મક્કમતા – આખરે તેણે મન મક્કમ કરીને લીધો નિર્ણય…

“તાર મેડમ ન કે’ જે ક કાલ કોમ પર નહીં અવાય, કાલ આપણે ચેક કરાઇ દઈએ, પસ ખબર પડ ક રાખવું ક ના રાખવું.” કામ પર જતાં પહેલા કૈલાશ ના ઘરવાળા એ કૈલાશ ને આદેશ આપી દીધો. પતિ ના આદેશ ને વશ થતી કૈલાશ પણ પેટ પર હાથ રાખી ને કામ પર જતાં પોતાના પતિ ને મૂક મને જોતી જ રહી.


***********************
“ તમને યાદ ના હોય તો ફરી એક વાર યાદ કરવી દઉં કે કાલે ક્લિનિક માં રજા લઈ લેજો, આવતી કાલે આપણે યુનિવર્સિટિ ખાતે શાખા ના ડિગ્રી વિતરણ સમારોહ માં જવાનું છે, બસ મારી દીકરી શાખા જ્યારે એનો ગોલ્ડ મેડલ ગ્રહણ કરતી હોય એ ક્ષણ ને હું ચૂકવા નથી માંગતી.” પોતાના ના પતિ ડૉ. પરિમલ ને ટિફિન આપી રહેલા પ્રાંજલ બહેન ના સ્વર માં ઉત્સાહ છલકતો હતો.

“હા, ડિયર, હું સ્યોર કાલે રાજા મૂકીશ અને આપણે બંને ત્યાં સમયસર પહોંચી જઈશું, હું પણ એ ક્ષણ ને જીવનભર નું સાંભરણું બનાવવા માંગુ છું.” ડૉ. પરિમલ એ એમનાં જીવનસંગિની પ્રાંજલબહેન નો હાથ પોતાના હાથ માં લઈ વચન આપી રહ્યા હતા, બંને ની આંખો માં ખુશીઓ નો સાગર હિલોળા લઈ રહ્યો હતો અને વળી ખુશી કેમ ના હોય વર્ષો જૂનું બંને નું સપનું ફળીભૂત થઈ રહ્યું હતું, આજે એમની એક ની એક દીકરી શાખા ને એમડી ના ગાયનેક ( સ્ત્રી રોગ) ના અભ્યાસક્રમ માં અવ્વલ આવી ને સુવર્ણ ચંદ્રક ને હકદાર બની હતી.


******************************
“કૈલાશ આજે તબિયત ખરાબ છે કે શું ? કેમ આજે કઈ બોલતી નથી ?” પ્રાંજલ બહેન આજે પોતાના ઘર માં કામ કરી રહેલી કૈલાશ ના ચહેરા પર છવાયેલી ઉદાસી ને પારખી ગયાં. “બેન, કાલ રજા જોઈતી હતી, કાલ કોમ પર નઇ આવું.” કૈલાશ નો સ્વર જરા ઢીલો હતો. “અરે એમાં શું? આજ દિન સુધી મે તને રજા માટે ના પાડી છે?” પ્રાંજલબહેન ના અવાજ માં જાણે કૈલાશ ની સાથે ની સ્નેહગાંઠ વ્યક્ત થઈ રહી હતી.

“હા, પણ..કાલ …?” કૈલાશ વાત આગળ વધારતાં વધારતાં અટકી ગઈ. “પણ કાલ શું ? કૈલાશ? આટલી ઉદાસ કેમ છે?” પ્રાંજલબહેને કૈલાશ ના માથા પર હાથ હાથ ફેરવી રહ્યા હતા. “બેન, મારો વર કાલ ચેક કરાવાનું કે સ, હવ એક છોડી તો સ, એટલ ઈમન હવ બીજી છોડી નહીં જોઈતી.પણ બેન માર ચેક નહીં કરાવવું”કૈલાશ નો સ્વર વધુ ઢીલો થતો જતો હતો.

“અરે, કૈલાશ તું પ્રેગનન્ટ છે? પહેલા કેમ ના કહ્યું ? હું તને વધારે શ્રમ વાડા કામ તને નહીં સોંપું, ને હવે હું પણ તને મદદ કરાવીશ. ને રહી વાત આ ચેક કરાવાની તો હું પરિમલ ને કહીશ કે તારા પતિ ને સમજાવે, તું ચિંતા ના કરીશ કૈલાશ.” પ્રાંજલબહેન કૈલાશને હૈયાધારણ આપી રહ્યાં હતા. પ્રાંજલબહેન આજે સમાજ ના બંને વિરોધાભાસી ચિત્ર ના સાક્ષી બની રહ્યાં હતા, એકબાજુ એમની દીકરી શાખા એમડી ડોક્ટર અભ્યાસક્રમ બાદ સુવર્ણચંદ્રક ને ગ્રહણ કરવા જઈ રહી હતી, અને બીજી બાજુ એ જ સમાજ માં એક દીકરી ની ભ્રૂણહત્યા ની વાતો થઈ હતી. પ્રાંજલબહેને ઊંડો નિસાસો નાખ્યો.


“ કૈલાશ તારા પતિ ને સમજાવ જે કે દીકરી પણ જન્મે ને ત્યારે દીકરા ની જેમ એની આંખો પણ બંધ હોય છે, એની પણ મુઠ્ઠી દીકરા ની જેમ જ બંધ હોય છે, એને પણ જ્યારે ભૂખ લાગે ને ત્યારે એ પણ એવી જ રીતે રડે જેવી રીતે દીકરો રડે છે, એ જેમ જેમ મોટી થાય છે ને એમ એમ એની આંખો માં અને એની કાલી ઘેલી વાતો માં પોતાના મમ્મી પપ્પા માટે એટલો જ સ્નેહ હોય છે જેટલો દીકરાની આંખો માં હોય છે, દીકરા ની જેમ જ દીકરી પણ પોતાના પપ્પા ને ઘોડો બનાવી ને એમની ની પીઠ પર સવારી કરવા ઉત્સાહિત હોય છે, એ પણ ઘર માં એટલી જ મસ્તી કરે છે જેટલી એક દીકરો કરે છે અને જ્યારે સમય આવે ને ત્યારે દીકરી પણ દીકરા ની જેમ જ પોતાની કારકિર્દી ઘડી ને પોતાના પિતા નું નામ રોશન કરે છે, કિર્તિ ફેલાવે છે, તો પછી આ દીકરા દીકરી નો ભેદ શું કામ ?” પ્રાંજલ બહેન ની આંખો સમક્ષ એમની દીકરી શાખા નું બાળપણ જીવંત બની ગયું.
કૈલાશ બસ લાગણીશીલ બની ને પ્રાંજલબહેન ની વાતો સાંભળી રહી હતી પણ કૈલાશ વિવશ હતી.

********************
પ્રાંજલબહેન ના મુખે થી કૈલાશ વિષે ની સઘળી વાત સાંભળી ડૉ. પરિમલ પણ થોડા ગમગીન બની ગયાં. “ પ્રાંજલ જ્યાં સુધી આ સમાજ માં જ બદલાવ નહીં આવે ને ત્યાં સુધી આ તો બનતું રહેશે, જ્યાં સુધી આ સમાજ સ્ત્રીઓ ને મહત્વ નહીં આપે ત્યાં સુધી સ્ત્રી ભ્રૂણહત્યા બંધ નહીં થાય, હાલ પણ જો 5 વર્ષ ની દીકરી ના જન્મ દિવસે ગિફ્ટ લેવા માટે કોઈ ગિફ્ટ ની દુકાન માં જાય તો દીકરીઓ માટે ઢીંગલી કે બાર્બી જ પસંદ કરે છે અને જો એ જ જન્મદિવસ જો દીકરા નો હોય તો એના માટે રમકડાં ની કાર કે બાઇક પસંદ કરે છે, કઈ 5 વર્ષ ની દીકરી ને તમે કાર લઈ ને આપશો તો એ કાર સાથે નહીં રમે ? પણ આપણે પહેલાં થી દીકરી નો સમાજ માં એક બીબા માં ઢાળી દઈએ છે કે દીકરી એટલે ઢીંગલી અને એને ઘર માં જ રહેવાનુ અને દીકરો એટલે કાર લઈ ને બહાર દુનિયા ને ખૂંદવાનું.


અને પેલી વાર્તા પણ …..એક હતી ચકી અને એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગ નો દાણો, બંને ની એમને બનાવી ખિચડી ને ખિચડી બનાવી ને ચકી ગઈ પાણી ભરવા… આ વાર્તા માં ચકી જ શું કામ પાણી ભરવા જાય ? ચકો ના જાય ?

હજુ પણ આપણે એ જ માનસિકતા કેળવી રહ્યા છે, જ્યાં સુધી આ માનસિકતા માં બદલાવ નહીં આવે ત્યાં સુધી સ્ત્રીભ્રૂણ હત્યા બંધ નહીં થાય અને આ માટે સ્ત્રી એ જ મક્કમતા કેળવવી પડશે, નિર્ણયાત્મક બનવું પડશે, આમ કોઈ ના નિર્ણયો સમક્ષ વિવશતા ને ત્યજવી જ પડશે.”

ડૉ.પરિમલ ના મન માં જાણે ગુસ્સા નો ઊભરો બહાર આવી રહ્યો હતો. ડૉ. પરિમલ ના મન માં ખુરશી માં બેઠા બેઠા પોતાના જ સમુદાય ના આવા ડોક્ટર માટે ધિક્કાર ની લાગણી અને ફિટકાર વર્ષી રહ્યો હતો, જે થોડા પૈસા ની લાલચ માટે એ ભૂલી જાય છે કે એમને પણ એક માં ના કૂખે થી જન્મ લીધો છે.

***************************
“બેન, સાહેબ છે ? કૈલાશ ની તબિયત અચાનક બગડી ગઈ છે, લોહી પડવા લાગ્યું છે ને એ ભાન માં પણ નથી, 108 માં કોલ લગાવ્યો પણ એમ કહ્યું કે 20 મિનિટ જેવો સમય થશે, બેન કૈલાશ ને બચાવી લો, બેન !” રાત્રે 2 વાગે રણકેલાં પ્રાંજલબહેન ના મોબાઇલ પર કૈલાશ ના પતિ ની આજીજી સંભળાઇ રહી હતી.

એક મિનિટ નો પણ સમય વ્યય કર્યા વગર ડૉ.પરિમલ અને ડૉ. શાખા પોતાની કાર માં કૈલાશ ને હોસ્પિટલ લઈ ગયા. ગાયનેક નો અભ્યાસ પૂર્ણ કરી રહેલી શાખા એક મિનિટ માં કૈલાશ ની પરિસ્થિતિ ને જોઈ પામી ગઈ કે આ ઇકટોપિક પ્રેગનન્સી નો કેસ છે, જેમાં ભ્રૂણ નો વિકાશ ગર્ભાશય ની બહાર અંડ નલિકા માં (ફેલોપીયન ટ્યૂબ) થઈ ને હવે અંડનલિકા ફાટી ગઈ હતી. સમય નો વ્યય કર્યા વગર શાખા કૈલાશ ને ઓપરેશન થીએટર માં લઈ ગઈ.

“ હવે ગભરાવાની જરૂર નથી, બધુ સચવાઈ ગયું છે, ચિંતા ના કરતાં હમણાં એનેસ્થેસિયા ની અસર ઓછી થતાં કૈલાશ ભાન માં આવી જશે, બસ મારી કૈલાશભાભી ની તબિયત પછી સાચવજો.”હાથ માં થી ગ્લોવ્સ કાઢતા કાઢતા શાખા ખુશી સાથે કૈલાશબેન ના પતિ ને સમજાવી રહી હતી.
“ બુન, આજ તમે ના હોત તો કૈલાશ ને હું ખોઈ બેસત, તમારો ખૂબ ખૂબ આભાર શાખા બુન.” કૈલાશ ના પતિની અશ્રુ ભરેલી આંખો માં શાખા માટે માન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું સાથે સાથે દીકરા માટે ની મહેચ્છા પણ કદાચ ઓગળી ગઈ હતી.

*******************
આજ સવારે છાપું ખોલતાં જ ડૉ. પરિમલ ખુશ થઈ રહ્યા હતા, એમની ફરિયાદ ના આધારે આજે શહેર ના એક પ્રતિષ્ઠિત ડોક્ટર નું સોનોગ્રાફી મશીન સીલ થયું હતું.

(સેન્સસ 2011 મુજબ ગુજરાત માં 1000 છોકરા ના જન્મ દર ની સામે છોકરી નો જન્મદર 919 હતો હતો, જે હાલ માં ચિંતાજનક ઘટી ને 850 થઈ ગયો છે. તમને પણ જો આવી જાતિ પરીક્ષણ કરી આપતાં ડોક્ટર વિષે કોઈ જાણકારી મળે તો તુરંત જ તમે તમારા જિલ્લા ના જિલ્લા પંચાયત માં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને જાણ કરી શકો છો અને અને જિલ્લા ની PC & PNDT Act (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act ગર્ભ ના જાતિ પરીક્ષણ ) ના સેલ ની કામગીરી માં મદદરૂપ થઈ શકો છો.)

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”