પડકાર : મનકે હારે હાર, મનકે જીતે જીત !! માનવી મન વિષે વાંચવા જેવું….

કહેવત છે, ‘મનકે હારે હાર, મનકે જીતે જીત.’ મન માંકડા જેવું છે. તે ઘડીકમાં અહીં તો ઘડીકમાં તહીં કુદકા માર્યા કરે છે. માણસ જાગતો હોય ત્યાં સુધી તેનું મન સતત કૈક ને કૈક વિચાર્યા કરતુ હોય છે. આપણા કેટલાંયે ઋષિ મુનીઓ અને સંતોએ મનને વશમાં રાખવાની વાત કરી છે. મનને વશમાં રાખવું એટલે આપણે જે કહીએ તે કરે એવું કહ્યાગરું બનાવવું. આપણે પણ એવુજ ઈચ્છતા હોઈએ છીએ. આપણું મન જો આપણું કહ્યું કરતુ હોત તો આપણે તેની પાસે ઘણાબધાં કામ કરાવી શકીએ, જે આપણે ઈચ્છીએ છીએ.

આપણું મન એટલુ ચંચળ છે, કે તે ક્યારે શું વિચારશે તેની આપણને ખબર હોતી નથી. કોઈના લગ્નમાં હોઈએ ત્યારે આપણું મન મૃત્યુના વિચારો કરતુ હોય અને કોઈના બેસણામાં બેઠાં હોઈએ ત્યારે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતું હોય. પરિક્ષા હોલમાં બેઠાં હોઈએ તે સમયે કોઈ સ્વજનને યાદ કરતુ હોય. આવો અનુભવ બધાંને ક્યારેક તો થયો જ હશે. જે તે સ્થળે, સમયે અને સંજોગોમાં આપણું મન હાજર હોય, તેમાં પરોવાયેલું હોય તેને આપણે ‘પ્રેઝન્ટ ઓફ માઈન્ડ’ કહીએ છીએ.

કેટલાંક મનોવૈજ્ઞાનિકોએ, મોટીવેશનલ ટ્રેનરોએ અને સાધુ-સંતોએ મનને કેવીરીતે શાંત રાખવું તેના ઉપાયો બતાવેલાં છે. ધ્યાન ધરવાથી કે યોગ કરવાથી આપણું મન શાંત રહે છે તેવું તેમનું માનવું છે. તેમની આ વાત સાચી છે. ધ્યાન અને યોગ એ એક જાતની એકસરસાઈઝ છે. આ એકસરસાઈઝ રોજ નિયમિતપણે કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. મનને શાંત કરવા પાછળનું કારણ એકાગ્રતા વધારવાનું છે. જેનામાં એકાગ્રતા વધારે હશે તે કોઇપણ કામ સારીરીતે કરી શકશે. મનની એકાગ્રતા વધારવા માટે બીજી પણ કેટલીક એકસરસાઈઝ છે. જેવીકે સંગીત સાંભળવું, ડાન્સ કરવો, ચિત્ર દોરવું, પુસ્તકો વાંચવા, રમતો રમવી વગેરે. આ બધાં કામો કરવાથી પણ આપણી એકાગ્રતામાં વધારો થાય છે.

ઘણીવાર આપણું મન જાતજાતની ચિંતાઓ કરતું હોય છે. નકારાત્મક વિચારોમાં અટવાઈને દુઃખી થતું હોય છે. આવાં સમયે આપણા મનને બીજીતરફ વાળવું પડે છે. આપણું મન પેલી માખી જેવું છે. ફરીફરીને તે અણગમતા વિચારો કરવા લાગે છે. આપણા મનને નકારાત્મક વિચારોમાંથી બીજીતરફ વાળવા માટે નવરા બેસી ન રહેતાં કોઇપણ ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ. કહેવત છે, ‘નવરું મન નખ્ખોદ વાળે.’ એકાંતમાં પણ ખરાબ વિચારો આવે છે, એટલે તેવાં સમયે એકલાં ન રહેતાં કોઈની સાથે રહેવું જોઈએ. બને તો મિત્રો કે સગાં સંબંધી સાથે બહાર ફરવા જવું જોઈએ.

આપણા મનની અસર શરીર ઉપર થતી હોય છે. જો મન સ્વસ્થ હોય, સારાસારા વિચારો કરતુ હોય, તો શરીર પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. જો મન માંદલું હોય, નકારાત્મક વિચારો કરતુ હોય, તો શરીર પણ બીમાર રહે છે. મન અને શરીર એકબીજાનાં પૂરક છે એટલા માટેજ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવાં જોઈએ. આ બંનેને સ્વસ્થ રાખવા માટે રોજ એકસરસાઈઝ કરવી જોઈએ.

મનની ત્રણ અવસ્થાઓ છે. જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત મન. (કોન્સીયન્સ, સબકોન્સિયસ અને અનકોન્સીયસ માઈન્ડ)
જાગૃત અવસ્થા:- જાગૃત અવસ્થામાં આપણું મન એક્ટીવ એટલે કે સભાન હોય છે. આપણે વર્તમાનમાં જે કામ કરતાં હોઈએ તેનું ભાન હોય છે. દાખલા તરીકે આપણે ખાતાં હોઈએ તો આપણને તેની ખબર હોય છે.
અર્ધ જાગૃત અવસ્થા:- કોઈ કામ ભૂતકાળમાં કર્યું હોય અને તેને યાદ કરીને જાગૃત અવસ્થામાં લઇ આવીએ તેને અર્ધ જાગૃત અવસ્થા કહેવાય. દાખલા તરીકે ગઈકાલે આપણે કોઈ મીઠાઈ ખાધી હોય, તેને યાદ કરીને આજે તેની વાત કરીએ.

અજાગૃત અવસ્થા:- માણસ ગર્ભાવસ્થામાં હોય ત્યારથી લઈને આજદિન સુધીમાં જે અનુભવો થયાં હોય તે બધું અજાગૃત મનમાં હોય છે. જેને દરેક સમયે યાદ કરી શકાતું નથી. ક્યારેક અચાનક અથવા તો સપનામાં યાદ આવી જતું હોય છે. દાખલા તરીકે આપણે એક વર્ષના હોઈએ ત્યારે આપણા જન્મ દિવસે કેવાં કપડાં પહેર્યા હતાં તે યાદ હોતું નથી.

આપણા શરીરમાં રહેલા બ્રેઈનને આપણે દેખી શકીએ છીએ પણ મન એટલેકે માઈન્ડ જોઈ શકાતું નથી. આપણા શરીરમાં તે કઈ જગાએ છે તે હજુસુધી વૈજ્ઞાનિકો નક્કી કરી શક્યાં નથી. આપણે આપણા બ્રેઇનને હાર્ડવેર અને મનને સોફ્ટવેર તરીકે સરખાવી શકીએ. આપણું બ્રેઈન હાર્ડવેર તરીકે કામ કરે છે અને મન સોફ્ટવેર તરીકે કામ કરે છે. મન દ્વારા બનતાં પ્રોગ્રામોનો સંગ્રહ આપણા બ્રેઇનમાં થાય છે.

માણસનું મન થોડુંક વિચિત્ર છે. હંમેશાં તે કામ નહિ કરવાનાં બહાનાં શોધતું હોય છે. તમે તમારું રૂટીન ઓબ્ઝર્વ કરજો. સવારે આપણે મસ્તીથી ઊંઘતાં હોઈએ અને ઉઠવાની એલાર્મ વાગે, ત્યારે તેને બંધ કરીને ફરીવાર સુઈ જઈએ છીએ. તે સમયે આપણું મન આપણને કહે છે, ઉઠાય છે દસ મિનીટ વધારે ઉંધી લઉં, કોલેજમાં કે નોકરીમાં થોડાં મોડાં પડીશું તો ચાલશે. તે પછી નહાવામાં, તૈયાર થવામાં, બહાર નીકળવામાં, ઓફિસનું કામ શરુ કરવામાં, અમુક બહારનાં કામ ટાળવામાં, કોઈને મળવા જવામાં, ઘરનાં કામ કરવામાં વગેરે કામોમાં આપણે બહાનાં શોધી લઈએ છીએ. આપણે આ બાબતે કોઈ દિવસ વિચાર્યું નથી એટલે આપણને તેની ખબર નથી. અને તેની આપણા જીવન ઉપર શી અસર થાય છે તે પણ આપણે જાણતાં નથી.

દેખાતું નહિ હોવાછતાં આ અદ્રશ્ય મન, આપણા જીવન ઉપર બહુ મોટો પ્રભાવ પાડે છે. દરેકના જીવનઘડતરમાં મન અગત્યનો ભાગ ભજવે છે. બુદ્ધિ ચાતુર્ય તો પછી આવે છે, પહેલાં તો આપણું મન, આપણે શું કરવું તે નક્કી કરે છે. મનની તાકાત અમાપ છે, મન જે ઈચ્છે તે કરી શકે છે. એકવાર જો આપણે મનને વશમાં કરી લઈએ, મનને આપણું ગુલામ બનાવી દઈએ, તો આપણે ધારીએ તે કરી શકીએ. બેઝીકલી માણસનું મન આળસુ છે. આપણું આ નટખટ આળસુ મન કામ નહિ કરવાનાં હજાર જાતનાં બહાનાં શોધી કાઢે છે. પેલી કહેવત તો સાંભળી હશે, ‘મન હોય તો માળવે જવાય’ એટલે આપણે કોઈ બાબત મનથી નક્કી કરી લઈએ તો તે વાસ્તવમાં શક્ય બને છે.

આપણે જો આપણા મન પાસેથી કામ લેતાં શીખી લઈએ તો આપણું કામ સરળ થઇ જશે. નકામા અને નકારાત્મક વિચારો કરતાં મનને સકારાત્મક વિચારો કરતુ કરી શકીએ, તો આપણે ધાર્યું કામ પાર પાડી શકીશું એ વાત નિર્વિવાદ છે.

લેખક – મનહર ઓઝા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી