માલપુઆ – રબડી આજે જલ્પાબેન લાવ્યા છે એક ટેસ્ટી વાનગી ફોટો જોઇને જ મોઢામાં પાણી આવી ગયું…

માલપુઆ – રબડી નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું ને ? માલપુઆ જુદા જુદા સ્ટેટ માં અલગ અલગ રીતે બનવામાં આવે છે. આ સ્વીટ ડીશ મોટાભાગે બધાની ફેવરિટ હોય છે. એમાં પણ થોડી ઠંડી માં ગરમ ગરમ માલપુઆ -રબડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. નોર્થ ઈન્ડિયા માં હોળી ના તહેવાર માં અચૂક થી બધા ના ઘરે બનતી આ સ્વીટ ડીશ છે.

ખૂબ સરળ રીતે બનતી આ સ્વીટ ડીશ ની રેસિપી આજે લઈ ને આવી છું. ચાલો આજે જ બનાવી ને ઘરે બધા ને ખુશ કરી દો. માલપુઆ ઉપર થી ક્રન્ચી અને અંદર થી એકદમ નરમ હોય છે. માલપુઆ આમ તો મેંદા ના હોય છે પરંતુ મેં ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી એવા માલપુઆ અને રબડી માટે ની રીત ..

રબડી બનાવ માટે ની સામગ્રી:-

1 લીટર ફેટ વાળું દૂધ

2 ચમચી ખાંડ( મેં ખાંડ ઓછી ઉમેરી છે. તમે ઇચ્છો તો વધુ પણ ઉમેરી શકો)

2 ચમચા દૂધ માં પલાળેલું કેસર

2 એલચી ના દાણા નો ભૂકો

પલાળી ને ફોતરાં કાઢેલી બદામ અને પિસ્તા ગાર્નિશ કરવા માટે

રીત:-


સૌ પ્રથમ એક જાડી કડાઈ માં દૂધ નીકાળી ને ગરમ કરો. ધીમી આંચ પર દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો . દૂધ ને થોડી વારે ચમચા થી હલાવતા જાઓ અને વચ્ચે વચ્ચે જ્યારે મલાઈ સાઈડ માં જામી જાય એ ચમચા થી નિકાળી ને દૂધ માં ઉમેરતા જાવ. અને દૂધ નીચે કડાઈ માં ના બેસે એનું ધ્યાન રાખો.ધીરે ધીરે દૂધ સફેદ માંથી ક્રીમ કલર નું બની જશે. જ્યારે દૂધ એકદમ ઘટ્ટ અને મલાઈ વાળું બને એટલે 2 ચમચા ગરમ દૂધ માં પલાળેલું કેસર, ઇલાયચી નો પાવડર અને ખાંડ ઉમેરી 2 -3 મિનીટ ઉકાળો અને ગેસ બંધ કરી દો. રબડી ઠરી જશે એટલે થોડી વધુ ઘટ્ટ બનશે. ચાલો આ રૂમ તાપમાને આવે ત્યાં સુધી માં માલપુઆ બનાવી લઈએ.

માલપુઆ બનાવા માટેની સામગ્રી:-

માલપુઆ નું મિશ્રણ કે ખીરું બનાવા માટે :-

11/2 કપ ઘઉં નો લોટ

2 ચમચા મોળો માવો

1 ચમચી વરિયાળી નો ભૂકો

2 એલચી નો ભૂકો

2 ચમચા દહીં

1 ચપટી બેકિંગ પાવડર કે સોડા

અને પાણી જરૂર મુજબ

ઘી તળવા માટે ( તેલ પણ લઇ શકાય)

રીત:-


સૌ પ્રથમ ઘઉં નો લોટ, માવો , દહીં , એલચી નો ભૂકો,વરિયાળી નો ભૂકો અને સોડા નાખી ને પાણી થી મીડિયમ ઘટ્ટ ખીરું બનાવો. ખીરું એવું હોવું જોઈએ કે જયારે ઘી માં ખીરું પાથરો તો ફેલાય ના જાય. બહુ પાતળું ખીરું નહિ કરવાનું. હવે આ ખીરા ને 30 મિનીટ માટે રેસ્ટ આપો.
ત્યાં સુધી માં ચાસણી બનાવી લઈએ.

ચાસણી બનાવાની રીત:-

11/2 કપ ખાંડ

3/4 કપ પાણી

1 એલચી નો ભૂકો


એક કડાઈ માં ખાંડ પાણી મિક્સ કરી ને ગરમ કરવા મુકો. અને હલાવતા રહો. એક તાર ની ચાસણી થાય ત્યાં સુધી ઉકાળો. બે આંગળી વચ્ચે એક તાર બનાવી ને ચેક કરો (ફોટો માં દેખાડ્યા મુજબ) અને ગેસ બંધ કરી દો.

માલપુઆ તળવાની રીત:-


એક પહોળા પૅન માં માલપુઆ તળી શકાય એટલું જ ઘી લો. (માલપુઆ ડૂબી શકે એટલું જ ઘી લેવું) ઘી ગરમ થાય એટલે માલપુઆ ના ખીરા ને મિક્સ કરી ને એક ચમચા થી ઘી માં ગોળ જેવા આકારમાં પાથરો (ફોટો માં દેખાડ્યા મુજબ). ધીમી થી મધ્યમ આંચ પર 2 મિનિટ રહેવા દો અને માલપુઆ ને બીજી સાઈડ તવેથા થી પલટો. અને એ પણ આછા ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી થવા દો. બંને બાજુ આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી તળો. હવે ઘી માંથી માલપુઆ ને નીકાળી ને ગરમ ચાસણીમાં 1-2 મિનીટ ડુબાડી ને રાખો. ચાસણી માંથી નિકાળી ને માલપુઆ ને નિતારી લો અને પ્લેટ માં મુકો. ઉપર થી રબડી ઉમેરો અને છાલ નીકાળી ને કાપેલા બદામ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો અને સર્વે કરો.


નોંધ:-

માલપુઆ પોચા કે કડક તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો . બને ત્યાં સુધી માલપુઆ ગરમ જ સર્વ કરો. આપણે દહીં અને બેકિંગ પાવડર ઉમેર્યો છે એટલે ઠંડા થય પછી પણ નરમ જ રહેશે. માલપુઆ માં માવો નાખવાથી અંદર થી નરમ રહે છે. રબડી આગળ થી બનાવી ને પણ રાખી શકાય એટલે સર્વ કરવાના સમય પર ગરમ માલપુઆ જ બનાવાના રહે.

જો રબડી ના બનાવી હોય તો ખાંડ ની ચાસણી 2 તાર ની કરો. એટલે ગળપણ બરાબર લાગે. માલપુઆ તળતી વખતે ઘી માં ફેલાય જતા લાગે તો થોડો વધુ ઘઉં નો લોટ ઉમેરી ને મિક્સ કરો. ચાસણી ઘટ્ટ થાય જાય તો ગરમ પાણી ઉમેરી ને ફરી થી ઉકાળો.

રબડી બનતા થોડો વધુ ટાઈમ લાગે છે તો તમે જ્યારે રસોડા માં બીજું કામ કરતા હોવ ત્યારે ધીમા ગેસ પર થવા દો એટલે તમારે વધુ ટાઈમ નહીં બગડે..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)