મકાઈ ડુંગળીના પકોડા (કોર્ન ઓનીયન પકોડા) – દરેક ભજીયા અને પકોડા પ્રેમીઓ માટે લાવ્યા છીએ આજે નવીન વાનગી…

સીઝન કોઈપણ આપણે રહ્યા ગુજરાતી એટલે ખાવાના શોખીન અને એમાં પણ જો ભજીયાની કે પકોડાની વાત આવે એટલે આપણે ના કહી જ ના શકીએ, આજે પણ જયારે રાત્રે ઈચ્છા થાય ત્યારે શહેરમાં ભજીયાની ફેમસ દુકાને આપણે ઉપડી જતા હોઈએ છીએ. આજે હું લાવી છું તમારી માટે એક નવીન રેસીપી, માર્કેટમાં હવે તો કોઈપણ સમયે મકાઈ મળે જ છે તો તમે પણ મકાઈ લાવી દો અને આજે જ બનાવો ખૂબ જ સ્વાદિષ્ટ ક્રિસ્પી મકાઈ ડુંગળી ના પકોડા…

સામગ્રી:-

2 કપ બાફેલા અમેરિકન મકાઈ ના દાણા

1 મોટી ડુંગળી સ્લાઈસ કરેલી

2 લીલા મરચાં

7-8 કળી લસણ

1 આદુ નો ટુકડો

7-8 મીઠાં લીમડા ના પાન ઝીણા સમારેલા

1/2 કપ ઝીણી સમારેલી કોથમીર

1 કપ ચણાનો લોટ

1/2 કોર્નફ્લોર

1/4 ચમચી અધકચરો મરી નો ભુકો

1/4 ચમચી ચાટ મસાલો

1/4 ચમચી હળદર

1/2 લાલ મરચું

ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર ( ચાટ મસાલો ઉમેર્યો છે એટલે સામાન્ય કરતા ઓછું જોઈશે)

રીત:-


સૌ પ્રથમ 1/2 કપ મકાઈ ના દાણાં સાઈડ પાર નીકાળી ને બીજા દાણા ને મિક્સર માં અધકચરા ક્રશ કરી લો.

હવે લસણ, આદુ , મરચાં ની પેસ્ટ બનાવી લો.


એક બાઉલ માં અધકચરા ક્રશ કરેલા મકાઈ ના દાણાં , સાઈડ પર મુકેલા આખા મકાઈ ના દાણા , ચણા નો લોટ , કોર્નફ્લોર, આદુ, મરચા અને લસણ ની પેસ્ટ, સમરેલો લીમડો , ડુંગળી, મરી નો ભુકો, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, હિંગ અને કોથમીર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. પકોડા માં લોટ ખાલી એકબીજા સાથે મિશ્રણ કરવા જ ઉમેર્યો છે.


હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને પકોડા ના બનાવેલા મિશ્રણ માંથી હાથેથી થોડું થોડું લઇ ને ગરમ તેલ માં મૂકતા જાવ .પહેલાં તેજ આંચ પર જ તળો. પછી સાઈડ ફેરવી ને મધ્યમ આંચ કરી ને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તેલ માંથી નીકાળી ને પેપર નેપકીન પર મૂકો.


ગરમાગરમ કોર્ન ડુંગળી ના પકોડા ચા કે સોસ અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો…


નોંધ:-

પકોડા ઉમેરો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ નહીં તો પકોડા ક્રિસ્પી નહીં બને . પકોડા ના મિશ્રણ માં લોટ ઓછો જ હોય નહીં તો ભજીયા જેવું લાગે. ઉપર થી પણ ચાટ મસાલો ઉમેરી ને સર્વ કરી શકાય…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)