નસીબ-નસીબની વાત છે સાહેબ! ક્લબ ફૂટથી પિડાતો મહેન્દ્ર હવે પોતાના ઇટાલિયન માતા-પિતા સાથે સુખેથી પસાર કરશે જીવન..

કોરોના વાયરસની મહામારીના કારણે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઘણા બધા લોકોના અગત્યના કામ અટકી પડેલા હતા. તો વળી ઘણા લોકો પોતાના પરિવારજનોથી વિખૂટા પડી ગયા હતા. આજે અમે તમને એક એવા ઇટાલિયન દંપત્તી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ગયા માર્ચ મહિનાથી અમદાવાદમાં રહેતા મહેન્દ્ર નામના બાળકને દત્તક લેવાની વિધિ કરી રહ્યા હતા. પણ કામ આગળ નહોતું વધતું છેવટે અમદાવાદના કમિશ્નરે હસ્તક્ષેપ કરીને દત્તક લેવાની પ્રક્રિયા પુર્ણ કરી અને બાળકને દત્તક લેનાર ઇટાલિયન માતાપિતાને હવાલે કર્યું.

આ ઇટાલિયન દંપતીએ ઘણા સમયથી આ બાળકને દત્તક લેવાનું નક્કી કરી લીધું હતું. અને તેઓ માર્ચ મહિનાથી તેની સાથે વિડિયોકોલ દ્વારા સંપર્કમાં રહ્યા કરતા હતા. અમદાવાદના મહેન્દ્ર માત્ર ગુજરાતી અને થોડું હીન્દી જાણતો હતો પણ હવે તેની સાથે આ દંપતી ઇટાલિયનમાં વાત કરવા લાગ્યુ હતું. તમને આગળ જણાવ્યું તેમ લોકડાઉનના કારણે મહેન્દ્રની એડોપ્શન પ્રોસેસમાં થોડો વિલંબ થઈ ગયો અને આ ઇટાલિયન દંપતી તેને લેવા ભારત નહોતું આવી શકતું. પણ થોડા દિવસ પહેલાં જ તેઓ મહેન્દ્રને લેવા માટે ભારત આવી પહોંચ્યા અને મહેન્દ્ર જાણે તેને ઘણા સમયથી જાણતો હોય તેમ તરત જ વળગી પડ્યો હતો. અને છેવટે મહેન્દ્ર અને આ ઇટાલિયન દંપતીની લાંબી પ્રતિક્ષા પૂર્ણ થઈ અને તેને દત્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.અમદાવાદની એક સામાજીક સંસ્થામાંથી મહેન્દ્રને દત્તક લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે મહેન્દ્ર ક્લબ ફૂટથી પીડાતો હતો. ક્લબ ફૂટ એક એવી શારીરીક ખામી છે જેમાં પગ અંદરની બાજુએ પગની ઘૂંટીએથી વળી ગયેલો હોય છે. તેને જ્યારે અમદાવાદની આ સામાજીક સંસ્થામાં લાવવામાં આવ્યો ત્યારે તે માત્ર 2.5 વર્ષનો હતો. તેનો શારીરિક વિકાસ પણ તેની ઉંમર પ્રમાણે નહોતો થયો. છેવટે સંસ્થાની મદદથી સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી અને કેટલીક તબીબી સારવારથી તેનો શારીરિક વિકાસ નિયમિત બન્યો અને આજે તે જ્યારે છ વર્ષનો થવા આવ્યો છે ત્યારે તે સરસ દોડી શકે છે, ચાલી શકે છે અને ડાન્સ પણ કરી શકે છે.

મહેન્દ્રનો જન્મ 2014માં 14મી નવેમ્બરે થયો હતો. અને હવે તેને દત્તક લેનાર માતાપિતા આલ્બર્ટો અને ડોસ્સી સિનલ્ડા તેને મુંબઈ થઈને ઇટાલી લઈ જઈ રહ્યા છે.

અમદાવાદના કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ આ કેસમાં ખાસ રસ દાખવ્યો છે અને અમદાવાદ જિલ્લા સેવાસદન ખાતે મહેન્દ્રના કાયદેસરના ઇટાલિયન માતાપિતાને તેણે દત્તક પ્રક્રિયા કરીને સોંપ્યો છે. કોરાનાની મહામારીના કારણે દુનિયાના ઘણા બધા વ્યવહારો ખોરવાઈ ગયા છે અને ઇટાલી અને ભારત પર આ મહામારીની અસર ઘણી બધી થઈ ગઈ છે. અને હવાઈ યાત્રાઓ પણ સ્થગિત કરવામાં આવી હોવાથી ઉપરાંત બાળકને દત્તક લેવાની પ્રક્રિયા પણ આ દિવસોમાં સ્થગિત કરી દેવામાં આવી હતી માટે મહેન્દ્રએ અને તેના આ નવા ઇટાલિયન માતાપિતાએ ખૂબ રાહ જોવી પડી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે નવેમ્બર મહિનાને સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટિ દ્વારા ઇન્ટરનેશન એડોપ્શન મંથ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

શું કરે છે મહેન્દ્રના ઇટાલિયન માતા-પિતા ?

તમને જણાવી દઈએ કે મહેન્દ્રને દત્તક લેનાર ઇટાલિયન પિતા એક મેટલ વર્કર છે જ્યારે તેની માતા એક પેસ્ટ્રી શેફ છે. અને તેઓ તમને આશ્ચર્ય થશે એ જાણીને કે તેઓ એક સંયુક્ત કુટુંબમાં રહે છે. તેઓ મહેન્દ્રને એક સારો માણસ બનાવવા માગે છે તેને જીવનના જરૂરી મુલ્યો શીખવવા માગે છે. અને તેઓ મહેન્દ્ર પર કંઈ પણ બનવા માટે કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં લાવે પણ તેનો ખુલ્લા મને ઉછેર કરશે. તેણીએ પોતાના વ્યવસાયને લઈને એ પણ જણાવ્યું હતું કે તેણી એક પેસ્ટ્રી શેફ છે માટે મહેન્દ્રને રોજ ચોકલેટ અને કેક ખાવા પણ મળશે.

મહેન્દ્ર નાનપણથી જ કુપોષણનો પિડિત હતો

શ્રી સંદીપ સાગલે કે જેઓ જિલ્લા કલેક્ટર છે તેમણે જણાવ્યું કે મહેન્દ્ર અઢી વર્ષનો હતો ત્યારે કુપોષણનો શિકાર બન્યો હતો અને તેનું વજન માત્ર 6 કિલોગ્રામ જ હતું. પણ અમદાવાદની સામાજિક સંસ્થાએ તેની ખુબ જ સંભાળ લીધી અને આજે તે એક સામાન્ય બાળકો જેવો જ સ્વસ્થ છે. અને આજે તેને યોગ્ય માતાપિતા દ્વારા દત્તક લેવાઈ રહ્યો છે ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ