્ર મુકું છું. મને ખાતરી છે એ વાંચીને તને આ બધું કહી સંભળાવશે..!! જેમ એને ધરાવાયેલો ભોગ એ અદ્રશ્યપણે આવીને આરોગી જાય છે તેમ આ પત્રના શબ્દો પણ એ પચાવીને તને કહેશે એની મને ખાતરી છે..

ચાલ માં.. આવજે.. હું તને બહુ પ્રેમ કરું છું. ને હા બહુ યાદ આવે છે તારી માં..!!!


લેખક : આયુષી સેલાણી

મિત્રો જો તમે પણ તમારી મમ્મીને કોઈ વાત કહેવા માંગતા હોવ તો કોમેન્ટમાં મેસેજ જરૂર આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ