માજા વેલાની પાંચમી પેઢી – પછી હું એકલી હતી તો મૂઓ મારા ખાટલે આવીને બેસી ગયો, નવીન રસપ્રદ વાર્તા..

પાઘડીપને વિસ્તરેલા લાખોટા તળાવના કાંઠે લીમડાના ઝાડ નીચે એક સમુદાયનું ટોળું બેઠેલું છે. સવારનો સમય, મંદ મંદ પવન તળાવની શીતળતા સમેટીને લાવી રહ્યો છે. આવા મનભાવન અલ્લહાદક વાતાવરણમાં, એકત્ર થયેલ સમૂહમાં, જીવનના એક ખુબજ મહત્વના મુદ્દાની ચર્ચા ચાલી રહી છે. ” હાતો હાચુ બોલજો, મૂરતીઓ હાલ શું કરે છે.?” ચેલાએ થનાર વેવણ સવીતાને સવાલ કર્યો.

” મારો લખો ? શું વાત કરું ચેલભઇ મારા લખમણ જેવો છોકરો તમને આખા શેરમાં દીવો લઈને હોઘવા જાહો તોય નહીં મળે.” સવીતાએ ડબ્બી ખોલી બે આંગળીઓ પર છીંકણી ચડાવી મોંમાં ભરતાં જવાબ આપ્યો. ” અલ્યા એ…ભઈ, હોટલવાળા, ….આખી આઠ બાદસાઈ ને બે જગ ભરીને પાણી મોકલ. ” ચેલાના ભાઈ છગને કિટલીવાળાને ચાનો ઓર્ડર આપતાં વાત આગળ વધારી. ” ઇ બધુંય હાચું સાવીતાબુન પણ અમને ઇ કયો કે તમારો લખો હાલ કાંઈ કામ ધંધો કરે સે ખરો ?”

image source

” હા ચમ તે વળી અમારો છોકરો ઇની જાતે કમાઈને ઈનાં લુઘડાં પગરખાં નો ખર્ચો કાઢી લે.” લખાનો બાપો મૂળજી બીડીનો સટાકો મારતાં બોલ્યો. ” તમને ખબરતો છે ઉત્તરાયણ પર મારા લખાને ખાવાનીય નવરાશ નથ હોતી, એવી તો એ પતંગની દોરી પીવરાવે સે, ગમે એમ તોય અમારું ખોરડું ‘માજા વેલા’ નું ખોરડું ગણાય સે , પરમુખ તમે ચ્યો નથી જાણતા અમારી ખાનદાની.”

” તે છગાભઇ ઇમ તમારી છોડી રેખાળીની તે કાંઈ વાત કરો અમારો લખો તે જે સે,ઇ… જુઓ એ બેઠો તળાવની કિનારે રાતું શર્ટને વાદળી પેન્ટવાળો.” લખાની બેન રાજી લાંબા લ્હેકાથી બોલી. એટલામાં ચાવાળો આવ્યો. ” અલ્યા ભઈ ચા વાળા, જોજે કોઈ ચા વગર રઇ ના જાય. એ પરમુખ….જીવણભઈ થોડી કડક મીઠી ચા ટટકારો ને પછી કડક થઇ જાવ. આ વેવાર ચાલુ થયોને તમે આમ આઘે જઈને બેસો ના ચાલે. હોટલવાળા, આ જીવણભઇ ને આખી આપજે, પાણી બીજું લેતો આય જા.”

image source

છગન છોકરીવાળા તરફથી બધી વ્યવસ્થા સાંભળી રહ્યો હતો. જીવણે બધાની વચ્ચે આવી સ્થાન લીધું. ” તે, ભઇ ચેલા, એક ધોળી હાથી છાપ સિગારેટ મંગાવ, અને હા , તારી રેખાળીની ચેટલી ઉંમર કિધી તેં ?” નાતના પ્રમુખ જીવણે તપાસ ચાલુ કરી. ” મારી રેખાળી ? અત્યારે તો શેરના હીરા ડાઇનિંગ હોલના ખાંચામાં શાકભાજીની લારી પર બેહે છે. આ જુઓને આવતી હુતાઇણીએ એને હોળમુ ઉતરીને હતરમું વરહ બેહસે પરમુખ. ” સમુ, રેખાની બાએ રેખાનું આધારકાર્ડ સાલ્લાના છેડેથી છોડીને પ્રમુખના હાથમાં આપતાં કહ્યું.

આધારકાર્ડ જોતાં જોતાં જીવણ બોલ્યો, ” ઇ બધુંય હાચુ સમુબુન, છોડી હાડમાં તો વિહ વરહની જણાય સે, પણ આ છોડીની એક વખત વાત ઉડેલી ઇ હાચુ કે ખોટું ?” ” આતો ગામ સે ભઇ ! ગામના મોઢે કાંઈ ગરણુ બાંધવા થોડું જવાય ? કોઈ આમેય બોલને કોઈ તેમેય બોલે. ” છગન રેખાનો કાકો, બચાવ કરતાં બોલ્યો. ” જુઓ પરમુખ જીવણભઈ, આતો નાતના રિવાજ પરમાણે આપણે કન્યાનો જબાબ લઈ લેવો હારો. અમારા લખાને અને લખાની બાને કન્યા ગમી સે, તો કન્યાને પંચ રૂબરૂ બોલાવો.” લખાના બાપા મૂળજીએ નિયમને અનુસરવાનો આગ્રહ રાખ્યો.

image source

” ચેલા, બોલાય તારી રેખલીને. ” ચાનો સબળકો ભરતાં પ્રમુખે હુકમ કર્યો. ” ઇ હાચુ આતો ચોખવટ હારી અત્યારનાં છોકરાં પછી પાછળથી નવું ગતકળું કાઢે એમાં પછી એમનો સંસાર રખડી પડે, ને વાંક કાઢે પરમુખનો હાચી વાતને રામલા ચ્યમ બોલતો નથ.”

” લો, આ આવી, આમારી ભાણેજ , રેખાળી કરી લો ચોખવટ.” રેખાની માસી મંગુ ખોળામાં બેઠેલા બાળકને પોતાની છાતી મોઢામાં આપતાં બોલી.  જો બેટા ! રેખા તને દેવીના સોંગન જે બન્યું હોય ઇ હાચે હાચુ બોલજે.” પ્રમુખે તેમની ફરજના ભાગ રૂપે પૂછ્યું. ” શું બીના હતી તે દિવસે બોલ બેટા !”

image source

રેખા બધાની વચ્ચે આવીને બેઠી. આજુબાજુ નજર ફેરવીને આંગળીથી જમીન ખોતરવા લાગી. ” હા બેટા બોલ તું તારે ગભરાયા વગર હાચે હાચુ જે બન્યું હોય તે બોલી નાખ.” રેખાનો બાપો માથું ખંજવાળતાં બોલ્યો. પછી નીચું ઘાલીને એ બોલવા લાગી. ” તે, દિ… તે દિ… હું…સે…ને તે એકલી… ” રેખા થોડી શરમામણી,અચકાણી. ” શાબાશ ! મારા વાઘ ! બોલ દીકરી આગળ ” એની માસીએ હિંમત આપી.

” વાત એમ બની હતીને, હવારનો ટેમ હતો. બધાં કામ-ધંધા પર ગયેલાં હતાં ને હું એકલી ઘરે હતી. હું તો હજી હુઈ (સુઈ) રઇ હતી, ને ખેમલો બારણે ડોકાણો,…..હું હમજી કે કાંઈક કામ હશે, પછી એ તો માર રોયો ઘરમાં આયો….. હું હમજી કે કાંઈક કામ હશે.” ઓઢણીનો છેડો મોઢામાં નાખીને રેખા એના પર જે વીતી હતી એ નાતની રૂબરૂ બોલે જતી હતી. ” જે હોય એની ચોખવટ કર બેટા, આપણે તો નાત આગળ બોલવાનું સે. નાત તો મા-બાપ કહેવાય. ” એની મંગુમાસી રેખાને હૈયાહરો આપતાં બોલી. ” પછી માસી, ઈતો મારે ખાટલે આવીને બેઠો…… હું હમજી કે કાંઈક કામ હશે. ”

image source

” હા, બેટા ! આમાં તું ચ્યાં ગના માં હતી ” રેખાની બા સામુએ હિંમત આપી. ” પછી એણે તો, મારું ઓઢવાનું… હું હમજી કે કાંઈક કામ હશે. ” આટલું બોલીને રેખા ખૂબ હીબકે ચડી ગઈ તે આગળ બોલી ના શકી. અને એની મંગુમાસીના ખોળામાં મોં નાખીને હીબકાં ભરવા લાગી. ” લો પરમુખ કરો ન્યા આમાં આમારી છોડીનો કાંઈ વાંક ગનો ખરો ?” સમુ છીંકણી થૂંકતાં બોલી.

” બચારી ભોળી છોડી ! કાસની બંગળીની જેમ નંદવાઇ ગઇ ! છતાં, આમાં છોકરા લખમણ કે એના ઘરનાને ઇ બાબતનો કોઈ વાંધો નથ. પણ મારે તો નાતના પરમુખ તરીકે બેય આંખો સરખી. જેમ છોકરીની તપાહ કરી એમ હવે મારે છોકરાનેય પૂછવું પડશે.” પ્રમુખે પોતાનો અધિકાર જણાવ્યો. ” અલ્યા, લખમણ….એ લખા જરા ઑરો થા,” મૂળજીએ લખાને બોલાવ્યો.

image source

” હા તો તારું નામ લખમણને ?” જીવણ, નાતના વડાએ હવે મૂરતીયાનો વારો લીધો. ” ચેટલું ભણ્યો સે ? ” ચપટી વગાડીને સિગારેટનો ગલ ખંખેરતાં પ્રમુખે પહેલો સવાલ કર્યો. ” ચોથી ચોપડી હાથીખાનાવાળી પ્રાથમિક શાળામાં ભણતો હતો. એ વખતે બટેકા-ડોંગરીની લારી કરી હતી આથી ભણતાં ભણતાં ઊઠી ગયો. લખમણે બાલમાં આંગળીઓ ફેરવતાં જવાબ આપ્યો.

” રેખાને તો તું ઓળખતો હોઈશ?” લખમણે કન્યાની માસી સામે નજર મેળવીને શરમાઈ ને માથું હકારમાં હલાવ્યું. ” જા તું છુટ્ટો. હું માણહને પહેલી નજરમાં ઓળખી લઉં ! છોકરો સે ટકોરા બંધ. છોડીને શુખી કરશે.” પ્રમુખ છોડીવાળાં સામું જોઈ બોલી હૃયા હતા. ” નાતમાં તમે ગમે તે ઠેકાણે પુસી આવો મારી નજર હેઠળથી જે નેકરે ને હું જેને પાસ કરું , એમાં રતી ભાર આઘુ પાછું ના થાય, ભાઈ ચેલા તમતમારે કરો કંકુના.” જીવણભઇએ એમનો ફાઇનલ અભિપ્રાય સંભળાવ્યો.

” તે આ લખમણને કોઈ વસન ખરું.” મંગુ કન્યા વતીથી રિવ્યુ લેવા લાગી. ” નારે મારી બાઈ મારો લખો હાવ ચોખ્ખો ! આમ ક્યારેક વારતહેવારે છાંટો પાણી લે. પણ ઈતો આજકાલના બધા મોટિયારા લે છે.” લખાની મા સવિતા સાચું બોલી ગઈ.

image source

” હા આ છાંટો-પાણી લેવાનું તો આપણા સમાજમાં રહેવાનું.” પ્રમુખ જીવણલાલે પોતાનો અભિપ્રાય જણાવ્યો. ” એમાં કાંઈ નવું નથી , બીજું કાંઈ હોય તો બોલો.” ” કાયમનું વસન તો નથીને ” કન્યાના બાપ ચેલાએ પ્રશ્ન કર્યો.

” નારે આતો એવું સેને ક્યારેક વારતહેવારે જુગઠું રમવા બેઠો હોય ને જો પૈસા જીતે તો ભાઈબંધોને પીવડાવવો પડે ને. એટલે ભેગો ઇને પીવો પડે એટલુંજ. આમ અમારા લખમણને પીવાનું કાંઈ ખાસ બંધાણ નઇ. ભાઈબંધો ભેગો છાંટો-પાણી લેતો હોય ત્યારે મારે એમને ચખણું લાવી આપવું પડે.” લખાની મા સવિતા જવાબ દેવામાં પોતાની જાતને બહુ હોશિયાર સમજતી હતી.

” તે જુગઠું પણ રોજ રમે કે પછી વારેતહેવારે ” કન્યાની માસી મંગુએ આકરો સવાલ કર્યો ” નારે એમ રોજ જુગઠું રમવા બેહે એવો મારો લખમણ તમે ધારો સો મંગુબુન ? શું એને તો બીજાં કામ નહીં હોય ? ” ” તો ચ્યારે રમવા બેહે ? સવીતાબુન એતો ચોખવટ કરો.” ” તે ચ્યમ વળી કોક દા’ડો ખીસામાં પૈસા હોય ત્યારે ઘડીક તૈણ પત્તી નો દાવ રમી લે, પણ ઇ કો’ આજ કાલ ચિયો જવાનીઓ નથી રમતો ?” મારો લખમણ કદી મોટા પૈસા હારે નઈ. સવીતાએ પોતાના છોકરાનો બચાવ કર્યો. ” પૈસા હોય તો જ રમવા બેહે ?” રેખાની મા, સમુએ વળી સામેવાળાને મૂંઝવે તેવો સવાલ કર્યો.

image source

” હોવ વળી જુઓને, આ કોઈ મોટા નેતાની સભામાં જાય કે માતાને દવારે બહુ ગળદી હોય ત્યારે કોઈ હારા સુખી આસામીનું ખિસ્સું કાપ્યું હોય અને સારો એવો દલ્લો મલ્યો હોય તો વળી થોડું રમી નાખે. તમને ખબર નઈ આતો માજા-વેલાનું ખાનદાન . ” રાજી લખાની બેન જે જાણતી હતી એ હકીકત વટથી બોલી ગઈ.

” ઓહો, વારી જાઉં, આ ખિસ્સા કાતરવામાં તો અમારી રેખાય ઘણી માહિર હો. બેયની એક લેન સે તો પછી જોડી હારી જામશે.” મંગુએ છીંકણીની ડબ્બી ખોલતાં ખોલતાં મમરો મેલ્યો. ” પણ લખો સામેવાળાને જરાય તકલીફ ના પડવા દે, એવી સિફતથી ઘોંજુ (ખીશું) કાપે. આજ હુધી કદી પકડાયો નથી મારો ભઈ.” રાજી તેના ભાઈના વખાણ કરતાં બોલી.

image source

” તો શું અમારી રેખાને કાંઈ કમ હમજો સો ? બનીઠનીને નીકળે એ વખતે ભલભલા ગોથું ખાઈ જાય. ને રેલગાડીમાં બેઠેલા ડોહલાઓને એવા લલચાવે એવા લલચાવે કે ઇ ઘરે પોંચે ત્યારે ખબર પડે કે, ” ઓલ્યું પંખીડું ખિસ્સાનો ભાર હળવો કરી ગયું.” રેખાની કાકી રાધાએ એનાં ગુણલાં ગાયાં. ” આ જુઓ હજુ તો હગઇનો રૂપીઓ ઝાલ્યો નથી ને , ચેલા વેવાઈ તમારી રેખાળી….ઇ લખળા જોડે જઇને બેહી ગઈ.” રાજી ઇના બચુળાને છાતીએથી અળગો કરતાં ચેલાની મશ્કરી કરવા લાગી.

” લ્યો સમુ વેવાણ મંગાવો ગોળ ને ઉડાળો ગલાલ …અલ્યા ભઇ હોટલવાળા બાદસાઈ લાવ . હેંડ હવે પરસંગ પૂરો થવા આવ્યો.” સવિતા આજ એના છોકરાની સગાઈ થવાની હતી તે ઘણી મૂડમાં હતી. પછી તો ચોથી વખત કપ-રકાબી ખખડયાં ને એય… ને ગુલાલ ઉડયા, ગોળ ખવાણા ને લાખોટા તળાવના પાણીમાં તરંગો ઊઠવા લાગ્યા, ને કિનારા પરનાં ઝાડેવે ઝાડવાં આ ગરીબ અને અભણ સમૂહના જીવનના ખેલદિલી પૂર્વકના વહેવારની વાત સાંભળી ઝૂમવા લાગ્યાં.

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ