મહેસાણાનું અનોખુ ગામ: જ્યાં જોવા મળે છે માત્ર ઘરડા માણસો

મહેસાણા જિલ્લાના એક ગામમાં કે જ્યાં ગામમાં પ્રવેશતાની સાથે જ તમને માત્ર ઘરડા લોકો જ જોવા મળશે. આ ગામમાં માત્ર વૃધ્ધો જ વસે છે. લોકો આ ગામને અનોખુ ગામ તરીકે ઓળખે છે એટલુ જ નહી આ ગામ મહેસાણા જિલ્લામાં અને રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો અને બીજા ઘણા એવોર્ડ પણ જીતી ચૂક્યુ છે.

ચાંદણકી ગામની કુલ વસતી 1200ની છે પણ ગામના 80% લોકો નોકરી અને ધંધા અર્થે બહાર રહે છે. કોઈ અમદાવાદ કોઈ સુરત તો કોઈ વિદેશમાં વસે છે. હાલ ગામમાં માત્ર 275 જેટલા લોકો જ રહે છે, જે નિવૃત જીવન પસાર કરી રહ્યાં છે. જો કે આ ગામની એકતા અને વર્ષોથી ચાલતી સમરસ પ્રથાથી આ ગામનો વિકાસ પણ થયો છે. આ ગામ 100% સાક્ષર, 100% શૌચાલય, 24 કલાક પાણી, 100% સ્વસ્થ છે. આ ગામને અલગ-અલગ એવોર્ડ પણ મેળવી ચુકયા છે. જો કે આ ગામમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો નોકરી કરે છે ગામના કેટલા લોકો કેટલો અભ્યાસ કરેલ છે ગામ કેટલા ખેડૂત છે કેટલા લોકો વિદેશ રહે છે તે બધીજ વિગત કોઈ ને પૂછવાની જરૂર નથી. ગામના પાદરે જવો તો આ બધી વિગત મળી જાય છે. ગામના પાદરમાંજ દીવાલ પર બધી જ વિગત દર્શવવામાં આવી છે.

જોકે આ ગામની એકતા અને ગામ લોકોનો સંપ એ બીજા ગામોના લોકો માટે પ્રેરણારૂપ છે. કારણ કે ગામમાં પંચાયતની ચૂંટણી સરપંચ બનવા અને સભ્ય બનવા પડાપડી કરી રહ્યા હોઈ છે ત્યારે આ ગામના લોકો હોદ્દાને એક તરફ મૂકી ગામની એકતા ખાતર ગામમાં કયારેય પંચાયતની ચૂંટણી થવા દીધી નથી. આવનારા સમયમાં પણ આ ગામના લોકો પંચાયતમાં ચૂંટીને નહીં પણ પસંદગીથી પંચાયત રચવા માંગે છે અને લોકોને એક અનોખી મિસાલ આપી રહ્યાં છે.

આ ગામના મોટા ભાગના લોકો બહાર નોકરી અને ધંધાર્થે સ્થાયી થયા છે. અને ગામની આટલી પ્રગતિ જોઇને ચાંદણકી ગામમાં રહેવા પણ માંગે છે. પરંતુ બહાર નોકરી-વ્યવસાયમાં સ્થાયી થઇ જવાને કારણે હવે પોતાના વતનમાં સ્થાયી થવું પણ મુશ્કેલ બની ગયું છે. જેથી દર શનિવાર કે રવિવારે રજાના સમયે આ વડીલોના દીકરા – દીકરીઓ પોતાના માતા-પિતાને મળવા આવી જાય છે.

સૌજન્ય: સંદેશ

ટીપ્પણી