મમતા – એ પત્ની ભલે નહોતી પણ એક માતા તો હતી જ ને? કેવીરીતે એ નાનકડા બાળકને છોડીને જઈ શકે…

*”મુખ જોયુ ને તરત અશ્રુ ખર્યુ,*

*ખળભળી ઉઠયું ભીતર, અશ્રુ ખર્યુ.”*

અનુશા હવે થાકી ગઇ હતી. શું કરવું.., કઇ બાજુ જવું..? મનમાં પ્રશ્ર્નો ઉઠતાં હતાં. તે નિર્ણય કરી શકતી ન હતી. મન મુંજવણમાં હતું, વારંવાર દિલમાં સવાલ ઉઠતો હતો કે શું કરૂ..? તેની સામે બે માર્ગ હતા, પણ કયાં જવુ તે નકકી કરી શકતી ન હતી. વરસોથી મનમાં દબાયેલી ઝંખના પૂરી કરવાનો માર્ગ તો હતો, પણ તે માર્ગ પર પગ મૂકવો કે નહી તે બાબતે તેનું દિલ મુંઝવણમાં હતું. એકબાજુ અનુરાગનો પ્રેમ હતો, તો બીજીબાજુ દીકરા યશની મમતા હતી. અનુરાગ કહેતો કે , “અનુશા સાત વર્ષથી તું યશને સંભાળે છે, હવે બઘું મુકીને આવી જા. હું તારા વગર અઘૂરો છુ. હવે યશ મોટો થઇ ગયો છે. તેને તેના પપ્પાને સોપી દે અને આવી જા.”

અનુરાગ હજી તેને ચાહે છે, સાત સાત વર્ષથી તેની રાહ જોવે છે.. અનુશા તેની પાસે જવા માંગતી હતી, તો બીજી બાજુ યશ પ્રત્યેની મમતા હતી, યશના જન્મથી જ તે તેની મા બની ગઇ હતી. યશને તો ખબર પણ ન હતી કે અનુશા તેની જન્મદાત્રી મા નથી, તે અનુશાને જ મા સમજતો હતો. અનુશાએ પણ તેને દીકરો જ માન્યો હતો. સાત વર્ષથી તેના પર પોતાની મમતા વરસાવી રહી હતી, પણ અનુરાગની વાતથી તે વિચારતી હતી કે, ” શું મને જીવવાનો હકક નથી..??” અનુશા અને ગૌરી બે બહેનો.. ગૌરી મોટી બહેન અને અનુશા તેનાથી ચાર વર્ષ નાની.

નાનપણથી જ બન્ને વચ્ચે ખૂબ પ્રેમ. એકબીજા વગર જરાય ન ચાલે ગૌરી પોતાની બઘી જ વસ્તુ અનુશાને આપે. અનુશા તેની બઘી વાત માને. ગૌરીના લગ્ન સંદીપ સાથે થયા હતા. અનુશા ભણતી હતી. તે અનુરાગને ચાહતી હતી. ઘરમાં તેણે અનુરાગની વાત કરી ન હતી. તે વિચારતી હતી કે ભણવાનું પુરુ થયા પછી દીદીને બઘી વાત કરીશ. દીદી મમ્મી-પપ્પાને મનાવી લેશે તે વાતની તેને ખાત્રી હતી. ગૌરીના લગ્નને બે વર્ષ થયાં હતા. સંદિપ બહુ સારો પતિ હતો. ગૌરીને ખૂબ પ્રેમ કરતો હતો. ગૌરી ખુબ ખૂશ હતી.

ગૌરી તેના સીમંત પછી પહેલીવાર ડિલિવરી માટે પિયર આવી હતી. અનુશાએ અનુરાગને કહ્યુ કે દીદીની ડિલિવરી પછી હું ઘરમાં વાત કરીશ. જેમ જેમ ગૌરીની ડિલિવરીનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ તેની તકલીફ વધતી ગઇ. જાણે ભવિષ્યની ખબર પડી ગઇ હોય તેમ તે અનુશાને કહેતી કે, ” હું ના રહું તો મારા સંતાનને તું સાચવજે.” અને દીકરાને જન્મ આપીને તેણે આંખ મીંચી દીઘી. સંદિપ અવાચક થઇ ગયો. દીકરાને સાચવવાના પણ તેને હોંશ ન રહ્યાં. અનુશાએ દીકરા યશને સંભાળી લીઘો.

થોડા દિવસ પછી અનુશાના માતા – પિતાએ જ અનુશાને સમજાવી કે યશ તારા વિના રહી શકે તેમ નથી. તું સંદિપ સાથે લગ્ન કરી લે. અનુશા સ્તબ્ઘ થઇ ગઇ. જીજાજી સાથે લગ્ન કરવાની વાત તો તે વિચારી જ શકતી ન હતી. સંદિપ પણ આ વાત સ્વીકારવા તેયાર ન હતો. એટલે યશને લઇને પોતાના ઘરે ચાલ્યો ગયો. પણ યશ ઘણો નાનો હતો. બે-ચાર દિવસમાં જ બિમાર પડી ગયો. અનુશા આ સાંભળીને દોડી આવી. તેની સંભાળથી યશ સાજો થઇ ગયો. હવે તેણે માતાપિતાની વાત માની દીઘી અને યશ માટે સંદિપ સાથે લગ્ન કરી લીઘા. બન્ને યશના માતાપિતા તો બની ગયા, પણ પતિ-પત્ની ન બની શકયાં.

આમને આમ સાત વર્ષ પસાર થઇ ગયા. અનુશા ઘણીવાર અનુરાગને યાદ કરતી પણ પછી યશ સામે જોઇને બઘુ ભુલી જતી. એક દિવસ અચાનક અનુરાગ અનુશાને મળી ગયો. અનુરાગે હજી લગ્ન કર્યા ન હતા. તે જાણીને અનુશાને ખુબ દુ:ખ થયું, પોતે અનુરાગની દોષી છે તેમ વિચારતી.

પછી તો બન્ને ઘણીવાર મળ્યા. અનુરાગ હજી તેની રાહ જોતો હતો. તેણે અનુશાને કહ્યુ કે, “તને શું મળ્યુ? પ્રેમ કર્યો તેની સાથે લગ્ન ન કરી શકી, જેની સાથે લગ્ન કર્યા તેનો પ્રેમ ન મળ્યો. બસ તુ યશની મા બનીને રહી ગઇ, ફરજ બજાવતા બજાવતા તું તારી જાત સાથે, તારા દિલ સાથે, તારી ઈચ્છાઓ સાથે અને મારી સાથે અન્યાય કરી રહી છો, હવે યશ સાત વર્ષનો થઇ ગયો છે, સંદિપ તેને સંભાળી શકે તેમ છે, તું બઘું મુકીને આવી જા, હું તારી રાહ જોવું છું.”

અનુશા કહેતી, “અનુરાગ હું મારી ઇચ્છાઓ ભુલી શકુ છું , પણ દીદીએ મને યશને સંભાળી લેવાનું કહ્યું છે તે કેમ ભુલી શકું…?” અનુરાગે તેને સમજાવી , ” હું કયાં કહુ છુ કે તું યશને મૂકી દે, આપણે બન્ને તેનું ધ્યાન રાખીશું. પણ એકવાર હિંમત કરીને યશ સંદિપને સોંપી દે અને મારી સાથે લગ્ન કરી લે..”

અનુશા કશ્મકશમાં હતી. ખૂબ વિચારીને અંતે તેણે અનુરાગની વાત માનવાનો નિર્ણય કર્યો. સંદિપને બઘું જણાવ્યું. સંદિપે તેને કહ્યુ, ” અનુશા હું તારી દીદીને ભુલી શકુ એમ નથી, આટલા વર્ષ તે યશની સંભાળ લીઘી તે મારા માટે ઘણુ છે.. આ લગ્નએ તને શું આપ્યું? હું તને પત્ની તરીખે સ્વીકારી શકું તેમ નથી. તું જા… તારી જિંદગી જીવી લે… યશને હું સંભાળી લઇશ, અને જયાયે જરૂર પડે ત્યારે તુ અને અનુરાગ તો આવશો જ ને..!!”

અનુશા કંઇ ન બોલી. બસ દીદીના ફોટા સામે જોઇને રડી પડી. સંદિપ જાતે અનુરાગને મળ્યો. અનુશા સાથે છુટાછેડાના કાગળ પર સહી કરી દીઘી અને તેને અનુરાગ સાથે જવા કહ્યું. જે દિવસે અનુશા જવાની હતી , તે દિવસ તેણે ભારે બેચેનીમાં કાઢયો. આખો દિવસ યશને પ્રેમ કરતી રહી, તેને રમાડતી રહી. રાત્રે જયારે યશ સુઇ ગયો ત્યારે સંદિપે જાતે તેની બેગ ભરી આપી, અને અનુરાગને ફોન કરીને બોલાવી લીઘો.

અનુરાગ આવ્યો, અનુશા બેગ ઉપાડીને તેની સાથે જવા માટે નીકળી, ત્યાં અચાનક યશ ઉઠી ગયો. અનુશાને બાજુમાં ન જોઇને મમ્મી..મમ્મી… કરતો બહાર આવ્યો. અનુરાગને જોઇને એક મિનિટ ઊભો રહ્યો, પણ અનુશાના હાથમાં બેગ જોઇને દોડીને તેને ચોંટી પડયો, અને રડતા રડતા કહેવા લાગ્યો, “મમ્મી તું કયાં જાય છે ?? મમ્મી મને મુકીને જાય છે ?? મમ્મી મને લઇ જા ને…!!”

અનુશા ઊભી રહી ગઇ. યશના માથે હાથ ફેરવીને તેને તેડી લીઘો. તેના દિલમાં મમતા જાગી ગઇ. યશને ચુંબન કરીને જોરથી ગળે લગાડી લીઘો. અને કહેવા લાગી,”ના.. બેટા , હું કયાંય નથી જતી… બસ તારી સાથે જ છું” સંદિપ અને અનુરાગ જોઇ રહ્યા. બન્નેની આંખમાં આંસુ આવી ગયા. અનુરાગે આગળ આવીને યશના માથે હાથ ફેરવ્યો અને અનુશાને કહ્યુ, “મને માફ કરી દે..હું તો મારી પ્રેમીકા પાછી લેવા આવ્યો હતો, પણ યશ પાસેથી તેની મા છીનવી લેવાનો મને હકક નથી.” આટલું કહીને તે ચાલ્યો ગયો

સંદિપ જોઇ રહ્યો, ઘીમેથી આગળ આવીને તેણે અનુશાને ગળે લગાડી દીઘી. અનુશાએ જોયું તો જાણે દીદી પણ ફોટામાંથી ત્રણેય જણાને જોઇને હસતી હતી.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ