આવી રીતે બનાવો માલપુઆ વિથ રબડી, થશે ખુબ તમારા વખાણ

માલપુઆ – રબડી

માલપુઆ – રબડી નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું ને ? માલપુઆ જુદા જુદા સ્ટેટમાં અલગ અલગ રીતે બનવામાં આવે છે. આ સ્વીટ ડીશ મોટાભાગે બધાની ફેવરિટ હોય છે. એમાં પણ થોડી ઠંડીમાં ગરમ ગરમ માલપુઆ -રબડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. નોર્થ ઈન્ડિયામાં હોળીના તહેવારમાં અચૂકથી બધા ના ઘરે બનતી આ સ્વીટ ડીશ છે.

ખૂબ સરળ રીતે બનતી આ સ્વીટ ડીશ ની રેસિપી આજે લઈ ને આવી છું. ચાલો આજે જ બનાવી ને ઘરે બધા ને ખુશ કરી દો.
માલપુઆ ઉપર થી ક્રન્ચી અને અંદર થી એકદમ નરમ હોય છે.

માલપુઆ આમ તો મેંદા ના હોય છે પરંતુ મેં ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી એવા માલપુઆ અને રબડી માટે ની રીત ..

રબડી બનાવ માટે ની સામગ્રી:-

 • 1 લીટર ફેટ વાળું દૂધ,
 • 2 ચમચી ખાંડ( મેં ખાંડ ઓછી ઉમેરી છે. તમે ઇચ્છો તો વધુ પણ ઉમેરી શકો),
 • 2 ચમચા દૂધમાં પલાળેલું કેસર,,
 • 2 એલચીના દાણાનો ભૂકો,
 • પલાળીને ફોતરાં કાઢેલી બદામ અને પિસ્તા ગાર્નિશ કરવા માટે.

રીત:-
સૌ પ્રથમ એક જાડી કડાઈ માં દૂધ નીકાળીને ગરમ કરો .

ધીમી આંચ પર દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો . દૂધ ને થોડી વારે ચમચા થી હલાવતા જાઓ અને વચ્ચે વચ્ચે જ્યારે મલાઈ સાઈડ માં જામી જાય એ ચમચા થી નિકાળી ને દૂધ માં ઉમેરતા જાવ. અને દૂધ નીચે કડાઈ માં ના બેસે એનું ધ્યાન રાખો.ધીરે ધીરે દૂધ સફેદ માંથી ક્રીમ કલર નું બની જશે.

જ્યારે દૂધ એકદમ ઘટ્ટ અને મલાઈ વાળું બને એટલે 2 ચમચા ગરમ દૂધ માં પલાળેલું કેસર, ઇલાયચી નો પાવડર અને ખાંડ ઉમેરી 2 -3 મિનીટ ઉકાળો અને ગેસ બંધ કરી દો.

રબડી ઠરી જશે એટલે થોડી વધુ ઘટ્ટ બનશે. ચાલો આ રૂમ તાપમાને આવે ત્યાં સુધી માં માલપુઆ બનાવી લઈએ.

માલપુઆ બનાવા માટેની સામગ્રી:-

માલપુઆનું મિશ્રણ કે ખીરું બનાવા માટે :-

 • 11/2 કપ ઘઉંનો લોટ,
 • 2 ચમચા મોળો માવો,
 • 1 ચમચી વરિયાળીનો ભૂકો,
 • 2 એલચીનો ભૂકો,
 • 2 ચમચા દહીં,
 • 1 ચપટી બેકિંગ પાવડર કે સોડા,
 • અને પાણી જરૂર મુજબ,
 • ઘી તળવા માટે ( તેલ પણ લઇ શકાય).

રીત:-

સૌ પ્રથમ ઘઉંનો લોટ, માવો , દહીં , એલચીનો ભૂકો,વરિયાળીનો ભૂકો અને સોડા નાખીને પાણીથી મીડિયમ ઘટ્ટ ખીરું બનાવો.

 

ખીરું એવું હોવું જોઈએ કે જયારે ઘી માં ખીરું પાથરો તો ફેલાય ના જાય. બહુ પાતળું ખીરું નહિ કરવાનું. હવે આ ખીરા ને 30 મિનીટ માટે રેસ્ટ આપો. ત્યાં સુધી માં ચાસણી બનાવી લઈએ.

ચાસણી બનાવાની રીત:

11/2 કપ ખાંડ,
3/4 કપ પાણી,
1 એલચીનો ભૂકો,

રીત : 

એક કડાઈમાં ખાંડ પાણી મિક્સ કરીને ગરમ કરવા મુકો. અને હલાવતા રહો. એક તારની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળો. બે આંગળી વચ્ચે એક તાર બનાવીને ચેક કરો (ફોટોમાં દેખાડ્યા મુજબ) અને ગેસ બંધ કરી દો.

 

માલપુઆ તળવાની રીત:-

એક પહોળા પૅનમાં માલપુઆ તળી શકાય એટલું જ ઘી લો. (માલપુઆ ડૂબી શકે એટલું જ ઘી લેવું) ઘી ગરમ થાય એટલે માલપુઆના ખીરાને મિક્સ કરી ને એક ચમચાથી ઘીમાં ગોળ જેવા આકારમાં પાથરો (ફોટો માં દેખાડ્યા મુજબ). ધીમી મધ્યમ આંચ પર 2 મિનિટ રહેવા દો અને માલપુઆને બીજી સાઈડ તવેથાથી પલટો. અને એ પણ આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી થવા દો.


બંને બાજુ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળો. હવે ઘી માંથી માલપુઆને નીકાળીને ગરમ ચાસણીમાં 1-2 મિનીટ ડુબાડી ને રાખો.

ચાસણીમાંથી નિકાળીને માલપુઆને નિતારી લો અને પ્લેટમાં મુકો.

ઉપરથી રબડી ઉમેરો અને છાલ નીકાળીને કાપેલા બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો અને સર્વે કરો.

નોંધ:- 

-માલપુઆ પોચા કે કડક તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો .ને ત્યાં સુધી માલપુઆ ગરમ જ સર્વ કરો .આપણે દહીં અને બેકિંગ પાવડર ઉમેર્યો છે એટલે ઠંડા થય પછી પણ નરમ જ રહેશે.-પુઆમાં માવો નાખવાથી અંદરથી નરમ રહે છે.રબડી આગળથી બનાવીને પણ રાખી શકાય એટલે સર્વ કરવાના સમય પર ગરમ માલપુઆ જ બનાવાના રહે.જો રબડીના બનાવી હોય તો ખાંડની ચાસણી 2 તારની કરો. એટલે ગળપણ બરાબર લાગે.

-માલપુઆ તળતી વખતે ઘીમાં ફેલાય જતા લાગે તો થોડો વધુ ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરો.ચાસણી ઘટ્ટ થાય જાય તો ગરમ પાણી ઉમેરીને ફરીથી ઉકાળો.રબડી બનતા થોડો વધુ ટાઈમ લાગે છે તો તમે જ્યારે રસોડામાં બીજું કામ કરતા હોવ ત્યારે ધીમા ગેસ પર થવા દો એટલે તમારે વધુ ટાઈમ નહીં બગડે..

 

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી