મામેરું – માતા હતી ચિંતામાં તેની બંને દીકરીઓનું મામેરું કેવીરીતે થશે, અંત ચુકતા લાગણીસભર વાર્તા…

તૃપ્તિ મોટી. પલ્લવી નાની.તૃપ્તિને ત્રણ ત્રણ છોકરીઓ.પલ્લવીને એક છોકરી એક છોકરો. બન્ને દેરાણી જેઠાણી. ભલે સબંધમાં દેરાણી જેઠાણી પણ રોજના વહેવારમાં સગી બહેનોને પણ વટાવી જાય તેવો તેમનો એક બીજા પ્રત્યેનો વહેવાર.

તૃપ્તિનાં માબાપનું ઘર જરા દુબળુ. જેમતેમ કરી સામાજીક પ્રસંગો પાર પાડે. જ્યારે પલ્લવી મા વગરની, પણ ભાઈ અને પિતા સારી એવી મિલકતના આસામી, ધીકતો ધંધો. મોટાઈ મારવામાં પાછા ના પડે. અભિમાન અને અછકલાપણાથી ભારોભાર ભરેલા. નાતમાં આગળ પડતા. કોઈની ચડસાચડસીમાં લાખોનો ખર્ચ કરી દે , તો ક્યારેક લોભમાં લપટાઈ જઇ રૂપીએ રૂપિયાની ગણતરી કરવા બેસી જાય. એવા ચીકણા ને મનમોજીલા.

જયકોરબેન આ દેરાણી-જેઠાણીની સાસુ . સાસુ એટલે કેવી સાસુ ! એકતા કપૂરની સિરિયલોમાં હોય છે , તેની અદ્દલો અદ્દલ કાર્બન કોપી જેવી સાસુ. પગના ઠેબે હિંચકો ચાલતો હોય. હાથમાં માળા ફરતી હોય અને ચકળવકળ આંખો ફરતી હોય આખા ઘરમાં. દિવસ ઉગેને તેમના આ હિંચકા પરથી હુકમો છૂટે. “તૃપ્તિ…આ કર, તૃપ્તિ…તે કર.” જયકોરબેનનીની જીભને તૃપ્તિના પગ. એક કામ પુરુએ ના થયું હોય ને બીજો હુકમ છૂટે. દસ કામ બરોબર હોય ને એક કામમાં ખામી રહી જાય તોય તૃપ્તિને કડવાં વેણ સાંભળવાના દિવસો આવે. વરસાદ અને વહુને જસ સાથે બાપે માર્યાં વેર. એવો ઘાટ તૃપ્તિનો.

મોટો કરિયાવર લઈને આવેલી પલ્લવીને હથેળીના છાંયામાં રાખે ને હળવું કામ તેને સોંપે. ભારે કામ -કપડાં, વાસણ , કચરા-પોતા તૃપ્તિનાં ભાગે આવે. પલ્લવી આ બધું જાણે. સાસુનો હુકમ ઉથાપે એટલી એનામાં હિંમત નહીં, એટલે પોતાના કામમાંથી વહેલી પરવારી, જેઠાણીના કામમાં ભાગ પડાવે મોટીબેન જેવી જેઠાણીને રાહત આપવાનો પ્રયત્ન કરે.

” કુટુંબનો પ્રેમ જીતવો હોય તો દીકરો જણવો પડે દીકરો ! ” આવું અછડતુ વેણ ક્યારેક સંભળાય ને તૃપ્તિનો જીવ આકળવીકળ થઈ ઉઠે. પલ્લવી પણ આવાં વેણ સાંભળીને સમસમી ઉઠે, પણ થાય શુ ? પલ્લવી સાસુના આવા સ્વભાવ બાબતે રાત્રે એકાંતમાં પતિને ફરિયાદ કરી મન હળવું કરી લે.જ્યારે તૃપ્તિ તો તેના પતિને કહેવાની હિંમત પણ કરી શકે નહીં. તેને ઉપરા ઉપરી ત્રણ છોકરીઓને જન્મ આપ્યો હતો ! આ જ મોટો જુલમ એણે કર્યો હતો ! ડગલે ને પગલે તેને આ આડું આવતું. તે ડરીને હોઠ સીવી લેતી , કારણ મા વિરુદ્ધનું એક વાક્ય પણ તેનો વર સાંભળવા તૈયાર ના હતો.

પલ્લવી વધારે કરિયાવર લાવેલી અને તૃપ્તિનાં મા-બાપે ગજા મુજબ જે કાંઈ આપેલુ તે ઘરનાને ઓછું દેખાતું , એ બાબતે પણ તેને વારંવાર મૅણાં સાંભળવા તૈયાર રહેવું પડતું. કોઈ સારા-ભલા પ્રસંગે પલ્લવી દબાણ કરીને તૃપ્તિને પોતાના દાગીના પહેરાવે તોય સાસુ ક્યારેક બધાની વચ્ચે એને ઉતારી પડે . ” બાપાને પહોંચ ના હોય તો આવા નાપતા શોખ ના રખાય. ”

દુબળી ગાયને બગાઈઓ ઘણી. એક વખત સફાઈ કરતાં કરતાં ડ્રેસિંગ ટેબલનો અરીસો તૃપ્તિના હાથે ફૂટી ગયો, એમાં કેટલુએ સાંભળવું પડેલું. ” બાપના ઘરે કોઈ દિવસ જોયું હોય તો વાપરતાં આવડે ને. ” ઘરની ગીરીમા જાળવવાના ઈરાદાથી તેને ઘણો સંયમ રાખ્યો હતો. પણ બાપની વાત આવી તેથી તેનાથી ના સહન થયું ને એમાંથી કંકાસ ઊભો થયો. પલ્લવીએ વચ્ચે પડી વાત દબાવવા પ્રયત્ન કર્યો પણ છેવટે વાત તૃપ્તિના ઘરવાળા મુકેશ સુધી પહોંચી ત્યારે વળી બે શબ્દો વધુ સાંભળવા મળયા.

આમને આમ તૃપ્તિ અને પલ્લવીના સંસારમાં ચડાવ ઉતાર આવતા રહયા. દેરાણી પલ્લવીના સહારે જેઠાણી તૃપ્તિને સધિયારો મળતો રહ્યો. સાસુ જયકોરના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો નહીં, છતાં અપમાન ગળી જઈ ને સમજદાર વહુઓએ વધુ ધીરજથી કામ લઈ, એમના સંસારરૂપી રથને આગળ ધપાવે રાખ્યો.

સમયનાં પડ કપાતાં , બાળકો પણ યુવાનીના ઉંબરે આવીને ઊભાં હતાં. મુકેશ-તૃપ્તિની બે દીકરીઓ અને મહેશ-પલ્લવીની એક દીકરીના જીવન સાથીની શોધ પુરી થઈ હતી. પોષ માસમાં તો આ ત્રણ બહેનોનાં એકજ માંડવે લગ્ન લેવાનું નક્કી થઈ ગયું. સમય સમયનું કામ કરી લેતો હોય છે. તેમ આ કુટુંબમાં પણ આંગણે આવનાર ખુશીના અવસરે ટકોરા માર્યા.

જુવાન દીકરીઓને સાસરે વ્હોરાવવાની માને ચિંતા હોય , હોંસેય હોય, સામે જીગરના ટુકડો પોતાના શરીરમાંથી કપાઈને પારકો થઈ જશે તેનું થોડું દુઃખ પણ હોય. પણ અહીંતો તૃપ્તિને એક જુદાજ પ્રકારની ચિંતા ઊભી થઈ હતી. તૃપ્તિના મનને કોરી ખાનારી ચિંતા ! માત્ર સાસુનાં નહીં , ગામ અને સમાજ આખાનાં મૅણાં કાને પડશે તેની ચિંતા. જેમ જેમ અવસર નજીક આવતો ગયો તેમ તેમ તૃપ્તિ વધારે ને વધારે ઉદાસ અને ગમગીન દેખાવા લાગી.

પલ્લવી ! ઘરમાં એક માત્ર પલ્લવીજ તેના મનને પારાખી ગઈ. ” મોટી બેન, એમ ઉદાસ કેમ થઈ ગયાં ? ભલે તમારે બે દીકરીઓ ઓળાવવાની છે , તો મારે પણ એક ઓળાવવાની છે. અને તમારીને મારી ક્યાં જુદી છે મોટીબેન ! તમે મોટાં થઈ ને આવું કરશો તો પછી હું ક્યાં જઈશ મોટીબેન હિંમત રાખો. ” પલ્લવી સધિયારો આપતાં બોલી.

” દીકરીઓ તો ક્યાં કોઈની ઘરે રહી છે તે આપણી રહેશે ” ? પલ્લવી ! રાજા જેવા રાજા જનકે પણ દીકરી ઓળાવી હતી !” એક ઊંડો નિસાસો નાખતાં તૃપ્તિ બોલી. ” પણ મોટીના મામેરાની મને ચિંતા છે , પલ્લવી ! મારી બહેન પલ્લવી !” એ દબાતા અવાજે બોલી પણ દડ દડ આવતાં આંશુ ના રોકી શકી.

બસ તૃપ્તિનું આટલું બોલવુ, ને પલ્લવી આખી પરિસ્થિતિ પામી ગઈ. ” મોટીબેન ! આજ ચિંતા ? આજ કારણ ? હવે મને સમજાયું તમે છેલ્લા દસ દિવસથી ધરાઈને ધાન કેમ ખાતાં નથી. મોટીબહેન, યાદ કરો જરા તમેતો સાંભળ્યું હશેને કુંવરબાઈના બાપની પાસે શું હતું ? તાંબુરો ને મંજીરા સિવાય ! છતાં એનું ક્યાં ઉભું રહ્યું હતું ?” પલ્લવી મક્કમ પણ ધીમા સ્વરે બોલી.

ખરેખરતો એકજ માંડવા નીચે જે બે મામેરા ભરાવાનાં હતાં. તેની ચિંતા તૃપ્તિને હતી. પલ્લવીનો ભાઈ ખમતીધર. મામેરામાં તે જે દાયજો લાવસે તેવો પોતાનો ભાઈ નહીં લાવી શકે. ફરી પાછાં સાસુ અને સમાજનાં મૅણાં સાંભળવાનો સમય સામે આવશે, તે ડર તૃપ્તિને સતાવી રહ્યો . આ ડર પલ્લવી સાચી રીતે પારખી ગઈ. પલ્લવી લગ્નના થોડા દિવસો અગાઉ તેના પિયર ભાઈના ઘરે ગઈ. ને ભાઈની સાથે મામેરા બાબતે વાત કરી. ” જો ભાઈ તમારે આપવું જ હોય તો, મને ખાનગીમાં આપજો. પણ જાહેરમાં જ્યારે તમે મામેરું ભરવા આવો ત્યારે મારી જેઠાણી તૃપ્તિબેનના ભાઈઓ જેટલું લાવે, તેનાથી એક સળીએ મને વધારે ના આપતા ” પલ્લવીએ તેના ભાઈને વિનંતીના સ્વરમાં કહ્યું.

” કેમ ? અમે અમારા મોભા પ્રમાણે મામેરું ના ભરીએ તો સમાજમાં અમારું વગોવણું થાય બેટા પલુ. તારા આ પિતા પ્રાણલાલ શેઠનો નાતમાં કેવડો મોભો છે ! તે તું ક્યાં નથી જાણતી પલુ ” પલ્લવીના પપ્પા ચસમાની દાંડી ઉપરથી જોતા બોલ્યા. ” ના પપ્પા , મારીને મારાં જેઠાણીની દિકરીઓનું મામેરું એકજ માંડવા નીચે ભરવાનું. મારી જેઠાણી તૃપ્તિબેનનાં પિયરિયાંની તમારા જેટલું આપવાની હેસિયત નહીં. અને તમે તમારા સમાજના મોભા પ્રમાણે મારું ઝાકમઝોળ મામેરું લાવો તો મારી જેઠાણીનું મન કચવાય પપ્પા પ્લીઝ ! મારી મોટીબેન સરખી મારી જેઠાણીનું દિલ દુભાય એવું તમે ના કરતા પપ્પા, ” રડમસ અવાજે પલ્લવી બોલી ” મોટાભાઈ તમને તો ખબર છે, આખી જિંદગી મારે એ મારી મોટિબહેન જેવી મારી જેઠાણી સાથે વિતાવવાની છે.” પલ્લવીની વિનવણીમાં તેની મમ્મીએ સીંચેલા સંસ્કાર નીતરી રહયા હતા.

તેના પપ્પા અને એનો ભાઈ , પલ્લવીને એક ધારી નજરે જોઈ રહ્યા. આખરે તે જીતી ગઈ. તેના પપ્પા તેની વાત સાથે સંમત થઈ ગયા. તેના ભાઈ અને પપ્પાને, તે જીવનનો આ અટપટો કોયડો સારી રીતે સમજાવી શકી તેથી તે ખુશ હતી. મન મોજીલા, પલ્લવીના ભાઈને તો બોલવું હતું ” વાહ પ્રાણલાલ શેઠની દીકરી વાહ ! ખરેખર તારી મમ્મીએ તારામાં સીંચેલા સંસ્કાર તેં જાળવી જાણ્યા. ” પણ તેણે આવા શબ્દો ગળાની બહાર ના આવવા દીધા. પ્રાણલાલ, દીકરીની આવી ભાવના જોઈ ચકિત થઈ ગયા. પણ આ સમયે બાપ-દીકરો બંને મૌન રહયા.

” ભલે બેટા પલ્લવી, પણ તું અમને તારી જેઠાણી-તૃપ્તિના ભાઈનો કોનેક્ટ નંબર મોકલાવજે, જેથી અમે પૂછી લઈએ કે, મામેરામાં એ શું શું લાવવાના છે. તેથી અમને પણ ખબર પડે કે અમારે શું લાવવું ને શું ના લાવવું.” ” થેન્ક્સ પપ્પા ! થેન્ક્સ મોટાભાઈ ! ” પલ્લવી સાંજે ચાલી ગઈ. પલ્લવીએ પરત ઘેર આવી ને, ભાઈ અને પપ્પાની સાથે જે વાત કરીને આવી હતી, તે બાબતે જેઠાણી તૃપ્તિને માહિતગાર કરી, ને કોઈ વાતે ઓછું ના લાવવાની હૈયાધારણ આપી.

એ શુભ પ્રસંગ આવી પહોંચ્યો. લગ્નની કંકોત્રી સગેવહાલે પહોંચી ગઈ.આંગણે માંડવો રોપાયો. ત્રણ દિકરીઓનાં વિવાહ એટલે મહેમાનોની પણ ભીડ જામી હતી. ઢોલના ઢબકારે જુવાન હૈયાં લગ્નની મજા માણી રહયાં હતાં. મામેરાના અને જાનના ઉતારા અપાઈ ગયા હતા. ગામની દરેક જ્ઞાતિમાં જમણવારનું ઇજન અપાઈ ગયું હતું. જાન બપોર પછી આવવાની હતી પણ મામેરાં આવવાની રાહ જોવાઇ રહી હતી.

એવા સમયે જયકોરબેનને આંગણે મામેરાની ત્રણ ટ્રકો આવીને ઊભી રહી. બે ટ્રકો તૃપ્તિનો ભાઈ લઈને આવ્યો હતો ને એક પલ્લવીનો ભાઈ. લોકો વિચારમાં પડી ગયાં . ” શું આટલો બધો મામેરાનો સામાન ! એ પણ બેના બદલે ત્રણ દીકરીઓનાં મામેરાં. વાજતે ગાજતે ગામ વચ્ચેથી છાબો ભરીને મામેરું માંડવા નીચે આવ્યું. અધધ બધીજ વસ્તુના ત્રણ સેટ , ઘરવખરીનો સામાન, ફ્રીજ ,ટીવી, વોશિંગ મસીન, રસોડા સેટ, તાંબા- પિત્તળનાં બેડાં , શેટી, ગાદલાં અને એક ભાણીને દસ-દસ તોલા સોનાના દાગીના. ત્રણેય બહેનોનું ત્રીસ તોલા સોનુ ને ઉપરથી ત્રણેય છાબમાં એક- એક લાખ રૂપિયા રોકડા. ત્રણેય બહેનોનું ઝાકમઝોળ મોસાળું જોઈ ગામ અને સમાજનાં લોકો મોમાં આંગળીઓ નાખી ગયા.

પલ્લવી સામે નજર મિલાવતાં તૃપ્તિ પામી ગઈ કે , ખરેખર મામેરું ભરવાવાળો શામળીઓ આવી પહોંચ્યો ! તેની આંખોમાંથી હર્ષનો શ્રાવણ વરસી પડ્યો. ત્રણ મામેરાં આવશે એવું તો ખુદ પલ્લવીએ પણ નહોતું ધાર્યું કારણ મામેરું માત્ર બહેનની જે સૌથી મોટી ભાણી હોય તેના માટે હોય છે. અહીંતો તૃપ્તિની બંને દીકરીઓ માટે મામેરું આવ્યું હતું.

દેરાણી પલ્લવી અને જેઠાણી તૃપ્તિએ માંડવા નીચે આવી મામેરું વધાવ્યું . રિવાજ મુજબ, માંડવા નીચે તૃપ્તિ અને પલ્લવીના કુટુંબના દરેક સ્ત્રી-પુરુષ સભ્યોને પહેરામણી કરવામાં આવી. ગામના વાંણદ, ઢોલી, ને ધાર્મિક સ્થળોનાં દાપાં ચુકવવામાં આવ્યાં ને છેલ્લે પતાંસાના ભરેલા થાળથી ભણેજીઓનો માંડવો વધાવવામાં આવ્યો, ત્યારે હેકડેઠઠ ભરેલા માંડવામાં હર્ષની હેલી છવાઈ ગઈ.

બરાબર એ સમયે, માઇકમાંથી લગ્ન ગીત સંભળાયું :: ” જેવા હારમાંના હીરા , તેવા તૃપ્તિબેનના વીરા, નાણાવટી રે…સજન બેઠું …માંડવે !” મામેરામાં આવેલી સ્ત્રીઓએ ઉપાડેલા આ લગ્ન-ગીતને દેરાણી-જેઠાણી પુલકિત મને માણવા લાગી. રંગેચંગે મામેરાં ભરાઈ ગયાં. ત્યાંતો કોઈ બોલ્યું ” જાનું આવી ગઈ ! ફાઈબા જાનું આવી પહોંચી.”

લેખક : સરદારખાન મલેક

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ