મલાઈદાર મોહનથાળ – કોઈપણ વાર તહેવારે ભગવાનને હવે તમારા હાથે બનાવેલ પ્રસાદ ધરાવજો….

” મોહનથાળ “, એ આપણી ટ્રેડિશનલ સ્વીટ છે જે વાર-તહેવાર અને પ્રસંગોમાં આગવું સ્થાન ધરાવે છે. ભગવાનને ભોગ ધરાવવામાં પણ મોહનથાળ બનાવવામાં આવે છે. લગભગ બધા જ ને ભાવે એવી સ્વીટ છે.

આજે હું અલગ રીતથી જ મહનથાળ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે માવો યુઝ કર્યા વગર પણ દાણેદાર બને છે તેમજ માવા જેવો રીચ ટેસ્ટ આપે છે તો ચાલો બતાવી દઉં મજેદાર મોહનથાળ બનાવવાની રેસિપી.

સામગ્રી :

Ø 1.5 કપ ચણાનો લોટ

Ø 1/2 કપ ખાંડ

Ø 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ

Ø દૂધ

Ø ઘી

Ø થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :


1) સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને ધાબો આપો. સામાન્ય રીતે મુઠી પડતું મોણ આપવાનું હોય છે પણ આપણે મલાઈદાર મોહનથાળ બનાવવા માટે મલાઈ યુઝ કરીશું માટે ધાબો થોડો ઓછો દેવાનો છે.


2) આ લોટને આંકથી ચાળી લો, લોટ ચાળવાથી જે લમ્સ બચે તેને મિક્સર જારમાં લઇ ક્રશ કરી ચાળી લો.


3) એક કડાઈમાં એક ટેબલ સ્પૂન ઘી નાખો, ઘી આપણે એકસાથે નથી નાખતા પણ જરૂર પ્રમાણે નાખીશું. તેમાં ધાબો દઈને ચાળેલો લોટ નાખો. બરાબર મિક્સ કરીને મલાઈ ઉમેરો. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને ધીમા-ધીમા તાપે લોટ શેકવાથી મોહનથાળ ખુબ જ સ્વાદિષ્ટ બને છે. દૂધ મલાઈ હંમેશા ફ્રેશ જ લેવી જેથી મોહનથાળ લાંબા સમય સુધી સારો રહે. હલાવીને બરાબર મિક્સ કરો અને તેમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી સતત હલાવતા જ રહો. લોટ એકદમ ફોરો થઇ જાય અને કલર સહેજ બ્રાઉનીશ પડતો દેખાય ત્યાં સુધી લોટને શેકો.


4) ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં ખાંડ ડૂબે તેટલું, એટલે લગભગ ખાંડથી અડધું પાણી ઉમેરો. સ્ટવની ફ્લેમ હાઈ રાખી સતત હલાવતા રહી દોઢ તારની ચાસણી બનાવો.


5) મોહનથાળ બનાવવામાં ચાસણીનું કામ ખુબ જ મહત્વનું છે. ચાસણી બનાવતી વખતે ખુબ જ ધ્યાન રાખવું કે ચાસણી વધારે ના આવી જાય અને જો ચાસણી વધુ કડક થઇ જાય તો, એક ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીને ચાસણી પાછી પાડી શકાય.


6) દોઢ તારની ચાસણી બની જાય એટલે તેમાં શેકેલો લોટ ઉમેરી, સાવ ધીમી આંચ રાખી એક મિનિટ હલાવી બરાબર મિક્સ કરી લો.


7) સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને તેલથી ગ્રિઝીંગ કરેલી પ્લેટમાં ઢાળી દો. ફ્લેટ તળિયાવાળા વાસણ અથવા તાવીથાથી થપથપાવીને બરાબર સેટ કરી, ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો.


8) થોડો ઠંડો પડી જાય પછી કાપા મૂકી ચોરસ પીસ બનાવો. તૈયાર છે ” મલાઈદાર મોહનથાળ ”


તો આજે જ બનાવો, મારો યુનિક મલાઈવાળો મોહનથાળ. એટલો એટ્રેક્ટીવ બને છે કે જોઈને જ મોમાં પાણી આવી જાય, તો જરૂર ટ્રાય કરો, ખાઓ અને ખવડાવો બધાને મલાઈદાર મોહનથાળ.

નોંધ :

મેં માત્ર અડધો કપ જેટલી જ દૂધ મલાઈ લીધી છે, વધારે પણ લઇ શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ