અમદાવાદના આદર્શનગર વિસ્તારમાં જરુરિયાતમંદ બાળકોને ભણાવતા સજ્જનની કથા તમે વાંચી?

બિઝનેસ શરૃ કરવા માટે અમદાવાદ આવેલા, 20 વર્ષથી ઝૂંપડપટ્ટીના બાળકો માટેની સ્કૂલ ચલાવે છે.
મેગાસીટી બની ગયેલા અમદાવાદમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ છે. આદર્શનગરમાં આવેલી ઝૂંપડપટ્ટી અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે. આ ઝૂંપડપટ્ટીના બાળકો અમદાવાદની અન્ય ઝૂંપડપટ્ટીઓ કરતાં થોડાંક ભાગ્યશાળી છે. કારણ કે મહેશભાઈ દેસાઈ તેમનામાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરી તેમના જીવનમાં બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે.

ઝૂંપડપટ્ટીમાં ચાલતી આ સ્કૂલમાં વિનામૂલ્યે શિક્ષણ અપાય છે.
મહારાષ્ટ્રના તલેગાંવથી અમદાવાદ આવીને વસેલા મહેશભાઈ દેસાઈને પહેલેથી જરૃરિયાતમંદ લોકોને મદદ કરીને સમાજમાં પોતાનું કંઈક યોગદાન આપવાની ઈચ્છા હતી. આ માટે તેઓ દરરોજ સાંજે ઝૂંપડપટ્ટીમા જતા અને ત્યાંના લોકો સાથે સમય વિતાવતા. ત્યાંના લોકોના પરિવારના માહિતી પણ એકત્ર કરતા. આ પ્રમાણે 7 વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ તેમને સમજાયું કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા દારુ પીતા,ચોરી કરતા, ગુંડાગર્દી કરતા લોકોના જીવનમાં બદલાવ લાવવો હશે તો તેમને કૂમળી વયથી જ વાળવા પળશે. આ અંગે મહેશભાઈ જણાવે છે કે,” સેવાની ભાવનાથી પ્રેરાયેલા ઘણાંલોકો ગરીબ વિસ્તારોમાં કપડાં કે અન્નદાન કરવા આવતા હોય છે. પણ મારું માનવું છે કે આ પ્રકારે વસ્તુઓ દાનમાં આપવાથી તેમની તકલીફો ઓછી નહી કરી શકાય, કે નહીં તો તેમની ગરીબી ઓછી થશે. ગરીબી ઓછી કરવા માટે આ લોકોને શિક્ષણ આપવું જરુરી છે. સાચા શિક્ષણથી જ ગરીબીનું નિવારણ કરી શકાશે, આટલા વર્ષ મેં આ લોકો સાથે કામ કર્યું છે એટલે મને હવે સમજાયું છે કે મોટી ઉંમરના લોકોની આદતો બદલવી શક્ય નથી. એટલે મેં કૂમળા બાળકોને શિક્ષણ આપવાની શરૃઆત કરી.”
આ વિસ્તારોના ઘણાં બાળકો પરિવારની આર્થિક જરુરત પૂરી કરવા માટે ખાણી-પીણીની લારીઓ પર અને અન્ય સ્થળોએ મજૂરી કરવા જતા. તેથી મહેશભાઈએ આ બાળકોને ભણાવવાની શરુઆત પહેલા રોડ પર જ કરી હતી. મહેશભાઈ જે-તે લારીના માલિકને બાળકને ભણવા દેવાની વિનંતી કરતા. પણ જો લારી પર ગ્રાહકોની સંખ્યા વધી જાય તો બાળકે ભણવાનું પડતું મુકી કામ કરવા જવું પડતું. આ પ્રકારની મુશ્કેલીઓ પડતાં મહેશભાઈએ પધ્ધતિસરની સ્થાયી સ્કૂલ શરુ કરવાનો નિર્ણય કર્યો.

પહેલા સ્કૂલમાં કોઈ બાળકો જ ન આવ્યા.
આદર્શનગર વિસ્તારમાં તેમણે એક નાનકડી જગ્યામાં હેલ્પલાઈન એજ્યુકેશન હોમ નામથી સ્કૂલની શરુઆત કરી. મહેશભાઈ ઝૂંપડપટ્ટીમાં ઘરે-ઘરે જઈ લોકોને પોતાના બાળકોને સ્કૂલે મોકલવા આગ્રહ કરતા. પણ તેમની વાત ત્યાંના લોકોને ગળે ઉતરતી નહી. શરુઆતમાં એમની સ્કૂલમાં કોઈ બાળકો ન આવ્યા. પણ એક દિવસ 6 વર્ષની આદિવાસી બાળકી ઈન્દુ માવીએ તેમની પાસે આવી ભણવાની ઈચ્છા વ્યક્ત કરી. સામેથી ભણવા આવેલી દિકરીને પ્રેમથી ભેટીને મહેશભાઈએ તેને અક્ષરજ્ઞાન આપવા લાગ્યું. ધીરે-ધીરે ઈન્દુને જોઈને અન્ય બાળકો પણ સ્કૂલમાં જોડાવા લાગ્યા. અત્યારે આ શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓ છે. તેમને ભણાવવા માટે બે શિક્ષકો અને પાંચેક જેટલા વોલન્ટીયર્સ છે.

બાળકો આડા ધંધે ન ચઢી જાય એ માટે સ્કૂલનો ટાઈમ સવારના 8 થી સાંજના 5 સુધી રાખ્યો છે.
આ સ્કૂલમાં આવતા બાળકો તેમના આસપાસના વાતાવરણને કારણે કુસંગે ન ચઢી જાય એ માટે મહેશભાઈ ખૂબ તકેદારી રાખે છે. બાળકોને વ્યસ્ત રાખવા માટે તેમણે પોતાની સ્કૂલનો સમય સવારના 8 થી 5નો રાખ્યો છે. બીજા ધોરણ સુધી આ બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલો કોર્સ ભણાવાય છે અને પછી ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકોને આધારે શિક્ષણ આપવામાં આવે છે. સ્કૂલની શરુઆત પ્રાર્થના અને કસરત- યોગથી થાય છે. તે બાદ 12 વાગ્યા સુધી અભ્યાસની કામગીરી ચાલે છે. જમ્યા બાદ બાળકોને પેઈન્ટીંગ, ડાન્સ, મ્યુઝિક જેવી એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટીવિટી પણ કરાવવામાં આવે છે. દાતાઓએ આપેલા દાનની મદદથી મહેશભાઈએ કોઈ સારી સ્કૂલમાં હોય એવી તમામ સગવડો જેમ કે કોમ્યુટર લેબ, સ્માર્ટ ટીવી, ઈન્ડોર ગેમ્સ વગેરે અહીયાં ઉભી કરી છે. અને શિક્ષણ-ભોજન-નાસ્તા-યુનિફોર્મ-પુસ્તકો સહિતની આ તમામ સુવિધાઓ આ બાળકો માટે વિનામૂલ્યે છે. મહેશભાઈ જણાવે છે કે, “આ બાળકો સારા નાગરિકો બને અને તેમને રાસા સંસ્કાર મળે તેનું પણ અમે એટલું જ ધ્યાન રાખીયે છીએ. અમારી સ્કૂલનો કોઈ વિદ્યાર્થી જૂઠૂ નહીં બોલે અને ચોરી નહીં કરે.”

ઝીરો ટુ હીરો પ્રોજેક્ટ
આ બાળકો માટે મહેશભાઈએ ઝીરો ટુ હીરો પ્રોજેક્ટની શરુઆત કરી છે. આ અંગે મહેશભાઈના સહયોગી માલાબેન શાહ જણાવે છે કે,”આ બાળકોના જીવનમાં બદલાવ લાવવા માટે અમે આ પ્રોજેક્ટની શરુઆત કરી છે. જેમાં બાળકોને 10 સુધીનું શિક્ષણ તો આપીએ જ છીએ. એ પછી તેમની આવડતના આધારે તેમને આગળ ભણવામાં મદદ પણ કરીએ છીએ. તે સારું ભણી શકે એમ હોય તો આગળ ભણાવીએ નહીં તો કોઈ ડિપ્લોમા કોર્સ કરાવીએ. તેનું આ ભણવાનું પતી જાય પછી તેમને નોકરી મેળવવામાં પણ મદદ કરીએ છીએ.” માલાબહેન આ સ્કૂલ સાથે સાતેક વર્ષથી જોડાયેલા છે. આ અંગે તેમણે જણાવ્યું કે, “હું અહીં માત્ર ડોનેશન આપવા આવી હતી. પછી આ બાળકો સાથે મને એટલું ગમી ગયું કે અહીં અઠવાડિયામાં એકવાર વોલન્ટીયર તરીકે સેવા આપવાનું શરુ કર્યું. હવે તો હું અહીં દરરોજ આવું છું.”
આદિવાસી બાળકો માટે હોસ્ટેલ પણ શરુ કરી છે
મહેશભાઈએ અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં આદિવાસી બાળકો માટે હોસ્ટેલની શરુઆથ પણ કરી છે. આ હોસ્ટેલમાં અત્યારે 10 છોકરાઓ છે. તેમને રહેવા-જમવા-ભણવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

લેખકઃ વિદુષી પંડ્યા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી