મકાઇ પૌવાનો ચેવડો – બપોરે સમય કાઢીને ઘરે જ બનાવજો આ પૌષ્ટિક ચેવડો…

મકાઇ પૌવાનો ચેવડો

મકાઇના પૌવા નો ચેવડો… બાળકો ના વેકેશન ખુલી ગયા છે. અને રોજ બોપરે ટેન્શન હોય કે શું બનાવવું એના થી પણ મોટો પ્રશ્ન હોય કે બાળકો ને રોજ લંચબોક્ષ માં શું આપવું?? તો ઘરે બનાવેલો મકાઇ ના પૌવાનો ચેવડો તેના માટે પરફેક્ટ છે. અને સાથે જ ક્યારેય પણ અચાનક મેહમાનો આવે તો આપણે આ ટેસ્ટી મકાઇ નો ડ્રાયફ્રુટ વાળો ચેવડો ખવડાવી બધા ને ખુશ કરી શકીએ છીએ.

આ ચેવડો ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ બનાવવા માં પણ સરળ અને જલ્દી થી બની જાય છે.

આ ચેવડા ને બનાવી ને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે.

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ મકાઇ ના પૌવા,
  • ૧/૨ વાડકો સિંગદાણા,
  • થોડા કાજુ, દ્રાક્ષ.
  • ૨ નંગ સુકા લાલ મરચા,
  • થોડો સુકો લીંબડો,
  • તેલ તળવા માટે,
  • મસાલા..
  • ૧ ચમચી નમક,
  • ૧ ચમચી મરચું પાઉડર,
  • ૧ ચમચી દળેલી ખાંડ.

રીત:

સૌપ્રથમ આપણે મકાઇ ના પૌવા નો ચેવડો બનાવવા માટે સામગ્રીઓ લઈશું. તેના માટે લઈશું.. મકાઇ ના પૌવા, સિંગદાણા, કાજુ, દ્રાક્ષ, મીઠા લીંબડાના પાન, સુકા લાલ મરચા અને તેલ.

હવે આપણે એક લોયા માં તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થઇ જાય એટલે આપણે તેમાં મકાઇ ના પૌવા તળી લેવા. તળવામાં ખાસ ધ્યાન રાખવું કે ગેસ ની આંચ ધીમી હોવી જોઈએનહિતર પૌવા બળી જશે. અને તેલ માં પૌવા વધારે વાર ના રેહવા દેવા. કારણકે મકાઇ ના પૌવા ને તાળાતા વાર નથી લગતી.

હવે જેમ જેમ પૌવા તળાતા જાય તેને એક મોટી થાળી માં કાઢતા જવા.

ત્યાર બાદ મકાઇ ના પૌવા માં આપણે મસાલા કરી લઈશું. જેમાં આપણે લઈશું નમક, મરચું પાઉડર અને દળેલી ખાંડ. બધું ઉમેરી તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. મસાલા ઉમેરવામાં ધ્યાન રાખવું કે પૌવા ગરમ હોય ત્યાં જ મસાલા ઉમેરી દેવા જેથી તે પૌવા ,માં ચોટી જાય.

હવે એક લોયા માં આપણે થોડું તેલ ગરમ મુકીશું. ત્યાર બાદ તેમાં સિંગદાણા તળવા. અને તળાય ગયા બાદ સરખી રીતે તેલ નીતરી તેને એક બાઉલ માં કાઢી લેવા.

હવે આપણી પાસે જે મકાઇ ના પૌવા છે. તેમાં તળેલા સિંગદાણા ઉમેરી તેને સરખી રીતે મિક્ષ કરી લેવું.

ત્યાર બાદ થોડું તેલ મુકીશું. અને તેમાં લાલ મરચા, સુકો મીઠો લીંબડો, કાજુ અને દ્રાક્ષ ઉમેરો.

હવે તેને તૈયાર પૌવા માં ઉમેરી મિક્ષ કરી દો.

તો તૈયાર છે ગરમાગરમ મકાઇ  પૌવા નો ચેવડો. જેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરીશું.

નોંધ:

મકાઇ ના પૌવા બનાવવા માં તમે ચાહો તો સિંગદાણા અને મરચા-લીંબડો બધું જોડે તળી શકો છો. સાથે જ તમને પસંદ હોય તો તલ, બદામ, કાળી દ્રાક્ષ જેવી સામગ્રીઓ પણ ઉમેરી શકો છો.

આ ચેવડો માત્ર સિંગદાણા ઉમેરી ને પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી