જલ્સા કરોને જેંતીલાલ

મમરા પોંઆ – બાળકોને મમરાની આ નવીન વાનગી જરૂર પસંદ આવશે, ફટાફટ બની જશે…

મમરા પોંઆ

મમરા ને પાણી માં પલાળી ને બનતો આ નાસ્તો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ છે. ફટાફટ તૈયાર થઈ જાય અને વળી નાના મોટા બધા ને જ ભાવે એવો સ્વાદ.

મમરા પોંઆ આપ નાસ્તા માં કે જમવા માં પીરસી શકો.

સામગ્રી :

• 8 થી 10 વાડકા સાદા મમરા

• 3 ચમચી તેલ

• 1/2 ચમચી રાઈ

• 1/2 ચમચી જીરું

• 1/2 ચમચી હિંગ

• 1 ડુંગળી, બારીક સમારેલી

• 1 નાનું ટામેટું , બારીક સમારેલું

• થોડા લીમડા ના પાન

• 1 ચમચી ખમણેલું આદુ

• મીઠું

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી ધાણજીરું

• 3 ચમચી બારીક સમારેલી કોથમીર

• અડધા લીંબુ નો રસ

રીત ::


સૌ પ્રથમ મમરા ને મોટી ચાયણી માં ચાળી લો. ચાળવા થી મમરા ની જીણી ધૂળ નીકળી જાશે.


હવે મોટા તપેલા માં પાણી લઈ મમરા એમાં પલાળી દો. આપ જોઈ શકશો પાણી આખું ધૂળ વાળું થઈ જશે. પલાળેલા મમરા ને હળવા હાથે હેન્ડલ કરવા નહીં તો ભૂકો થઈ જશે. ત્યારબાદ મમરા ને ચાયણી માં કાઢી લો.


કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં રાઈ અને જીરું ઉમેરો. રાઇ અને જીરું સરસ રીતે શેકાય જાય એટલે એમાં લીમડો અને હિંગ ઉમેરી બારીક ડુંગળી , ટામેટા અને આદુ ઉમેરો.


ડુંગળી જ્યાં સુધી એકદમ શેકાય ને પારદર્શક ના બને ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકો. ત્યારબાદ એમાં મીઠું , હળદર , લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.


બરાબર મિક્ષ કરી એકાદ મિનિટ શેકો. ત્યારબાદ એમાં નિતરેલા મમરા ઉમેરો. ધ્યાન રહે મમરા ને ઓછામાં ઓછી 15 મિનિટ માટે નિતારવા.


મિક્સ કરો. ત્યારબાદ એમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરો. એકાદ મિનિટ માટે શેકો અને ગેસ બંધ કરી ઢાંકી દો.


2 મિનિટ બાદ સરસ મિક્સ કરી ગરમ ગરમ પીરસો.. આપ ચાહો તો ડુંગળી, ટામેટા, આદું વગર પણ બનાવી શકો . સાદા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version