રેસ્ટરન્ટ સ્ટાઇલ ના મલાઈ કોફતા – મલાઈ કોફતા તો અમુક હોટલમાં જ ખાવાની મજા આવે પણ હવે તમે પણ બનાવી શકશો…

એવું કોઈ હશે જેને રેસ્ટોરન્ટ ના સોફ્ટ , મોહ માં ઓગળી જાય તેવા , ખૂબ જ સ્વાદિષ્ટ મલાઈ કોફતા નહીં ભાવતા હોય ?? આજે આપણે જોઈશું અહીં રેસ્ટોરન્ટ જેવા જ મલાઈ કોફતા ઘરે બનાવાની રીત..

બટેટા અને પનીર માંથી બનાવવા માં આવતા આ સ્વાદિષ્ટ કોફતા ને એકદમ સ્મૂધ અને થોડી તીખી ગ્રેવી સાથે પીરસવા માં આવે છે.

સામગ્રી :

કોફતા માટે :

• 2 મોટા બટેટા , બાફેલા

• 200 gm પનીર

• મીઠું

• 1/2 ચમચી ગરમ મસાલો

• 4 ચમચી બારીક સમારેલી કોથમીર

• થોડા કાજુ ના ટુકડા

ગ્રેવી માટે ::

• 2 મોટી ડુંગળી

• 2 મોટા ટામેટા

• 5 થી 6 લસણ ની કળી

• એક મોટો ટુકડો આદુ

• મીઠું

• 1.5 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી ધાણાજીરું

• 1/2 ચમચી ગરમ મસાલો

• 1/2 વાડકો કાજુ પેસ્ટ

• 1 ચમચી કસૂરી મેથી

• 4 ચમચી તેલ

• 1 તજ પત્તુ

• 2 લવિંગ

• 2 ઈલાયચી

• 1 તજ નો ટુકડો

• 7 થી 8 કાજુ અને 1/4 વાડકો મગજતરી ના બીજ, પેસ્ટ બનાવવા

રીત :


સૌ પ્રથમ 2 ચમચી તેલ મૂકી ડુંગળી ના કટકા ને સાંતળો. ડુંગળી ને 1 કે 2 મિનિટ સાતલ્યાં બાદ એમાં લસણ અને આદું ના કટકા કે પેસ્ટ ઉમેરો.. સરસ રિતે મિક્સ કરી ધીમી આંચ પર પકાવો. લસણ અને કાંદા ની કાચી વાસ જતી રહેવી જોઈએ. ત્યાર બાદ ટામેટા ના કટકા ઉમેરો. હલાવો અને ઢાંકી ને 12 થી 15 મિનિટ થવા દો. વચ્ચે હલાવતા રહેવું જેથી ચોંટે નહીં. ટામેટા એકદમ ચડી જાય અને પોચા થઈ જાય એટલે એમાં મીઠું , હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરો. સરસ રીતે મિક્સ કરી , ગેસ બંધ કરી દો . સંપૂર્ણ ઠરે એટલે મિક્સર માં સ્મૂધ વાટી લો.

હવે બનાવીએ કોફતા…


આ કોફતા માટે એક બાઉલ માં બાફેલા બટેટા અને પનીર ને ખમણેલું લેવું. ધ્યાન રહે બટેટા એકદમ ઠંડા હોવા જોઈએ. ખમણી લેવાથી એકસરખું મિકસ થઈ શકશે. ત્યારબાદ એમાં મીઠું , બારીક સમારેલી કોથમીર , ગરમ મસાલો અને કાજુ ના ટુકડા ઉમેરો.. બધું સરસ રીતે મિક્સ કરી લો. જો ભેગું કરવા માં તકલીફ પડે તો 2 થી 3 ચમચી કોર્નફ્લોર ઉમેરી શકાય. હવે એમાંથી નાના લુવા લઈ ગોળ કે લંબગોળ આકાર ના કોફતા વાળો. હવે આ કોફતા ને થોડો કોરો મેંદો કે કોર્નફ્લોર લઈ એમાં રગદોળી દો, આમ કરવાથી તળવા માં ફાટશે નહીં. નહીં તો બટેટા અને પનીર બંને છુટા પડી જશે.. મધ્યમ આંચ પર હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આપ શેલો ફ્રાય કરી શકો. આપ પાન માં શેકી ને પણ ઉમેરી શકો છો. બધાં કોફતા તળી ને સાઈડ પર રાખી દો. નોનસ્ટિક પેન માં 4 થી 5 ચમચી તેલ ગરમ કરો. એમાં તજ પત્તુ , લવિંગ , તજ અને ઈલાયચી ઉમેરો. અને ધીમા તાપે શેકો. ત્યારબાદ એમાં વાટેલી ડુંગળી , લસણ અને ટામેટા ની પેસ્ટ ઉમેરો. હલાવત જાઓ , એકાદ મિનિટ માટે સાંતળો. ત્યારબાદ એમાં કાજુ ને મગજતરી ના બીજ ની પેસ્ટ ઉમેરો. પેસ્ટ બનાવવા માટે કાજુ અને મગજતરી ને થોડા નવશેકા પાણી માં પલાળવા અને મિક્સર માં એકદમ સ્મૂધ વાટી લો. સરસ હલાવતા જાઓ અને ઢાંકી ને 8 થી 10 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવત રહેવું. નહીં તો ગ્રેવી ચોંટી જશે. ત્યારબાદ એમાં મીઠું , થોડો ગરમ મસાલો અને લાલ મરચું ઉમેરો. મિક્સ કરી લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. જ્યારે લાગે કે ગ્રેવિ બરાબર ઉકાળવા માંડી છે , એમાં 2 ચમચી ઘર ની મલાઈ અને 1 ચમચી કસૂરી મેથી ઉમેરો. મિક્સ કરી ગેસ બંધ કરી દો. હવે આપણી ગ્રેવી અને કોફતા બંને રેડી છે. સર્વ કરવા બાઉલ માં કોફતા ગોઠવો. ઉપર ગરમ ગ્રેવી ઉમેરો. કોથમીર થી સજાવટ કરો અને ગરમ ગરમ પીરસો..

નોંધ :

• કાજુ ના ટુકડા આપ મિક્સ ના કરતા સ્ટફિંગ પણ કરી શકો.

• કોફતા માં આપ ચાહો તો લીલા મરચા કે લાલ મરચું પણ ઉમેરી શકો.

• ગ્રેવી માં ચાહો તો ફ્રેશ ક્રીમ વધારે પણ ઉમેરી શકાય…

રસોઈની રાણી : રૂચી શાહ

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.